એક ઉમ્મીદ - 6 Kamya Goplani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ઉમ્મીદ - 6

મનસ્વી આપવીતી સંભળાવતી હતી ત્યાં જ આકાશના ફોનની રિંગ વાગી ને વાતમાં ફરી ખલેલ પોહચી એના કારણે આકાશ ચીડાયો પણ મા નો ફોન હતો એટલે મનસ્વીના આગ્રહથી એને વાત કરી લેવાનું નક્કી કરી ફોન ઉપાડ્યો......

પાંચ - સાત મિનિટ ખુરશી પર બેઠા બેઠા જ વાત ચાલી....ધીમે ધીમે આકાશ ઉભો થયો રૂમમાં ફરવા લાગ્યો, બારી પાસે ગયો આ રીતે લગભગ અડધી કલાકથી આકાશ મા સાથે વાત કરી રહ્યો હતો. મનસ્વી આ બધુજ નિહાળી રહી હતી ને સાથે સાથે એને પણ મા ની યાદ આવી પણ અત્યારે કશું જ કરી શકાય એમ હતું નહીં એટલે પોતાની અવસ્થાને સંભાળી મનસ્વી રસોઈ તરફ ગઈ ત્યાં પડેલા સામાન ને તપાસ્યો તો એક પ્લાસ્ટિકની થેલીમાં ગાંઠ મારેલી હતી ને એમાં પૌઆ પડ્યા હતા. વધુ તપાસતા મનસ્વીને જાણ થઈ કે અત્યારે બપોરના ભોજન માટે આ બહુ થઈ રહેશે......એટલે પોતે રસોઈમાં પ્રવૃત થઈ. આ બાજુ આકાશની વાત પુરી થઈ એટલે એ પણ મનસ્વી જ્યાં ભોજન કરવા બેસતી એ દીવાલના ટેકે આવીને બેઠો.....

" થઈ ગઈ વાત ? " રસોઈ કરતી મનસ્વીએ આકાશ ને પૂછ્યું.

" હા..."

શાંતિથી એનું કામ કરતી મનસ્વીને આકાશ એકીટશે જોઈ રહ્યો હતો.....

" શું ? " આકાશ ની નજર ત્યાં જ અટવાયેલી છે એ બાબતની જાણ થતાં મનસ્વીએ આકાશ ને પૂછ્યું. વધુ કઈ ન કેહતા આકાશ એ નકારમાં માથું હલાવી સ્મિત સાથે કઈ નહીં નો ઈશારો કર્યો. કામ કરતા કરતા વચ્ચે સમય મળ્યો ત્યારે પલંગના ટેકે બેસી રહેલી મનસ્વીને આકાશ પોતાના વિશે અન્ય માહિતીઓ આપી રહ્યો હતો. પોતાનો પરિવાર , કામ , રહેઠાણ વગેરે કેટલી વાતો આકાશ એ મનસ્વી સાથે કરી. મનસ્વી ચૂપચાપ સાંભળી રહી હતી.

" લંચ તયાર છે...જમવું છે આકાશ ? " મનસ્વીએ અચાનક આકાશ ને અટકાવતા પૂછ્યું.

" હં... હા....રે ને હમણાં ભૂખ નથી....હા તો આપણે ક્યાં હતા....." આકાશ એ પોતાની વાત ફરી આગળ વધારી.

" તું આ બધું મને કેમ કહી રહ્યો છે આકાશ ? " મનસ્વીએ અચાનક સ્વ વિશેની વાતો એ વળગેલા આકાશ ને ટકોર કરી.

" અ... એમ જ....." આકાશ એ ઉત્તર વાળ્યો.

" આકાશ.... હજુ આપણે મળ્યા એને માત્ર ત્રણ દિવસ જ થયા છે ને તે તો હજુ મારી આખી વાત સાંભળી પણ નહીં. એટલે આકાશ એવા સ્વપ્નના બીજ ન રોપ કે જેના છોડ ઉખાડતાં તને જ દુઃખ પોહચે....કદાચ...કદાચ મારી આખી વાત સાંભળ્યા પછી હું અહી રહું એ પણ તને નહિ ગમે...." આકાશની ભાવનાઓને સમજતી મનસ્વીએ આકાશને કહ્યું.

