ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 4 પ્રદીપકુમાર રાઓલ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 4

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?
          ધર્મ દ્વારા જે કાર્યો કરવાના હતા તે મહદઅંશે થયા છે ખરા પરંતુ લેભાગુ, લોભિયા તત્વો દ્વારા તેને કરપ્ટ કરી નાખ્યો, મોજશોખ, વિષયસુખ, ધન વૈભવના અંધકારમાં એને લપેટી લીધો. પ્રજા વચ્ચે ભાગલા પડાવવાનું હથિયાર બનાવી લીધું.
(Their main religion is to create chaos in the name of religious faith. You have a Christian God, Hindu Gods, Muhammadans with their particular conception of God - each little sect with their particular truth; and all these truths are becoming like so many diseases in the world, separating people. These truths, in the hands of the few, are becoming the means of exploitation.)
          જે ધર્મમાં માને તે ધર્મિષ્ઠ, પરંતુ મારી દ્રષ્ટિએ ધર્મમાં માનવું એનો મર્યાદિત અર્થ કરી ધર્મ વિશેષ કે સંપ્રદાયમાં માનવું એમ નહિ. મન, વચન, કર્મથી પવિત્ર જીવન ગાળી માનવતાને ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા પ્રયત્નશીલ થવું એનું નામ ધર્મ છે. એવું આચરણ કરનાર સાચો "ધર્મિષ્ઠ" કહેવાય. પાંચ કે પચીસ લાખ અનુયાયીઓ કે ભક્તો કોઈ સંપ્રદાય કે પંથમાં  હોય એ બધા ધર્મિષ્ઠ ન કહેવાય. ધર્મનો પાયો સત્ય છે એટલે બૃહદારણ્યક ઉપનિષદ એ વાત સમજાવે છે કે આ જે ધર્મ છે તે સત્ય જ છે. યજ્ઞ, અઘ્યન, દાન તપ, સત્ય, ક્ષમા, દયા, અને નિર્લોભતાને વેદવ્યાસે ધર્મના આઠ માર્ગ ગણાવ્યા છે. ભય, મૈથુન, નિંદ્રા, અને આહાર આ ચાર મનુષ્ય અને પશુમાં સમાન છે. પરંતુ ધર્મ જ મનુષ્યને જાનવરોથી અલગ પાડે છે.
            વ્યક્તિને જ્યારે એવી આંતરિક અનુભૂતિ થાય કે મારું અસ્તિત્વ કેવળ "મારાપણાં" માં કેદ થવા માટે નહીં પણ સર્વના કલ્યાણ માટે છે ત્યારે સાચા ધર્મનો આરંભ થાય છે. મિત્રો, ધર્મગ્રંથો ઘણા છે પણ તે નકશા છે, યાત્રા જાતે જ કરવી પડે છે. માત્ર એટલાસ ફેંદવાથી દુનિયાની યાત્રા થઈ જતી નથી. આપ ધર્મ સમજો એ ઈશ્વરને સમજવા બરાબર છે અને ઇશ્વરને સમજો તો ધર્મ પણ આવડી જાય. ઈશ્વર કોઈ જોવાની વસ્તુ નથી, ઉતારવાની ચેતના છે. એને મળવું છે?  તો કોઈ બાબા, સાધુ એજન્ટ એની સાથે તમારી મુલાકાત નહીં ગોઠવી શકે. સામાન્ય કલેકટર કે મિનિસ્ટરને મળવું અઘરું હોય છે, તો પ્રેસિડેન્ટની વાત તો દૂર રહી...હા! તમારી કલ્પનાના ભગવાન, ધાર્મિક પુસ્તકોના ભગવાનને તમે કલ્પનામાં કે સ્વપ્નમાં જરૂર મળી શકશો. સાચા અને વાસ્તવિક ભગવાન તમારી આજુબાજુ ફરી રહયા છે, જો તમારી માનસિક ચેતના એટલી ઊંચી હોય તો એની સાથે વાત પણ કરી શકો! યસ, એ તમારા માતા પિતા છે, તમારા ગુરુ છે, શિક્ષક છે, વૈજ્ઞાનિક છે, ડોક્ટર છે, અને એક બાળક પણ છે.
