રજા + મિસ્ડ કોલ્સ Vandan Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રજા + મિસ્ડ કોલ્સ

રજા


-વંદન રાવલ ‘નિમિત્ત’
(૨/૯/’૧૭)


‘અતિ ભારે વરસાદને કારણે અમદાવાદની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ.’
“મમ્મી, આજે રજા!” આ જ સમાચારની રાહ જોતો ટી.વી. સામે બેઠેલો નિલય બોલ્યો.
“તું કપડાં બદલી નાંખ અને ઘરની બહાર ન નીકળતો.” રસોડામાંથી આદેશ આવ્યો.
નિલય હજી ચોથા ધોરણમાં હતો એટલે મમ્મીનું કહ્યું માનતો. ટી.વી. બંધ કરીને તેણે કબાટમાંથી એક જોડી કપડાં કાઢ્યાં ત્યાં જ મમ્મી આવી- “બેટા, એ નથી પહેરવાના, હું આપું છું.”
મમ્મી કપડાં શોધતી હતી ત્યારે નિલય બારી બહાર જોઈ રહ્યો હતો. મમ્મીએ તેને બોલાવ્યો. તે મમ્મી પાસે ગયો. મમ્મીએ કપડાં પહેરાવવાનાં શરૂ કર્યા ત્યારે નિલયે પૂછ્યું- “મમ્મી, વરસાદ વધારે પડે તો રજા કેમ આપી દે?”
“તમે વરસાદમાં પલળીને બીમાર ન પડો કે વધુ વરસાદને લીધે શાળાએ જતાં-આવતાં ક્યાંક ફસાઈ ન જાઓ એટલે.” મમ્મીએ ફટાફટ જવાબ આપી દીધો.
“તો આ ભાઈને રજા કેમ નથી મળતી?”
નિલયે બારી તરફ આંગળી ચીંધી. મમ્મી બારી પાસે ગઈ. નિલય જેવડો જ એક છોકરો ધોધમાર ઝીંકાતા વરસાદમાં હેલમેટ સર્કલ પર રેડ સિગ્નલને કારણે ઊભેલાં વાહનોના કાચ સાફ કરતો હતો અને પછી બંધ કાચ પર ટકોરા મારીને હાથ ધરતો હતો. તેણે માથે પોલીથીન બૅગ પહેરી હતી. તે આખોય લતરબતર થઈ ગયો ગયો. કાચ ખોલીને બે રૂપિયાનું ‘મહાદાન’ કરવા જતાં વરસાદના પંદર-વીસ ટીંપાં પોતાની ‘અમૂલ્ય’ કારમાં ઘૂસી ન જાય એ માટે એ ‘અમીર’ લોકો આ ‘નકામા’ બાળકને અવગણતા હતા. અમુક ‘બુદ્ધિશાળી’ લોકોને એમ થતું કે, ‘આ વરસાદમાં ક્યાં કાચ સાફ કરવાની જરૂર છે!’ એ વાહનોને ગ્રીન સિગ્નલ મળતાં જ એ છોકરો દોડીને દૂર ખસી જતો.
“બેટા, આપણે એને રજા અપાવીએ.” મમ્મીના અવાજને જાણે વરસાદ ભીંજવી ગયો હતો- “એને આજે આપણા ઘરે જમાડીએ. હું એને બોલાવી આવું.”
“એ ભાઈની રજાની જાહેરાત ટી.વી.માં કેમ નથી થતી?” નિલયે નિર્દોષ ભાવે પ્રશ્ન કર્યો.
“કેમકે આપણે માનવતામાંથી રજા લઈ ચૂક્યાં છીએ, બેટા.”
“એ રજાઓ ક્યારે પૂરી થવાની છે?” ફરી નિર્દોષ પ્રશ્ન....
મમ્મી પાસે આ પ્રશ્નનો કોઈ જવાબ નહોતો.....