" ના ના...એવું કેમ બોલે છે....જો પેહલા તો હું એવું કંઈ જ હમણાં તો નહીં જ વિચારતો આ તો બસ એક દોસ્તના નાતે તને કહી રહ્યો હતો. ને જો મને તારા ભૂતકાળથી એટલો ફેર પડતો હોત તો તે દિવસે એ હાલતમાં હું તને અહીંયા લાવ્યો જ ન હોત. " આકાશે સફાઈ આપી. મનસ્વી એ વધુ કહીં ન બોલતા અટહાસ્ય કર્યું. મનસ્વીને આ રીતે જોઈ આકાશ ઉભો થયો.

" ચલ ઉભી થા. " મનસ્વી તરફ જઈ આકાશે કહ્યું.

" પણ કેમ ? " મનસ્વી એ નવાઈ લાગતા કારણ પૂછ્યું.

" થા ને...." આકાશે મિત્ર સહજ દલીલ કરી.

મનસ્વી ઉભી થઇ. આકાશે એનો હાથ પકડ્યો અને પલંગ પર એક બાજુ બેસાડી એના પગ પણ પલંગ પર મૂકીને આરામથી બેસાડી. પોતે પણ એની સામે પોતાના બંને પગ વાળીને ગોઠવાયો.

" ચલ...હવે કઈ જ ચિંતા કર્યા વગર મને કહે જોઈ આગળ શું થયું હતું.....એ અંધારા ઓરડામાં તને હોશ આવ્યો પછી....? " આકાશે મનસ્વીને વાત આગળ વધારવા આગ્રહ કર્યો ને મનસ્વીએ વાત આગળ વધારી પણ ખરું.....

' અંધારા ઓરડામાં મનસ્વીને હોશ આવ્યો એટલે ત્યાં એને તૂટેલા ફૂટેલા ભંગાર સિવાય કંઈ જ ન દેખાયું....ઈન્જેકશનની અસરમાં રહેલી મનસ્વી ઓરડામાં આમતેમ ક્યાંકથી પ્રકાશ મળે એ શોધમાં હતી. ત્યાં અથડાતા અથડાતા એનાથી કોઈ બોર્ડ પર દબાવાઈ ગયું એટલે લાઈટ થઈ. પ્રકાશ થતાની સાથે જ મનસ્વીએ જોયું કે એ ઓરડામાં એક તરફ એક પલંગ હતું ને બીજી તરફ એક અલમારી હતી અને વધેલી જગ્યામાં ભંગાર ગોઠવાયો હતો. આ જોતાંની સાથે જ એને એ ખ્યાલ તો આવી ગયો કે પોતે મોટી મુશ્કેલીમાં મુકાઈ છે એટલે હવે સામનો કરવા શસ્ત્રસજ્જ થવું જ રહ્યું.....મનસ્વીએ એ ભંગાર પણ ચેક કર્યો પરંતુ ખાલી ખોખા અને કાગળો તેમજ છાપા સિવાય કંઈ હાથ ન લાગ્યું. થોડું વધુ તપાસતા જાણ થઈ કે એક ખોખાની નીચે દબાયેલી એક કાચની ખાલી દારૂની બોટલ પડી હતી. મનસ્વી મનોમન ખુશ થઈ એને એ કાચની બોટલ લઈ સાચવી લીધી એટલામાં દરવાજો ખુલવાનો અવાજ આવ્યો.....'

આકાશ મનસ્વીની વાતો એકદમ ધ્યાનથી સાંભળી રહ્યો હતો એટલે મનસ્વીની વાતોથી આકાશના ચહેરાના બદલાતા રંગ તેમજ અવાચક નજરોથી મનસ્વી પણ અજાણ ન હતી.....છતાં મનસ્વીએ હિંમત રાખી અને પીડા ભરી ગોષ્ઠિનું વર્ણન અકબંધ રાખ્યું.....

