ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું? કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ?
દોસ્તો, હેપી જન્માષ્ટમી!
મનુષ્ય જાતિની સિદ્ધિઓ અને બુદ્ધિ જોતા એવું પણ નથી કે વિજ્ઞાનને તમામ મુંઝવતા સવાલોના જવાબ નહિ મળે. આપણે જોયું કે પૃથ્વી સપાટ છે તેવી રોંગ માન્યતાથી લઈ છેવટે આપણે દૂર દૂર ગેલેક્ષીઓ વિશે પણ જાણકારી મેળવી શકીએ છીએ. ફક્ત 6 ફુટિયા મનુષ્ય એવા આપણે પોતાની આકાશગંગાની લંબાઈ, પહોળાઈ માપી શક્યા છીએ. આ કાર્ય સ્ટીફન હોકિંગના કહેવા અનુસાર એક કીડી ગમેતેમ કરીને દરિયાની પહોળાઈ માપી શકે તેવું ભગીરથ કદમ છે, કાર્ય છે. ચંદ્ર પર પહોંચવું પણ વિરાટ કદમ છે. આકાશગંગા અંદાજે દોઢ લાખ પ્રકાશવર્ષ છે જેમાં અંદાજે 100 થી 400 અબજ તારાઓ છે.
તો બીજીબાજુ પદાર્થના અતિ સુક્ષમ એલિમેન્ટરી પાર્ટીકલ્સ વિસે પણ પ્રયોગો કરી જાણકારી મેળવી છે. એટમની અંદર ન્યુક્લિઅસ હોય છે, તેમાં પ્રોટોન અને ન્યુટ્રોન્સ હોય છે, આ સિવાય ફરમિયોન, મેસોન, બોસોન, ઈલેક્ટ્રોન, બેર્યોન, ન્યુટ્રિનો, ફોટોન , ક્વાર્કસ.... આજે આવા એલિમેન્ટરી પાર્ટીકલ્સની સંખ્યા 150 ઉપર છે અને એવા બીજા 100 જેવા હોય શકે છે તેવું અનુમાન છે.
એટમની સાઈઝ , તે મિલિમિટરનો એક કરોડમો ભાગ છે, જ્યારે તેમાં રહેલ ન્યુક્લિઅસ એટમના વોલ્યુમનો અબજમા ભાગનો દશલાખમો ભાગ છે. જાણે કે વિશાળ મહેલમાં માખી બરાબર પરંતુ તે(ન્યુક્લિઅસ) મહેલ કરતા હજારો ઘણી ભારે!
વિજ્ઞાનથી આપણે સૃષ્ટિના ભવ્ય ખજાનાને સમજી શક્યા છીએ અને તેનો કેમ ઉપયોગ કરવો, જિંદગી મજેથી જીવવી એ શીખી લીધુ છે. હું હમણાં જ પૃથ્વી પરથી ઇલેક્ટ્રિસીટી ગાયબ કરી દઉં તો મારા રફ અંદાજ મુજબ સાત મહિનાની અંદર બે અબજ લોકો ભૂખમરાથી મરી જાય અને પછીના સાત મહિનામાં જંગલો, દરિયા, નદીઓ અને પશુપાલન આધારિત જ વસ્તી બચે.
