મિત્રો, આજે હું તમારી સમક્ષ મારો એક ભયાનક અનુભવ શૅર કરવા જઈ રહી છું જે ગયા વર્ષે મારી સાથે બનેલો. હું મારા ભાઈ બહેન તથા કઝિન્સ સાથે જન્માષ્ટમીની રજાઓ દરમિયાન મોરબી જિલ્લામાં આવેલ વાંકાનેર શહેરના નાનકડા એવા ગારીડા ગામમાં ફરવા ગયા હતા ત્યાં એક ડુંગર છે કાબરો, અતિશય રળિયામણો અને મનમોહક. અમે લોકો તે ડુંગર પર ટ્રેકિંગ કરવા માંગતા હતા. પણ ત્યાં વિચિત્ર અને ભયંકર ઘટનાઓએ અમને બધાને ડરાવી દીધાં હતાં. હું એ ઘટનાને એક વાર્તા સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કરી રહી છું. આશા કરું છું કે તમને જરૂર પસંદ પડશે.
**********
રક્ષાબંધનનો દિવસ હતો આથી ફઈ અને એમનો પરિવાર અમારા ઘરે આવ્યા હતા. બપોરનું જમવાનું પતાવીને બેઠાં હતાં ત્યાં ફઈનો દિકરો રોનક એ વાત ઉખેડી કે જન્માષ્ટમીની રજાઓમાં ક્યાંક ફરવા જઈએ.
આમ પણ રાજકોટમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય લોકમેળો ભરાય છે. દૂર ગામડેથી પણ લોકો મેળામાં ફરવા આવે છે. લોકમેળા સિવાય પણ રાજકોટમાં અન્ય મેળાઓ પણ ભરાય છે. આ સિવાય લોકો આસપાસના ધાર્મિક સ્થળો એ પણ જવા માટે નીકળી પડે છે. રાજકોટના લોકો મહેનતુ ખૂબ હોય છે પણ રજાઓ દરમિયાન ફરવા ન જાય એ બીજા! જન્માષ્ટમી દરમિયાન આઠ દિવસોની રજાને ભરપૂર માણી લે છે.
રોનકની વાત સાથે સંમત થતા મેં પણ કહી દીધું કે હા ચાલો ને જઈએ મજા આવશે. મારી નાની બહેન સુરભી એ પણ મારી વાતમાં સૂર પુરાવ્યો.
જાનવી(રોનકની બહેન)- હા બહાર ક્યાંક જઈએ. મેળામાં પછીના કોઈ દિવસે જાશું.
મેઘા (રોનકની બહેન)- હા હું પણ આવીશ. તમે લોકો પ્લાન બનાવો.
ફઈ તથા ફુવાને આરામ કરવો હતો આથી તેમણે ના પાડી દીધી. મારા મમ્મી-પપ્પા એ પણ ના પાડી દીધી કે તેમને નથી આવવું. તો અમે લોકોએ એકલા જવાનું નક્કી કર્યું. મારા ભાઈ અભિષેકને પૂછ્યું તો તેને તેની ફિયાન્સી સાથે એના મામાના ઘરે જવાનું હતું આથી તેણે પણ ના પાડી દીધી.
હવે અમે છે લોકોએ જવાનું નક્કી કર્યું, હું, મારી નાની બહેન સુરભી, મારો દસ વર્ષનો નાનો ભાઈ અનિરુદ્ધ, ફઈનો દિકરો રોનક, એની બંને બહેનો જાનવી અને મેઘા.
હવે એ નક્કી કરવાનું હતું કે જવું ક્યાં તો બધા અલગ અલગ જગ્યાના નામ બોલવા લાગ્યા. કોઈ કહે ભૂતનાથ મહાદેવ જઈએ તો કોઈ કહે ત્રિમંદિર વળી એકે તો કહ્યું કે વોટરપાર્ક જઈએ. મેં ચોખ્ખી ના પાડી દીધી કે એવાં વોટરપાર્ક નહીં બિલકુલ. તો મને જ પૂછવા લાગ્યા કે હું સજેસ્ટ કરું. મેં થોડી વાર વિચારી કહ્યું કે ગારીડા જઈએ તો.. આમ પણ મોટા કોઈ સાથે નથી આવતું તો આપણને કાબરો ડુંગર પણ ચઢવા મળશે.
