શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૫ Herat Virendra Udavat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો - ૧૫

શેડ્સ ઓફ પિડિયા- લાગણીઓનો દરિયો
પ્રકરણ ૧૫- "કરવટ બદલે લાશ..!! "


આમ તો દિવાળી પ્રકાશ નો તહેવાર કહેવાય પણ હોસ્પિટલમાં કઈ રાત અમાસની બની જાય તે કહેવું અશક્ય છે.
દિવાળીને ગણતરીના દિવસો બાકી હતા, ડેન્ગ્યુ ની સિઝન તેના અંતિમ તબક્કામાં હતી.
પી.આઈ.સી.યુ. આખુ ફૂલ હતુ.
૩ પેશન્ટ વેન્ટિલેટર પર હતા, અને વૉર્ડમાં અમારું પેશન્ટ અચાનક ખરાબ થયું.
પી.આઈ.સી.યુ મા દોડાદોડ ચાલુ હતી, ઓલમોસ્ટ બધા જ ડૉક્ટર ત્યાં હતા.
અમારું પેશન્ટ જે ચોથું વેન્ટિલેટર ખાલી હતું તેના પર મૂકવામાં આવ્યું પણ હાલત વધારે ખરાબ હોવાના લીધે તે એક્સપાયર થઈ ગયું.
એક્સપાયરી ડિક્લેર કરીને અમે હજી હમણાં જ આવ્યા હતા તેટલામાં બીજા યુનીટનુ બીજુ એક પેશન્ટ તે જ વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું.
અમે અમારી એક્સપાયરીની પ્રોસેસ પૂરી કરી રહ્યા હતા, બીજા ડૉક્ટર નવા પેશન્ટની ટ્રીટમેન્ટ કરી રહ્યા હતા, એટલામાં અચાનક એક ૧૩ વર્ષની છોકરી જે ઓલરેડી વેન્ટિલેટર પર હતી તે કોલેપ્સ થઈ ગઈ.
સી.પી.આર. આપવામાં આવ્યા, જીવ બચાવવાના પૂરતા પ્રયાસ કરવામાં આવ્યા, પણ તે એક્સપાયર થઈ ગઈ.
અડધા કલાકમાં ૨ એક્સપાયરી, ચારેતરફ આક્રંદ જ આક્રંદ..
પેશન્ટ એડમિટ થયુ ત્યારથી જ તેની હાલત ખરાબ હતી, સગાને ઓલરેડી સમજાવવામાં આવેલું કે બાળકની બચવાની શક્યતાઓ નહીવત છે.
અમુક બિમારીઓમાં મેડીસિન કોઈ મિરેકલ નથી કરી શક્તી. દરરોજ પેશન્ટની હાલત વિશે તેના પેરેન્ટ્સને સમજાવવામાં આવેલું, ત્યાં સુધ્ધાં કીધેલું કે એક વાર બાળક આ શ્વાસ આપવાના મશીન પર ચડે પછી તેમાથી પાછુ આવવાનો ચાન્સ ૧℅ થી પણ ઓછો હોય છે.
એક્સપાયરી ડિક્લેર કરવાનો સમય આવ્યો,
ઘણા ભારે હ્રદયે તેના પેરેન્ટ્સને કહેવામાં આવ્યું કે તેમની ૧૩ વર્ષની છોકરી હવે આ દુનિયામાં નથી.
હજી આ વાતને ૧૦ જ મિનિટ થઈ હતી, અમે અમારા વૉર્ડમાં જ બેઠા હતા અને બહાર થતો કોલાહલ કાનમાં અથડાયો,
સર્વન્ટ તરત કહેવા આવ્યા, "પી.આઈ.સી.યુ." મા બબાલ થઈ છે.
આ ટ્વિસ્ટ ઘણો અઘરો હતો.
છોકરી એક્સપાયર થઈ ત્યારે તેની જોડે ૩ લોકો હતા, છોકરીના મમ્મી પપ્પા અને તેના દાદી.
અને અત્યારે ફક્ત ૧૫ મિનિટમાં ૩૫ થી ૪૦ લોકોનુ ટોળું અમારી સામે કોલાહલ મચાવી રહ્યું હતું.