મિસ્ડ કોલ્સ


-વંદન રાવલ



એ રાત અમારા માટે દીવાળી કરતાં પણ ભવ્ય હતી. અમારા ગામના સૌથી અમીર પરિવારના દીકરાના લગ્નની આગલી રાત હતી એ. એમના ઘરે ડીજે ગરબાનું ભવ્ય આયોજન હતું. જાન્યુઆરીની ઠંડી રાતમાં રાક્ષસી સ્પીકરો આખુંય ગામ ગજવતા હતા. એ શેઠના વિશાળ આંગળામાં બંધાયેલો અત્યંત સુશોભિત મંડપ, જમીન પર પથરાયેલો લાગ ગાલીચો અને થાંભલે થાંભલે લગાવાયેલી રંગબેરંગી લાઈટના બદલાતાં રહેતાં પ્રકાશ અમને કોઈ નવી જ દુનિયામાં આવી ગયાનો ભાસ કરાવતાં હતા.
કાનના પડદા ફાડી નાંખે તેવું ‘સંગીત’ રેલાતું નહોતું, ત્સુનામીની જેમ ધસમતુ હતું. અતિ જાજરમાન વસ્ત્રોમાં સજ્જ થયેલાં અમીર પરિવારજનો એકદમ તાનમાં આવીને નાચતા હતા. આ યાદગાર રાત નિહાળનાર ગરીબ હું એકલો નહોતો, આખુંય ગામ ઉમટી પડ્યું હતું. આ એવો પહેલો બનાવ હતો કે આખુંય ગામ ભેગું થયું હોવા છતાં કોઈ એકબીજા સાથે વાતો નહોતું કરતું - સ્ત્રીઓ પણ નહિ! તમારી સૌથી નજીક ઊભેલા વ્યક્તિને સામાન્ય અમથી વાત કહેવા માટે પણ તમારે રીતસર બૂમો પાડવી પડે એવી પરિસ્થિતિમાં સંબંધની કે સભ્યતાની કોઈને ચિંતા હોય ખરી! ત્યાં તો માણસ પોતાના ભાગનું સુખ સાચવવામાં જ પડ્યો હોય છે.

અમે એ બધું જોઈને અંજાઈ ગયા હતા. અમે કલ્પના પણ ન કરી હોય એવી એવી ફેશનના કપડાં પહેરીને એ લોકો ઝૂમતાં હતાં અને કંઈ કેટલાંય વર્ષોથી દર ત્રીજા દિવસે પહેરાતાં મારા કપડાં પર મને શરમ આવતી હતી.

અચાનક ભાન આવતાં મેં મારો મોબાઈલ કાઢ્યો અને સમય જોયો. મમ્મીના ઓગણીસ મિસ્ડ કોલ્સ જોઈને હું ઘર તરફ દોડ્યો. મારી ઘરડી મા બીમાર હતી. એને સૂવડાવીને હું અહીં આવ્યો હતો. એને કઈ જાતની બીમારી છે એ મને નથી સમજાતું. એને અચાનક માથામાં દુઃખાવો થવા લાગે છે - અસહ્ય દુઃખાવો. એનું શરીર એટલું નબળું પડી ગયું છે કે એ જાતે ચાલી નથી શકતી. ડોક્ટરે કહી રાખ્યું છે કે દુઃખાવો ઉપડે ત્યારે આ પડીકામાંથી બે ગોળીઓ આપી દેવાની.

શક્ય તેટલી ઝડપથી હું ઘરે પહોંચ્યો. અંદર આવ્યો. લાઈટ કરી. ખાટલામાં નહિ, પેલા ખૂણામાં મૂકાયેલા માટલા પાસે મા પડેલી છે… એના એક હાથમાં પ્યાલો છે, જેમાનું પાણી ઢોળાઈ ગયેલું છે... બીજા હાથમાં મોબાઈલ છે…

હું દોડતો તેની પાસે પહોંચી ગયો…
“મા…” એને ઢંઢોળી… એ ન જાગી… મગજમાં ઉપડેલા અસહ્ય દુઃખાવાએ એનો જીવ હણી લીધો હતો.

એ મને બોલાવતી હતી પણ હું બહેરો બનીને, આંધળો બનીને, મારી માને ભૂલીને એ શણગાર, એ ભવ્યતા જોવામાં જ…

આપણી મા - આપણી માનવીય સંસ્કૃતિ આપણને બોલાવી રહી છે પણ આપણે મૃગજળ જેવી કોઈ વસ્તુની પાછળ આંધળી દોટ મૂકી છે અને એટલે જ… આપણી સંસ્કૃતિના કોલ્સ ‘મિસ્ડ કોલ્સ’ બની રહ્યા છે…