મારી વાત સાંભળી બધા હરખાઈ ગયા અને ત્યાં જવાનું નક્કી કર્યું. ગારીડા મારા પપ્પાના મામાનું ગામ હોવાથી અમે બધા ત્યાં કેટલીય વાર ગયા છીએ અને બધાને ત્યાં ગમે પણ છે અને અજાણ્યું પણ નથી. તો ત્યાંનું નક્કી કરી બધા છૂટાં પડ્યાં અને તૈયારીમાં લાગી ગયા.
જન્માષ્ટમીના એક દિવસ અગાઉ રોનકનો કોલ આવ્યો કે તેના ફઈની દિકરી વંદના પણ અમારી સાથે આવવા માંગે છે. મેં તુરંત હા પાડી દીધી કે ભલે ને આવે જેમ વધુ ભેગા થાશું એમ વધું મસ્તી કરી શકીશું. રોનક હસવા લાગ્યો અને વધુ ઉમેરતા કહ્યું કે એ લોકો એનાં પપ્પાની સાત આઠ જણા આરામથી બેસી શકે એવી કાર લઈ આવશે. મેં કહ્યું ખૂબ સરસ!
બીજા દિવસે સવારે મેં અને સુરભીએ ત્યાં લઈ જવા માટે કેટલોક સૂકો નાસ્તો તથા થેપલાં ભરી લીધાં હતાં. બાકીનું રોનક અને જાનવી લઈને આવવાનાં હતાં.
નવ વાગી ગયા હતા અને કારનું હોર્ન સંભળાયું એટલે હું, સુરભી અને મારા કાકાનો દીકરો અનિરુદ્ધ બધો સામાન લઈને બહાર ગયા. જાનવી ડ્રાઈવરની સીટ પર બેઠી હતી. મેં હસીને કહ્યું, શું સ્વેગ છે ભાઈ ભાઈ! હું તેની બાજુની સીટ પર બેસી ગઈ. પાછળની લાંબી સીટ પર પહેલાંથી મેઘા અને વંદના બેઠા હતા, સુરભી ત્યાં જઈને બેસી ગઈ. અનિરુદ્ધ સૌથી પાછળ રોનક સાથે જઈને બેસી ગયો. રોનકને કાર ચલાવવી હતી પણ જાનવીની જીદ આગળ તેનું કંઈ નહીં ચાલ્યું હોય એ એના મોં પરનો અણગમો જોઈ સમજાઈ ગયું અને તેની સામે જોઈ બધા હસવા લાગ્યા.
કાર ચાલું થઈ ગઈ અને મેં જોરથી માતાજીની જય બોલાવવા માટે કહ્યું, બોલો અંબે માતની.. જ...ય બધાએ જોરથી કહ્યું. થોડી જ વારમાં કાર હાઈવે પર આવી ગઈ અને મેં મારા ફોન સાથે સ્પીકર કનેક્ટ કરી ગીતો ચાલુ કરી દીધાં. બધાં સાથે ગાઈ પણ રહ્યા હતા, કોઈ સૂર સાથે તો કોઈ સૂર વિના.. જન્માષ્ટમી હોવાથી રસ્તામાં વચ્ચે વચ્ચે કૃષ્ણ જન્મોત્સવના મંડપ દેખાઈ જતા હતા. અમે કારમાં થી જ દર્શન કરી આગળ વધી રહ્યા હતા.
એકાદ કલાક પછી અમે ગારીડા આવી પહોંચ્યા હતા. હાઇવેને અડીને જ મારા પપ્પાના મામાનું ઘર છે, એ લોકો વર્ષો પહેલાં જ રાજકોટમાં આવીને જ વસી ગયા છે આથી ત્યાં કોઈ રહેતું નથી, ખાલી માતાજીનો મઢ જ છે. ગામડામાં ચોરી થવાની બીક હોતી નથી આથી ઘર ખુલ્લું જ હતું બસ આગડીયો દીધેલો હતો એ ખોલીને અમે અંદર ગયા અને ધાવડી માતાજીના દર્શન કર્યા. થોડી જ વારમાં અનિરુદ્ધ મારા કાનમાં આવી બોલ્યો, કિરુ, મારે સુસુ કરવા જાવું છે. (મારાથી પંદર વર્ષ નાનો હોવા છતાં મને તુંકારે જ બોલાવે એ પણ ટૂંકમાં જ "કિરુ") હે ભગવાન આવતા વેંત લાગી ગઈ.. રોનકને સાથે લઈ જા. મેં જવાબ આપ્યો અને રોનક અનિરુદ્ધને લઈ હાઈવે વટાવી ત્યાં સામે જ એક નાની ટેકરી ઉપર ગયો.