2.016 ગ્રામ હાઇડ્રોજન ગેસમાં 6.0221367 ×10^23 મોલેક્યુલસ હોય છે. આ નંબર કેટલો મોટો છે એનો આઈડિયા આવે એ માટેનું કંપેરિજન : અમેરિકાને 9 માઇલ્સની ઊંડાઈ સુધી ઢાંકી દેવા માટે જેટલા પોપકોર્નના દાણા જોઈએ એટલો. અથવા પેસિફિક મહાસાગરમાંથી જેટલા કપ પાણી ભરાય એટલો, અથવા આખી પૃથ્વીને 200 માઇલ્સની ઊંડાઈ સુધી ઢાંકી શકે એટલા સોફ્ટ-ડ્રિન્કના ડબલાઓ જેટલો. આતો નિર્જીવની વિરાટ અને માઈક્રો દુનિયા બતાવી. પણ સજીવ સૃષ્ટિમાં જોઈએ તો આ પૃથ્વી પર 2 અબજ વર્ષ સુધી ફકત બેક્ટેરિયા જેવા જીવો રહેતા હતા !! તેઓ પછીથી ઓક્સિજનને વેસ્ટ મટેરિયલ તરીકે હવામાં છોડતાં ગયા, અને વાતાવરણમાં જરૂરી માત્રામાં ઓક્સિજન જમા થતો ગયો , આ પ્રક્રિયામાં પણ કરોડો વર્ષ વીતી ગયા...પછી આપણા જેવા માનવોનો પૂર્વજ બે લાખ વર્ષ પહેલાં આવ્યો.
તમારા શરીરની ચામડી પર જ જેમ વિશાળ મેદાનમાં ભેંસો ચરે તેમ એક ટ્રીલીઅન બેક્ટેરિયા ચરી રહ્યા છે. ફક્ત પાચન તંત્રમાં બીજા 100 ટ્રીલિયન વસે છે. આવી ઝીણી ચીજ નરી આંખે તો દેખાય નહિ. વાયરસ તો એનાથી નાના, છેક 1943માં ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ શોધાયું પછી વિજ્ઞાન એમને જોઈ શક્યુ. 20 મી સદીમાં સ્મોલપોક્સે અંદાજે 30 કરોડ લોકોને મોતને હવાલે કર્યા હતાં. અને હવે કોરોના કેટલાને કરશે??? આજે કોરોનાની રસી શોધવામાં માનવજાત વિજ્ઞાનને શરણે છે. બધાજ શ્રદ્ધાળુઓ ઘરમાં બેઠા છે, કોઈ મંદિરોમાં ભીડ કરતું નથી. એથી સાબિત થયું કે બધાની ભક્તિ ઉપર ઉપરની હતી! બધા ઢોંગ અને દેખાડા હોઈ શકે છે ? કોઈએ સરકારને માંગણી ના કરી કે મંદિરો ખોલવા જ પડશે. કોઈએ સુપ્રીમ કોર્ટના દરવાજા ના ખટખટાવ્યા! પ્રજા તો ઠીક રાતદિવસ બાબાઓ પાછળ ફરતા ભક્તો દ્વારા પણ નહીં. જે ભગવાનના કાયદેસરના અને ગેરકાયદેસરના એજન્ટો બન્યા છે એ પણ કોર્ટમાં ન ગયા. મતલબ સાફ હૈ દોસ્તો...ખુશખબર છે! 90 ટકા જનતા રેશનાલિસ્ટ છે, ફક્ત ધાર્મિક હોવાનો ઢોંગ કરે છે. બાબાઓ પણ ઢોંગી અને ભક્તો પણ ઢોંગી !!
મિત્રો, ધર્મ અને પરમાત્માની વાતો ચાલતી હોય અને આત્મા વિશે ઉલ્લેખ ન કરીએ તો વ્યાજબી ન ગણાય. આજની તારીખે પણ "આત્મા" વિશે ઘણા મતમતાંતરો, ગેરસમજો, કન્ફ્યુઝન પ્રવર્તે છે. આમ જનતાનું માનવું એમ છે કે આપણા શરીરનો એક આત્મા હોય છે એ ઉડી જાય, શરીર છોડી જાય પછી શરીર નિર્જીવ થાય છે એટલે કે મરણ પામે છે. ત્યારબાદ આપણે જે તે ધર્મની પ્રથા મુજબ અંતિમક્રિયા કરીએ છીએ. આ શરીર છોડી જતો રહેલ આત્મા નવીન શરીર ધારણ કરે છે એટલે કે એનો પુનઃ જન્મ થાય છે. ટૂંકમાં શરીરમાં આત્મા એક અલગ એન્ટિટી તરીકે રહે છે. પુરાણોમાં પણ આવું જ સમજાવ્યું છે.
