ફિલ્મ : આમાં પણ આદર્શ જેવું કંઈ હોય?
ઈરાનના ફિલ્મ ડાયરેક્ટર અને એક્ટર માજીદ મજીદીને 'ધ ફાધર', 'ધ કલર ઓફ પેરેડાઈઝ' અને 'ચિલ્ડ્રન ઓફ હેવન' જેવી સુંદર (અને આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી) ઈરાની ફિલ્મો આપ્યા બાદ થયું કે બૉલીવુડમાં કામ કરીએ (હિન્દી કે અંગ્રેજી ન આવડતું હોવા છતાં). એમણે ભારતમાં આવીને (ઇન્ટરપ્રિટર સાથે રાખીને) 'બિયોન્ડ ધ કલાઉડ્સ' નામની એક ફિલ્મ બનાવી, જેમાં મ્યુઝિક એ. આર. રહેમાનનું હતું અને જેની ઓરીજીનલ સ્ક્રીપ્ટનું હિન્દી રૂપાંતર વિશાલ ભારદ્વાજે કરેલું. પણ ફિલ્મ ચાલી નહિ. કેમ? ફિલ્મમાં એક્ટર્સ હતા, કોઈ 'સ્ટાર' નહોતાં!
1. આ ફિલ્મ બની રહી હતી ત્યારે દીપિકા એક સુપરસ્ટાર બની ગઈ હતી. (ને એ વખતે તો એ JNU જેવા કોઈ વિવાદમાં પણ નહોતી ફસાઈ!) દીપિકાને ખબર પડી કે મજીદીસાહેબ મુંબઈ આવ્યા છે અને ફિલ્મ બનાવવાના છે. 'હું સુપરસ્ટાર છું અને મોટા ગજાના ફિલ્મમેકર્સ મને એમની ફિલ્મમાં સાઈન કરવા માટે રાહ જોઈ રહ્યા છે' એ ભૂલીને દીપિકાએ માજીદસાહેબનો સંપર્ક સાધ્યો અને કહ્યું- "મારે તમારી ફિલ્મમાં કામ કરવું છે."
"કાલે આવી જાઓ, સ્ક્રીન-ટેસ્ટ માટે."
હવે દીપિકા પાદુકોણનો પણ સ્ક્રીન-ટેસ્ટ લેવાનો હોય? ખેર, દીપિકાબેન આવ્યા. માજીદસાહેબ ટુકડી લઈને આવ્યા મુંબઈના ધોબીઘાટ પર. દીપિકાને સીન સમજાવીને ટ્રાયલ શૂટિંગ કર્યું. માજીદ મજીદીએ દીપિકાને કહ્યું- "સોરી મેડમ, હું તમને ફિલ્મમાં નહિ લઈ શકું."
"કેમ?"
"દોષ તમારો નથી. તમને જોવા લોકો ટોળે વળી જાય છે. ધોબીઘાટ જેવો છે એવો જ રહેવો જોઈએ. નેચરલ."
"એક રસ્તો છે." દીપિકાએ કહ્યું- "ભવ્ય મહેલ ઉભા કરી આપે એવા સ્ટુડિયો બૉલીવુડમાં છે. ધોબીઘાટનો સેટ બનાવડાવી દઈએ અને ધોબી લાગે એવા એક્ટર્સ..."
"સોરી મેમ, યુ આર રિજેક્ટેડ... બિકોઝ ઓફ યોર પોપ્યુલારિટી."
અમુક લોકોએ કહ્યું- સાહેબ, દીપિકા ફિલ્મમાં આવતી હોય તો આવી બાંધછોડ કરી લેવાય. આ તો નસીબ ગણાય તમારું કે એ સામે ચાલીને આવી."
મજીદીનો જવાબ હતો- "મારું કામ વાસ્તવિકતાને દર્શકો સમક્ષ રજૂ કરવાનું છે, નહીં કે દીપિકાને."
અજાણી એક્ટ્રેસ માલવિકા અને કદી સ્ક્રીન પર ન આવેલો ઈશાન લીડ રોલમાં હતા એટલે લોકોએ ફિલ્મ જોઈ જ નહીં. આપણું કામ દીપિકા જેવા સ્ટાર્સને જોવાનું છે, નહીં કે વાસ્તવિકતાને!
(જોકે, હું તો મક્કમપણે માનું છું કે માલવિકાએ જેવી એક્ટિંગ કરી છે એવી એક્ટિંગ દીપિકા ન જ કરી શકી હોત.)
2. ઈશાને મજીદીની સલાહ લેવા માટે કહેલું - "સર, મારે બહુ સારા એક્ટર બનવું છે. મારે શું કરવું જોઈએ?" અને એમણે જવાબ આપેલો- "સારા એક્ટર બનવું એ કોઈ લક્ષ્ય નથી, બેટા. સારા માણસ બનવાનું લક્ષ્ય રાખ."
3. એક પત્રકારે મજીદીને પૂછેલું - "આ કલાકારો કયું વાક્ય કઈ રીતે બોલ છે અને કયા શબ્દ પર ભાર આપે છે એ તમને કઈ ખબર પડતી હતી? તમે એમને સીન કાઈ રીતે સમજાવતા હતા?"
મજીદીએ જવાબ આપેલો- "ફિલ્મમાં ભાવ વ્યક્ત થવો જોઈએ, દરેક સીનમાં સચ્ચાઈ વ્યક્ત થવી જોઈએ. એના માટે ભાષા સમજવી બહુ જરૂરી નથી. હા, શરૂઆતમાં અમને તકલીફ પડતી હતી. થોડો સમય સાથે રહ્યા પછી અમે ઇન્ટરપ્રિટર વગર પણ કામ કરી લેતા હતા."
4. એક પત્રકારે વિકસતી જતી ફિલ્મ-ટેકનોલોજી વિશે પૂછ્યું ત્યારે માજીદ મજીદીએ કહ્યું- "ટેક્નોલોજી સારી વસ્તુ છે, પણ એનાથી માણસની કલા બુઠ્ઠી થઈ જાય છે. પહેલા રોલવાળા કેમેરા આવતા ત્યારે માણસને ખબર હતી કે 32 ફોટા જ પડશે. એ વખતે વ્યક્તિ એક ફોટો લેતા પહેલા ઘણું વિચારતો, ઘણું ફરતો અને શ્રેષ્ઠ ફોટા પડી લાવતો. આજે તો શહેરના રેસ્ટોરન્ટમાં જઈને પણ લોકો હજાર ફોટા પાડી લાવે છે!"
5. ફિલ્મમાં છોટુ નામનું એક બાળક દેખાડ્યું છે, જે ત્રણ કે ચાર વર્ષનું છે. એની પાસે મજીદીસાહેબે એક્ટિંગ કરાવી છે. છોટુ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું-
"આપણે ફિલ્મને અભિનય અને કૃત્રિમતા સાથે જોડી દઈએ છીએ. હું માનું છું કે ડાયરેક્ટર તરીકેનું મારું કામ સહજતાને કેમેરામાં કેદ કરવાનું છે. ચાર વર્ષનું બાળક મને જેવા એક્સપ્રેશન્સ આપશે એવા એક્સપ્રેશન્સ તો માર્લોન બ્રાન્ડો કે અલ-પચીનો પણ નહીં આપી શકે!"
બૉલીવુડને જરૂર છે આવા દિગ્દર્શકોની. હમણાં એમણે એક ઈરાની ફિલ્મ રિલીઝ કરી છે. હું તો આશા રાખું અને તેઓ ભારતમાં વધારે કામ કરે અને બૉલીવુડ એમનામાંથી કંઈક શીખે.