હજુ દસ જ વાગ્યા હતા આથી કોઈને ભૂખ લાગી નહોતી આથી અમે ગામના તળાવે જવાનું નક્કી કર્યું. રોનક અને અનિરુદ્ધના આવતાંની સાથે જ અમે લોકો ગામના તળાવે જવા નીકળી ગયા. બહુ દુર ન હતું તો ચાલીને જ ગયા.
તળાવ બહું મોટું કહી શકાય એવું તો ન હતું પણ એકદમ સુંદર અને સ્વચ્છ હતું. અમે ત્યાં પહોંચી પહેલા તો ફોટા પાડવા લાગી ગયા. બધા વિચિત્ર પોઝ આપીને ફોટા પાડતા હતા. ઘૂંટણ સુધીના પાણીમાં જઈને પણ ફોટા પાડ્યા. હું તો પછી બહાર આવી ગઈ અને તળાવના કિનારે બેસી ગઈ અને બધાને જોવા લાગી.
બધાં પાણીમાં ખુબ જ મસ્તી કરી રહ્યા હતા ત્યાં મેઘાનો મોબાઇલ પાણીમાં પડી ગયો. બધાએ રાડો પાડી પાડીને હોબાળો મચાવી દીધો. મેઘા તો રડવા જેવી થઈ ગઈ. મેં તરત તેનો અને બાકી બધાના પણ મોબાઈલ લઈ લીધા, આ લોકોનો કોઈ ભરોસો નહીં. મેં મેઘાના મોબાઇલને ખોલીને બેટરી કાઢીને તડકામાં સૂકવવા મૂકી દીધો, ભગવાન કરે ને ચાલુ થઈ જાય મોબાઈલ. બધા ફરી પાછા મસ્તી કરવા લાગ્યા. એકાદ કલાક ત્યાં રહ્યા બાદ મેં બધાને હવે જવા માટે કહ્યું એટલે બધા બહાર આવી ગયા. બધા પૂરેપૂરા પલળી ગયા હતા. હવે ભીના કપડે જ ઘરે જવું પડે એમ હતું કારણકે સાથે બીજા કપડાં તો લીધાં ન હતાં. મેં મેઘાનો મોબાઇલ લઇ બેટરી અંદર નાખી સ્વીચ ઓન કર્યો અને ફોન ચાલુ થઈ ગયો. મેઘા ખુશ થઈ ગઈ અને પછી બધા ઘર તરફ ચાલવા લાગ્યા.
પવન હોવાથી ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં તો કપડાં સાવ સૂકાઈ ગયા હતા. બધાને કકડીને ભૂખ લાગી હતી. આથી બધો નાસ્તો કાઢી ખાવા લાગ્યા. શીતળા સાતમ માટે બનાવેલો ચેવડો, ખાખરા, સકકરપારા, મીઠી પૂરી, તીખા ગાંઠિયા, વગેરે.. બધા ખાવામાં જ લીન હતા ત્યાં જ અચાનક જોરથી વીજળીનો કડાકો થયો અને વંદના ના મોં માંથી ચીસ નીકળી ગઈ. બધાં આ સાથે જ હસવા લાગ્યા, વંદના પણ પછી હસવા લાગી. પણ બધાનાં મનમાં એક જ વિચાર દુઃખ લાવી ગયો કે જો વરસાદ ચાલુ થઈ જશે તો જે કામ માટે અમે ત્યાં આવ્યા છીએ એ કાબરો ડુંગર ચડવાનો તો રહી જ જાશે.
બધાએ જમવાનું પતાવ્યું ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. અમને લાગ્યું કે અમારે અહીંનો ધક્કો થયો. બધા મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા. કારણકે અમારે સાંજે તો રિટર્ન રાજકોટ પહોંચવાનું હતું, જો અત્યારે વરસાદ નહીં અટકે તો અમારે ડુંગર ચડવાનું રહી જાય.
જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી જ રહ્યો હતો, અટકવાનું નામ જ નહોતો લેતો. બધાં મોં લટકાવી બેઠા હતા આથી મેં બધાને ખુશ કરવા કહ્યું કે ચાલો કંઈક રમીએ પણ બધાએ મારી વાત નકારી દીધી અને ગુમસુમ થઈ બેસી રહ્યા. આથી મેં મારા પર્સમાંથી રૂમાલ કાઢીને વચ્ચે મૂક્યો અને રૂમાલ ધોકો રમવાનું કહ્યું તો મેઘા એ તરત પૂછ્યું કે એ કેવી રીતે રમવાનું તો સુરભીએ કહ્યું કે બધા ગોળ કુંડાળું કરીને મોઢું નીચું કરીને બેસી જાય અને એક વ્યક્તિ રૂમાલ લઈને એ બધાની આસપાસ ફરે અને કોઈ એકના ઉપર એ રૂમાલ નાખી દે અને ભાગે જેના ઉપર રૂમાલ નાખ્યો તે તેની પાછળ જઈને તેને પકડશે અને જો તે પકડાઈ ગયો તો એને કંઈક ટાસ્ક આપવાનો એ તેને પૂરો કરવાનો.
બધાને આ રમવાની ઈચ્છા થઈ આથી બધા રમવા બેસી ગયા. સૌથી પહેલાં મેઘા આઉટ થઈ ગઈ તો અમે તેને ડાન્સ કરવાનું કહ્યું કારણકે તે ડાન્સમાં એક્સપર્ટ છે. તો તેણે અને રોનકે ડાન્સ કર્યો. બધા ને અમે ડાન્સ કરવાનું જ કહેતા કારણકે જેને ડાન્સ ના આવડતો હોય એ હસાવવા નું કામ તો કરી જ દે.
આમ ને આમ ચાર વાગી ગયા. બધા ધીમે ધીમે રમતમાં બૉર થવા લાગ્યા હતા. છેલ્લે તો હું પણ બૉર થઈ ગઈ ત્યાં જ બહાર તડકો નીકળ્યો. અમને એ તડકો જોઈને લાગ્યું કે અમારા નસીબમાં સુખની સવાર પડી છે. બધા ફટાફટ બહાર નીકળી ગયા. મેં તરત જ પાણીની ત્રણ બોટલ ભરીને બેગમાં સાથે લઈ લીધી કારણકે મને ખબર હતી કે બધા ત્યાંથી જ સીધા ડુંગર પર ચડવા જ નીકળી જશે.
હાઈવે વટાવી અમે નાની ટેકરી પર આવ્યા. ત્યાં અતિશય દુર્ગંધ આવી રહી હતી. બધાએ નાક પર રૂમાલ અથવા હાથ રાખી દીધો. અનિરુદ્ધ મોં બગાડી પૂછવા લાગ્યો, કિરુ, આ વાસ શેની આવે છે આટલી બધી.. મેં હસીને જવાબ આપ્યો, આ બધા અહીં છી કરવા આવે એની વાસ છે ચીકુ.. (અમે અનિરુદ્ધ ને લાડમાં ક્યારેક ચીકુ કહીને સંબોધીએ). જાનવી અને મેઘા મોં બગાડી નાક પર રૂમાલ રાખીને બોલી, ઈઈઈઈયુ.. છી.. અને ત્યાંથી ભાગ્યા. અમે પણ તેમની પાછળ ભાગ્યા.
અમે બધા દોડીને ટેકરીના ખુલ્લા ભાગમાં આવી ગયા હતા. અતિશય સુંદર નજારો! ચોમાસાના લીધે ચારે બાજુ હરિયાળી. લીલુંછમ ઘાસ પવનની સાથે લહેરાઈ રહ્યું હતું અને સૌથી સુંદર હોય તો એક તરફ દેખાતો કાબરો ડુંગર. ત્યાં થી અમને જાણે કાબરો ડુંગર પોતાની તરફ આકર્ષિત કરી રહ્યો હતો. ચારે તરફ ડુંગરો જ હતાં અને તેમની વચ્ચે જાણે તે બધાનો રાજા હોય એમ કાબરો ડુંગર અડીખમ ઉભો હતો.
બધાને ત્યાં જવાની ઉતાવળ હતી પણ અહીંનું વાતાવરણ અને સૌંદર્ય એવું સરસ હતું કે ફોટા પાડ્યા વગર કેમ ચાલે! અમે બધા સેલ્ફી લેવા લાગ્યા. પાછળ કાબરો ડુંગર દેખાય એવી રીતે સેલ્ફી લીધી. પછી એકબીજાના ફોટા પાડી દીધા. સેંકડો ફોટા પાડ્યા બાદ અમે કાબરો ડુંગર પર જવા માટે તૈયાર થયા અને ત્યાં જ દુરથી મોરનો ટહુકો સંભળાયો અને અમે એ તરફ જોયું તો ત્યાં ઘણા બધા મોર હતા.