જોકે મારી સમજ અલગ છે. પંડિતો કઈ અલગ રીતે સમજ્યા હોય. હું મારા વિચારો રજૂ કરું છું. શરીરતો એક કોષ માટે બ્રહ્માંડ જેટલું છે, પરંતુ દરેક કોષ પણ એક ધમધમતા શહેર જેવો છે, જ્યા હજારો પ્રક્રિયાઓ ખૂબ ઝડપથી ચાલતી હોય છે. હવે આત્માનો કોન્સેપ્ટ પણ મજાનો છે, ઈલેક્ટ્રોન જેવો, દેખાય નહિ પણ એની હયાતી પુરવાર કરી શકાય. એ ક્લેક્ટિવ કોન્સિયસનેસ છે, અને તમામ જીવસૃષ્ટિવની એક યુનિવર્સલ કોન્સિયસનેસ છે. આ બન્ને જોવા નહીં મળે. તમામ કોષો જેમ અલગ અલગ છે તેની ચેતના પણ અલગ અલગ છે પણ એ તમામ (અબજો, ખરબો) ભેગા મળી તમારા માટે કામ કરે છે, દરેકને ખબર છે કે શું કરવાનું છે, હવે આને તમે રોબોટીક બીહેવીયર પણ કહી શકો અથવા ઊંધું! હાર્ટનું કામ લોહી પંપિંગ કરવાનું છે, તે ગમે તે શરીરમાં જઈને પોતાનું કાર્ય ચાલુ રાખશે. માલિક શુ વિચારે છે એવુ જોવાનું એના પાસે મગજ નથી. વિશાળ ફેકટરીમાં મજૂરો પોતાને બતાવેલ કામ ઊંધું ઘાલી ને કરે રાખે, ફેકટરીનો માલિક કયા આશયથી કરાવે છે તેની તેમને જાણ ન હોય. "ફેકટરી" આખીનો આત્મા એના માલિકમાં છે. એમ આપણા આખા શરીરનો આત્મા કહો કે ડિસિસન મેકિંગ પાવર(નિર્ણય શક્તિ)...તે બ્રેઇનમાં છે. બ્રેઇન ખલાસ તો આખા શરીરનું સંચાલન વ્યવસ્થિત ન થાય, દા. ત. બ્રેઇનડેડ, પાગલ લોકો...હા જેમ એક ફેકટરી છોડી મજૂર બીજી ફેકટરીમાં જાય તેમ અવયવો, કિડની, હાર્ટ, સ્કિન, લીવર...બીજા શરીરમાં કામ કરશે, અહીં આપણે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની વાત કરીએ છીએ. પરંતુ બીજા શરીરના બ્રેઇનના ઓર્ડર સ્વીકારશે. હવે આત્મા એટલે આગળ કહ્યું એમ આખા શરીરની સામુહિક માનસિક ચેતના જે ફક્ત મગજ પાસે છે. આત્મા અને માઈન્ડ આ શરીર સાથે જ ઉદ્દભવ્યા છે, અને તેની સાથે જ વૃદ્ધિ પામે છે. અને મૃત્યુ પણ એની સાથે થાય છે. પછી કંઈપણ રહેતું નથી. ફક્ત એટમ્સ, સ્પેસ અને નિયમ રહી જાય છે. અને બધા નિયમોનો એક જ બાપ છે: ઉત્ક્રાંતિ, વૃદ્ધિ અને નાશ. આત્મા, જે વૈચારિક ચેતના છે એટલે એનો જીવન પર્યંત વિકાસ કરી શકાય છે, જેને ઉચ્ચ કોટીએ લઈ જઈ શકાય છે. મનુષ્ય દેહમાં જ પશુ , માનવ, રાક્ષસ, દેવ, સંત, ભગવાન બની શકાય છે. માનીલો કે ઘઉંની રોટલી અને