" દરવાજો ખુલતાની સાથે જ એક માણસ અંદર આવ્યો....હજુ તો હું પોતાની જાતને સંભાળું ત્યાં મારી સાથે જબરદસ્તી કરવા લાગ્યો....આકાશ..... દુષ્યંત સાથે બનેલી ઘટનાના ઘા હજુ ભરાયા ન હતા ત્યાં કોઈ બીજી વખત મને રમકડું સમજી મારી સાથે રમવા આવી ગયું હતું......પોતાની જાતને હું બચાવતી રહી....મારાથી બનતા બધા પ્રયત્નો કરી રહી હતી ત્યાંજ મારા હાથમાં મેં સાચવેલી બોટલ આવી એટલે એટલે પોતાના રક્ષણ માટે મેં એ બોટલ એ માણસના માથા પર ફોડી નાખી.....એ માણસ તો માથા પર હાથ દઈ જતો રહ્યો પણ હવે વારંવાર કદાચ પોતાને બચાવી ન પણ શકાય એટલે બીજું કોઈ આવે એ પેહલા જ મેં અંદરથી દરવાજો બંધ કરી નાખ્યો..... હવે સવાલ હતો ત્યાંથી ગેમતેમ બહાર નીકળવાનો....." આટલું બોલતા મનસ્વી ની આંસુ ભરેલી આંખો છલકાઈ અને એક ઊંડો શ્વાસ ભરી વાત આગળ વધારવા જતી હતી ત્યાં....આકાશની આંખો પણ ધીમે ધીમે પોતે એક પુરુષ હોવાના અફસોસમાં મનસ્વી સામે ઢળતી જતી હતી એટલે વાત ને સાચવવા મનસ્વી એ એક હાથે આકાશનો હાથ પકડ્યો ને એક સ્મિત સાથે એ આકાશની લાગણીઓને સ્પર્શી ગઈ......આકાશે આટલું સાંભળી જ લીધું છે તો હવે બધું પૂરું જ કરીએ એ વિચારે મનસ્વી ને વાત આગળ વધારવા કહ્યું.....

' પછી શું મનસ્વી તો લાગી ગઈ હતી બહાર નીકળવાની શોધમાં....એ ઓરડાનો એક એક ખૂણો તપાસ્યો પણ કઈ જ જડ્યું નહીં....હવે શુ ? કઈ રીતે બહાર નીકળવું ? કોઈ જ રસ્તો નહોતો મળી રહ્યો એટલે મનસ્વી હારીને જમીન પર ઢળી પડી....પોતાને આ સ્થિતિમાં સમાયેલી મનસ્વીએ જાતે જ પોતને પ્રોત્સાહન આપ્યું કે નહીં....આવી રીતે બેસી રહેવાથી એક દિવસ સાવ જ બેહાલ થવું પડશે એના કરતાં અત્યારે લડી લો.....આમ પણ તું ક્યારેય હાર નથી માનતી મનસ્વી....ઉઠ કર કંઈક કર.......પણ શું ? એ પ્રશ્ન સાથે જ અચાનક મનસ્વીને બિલાડીનો અવાજ સંભળાયો....મનસ્વી સમજી નહતી શકતી કે એક બંધ કમરામાં બિલાડી ક્યાંથી ? પોતે હમણાં જ બધુ તપાસી ચુકી હતી ત્યારે તો ક્યાંય બિલાડી ફસાય હોય એવું દેખાયું નહીં તો ? બિલાડી ક્યાંથી આવી ? જરૂર આ ઓરડામાં ક્યાંક બારી હોવી જોઈએ.....ને છે જ એ વિશ્વાસ સાથે મનસ્વી ફરી ઉઠી ને બિલાડીનો અવાજ ક્યાંથી આવે છે એ શોધવા લાગી....પેહલા તો એ દરવાજા તરફ જ ગઈ....કોણ જાણે બહારથી જ અવાજ આવતો હોય ને પોતે ખોટી ઉમ્મીદ બાંધી બેઠી હોય....પણ બહારથી કશું જ ન સંભળાયું....એટલે મનસ્વીની શંકા ને વેગ મળ્યો ધીમે ધીમે એને ધ્યાન પડ્યું કે અવાજ તો અલમારીમાંથી આવે છે....પણ અલમારી તો બંધ હતી શું અંદર બિલાડી પુરાઈ હશે ? હવે બિલાડીનો અવાજ આવતો જ બંધ થઈ ગયો હતો એટલે વધુ કઈ ન વિચારતા બસ સામાન્ય તાપસ માટે એણે જોરથી અલમારીને ધક્કો માર્યો તો.....સામે બારી જોઈને મનસ્વી ખુશ થઈ ગઈ....'

" એટલે...મતલબ મતલબ કે તું આજે પાઇપ ચડીને ઉપર પોહચી ગઈ એમજ...." જાણે મનસ્વીની આગળની વાત કળી ગયો હોય એમ આકાશ એ કહ્યુ....

" હા....એમજ બારી ખોલતા જણાયું કે હું પેહલા માળે છું એટલે પાઇપ ઉતરીને નીચે પોહચી ગઈ......."
To be continued