થોડી વાર મોર જોયા પછી અમે કાબરો ડુંગર તરફ ગયા. ડુંગર સુધી પહોંચતા જ પાંચ વાગી ગયા હતા. મેં એક વાર બધાને પૂછી લીધું કે હવે આપણે ડુંગર પર ના જઈએ તો, નહિંતર ઘરે પહોંચવામાં લેટ થશે. પણ બધાને કાબરો ડુંગર આકર્ષી રહ્યો હતો આથી બધાંએ ડુંગર ચડવાનું કહ્યું અને સાચું કહું તો મને પણ કાબરો ડુંગર ખુબ જ આકર્ષી રહ્યો હતો અને મારે પણ ત્યાં જઈને એની સુંદરતાને મારી પોતાની આંખે જોવી હતી આથી અમે ચઢવા લાગ્યા.
વરસાદના લીધે તેની માટી લીસી અને લપસણી બની ગઈ હતી આથી બધા એકબીજાનો હાથ પકડીને ચઢી રહ્યા હતા. અમે ડુંગરની કેડી એ ચાલી રહ્યા હતા જેથી ત્યાં આરામથી ચાલી શકાય. પણ તેમ છતાં અમુક ગાંડા બાવળના કાંટા વાગી રહ્યા હતા. મેં અનિરુદ્ધનો હાથ પકડ્યો હતો. જાનવી એ વંદના નો, સુરભી એ મેઘા નો અને રોનક એકલો જ ચાલી રહ્યો હતો. ક્યારેક તે અનિરુદ્ધનો હાથ પકડતો કારણકે અનિરુદ્ધ ગોળમટોળ હોવાથી થોડુંક ચઢીને પણ થાકી જતો હતો આથી મારે એને રીતસરનો ખેંચવો જ પડતો આથી રોનક જાડિયા અનિરુદ્ધને ચઢાવવામાં મારી હેલ્પ જ કરી રહ્યો હતો.
અડધાં કલાક પછી અમે સાવ કાબરો ડુંગરની ટોચ પર પહોંચી ગયા હતા. અમારા આશ્ચર્ય વચ્ચે ત્યાં કશું જ દેખાઈ રહ્યું ન હતું. બસ બાવળ, થોર જેવા ગાંડા છોડ હતાં જેને છોડ કહી શકાય એમ હતું જ નહીં કેમકે એમની ઊંચાઈ ઝાડ જેટલી હતી. મને લાગ્યું કે આ ક્યાં આવી ગયાં અમે! પણ હું કશું જ બોલી નહિ. ત્યાંથી નીચેનું કશું જ નહોતું દેખાતું. બધા ચારે તરફ જોઈ આવ્યા પણ ક્યાંય ખુલ્લી જગ્યા જોવા ન મળી. આથી બધા મારી પાસે આવી ગયા અને બેસી ગયા. મેં બધાને પાણી આપ્યું. બધાં બે બોટલ પાણી પી ગયા.
હવે અંધારું થવા આવ્યું હતું અને અમે અહીં હજું બેઠાં જ હતાં. મોબાઈલમાં નેટવર્ક પણ પકડાતું ન હતું. હવે મને ચિંતા થવા લાગી હતી પણ હું હસતું મોઢું રાખી રહી હતી કેમકે જો મને ચિંતિત જોશે તો બધા ડરી જવાના. આવી હાલતમાં કોઈને ફોટા પાડવાનું મન ના થયું. વંદના એ કહ્યું ચાલો હવે નીચે જઈએ.
અમે બધા ઊભા થયા. મેં પાણીની બોટલ બેગમાં પાછી મૂકી દીધી અને અમે જે રસ્તે આવ્યા હતા એ તરફ ફર્યા પણ એ રસ્તો એકદમ ઢોળાવવાળો હતો. ત્યાંથી જ પાછા જઈએ તો લપસીને પડવાની બીક હતી. આથી અમે બીજી તરફ રસ્તો શોધવા લાગ્યા. એક બાજુ કેડી દેખાતાં જ અમે તે તરફ ચાલવા લાગ્યા.