કંસાર. મેઈન ઘઉં તો એકજ છે. કોષો એ ફક્ત પાર્ટ્સ છે. કોષો મરતા પણ રહે, રીપેર પણ થતા જ રહે છે. દરેક કોષ બેટરીનો સેલ જેવો હોય છે, કોષોના મસલ્સ, સ્નાયુઓ બને છે. જેમાં માનસિક વિલપાવર અને શારીરિક શક્તિ એમ બે પ્રકાર છે. દરેક વ્યક્તિ એ આ શક્તિઓ અલગ અલગ હોય છે. જેવી જેની બનાવટ, ટ્રેનિંગ, અભ્યાસ. બે સરખી સાઈઝના વ્યક્તિ હોય, બિલકુલ સરખું વજન હોય તેમ છતાં બન્નેમાં શારીરિક અને માનસિક શક્તિમાં ઘણો ફેર હશે. એક સરખું દોડી પણ ન શકે અને બીજો ઓલોમ્પિકનો ચેમ્પિયન હોય! અહીં જે માનસિક શક્તિનો ભાગ છે તે જ આત્મિક બળ, આત્માની શક્તિ. જે ખેલાડીઓ ખેલ શરૂ થાય એ પહેલા જ વિચારે કે " હારી જઈશુ" એ ભાગ્યેજ જીતી શકે! મતલબ કોઈ અલગ આત્મા ક્યાંય શરીરના કોઈ અલગ ખૂણે બેઠેલો નથી. તો તો હું અથવા કોઈ વૈજ્ઞાનિક કે ડોક્ટર જરૂર શોધી લેતાં.
મિત્રો, જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવતા કૃષ્ણ કહે છે:
"હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને ભસ્મ કરે છે તેમ
જ્ઞાનરૂપી અગ્નિ સર્વ કર્મોને ભસ્મ કરી નાખે છે."
આમ જ્ઞાન કે નોલેજ, વિઝડમ ભગવાનને પણ પ્રિય છે. વેદ, પુરાણ, ઉપનિષદ, ફિલોસોફી, સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં...બધેજ નોલેજની બોલબાલા છે. કેમકે સમાજમાં સુખમય જીવન જીવવા માટે નોલેજની ડગલે ને પગલે જરૂર પડે છે. માહિતીની પણ એટલી જ જરૂર હોય છે. પત્ની કહે કે બટર લઈ આવો, અને તમને ખબર હોય કે ફ્રિજમાં પડ્યું છે તો તમારો માર્કેટનો ધક્કો બચી જાય! જેની પાસે બુદ્ધિ, કે નોલેજ ના હોય, ઓછું હોય તો અનેક તકલીફોનો સામનો વારેઘડીએ કરવો પડે છે. "દુઃખ એ બીજું કંઈ નથી, તમારી સાચી સમજણને એક અંધારનું પડ વીંટળાઈ રહ્યું છે" --ખલીલ જિબ્રાન
આમ જીવનમાં ડગલે ને પગલે જ્ઞાન જરૂરી છે, જેથી હું તેને ઇશ્વરથી ઓછું માન આપતો નથી પરંતુ મારા માટે જ્ઞાન જ "ઈશ્વર" છે. આપણી હિન્દૂ સંસ્કૃતિમાં જ્ઞાનીને જ "ગુરુ" માનવા માં આવે છે.
હાલના સંજોગોમાં "જિંદગી" અને "જ્ઞાન" વચ્ચે ખાઈ પહોળી અને ઊંડી થતી જાય છે. રોજ રોજ નવા ધર્મો જન્મતા જાય છે અને જૂના વહેમો, રૂઢિઓ પોતાનો વટ, દબદબો દેખાડવા લાગ્યા છે.