       નામ રાખ્યું હોય "ગોપાલ ડેરી" ને વેચાતું હોય નકલી ઘી, દૂધ. આમ ઈશ્વર અને ધર્મના નામે છેતરપીંડી ચાલુ છે, કતલ ચાલુ છે, હુલ્લડ કરાવવામાં આવે છે, ઉગ્ર ભાષણો કરવામાં આવે છે.
                   ઈશ્વર વિશે હિન્દૂ ધર્મમાં પૌરાણિક અને વૈદિક માન્યતાઓ અલગ અલગ છે. વૈદિક માન્યતા તેને નિર્ગુણ, નિરાકાર, સર્વવ્યાપી, સર્વશક્તિમાન માને છે. તો પૌરાણીકો તેને  સ્વર્ગલોકમાં રહેનારો માને છે, તે જરૂર પડે ત્યારે અવતાર લઈ આવ-જા કરનારો માને છે. વળી તેને પત્ની - પરિવારવાળો પણ માને છે. કોઈ ઈશ્વરમાં માનતા જ નથી. ચાર્વકમુની દ્વારા નિરીશ્વરવાદ રજૂ કરવામાં આવ્યો. ચાર્વક પૃથ્વીલોકમાં જ સુખ અને આનંદથી જીવવામાં માને છે. ઈશ્વર, સ્વર્ગ, નર્ક કે કર્મકાંડમાં માનતા નથી. આજની રેસનાલીઝમની વિચારસરણી કોઈ નવીન શોધ નથી પરંતુ જેનો ઉદભવ 2500 વરસ પહેલાં બુદ્ધ દ્વારા અને 3000 વર્ષ પહેલાં મહર્ષિ ચાર્વકે કર્યો હતો. 
              દેશમાં રેશનાલિસ્ટો દ્વારા સમાજમાં પ્રસરેલા વહેમો, અંધશ્રદ્ધાઓ, બોગસ રિવાજો દૂર કરવા પ્રશંસનીય કામ થઈ રહ્યું છે. તેઓ ઈશ્વર અને ધર્મના બહાના હેઠળ થઈ રહેલા શોષણથી લોકોને બચાવે છે. માનવો વચ્ચે સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમનો ફેલાવો કરી ઉજ્જવળ ભવિષ્ય તરફ સમાજને દોરી જવા માગે છે. ઈશ્વર, ધર્મમાં ન માનીને પણ લોકો ખુશ રહી શકે છે. વિશ્વમાં છ થી સાત દેશો એવા છે જ્યાં 20 થી 65 ટકા લોકો ઈશ્વરમાં માનતા નથી. મજાથી રહે છે. દુઃખી નથી, જ્યારે અહીં બધા લોકો ભગવાનમાં માને છે તો પણ જીવનમાં દુઃખો જ દુઃખો છે. મનોમંથન કરી, તર્ક બુદ્ધિની સરાણે જિંદગીને ચડાવી તેમજ જૂનું સડેલું, નકામું ત્યજવાની હિંમત બતાવનાર રેશનાલિસ્ટોની સંખ્યા તો ચોક્કસ વધતી જાય છે, પરંતુ સામે એવાજ અંધશ્રધ્ધાળુ અને રૂઢિવાદી વાતાવરણમાં કરોડો વ્યક્તિઓ જન્મ લે છે જે આગળ જઈને અલમસ્ત "ઘેટાઓ" નો અવતાર ધારણ કરશે જે કોઈ ચાલક ઢોંગી બાબાના અનુયાયીઓ બનશે! એટલા માટે જ દોસ્તો ભારતીય સમાજ હંમેશ આવી બેડીઓમાં ઝકડાયેલો રહેશે. આ એક ગણિત છે. આ ઓછું હોય તેમ સંરક્ષણ મંત્રી ફાઈટર પ્લેનના નીચે લીંબુ, નાળિયેર મૂકી યોગ્ય જ દ્રષ્ટાંત પૂરું પાડે છે! ગૌ મૂત્રથી કોરોના ભગાવવાની વાતો થાય છે. શ્રધ્ધા જ્યારે ગાંડી થાય છે ત્યારે અંધશ્રદ્ધામાં પરિવર્તન પામે છે.