તે રસ્તો પણ લપસણો અને ચીકણો હતો એ ઓછું હોય એમ એક જ બાજુ જમીન હતી બીજી તરફ ઊંડી ખાણ. બધા હાથ પકડીને ચાલી રહ્યા હતા. પણ આ વખતે અમારે ચડવાનું ન હતું, ઊતરવાનું હતું જે ખુબ જ મુશ્કેલ હોય છે. જરા પણ સ્પીડ વધી ગઈ કે સીધા નીચે અને જો બેલેન્સ ગયું તો સીધા ખાણમાં.
અંધારું હવે પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યું હતું. અમે બધા પોતપોતાના મોબાઇલની ફ્લેશ લાઈટ ચાલુ કરી ઊતરી રહ્યા હતા. મને ડર લાગી રહ્યો હતો છતાં હું બધાને મારા પકાઉ જોક્સ સંભળાવી રહી હતી જેથી બધા ડરે નહીં. અમે જેટલા ત્યાં હતાં એમાં હું જ સૌથી મોટી હતી આથી બધાંની જવાબદારી પણ મારી જ રહેતી.
મેઘા અનિરુદ્ધ પછી સૌથી નાની એટલે એ પણ ડરી રહી હતી. સુરભી તેને સાંત્વના આપી રહી હતી પણ હું જાણતી હતી કે એ પણ અંદર થી ડરી ગઈ છે. જાનવી અને વંદના નો પણ એ જ હાલ હતો.
અમે ધીરે ધીરે બેલેન્સ જાળવી ઊતરી રહ્યા હતા ત્યાં અચાનક અનિરુદ્ધ નું બેલેન્સ ગયું અને એ ખાણ તરફ પડ્યો. બદનસીબે મેં એનો હાથ પકડ્યો હતો, જો રોનકે પકડ્યો હોત તો રોનક એને અગાઉ જ પડતાં બચાવી લેત. પણ એ વિચારવાનો સમય નહતો. અનિરુદ્ધ મારો હાથ પકડીને જ લટકી રહ્યો હતો. મેં કસકસાવીને તેનો હાથ પકડ્યો હતો અને ઉપર ખેંચવાની કોશિશ કરી રહી હતી. પણ અનિરુદ્ધ નો વજન મારાથી ક્યાંય વધુ હોવાથી હું પણ તેની પાછળ નીચે પડવા ગઈ ત્યાં જ રોનક, સુરભી, જાનવી અને વંદના એ મને પકડી લીધી, હું સરખી ઊભી રહી ગઈ અને પછી અમે બધાએ મળીને અનિરુદ્ધને ઉપર ખેંચી લીધો.
અનિરુદ્ધ હવે ખૂબ જ ડરી ગયો હતો. એ સીધો જ મને વળગી રડવા લાગ્યો. બાકીના બધા પણ રડવા લાગ્યા. મેં બધાને શાંત કર્યા અને નીચે જવા હિંમત આપી અને બચેલી એક બોટલમાંથી બધાને પાણી આપ્યું. પાણી પી બધા પાછા નીચેની તરફ ઊતરવા લાગ્યા.
હવે રોનક આગળ ચાલી રહ્યો હતો. એની પાછળ અનિરુદ્ધ, જાનવી, વંદના, મેઘા, સુરભી અને છેલ્લે હું. બધા એકબીજાનો હાથ પકડીને ચાલી રહ્યા હતા. માટી લપસણી હોવાથી એક બે વખત તો હું પડી ગઈ હતી. પણ સુરભી મને પાછી ઊભી કરી દેતી. કોણ જાણે કેમ પણ અમે એક કલાકથી ઊતરી રહ્યા હતા પણ નીચે નહોતાં પહોંચતા. હવે તો ધીરજ પણ ખૂટી રહી હતી.
"તમે લોકો આવાં અંધારામાં અહીં શું કરો છો?" મારી પાછળથી કોઈનો પડછંદ અવાજ આવ્યો. હું તો ડરી જ ગઈ. મને લાગ્યું કે મારા શ્વાસ બંધ પડી ગયા. હું પાછળ જોવા નહોતી માંગતી પણ હું એકલી ન હતી. મારી સાથે મારા ભાઈ બહેન હતાં. આથી મેં હિંમત રાખી પાછળ ફરીને જોયું, મારી સાથે બધાં પણ પાછળ ફર્યા હતા.
"તમારે લોકો એ અહીં આવવાની શી જરૂર હતી? શું તમને ખબર નથી કે આ કાબરો ડુંગર સાંજે આવેલાં ને પોતાનામાં જ સમાવી લે છે.." એક અતિશય સોહામણો યુવક મારી સામે ઊભો રહી અમને લોકોને ખખડાવી રહ્યો હતો અને ડરામણી ચેતવણી આપી રહ્યો હતો. અમે બધા તો એની વાત સાંભળીને જ ડરી ગયા.
