અત્યારે જોવા જઈએ તો શિક્ષણ ખૂબ જ મહત્વનું થઈ ગયું છે અને જરૂરી પણ છે. દરેક માતાપિતા પોતાના બાળકને સારું શિક્ષણ મળે તે જ ઈચ્છતા હોય છે અને તે માટે જેટલું બને એ બધું પોતે કરતા હોય છે.
પણ મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી??
ના એવું નથી, શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી નથી એક ઉમદા અને સારા માણસ બનવું પણ છે. માત્ર પેપરમાં સારા માર્ક્સ લાવવાના નથી, જીવનની પરીક્ષામા પાસ થવું પણ છે.
કેટલીક વાર માતાપિતા પણ બાળકોને શિક્ષણ પ્રત્યે એટલો ભાર આપે છે કે, બાળકનું બાળપણ જ ક્યાંક ખોવાઈ જાય છે. માતાપિતા બાળક પાસેથી મોટી મોટી આશાઓ રાખે છે કે, મારું બાળક તો મોટુ થઈ ડોક્ટર બને, એન્જીનીયર બને એવું ઘણુબધું .
તો શું આ બધી આશાઓ રાખવી ખોટી છે ??
ના, બાળક પાસેથી આશાઓ રાખવી ખોટી નથી પણ એ આશાઓથી બાળકનું શૈશવ ન ખોરવાઈ જાય તે ધ્યાન રાખવું જરૂરી છે.
બાળકને ભણતર સાથે ગણતરની પણ જરૂર છે. જ્ઞાન સાથે ગમ્મતની પણ જરૂર છે. માર સાથે પ્રેમની પણ જરૂર છે . માત્ર માનસિક વિકાસની જ નહી શારીરિક વિકાસની પણ જરૂર છે.
ભણતર માટે તેનુ બાણપણ છીનવી લેવું શું એ સાચું છે??
એક નાનકડી વાર્તા આ સંદર્ભે અહી હું રજુ કરવા માંગુ છું.
બે મિત્રો હતાં . આકાશ અને રવી. આકાશ ભણવામા ખૂબ જ હોશિયાર જ્યારે રવિ ને ભણવું ઓછું ગમે. બંનેના પરિવાર પણ અલગ અલગ વિચારોવાળા.
આકાશના પપ્પા રમેશભાઈએ નાનપણથી જ આકાશના ભણતર પર ખૂબ જ ધ્યાન આપ્યું, રમવા ન દે કે કોઈ બીજી પ્રવૃત્તિઓ પણ નહી માત્ર ભણવું. રમેશભાઈ માનતા હતા કે અત્યારે ખૂબ જ ભણશે તો આગળ કંઈક થશે. કેટલીક વાર રમેશભાઈની પત્ની શાંતિબેન તેમના પતિ ને કહેતી કે નાનો છે આટલો ભણવાનો ભાર કેમ મૂકો છો, તે ગુસ્સે થઈને કહેતા તને ખબર નથી કે ભણવું ખૂબ જરૂરી છે એમ કહીને શાંતિબેનને ચૂપ કરાઈ દેતાં.
બીજીબાજુ હતો રવી . તેના પિતા મુકેશભાઈ હંમેશા તેને સમજાવતા કે બેટા! ભણવું એટલે માત્ર ડિગ્રી મેળવવી નથી . તું એક સારો માણસ બને એ જ અમારું સ્વપ્ન છે. રવી ઘરે તેના મમ્મી કોકિલાબેન ને પણ મદદ કરતો. તે સ્વભાવે ખૂબ જ સારો હતો.
સમય જતાં બંને મોટા થયા . બંને એ ધોરણ 10 ની પરીક્ષા આપી. આકાશને 95% આવ્યા અને રવીને 70%. આકાશે સાયન્સમાં એડમિશન લીધું અને રવીએ કોમસૅ.
રવીના ઓછા ટકા આવ્યા છતાં તેના માતાપિતા ખુશ હતા.
સમય જતાં રવીની બેંકમાં સારી નોકરી લાગી ગઈ અને તે તેના પરિવાર સાથે ખુશીથી રહેવા લાગ્યો. તે તેના માતાપિતાની દિલથી સેવા કરતો.
બીજીબાજુ આકાશ પણ મોટો ડોક્ટર બની ગયો હતો પણ હવે તે તેના માતાપિતા સાથે નહતો રહેતો. કેનેડામાં રહેતો હતો. આકાશ પાસે બધું જ હતું માત્ર માતા પિતા માટે સમય ન હતો.
આકાશ પાસે ડિગ્રી તો ઘણી આવી અને મોટી મોટી પણ શું એ એક સારો માણસ બની શક્યો??
કેટલીક વાર માતાપિતા પણ બાળકોને ભણવા પ્રત્યે એટલું ધકેલે છે કે તેને સારો માણસ કેવી રીતે બનવું એ જ નથી સમજાવી શકતા.
માતાપિતાને ઘડપણમાં પૈસાની ભુખ નથી હોતી તેમને તો તમારો સાથ જોઈતો હોય છે તો એમને તે આપો.
માતાપિતા પણ બાળકોને માત્ર ચોપડીયું જ્ઞાન ન આપતાં એક સારો માણસ બનાવો.
બાળકો પણ માતાપિતાને સમય આપો પૈસા નહી, પ્રેમ આપો ઉપકાર નહી. સાથ આપો તિરસ્કાર નહી.
છેલ્લે એટલુંજ કહીશ કે શિક્ષણ એટલે માત્ર ડિગ્રી મેળવવી નથી, સારા અને ઉમદા માણસ બનવું પણ છે. માતાપિતા બાળકને સમજે અને બાળક માતાપિતાને સંભાળે એ જ સાચું શિક્ષણ છે.
આભાર.
_Dhanvanti jumani _Dhanni