           આમ ઈશ્વર વિશે બધાની ધારણા એકસરખી નથી. યાદ રહે, માનેલી વાતને ધારણા કહેવાય. અનુભવ, પરંપરા જે વારસામાં મેળવીએ છીએ, વાંચીએ, સાંભળીએ તેમાંથી આપણી માન્યતા આકાર લે છે. આ માન્યતા પુરા સમૂહની બને છે ત્યારે તે ધારણા બને છે. એટલે એ ખૂબ દ્રડ હોય છે.  માની લેવું એટલે જાણી ગયા તેવું નથી, વેદો, ઉપનિષદ, ગીતા બધું બરાબર કહે છે તે આપણે માની લીધું. આ માની લેવાની વાત ખોટા સમાધાનની સ્થિતિ સર્જે છે. જીવન જ્યારે કસોટીએ ચડે છે ત્યારે માની લીધેલ વાતો કામ નથી લાગતી, માતાજી ભગવાન કોઈ તમારું ઓપરેશન નહિ કરી આપે, ડોક્ટર જ કરશે. જીવન માન્યતાઓથી નથી ચાલતું પણ જાણવાથી ચાલે છે.
            આમ ઈશ્વર વિશે અનેક ધારણાઓ છે. પશ્ચિમી દેશોમાં ખ્રિસ્તી ધર્મમાં ઈશુ ભગવાન છે, son of God, મસીહા, ઇશ્વરના દેવદૂત છે.
             ઇસ્લામમાં કુરાનના ૧૧૨ માં પ્રકરણમાં ભગવાનનું વર્ણન છે, તે પ્રમાણે તે એક જ છે, સર્વશક્તિમાન બધે જ વ્યાપ્ત છે, અનંતકાળથી છે.
             શ્વેતાશ્વતારા ઉપનિષદ ૬-૮ અનુસાર ઈશ્વરનું રૂપ: ન તસ્ય કાર્ય કરણ ચ વિદ્યતે, ન તત્સમશ્વાભ્યધિકશ્વ દશયતેપરાસ્ય શક્તિવિવીધૈવ શ્રુયતેસ્વાભાવિકી જ્ઞાન બલક્રિયાચ.....મતલબ "તે પરમેશ્વરનું કોઈ કાર્ય કે તેનું કોઈ કારણ પણ નથી, તે સર્વસમર્થ છે, તેની સમાન બીજો કોઈ નથી, તે એક જ છે, તે અદ્વિતીય છે, તેનાથી અધિક શક્તિશાળી કોઈ છે જ નહીં, તેની અનેક પ્રકારની શક્તિઓ છે, આ શક્તિઓ સ્વયંસિદ્ધ છે, તેમજ બધું જ કરી શકવાનું સામર્થ્ય છે."