એક સામાન્ય માણસ એવા ત્રિભેટે મૂંઝવણભરી મનોસ્થિતિમાં, અવઢવમાં ઉભો છે જ્યારે તેને વિજ્ઞાનની અઘરી પરિભાષા અને ધાર્મિક ઉપદેશકોની સોનેરી માયાજાળ વચ્ચે પસંદગી કરવાની છે. વિજ્ઞાન તેને સમજમાં આવતું નથી અને બીજીબાજુ ધાર્મિક ઉપદેશો, સાધુઓ તેને ઊંચા ઊંચા સ્વપ્નો દેખાડી રહ્યા છે. "કૃપા બરસેગી" અને મોક્ષ મિલગા, અને લડકેકી શાદી હો જાયેંગી...
આવા સંજોગોમાં પ્રોફેશનલ ટીચર, વિચારકે સ્પેશિયાલિસ્ટનું કામ અથવા જ્ઞાન સમજી તેને સરળ ભાષામાં લોકો સમક્ષ મુકવાનું હોય છે. ( વોટ્સએપ યુનિવર્સિટી દ્વારા પીરસાતું નહિ , હો ! બાપલા ).
આમ જ્ઞાન અને જરૂરિયાત વચ્ચેના બંધ તોડવા માટે નવા સત્યો, તથ્યો માટે જૂની પરિભાષાનો ઉપયોગ કરી, વિચારકે સામાન્ય શિક્ષિત વર્ગ પણ સમજી શકે તેવું બનાવવું પડે છે. ગહન સિદ્ધાંતોને કે નોલેજને માનવીય સમજમાં આવે (હ્યુમનાઇઝેશન ઓફ નોલેજ) તેવું સરળ કરવું પડે છે.
આ ખરેખર અઘરું કામ છે. વર્ષોનું વાંચન, મનન, મંથન (એનાલિસિસ ), કરવું પડે છે. અત્યારસુધીનાં તત્વચિંતકો, જ્ઞાનીઓ, સમાજ સુધારકો શુ કહી ગયા એ ઉપર પણ નજર રાખવી પડે છે, વળી આજનો જમાનો આધુનિક ! એટલે અત્યારે શુ ખપ લાગશે એ પણ વિચારવું પડે. વધુમાં લખતા હોઈએ અને માંડ બે લીટી લખી હોય ત્યાં શ્રીમતિનો ઓડર થાય કે "જરા આટલા બટેકા સમારી આપો" એ કામ પૂરું કરી જ્યાં એક ફકરો લખીએ તો કહે "લસણ પણ ફોલવાનું છે..."
આ રોજની રામાયણ... એમાંથી પાછા મહાભારતના શ્લોક વિશે વિચાર ચાલતો હોય ..ત્યાં મોટી બૂમ આવે "જરા ભીંડા સમારી આપોને...ઉભા ચિરા કરવાના છે"
દોસ્તો, આમ ભીંડામાંથી ભગવાન તરફ મન વાળવું કઠિન છે. ખરેખર કોઈએ સાચું જ કહ્યું છે કે
"હરીનો માર્ગ છે શૂરાનો નહિ કાયરનું કામ જોને!"
દોસ્તો, આશા રાખું કે આ શ્રેણીમાંથી આપને કઈ પણ જાણવા નહિ મળ્યું હોય! પરંતુ ભગવાન જરૂર મળ્યા હશે!કમસે કમ ભગવાનના ફોટાના દર્શન તો જરૂર કર્યા હશે! જ્ઞાનીઓને કઈ આપવાનું ન હોય!
"જ્ઞાનીસે જ્ઞાની મિલે હો સત્સંગકી બાત,
ગધેસે ગધા મિલે તો હો લાતમલાત!!!😊"
તેમ છતાં આપની માન્યતા, અનુભવ જણાવશો. What you really feel about God or Goddess?
ઋણ સ્વીકાર: આ તમામ ભાગનું એડિટિંગ ખૂબ સરસ રીતે નિતા પટેલ દ્વારા કરવામાં આવેલ છે. ઘણી પૂરક અને મહત્વની માહિતી પણ પુરી પાડેલ છે.