૪૦ માથી ૩૭ લોકો અજાણ્યા હતા જે આજે પહેલીવાર હોસ્પિટલમાં આવ્યા હતા, જે ૩ લોકોને બાળકની હાલત વિશે જાણ હતી તેમને જાણી જોઇને ટોળા એ પાછળ રાખ્યા હતા.
હવે આ ૩૭ લોકોએ તેમની વાહિયાત વેધક પ્રશ્નોત્તરી શરૂ કરી,
"છોકરી મરી શાને ગઈ? "
"છોકરીની બિમારી વિશે હાલ ને હાલ વિગતવાર જાણકારી આપો. "
"તમને ટ્રિટમેન્ટ કરતા ના આવડતું હોય તો બાળકને મારવાનું બંધ કરો. "
"મરણનું કારણ સાચે સાચું અમને કહો કે કઈ ભૂલને લીધે છોકરી મરી ગઈ. "
વારંવાર બિમારીની ગંભીરતા વિશે જાણ કર્યા હોવા છતાં પણ ફકત ખોટા આક્ષેપો કરવામાં આવ્યા.
તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા બબાલ મોટી કરવાના અને ડૉક્ટરોને બદનામ કરવાના.
પૂરતી પ્લાનિંગ સાથે ટોળું આવેલું.
દુઃખ અને ગુસ્સો બંને હતા, પણ જો અમે ઉશ્કેરાઇ જતા તો ટોળું બીજા નિર્દોષ બાળકોની સારવારમાં ખલેલ ઉભી કરત, એટલે સાચા હોવા છતાં શાંત રહેવું જરૂરી હતું.
એ ટોળામાં ઉભેલા અમુક નિર્લજ્જ નફ્ફટ લોકો આ તમાશાની મજા લેતા મોટે મોટેથી હસી રહ્યા હતા.
એમને ગમતો રિસ્પોન્સ ના મળતા ટોળું સાવ હલકી કક્ષા પર ઉતરી આવ્યું અને સહન ના થાય તેવી ગાળો બોલવા લાગ્યું.
તો પણ અમે શાંત રહ્યા, અંતમાં ૪૦ મિનિટ સુધી અમને ઉશ્કેરવા કરેલા તેમના તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા અને વિલા મોઢે ટોળું વૉર્ડની બહાર નીકળ્યું.
સૌથી આઘાતજનક વાત એ હતી કે ૪૦ મિનિટ સુધી એ છોકરીની ડેડ બોડી પાસે આ ૪૦ લોકોમાંથી કોઇ એકને પણ જવાનો સમય ના મળ્યો, ટોળું તો દૂરની વાત છે, તેના સગા માં બાપ પણ આ તમાશો જોઈ રહ્યા તેમણે પણ જવાની તસ્દી ના લીધી.
વૉર્ડની બારીઓ પર હાથ પછાડતા, ગંદી ગાળો બોલતા, મોટે મોટેથી હસતા ટોળાના અમુક લોકો બહાર નીકળ્યા,
આ એ જ લોકો છે, જેમને એક દિવસ સૂવા ના મલે તો તેમની જિંદગી બેહાલ થઈ જાય, અમે આવા અનેક લોકોના બાળકોની સારવાર માટે ૨૪ કલાક ઉજાગરા વેઠીને અઠવાડિયાના કેટલાય દિવસો જાગતા હોઈએ છીએ.
ઘણા બુદ્ધિજીવીઓ એવું કહેશે કે,
"આ તો તમારું કામ છે, તમારે કરવું પડે. "
તો આ તમામ લોકોને અમારા પ્રોફેશન પર ગાળ બોલવાનો કે આંગળી ચીંધવાનો કોઈ જ હક નથી.
૧૩ વર્ષની છોકરીની ડેડ બોડી જ્યારે તેઓ લઈ જતા હતા ત્યારે દિલમાં ઉઠેલી ટીસ સાથે એક અવાજ આવ્યો,
"એ લાશમાં ફસાયેલો જીવ વારંવાર કરવટ બદલતો હશે, વારંવાર રૂંધાતો હશે, પોતાના સ્નેહીજનોનો આવો વિક્રુત ચહેરો જોઇને,
કદાચ ઈશ્વર જીવને શાંતિ આપે છે,
માણસ જ જીવને શાંતિ નથી આપી શક્તો...!! "

ડૉ. હેરત ઉદાવત.