        એટલે આપણે અનંત કોટી બ્રહ્માંડાધિપતિ એમ પણ ભગવાનને  કહીએ છીએ. The Grand Design પુસ્તકમાં અબજો બ્રહ્માંડ હોઈ શકે છે એવી વાતને સ્ટીફન હોકિંગનું સમર્થન છે. તેમાં M- theory ખરબો બ્રહ્માંડની સંભાવના આપે છે. આ નિરંતર ચાલતી પ્રોસેસ છે. અબજો ગેલેક્સીઓ છે, તેમાં અબજો તારાઓ છે. આવડા પ્રચંડ વિશાળ તંત્રનો વહીવટ કરવાનો હોય તો એનો માલિક પણ મહાશક્તિશાળી માનવો પડે. બિગ બૅંગ થિયરી મુજબ પણ એ મહાવિસ્ફોટ કે બ્રહ્માંડની ઉત્પત્તિ પહેલા શુ હતું, કેવું હતું, કેમ હતું અને કેટલું હતું એવું કોઇને ખબર નથી, જાણી શકાય એટલું વિજ્ઞાન પણ આપણી પાસે નથી. 
         આશરે ૧૩.૭ અબજ વર્ષ પહેલા સમગ્ર બહ્માંડ એક બિંદુ હતું. જે કોઇ એક પળે કવચ ભેદીને મહાવેગથી વિસ્તરવા માંડ્યું(બિગબેંગ થીયરી) વેદોમાં હિરણ્યગર્ભ (કોસ્મિક ઇંડુ)ને શ્રૃષ્ટિનો પ્રારંભિક સ્ત્રોત માનવામાં આવ્યો છે.  તેના વિસ્ફોટથી બ્રહ્માંડ વિસ્તર્યું. હિરણ્યગર્ભા સુક્ત (ઋગ્વેદ૧૦.૧૨૧)અનુસાર સૌથી પહેલા હીરણ્યગર્ભ અસ્તિત્વમાં હતાં, તેના જ ગર્ભમાં બ્રહ્માન્ડોત્પાદક સામગ્રીરૂપ પ્રાપ્તિ નું કારણ પણ ધરાવે છે. અહીં એક જ રચિયતાની વાત છે.
       નાસાદીય સુક્તમાં (ઋગ્વેદ ૧૦.૧૨૯)બ્રહ્માંડ પૂર્વની સ્થિતિ જેનો સચોટ જવાબ આજના વિજ્ઞાન પાસે નથી તેને પણ વૈજ્ઞાનિક ઢબે વર્ણવવામાં આવી છે.  જે આ મુજબ છે..... 
नासदासीनो सदासीत तदानीं नासीद रजो नो वयोमापरो यत|
किमावरीवः कुह कस्य शर्मन्नम्भः किमासीद गहनं गभीरम|
જેનો અર્થ થાય છે કે બ્રહ્માંડના સર્જન પહેલા સત્ય કે અસત્ય ન હતું, અંતરીક્ષ પણ ન હતું કે ન આકાશ, તે ક્યા છૂપાયેલું હતું, કોણે આ કર્યું, એ સમયે તો જળ પણ ન હતું.
      આપણા  વેદોની આ જે વ્યાખ્યા છે તેનાથી આજનુ વિજ્ઞાન બ્રહ્માંડની ધારણા વિષે તસુભાર પણ આગળ વધી શક્યું નથી. બીગબેંગ એટલે કે મહાવિસ્ફોટ સમયે આ કોસ્મિક ઇંડું શેમા આવેલું હતું, તેની  સ્પષ્ટતા છાતી ઠોકી કરી શકતું નથી અને અંતે તે સુપ્રીમ પાવર પર છોડી દે છે. વેદોએ  સ્પષ્ટ કર્યું કે બહ્માંડ પણ પંચ મહાભૂતનું બનેલું છે. દરેકમાં પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશનો સમાવેશ થાય છે. વેદ મુજબ બ્રહ્માંડના અંતે પણ ફક્ત ઊર્જા જ બચશે. જેને પરમ બ્રહ્મ તત્વ તરીકે ઓળખાવાયું છે. જે નિરાકાર નિર્ગુણ છે. જે આજનું વિજ્ઞાન પણ માને જ છે.