મેં એને સવાલ કર્યો, "તમે કોણ છો અને અમને આમ શા માટે ડરાવી રહ્યા છો?" તેણે કહ્યું, "મારું નામ આદિત્ય છે અને હું અમદાવાદનો વતની છું પણ હવે અહીં જ રહું છું." અમે બધા એ પણ પોતાનો પરિચય આપ્યો અને અહીં ફસાઈ ગયા છીએ એ પણ જણાવ્યું. તેણે કહ્યું કે તે અમારી હેલ્પ કરશે નીચે ઉતરવામાં. અમે બધા તો ખુશ થઈ ગયા, ડૂબતે કો તીનખે કા સહારા જો મિલ ગયા થા..
આદિત્ય એ કહ્યું, "સૌથી પહેલાં તો તમે લોકો આ તરફ ખોટાં જઈ રહ્યા છો. અહીંથી નીચે જવાનો કોઈ રસ્તો જ નથી." આ સાંભળી રોનક બોલ્યો, "પણ આ બાજુ જ કેડી છે તો અમે આ બાજુ જ ઊતરીએ ને." મેં પણ રોનકની વાતને સમર્થન આપ્યું.
"એ જ તો ભૂલ છે તમારી.. તમે જે રસ્તે આવ્યા એ જ રસ્તે પાછા વળવાનું છે. તે જ એક રસ્તો છે નીચે ઊતરવાનો. બાકી આ કાબરો ડુંગર તો લોભામણો છે અને તે બધાને ખોટો રસ્તો જ દેખાડે છે જેથી તેની પાસે આવેલા હંમેશા તેની સાથે જ રહી જાય." આદિત્ય સપાટ અવાજે બોલ્યો. તેની વાત સાંભળીને તો વધુ ડર લાગવા માંડ્યો હતો.
બધા મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે ચાલી રહ્યા હતા. આદિત્ય પાસે મોબાઈલ નં હતો આથી હું તેની સાથે સૌથી આગળ ચાલી રહી હતી. તે એકદમ વાતોડિયો હતો. થોડી જ વારમાં તેની સાથે મિત્રતા થઈ ગઈ. તેની ભૂરી આંખો અંધારામાં પણ ચમકાઈ રહી હતી. તેની છે ફૂટથી પણ વધું હાઈટ, કસરત કરીને બનાવેલું બોડી મોબાઇલની ફ્લેશ લાઈટના અજવાળે જોઈ શકાતું હતું. તે પહેલાંથી જ ટ્રેકિંગ કરતો હશે એ એની વાતો પરથી તથા કાબરો ડુંગર પર જે રીતે ચાલી રહ્યો હતો એ પરથી સમજાઈ ગયું હતું. તેની સાથે વાત કરતા કરતા અમે અડધે રસ્તે સુધી તો આવી ગયા હતા. હવે નીચેના દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. જેવા કે, ફક્ત ઘરોની તથા હાઈવે પર જઈ રહેલા એક દોકલ વાહનો ની લાઈટ.
હું તો તેની સાથે વાત કરતા કરતા ચાલી રહી હતી અને રસ્તામાં પથ્થર આવ્યો અને હું પડવા ગઈ ત્યાં તેણે મારો હાથ પકડી લીધો અને મને પડતાં પડતાં તેના લીધી. મેં એને થેન્કસ કહ્યું પણ પાછળ બધા હસવા લાગ્યા. મને ના સમજાયું કે બધા શા માટે હસી રહ્યા છે, હું પડવાની હતી એટલાં માટે કે પછી આદિત્ય એ મને જે રીતે હાથ પકડીને પડતાં બચાવી એટલાં માટે. હું તો શરમાઈ ગઈ અને મૂંગા મોઢે ચાલવા લાગી.
દસ જ મિનિટમાં અમે નાની ટેકરીના ખુલ્લા ભાગમાં આવી પહોંચ્યા હતા. અમે બધા ખૂબ જ ખુશ થઈ ગયા અને એકબીજાને ભેટવા લાગ્યા. એકાદ મિનિટ પછી યાદ આવ્યું કે અમારે આદિત્યનો આભાર માનવાનો બાકી છે. અમે જોયું તો તે અમારી સાથે ન હતો. અમે આસપાસ બધે જોયું પણ તે ક્યાંય ના દેખાયો. અમને થયું કે તે અમારું પાગલપન જોઈ નીચે ચાલ્યો ગયો હશે. આથી અમે પણ નીચે ઊતરી મામાના ઘરે ગયા.