ગીતા ૭.૭ માં "હે! ધનંજય મારાથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. દોરામાં પરોવાયેલાં મણકાની જેમ આ સઘળું જગત મારામાં પરોવાયેલુ છે."
ગીતા ૭.૨૫માં  "યોગમાયાથી ઢંકાયેલો હું સૌ કોઈને પ્રત્યક્ષ થતો નથી, તેથી આ મૂઢ લોકો મને અજન્મા અને અવિનાશી રૂપે જાણતાં નથી. "
           ઉપરનું કઈક જુદી રીતે સમજીએ તો અણુ એટલે એટમ, પદાર્થનો નાનામાં નાનો ભાગ, બે કે વધુ એટમ મળી મોલેક્યુલ બને. દરિયાના લેવલે, ઝીરો ડીગ્રી તાપમાને એક ઘન સે.મી. હવામાં ૪૫ અબજ મોલેક્યુલ હોય છે. આખું બ્રહ્માંડ બનાવવા આવા કેટલા બધા એટમ જોઇએ!! એટમનું આયુષ્ય પણ ખૂબ લાબું હોય છે. એ બધે જ ગતિ કરી શકે છે. આપણાં શરીરમાં રહેલ દરેક એટમ ચોક્કસપણે કેટલાય તારાઓ, કરોડો જીવોમાં થઈને આવેલ છે. મૃત્યુ પછી એનું રિસાયકલિંગ થાય છે, દરેકના ભાગે કમ સે કમ એક અબજ શેક્સપિયરમાંથી, એક અબજ જેવા બુદ્ધમાંથી અને એક અબજ જેવા ચંગીજખાન અને એટલા જ બેથોવનમાં થઈને આપણાંમાં આવ્યા છે. આપણે એમ જરૂરથી સમજી શકીએ  કે આપણાંમાં બુદ્ધ પણ છે! એ પણ વૈજ્ઞાનિક રીતે. જોકે આવી તમામ હસ્તીઓ ખૂબ ઐતિહાસિક હોવી જોઈએ કારણ કે એટમને ફરતા ફરતા દાયકાઓ લાગી જાય છે. એ રીતે આપણા પુનજન્મ થયા છે, અવતારો લઈને આવ્યા છીએ. (પુરાણોને આધારે પ્રત્યેક પ્રાણી પોતાના કર્મો પ્રમાણે વિભિન્ન જન્મોમાં ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકી મનુષ્યનો જન્મ મેળવે છે).
         જ્યારે આપણે મરણ પામીશું ત્યારે બધા એટમ નવી જગ્યા શોધી લેશે, જેમકે કોઈ પાદડાના ભાગ તરીકે, કોઈ બીજા વ્યક્તિના શરીરમાં, કે પછી ઝાકળનાં બિંદુ સ્વરૂપે. કેટલાય વર્ષો પછી જે બાળક જન્મશે તો એના શરીરમાં ઓસામા બિન લાદેનના એટમ આવી જશે...એ પણ અબજ જેટલા!! એટમ આમ નિરંતર ચાલ્યા જ રાખે છે, તે મરતા નથી , Martin Rees ના અનુમાન મુજબ એનું  આયુષ્ય ૧૦^૩૫ છે. એની સાઈઝ મી.મી.નો એક કરોડમો ભાગ છે. આમ શક્તિનું રૂપાંતર થયે રાખે છે. આપણાં શરીરમાં ૧૦૦૦૦ ટ્રીલિયન (એક કરોડ અબજ) કોષ છે. એ દરેકને તમારા ભલા માટે શું કરવું એ ખબર છે. રોજના અબજો તમારા બચાવ માટે બલિદાન આપે છે, તમે કોઈ દિવસ એમનો આભાર માન્યો?  દરેક સેલમાં આપણાં જેનેટિક કોડની કોપી છે જેને માર્ગદર્શક પુસ્તિકા કહી શકો. આપણાં શરીરમાં ૨ લાખ પ્રકારના પ્રોટીન છે, જે આપણાં માટે સતત કામ કરે છે. એમાંથી ફક્ત ૨ ટકા વિશે આપણને જાણકારી છે. નરના શુક્રાણુ કરતા સ્ત્રીનું બીજ ૮૫૦૦૦ ઘણું મોટું હોય છે! આ બધું કયા ફોર્સથી ચાલતુ  હશે? નવ માસમાં એક કમ્પ્લીટ બાળક પૃથ્વી ઉપર જન્મ લે છે! ઘણાને એવું આશ્ચર્ય લાગે છે કે અમુક વૈજ્ઞાનિકો ધર્મ કે ઈશ્વરમાં આસ્થા શુ કામ રાખતા હશે. એ આજ ગેબી શક્તિના  કારણે !
             એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવું તારણ કાઢ્યું છે કે વિજ્ઞાનની આંખે કુદરતના અદ્ભૂત રહસ્યોદઘાટન પ્રત્યે અહોભાવ કદાચ વૈજ્ઞાનિક મનોવલણ અને ઈશ્વરની માન્યતા વચ્ચે જોડાણનો સેતુ રચે છે. આ અભ્યાસના લેખક કૅથરિન જ્હોનસન કહે છે કે " ભગવાન વિશે વિચારવાના અનેકો રસ્તા છે , ઘણા લોકો ભગવાનને DNA માં જુએ છે અને ઘણા ભગવાનને બીબ્લિકલ , અવતારી તરીકે !" અભ્યાસમાં એવું જણાયું કે જે વધુ "સાયન્સી"  હતા અને કુદરતથી પ્રભાવિત હતા તે ભગવાનમાં માને તેવી શકયતા વધુ જાણવા મળી. તેમ છતાં સત્ય એ છે કે ડેસમંડ મોરિસ , જીવ વિજ્ઞાનીના કહેવા મુજબ આપણે માનવો હંમેશ neophilic અને neophobic ભાવનાઓ વચ્ચે સંઘર્ષ કરતા આવ્યા છે. આ બન્ને આપણાં જીવનમાં વણાઈ ગઈ છે. નવા અનુભવો, નવા એડવેન્ચર અને નવી શોધ માટે ઉત્સાહિત તો છીએ પરંતુ એટલું જ જૂની માન્યતાઓ, રિવાજો અને જે ફેમિલીયર છે તેને છોડી નથી શકતા. આ બન્ને વચ્ચે બેલેન્સ શોધવાની મથામણ હંમેશ ચાલુ રહેશે.
      ગીતામાં ૯.૨૯ પર  ભગવાન કહે છે "હું બધે જ વ્યાપ્ત છું,  અણુ એ અણુમાં છુ."
જ્યારે ૧૦.૪૧ માં કહે છે "જે જે વસ્તુઓ ઐશ્વર્યવાળી, બળવાળી છે, તે તે સઘળી મારા તેજના અંશમાંથી ઉત્તપન્ન થયેલી છે."
   વિરોધી વાત લાગે છે. પણ અહીં એમ કહેવામાં આવ્યું છે કે એનર્જીના રૂપમાં તે બધે છે. પરંતુ ચેતનાની પણ કક્ષાઓ અને પ્રકાર હોય છે. જ્યાં ઉચ્ચ ક્વોલિટી ત્યાં એનર્જી વધુ. ગીતામાં આગળ ભગવાન જણાવે છે કે, “સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ-હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું, સિદ્ધોમાં કપિલમુનિ હું છું. અશ્વોમાં(ઘોડાઓમાં) ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું, હાથીઓમાં ઐરાવત હાથી હું છું, મનુષ્યોમાં રાજા હું છું, આયુધોમાં હું વ્રજ છું, ગાયોમાં હું કામધેનુ છું અને સંતાન ઉતપન્ન કરનાર કામદેવ પણ હું જ છું....”
      ઉપરના શ્લોક મુજબ બધી જ શ્રેષ્ઠ, ટોપ ક્વોલિટી ધરાવતી વસ્તુઓ, પશુ, વ્યક્તિમાં ભગવાન છે એવું કહે છે. એટલે તમારે ઐરાવત હાથી અને પીપળો શોધવા નથી જવાનું પરંતુ જીવનમાં ઉચ્ચ કવોલિટી, ગુણો લાવવાના છે અને જેની પાસે હોય તેનો આદર કરવાનો છે, એમ માનવાનું છે મતલબ એમનામાં રહેલા સારા ને ઉચ્ચ ગુણોને અનુસરવાના છે. પરંતુ આપણે બાળકોની જેમ સુપરમેન, સ્પાયડરમેન કે શક્તિમાનને જ ભગવાન તરીકે પૂજવા લાગ્યા છે અને દ્રઢપણે આસ્થા ધરાવીએ છે કે એ આપણને દરેક મુશ્કેલીઓમાંથી બચાવી લેશે! મનુસ્મૃતિ, પુરાણો, વેદો, ઉપનિષદ બધા ઉચ્ચ ચેતના અને બુદ્ધિમત્તા ધરાવતા લોકોએ સર્જન કર્યા છે, જે તે સમયે તેમને જે સાચું લાગ્યું એમ લખ્યું હશે. પરંતુ માનવ માત્ર ભૂલને પાત્ર. વળી કાળના પ્રવાહની અંદર કેટલાય સુધારા અને વધારા પણ થયા હોય છે. આપણે કેટલીયવાર બંધારણ સુધાર્યું છે. જે તે સમયની માંગ, જરૂરિયાત અને લોકોની ગ્રહણ શક્તિને ધ્યાનમાં રાખી શાસ્ત્રો લખાયેલા હોવા જોઈએ એવું હું માનું છું. તે અબસોલ્યુટ સત્ય ન પણ હોઈ શકે. સત્ય પણ સમયે સમયે અને વ્યક્તિએ વ્યક્તિએ બદલાતું રહે છે. આ બધી મનુષ્ય જીવન માટેની જે તે સમયની ગાઈડલાઈન હતી. એમાંથી ઘણુંખરું આજે પણ કામ લાગે, એની ના નથી. મારું મંતવ્ય એ છે કે આંધળો વિશ્વાસ કરીને ફોલોવ કરવાની જરૂર નથી. ધર્મ, નીતિશાસ્ત્ર, રીતિ રીવાજો વગેરે માનવજીવનને સુખી કરવા, એક કરવા, ટકી રહેવા માટે બનાવ્યા હતા, નહીં કે એના નામે ઝઘડવા, આતંક, ત્રાસ ફેલાવવા અને લોકોને અંધશ્રધ્ધાળુ બનાવવા.  પરંતુ કરવા ગયા કંસાર ને થઈ ગઈ થુલી...
ખરેખર જોઈએ તો હૃદય તથા આત્માને સુખ આપનાર ધર્મ જ છે. વ્યક્તિ આત્મજ્ઞાન વગર ભવ્ય અને ઉન્નત બની શકતો નથી. આખું બ્રહ્માંડ કોઈ અગમ્ય શક્તિના નિયમો પ્રમાણે ટકી રહ્યું છે, ચાલી રહ્યું છે, તે નિયમ કે સિદ્ધાંતમાં શ્રદ્ધા તેનું નામ "ધર્મ".
To be continued, (વધુ આવતા અંકે ભાગ - 5 માં)

ભાગ - ૧ લિંક :
https://m.facebook.com/story.php?story_fbid=10219704856384909&id=1022664320

ભાગ -૨ લિંક :
https://m.facebook.com/story.php?story_fbid=10219716561197522&id=1022664320

ભાગ -૩ લિંક
https://m.facebook.com/story.php?story_fbid=10219724734241843&id=1022664320