ત્યાં પહોંચી અમે માતાજીના મઢમાં જઈ દર્શન કરી અને હેમખેમ પરત આવી ગયા એ માટે આભાર માન્યો અને પછી રાજકોટ નીકળવાની તૈયારી કરવા લાગ્યા. બધા બહાર જઈ કારમાં બેસી ગયા હતા.
ત્યાં સામે રહેતા એક બહેન આવ્યા તો મેં તેમને જય શ્રી કૃષ્ણ કહ્યું તો તેમણે પણ મને જય શ્રી કૃષ્ણ કહ્યું અને ઉમેર્યું કે ઘરે જઈ રહ્યા છો પાછાં. મેં કહ્યું કે હા હવે ઘરે જઈએ છીએ, કાબરો ડુંગર પર ગયા આથી મોડું થઈ ગયું. તેમણે કહ્યું કે અત્યારે રાત્રે તમે કાબરે ગયા હતાં, અને તમે લોકો પાછાં હેમખેમ પણ આવી ગયા. ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે તમને લોકોને કાંઇ ના થયું.. તેઓ હજુ આશ્ચર્યચકિત હતાં.
મેં કહ્યું, હા એ આદિત્ય પણ આવું જ કહેતો હતો કે આ કાબરો ડુંગર પોતાનામાં સમાવી લે છે. માસી, એ આદિત્ય ક્યાં રહે છે અમારે એનો આભાર માનવાનો બાકી છે.
માસીનું મોઢું તો ખુલ્લું જ રહી ગયું. તેઓ નીચે બેસી ગયા, મેં તેમને પાણી આપ્યું. મને એમ થયું કે તેઓ થાકી ગયા હશે. પણ માસી રડમસ અવાજે બોલ્યા, "અમદાવાદથી આવેલો આદિત્ય કાબરો ડુંગર ચઢવા આવ્યો હતો. તે એટલો બધો ડુંગરથી અંજાઈ ગયો હતો કે તે રાત પડી ગઈ તો ય નીચે આવવાનું નામ નતો લેતો. આમ પણ કાબરો આકર્ષે છે અને એનું વધુ પડતું જોવાની લાલચ આવી જાય તો કાબરો તેને પોતાના પાસે જ રોકી લે છે. તે પાછળની તરફથી ઊતરી રહ્યો હતો અને લપસીને ખાણમાં પડી ગયો અને મૃત્યુ પામ્યો અને કાબરા એ એને પોતાનામાં જ સમાવી લીધો." મારા મનમાં ધ્રાસકો પડ્યો અને હું ત્યાં જ બેસી ગઈ, મારી આંખોમાં આંસું આવી ગયા. હવે મને સમજાયું કે આદિત્ય કેમ એવું કહી રહ્યો હતો કે કાબરો ડુંગર પોતાનામાં સમાવી લે છે..
"કિરણ, તારે ઘરે આવવાનું છે કે અહીં જ રોકાઈ જવું છે?" બહારથી રોનકનો અવાજ આવ્યો એટલે માસી ઊભાં થઇ ગયાં અને અમે બંને બહાર નીકળી ગયા. મેં દરવાજાને આગડીયો મારી દીધો અને કારમાં બેસી ગઈ. આ વખતે રોનક ડ્રાઇવરની સીટ પર બેઠો હતો. તેણે સ્પીડ માં કાર ભગાવી મૂકી. બધાએ નક્કી કર્યું કે આજની ઘટના વિશે કોઈ પોતાના ઘરે વાત નહીં કરે. પણ મારાં મનમાં બસ આદિત્યના જ વિચાર આવતા હતા અને એ પણ સમજાતું હતું કે કેમ મારા પપ્પા અમને કાબરો ડુંગર ચઢવા નહોતાં દેતા ક્યારેય.
મેં બધાથી એ વાત છૂપાવી કે અમારી મદદ કરવા આવેલ વ્યક્તિ આદિત્ય નહીં પણ તેની આત્મા હતી.
***********
સમાપ્ત
તમને લોકોને મારી આ વાર્તા કેવી લાગી એ જણાવવા વિનંતી..