બીજાના દોષનો ટોપલો પોતે ઓઢી લઈએ તો શું થાય?
ડૉ. અતુલ ઉનાગર
એક શાળાની આ ઘટના છે. આ શાળામાં એક નવા ગણિતના શિક્ષક આવેલા. નોકરી અને શાળા આ બન્ને તેના માટે એકદમ નવાં જ હતાં. શિક્ષકમાં પૂરતા આત્મવિશ્વાસનો અભાવ હતો. ઘણીબધી તૈયારીઓ કરીને તે શાળાએ આવતા. લગભગ બે-ચાર દિવસ વિત્યા હશે એક દિવસ આ શિક્ષક બોર્ડ પર દાખલો લખી રહ્યા હતા. વર્ગના તમામ વિદ્યાર્થીઓ ભણવામાં તલ્લીન હતા.
આ સમયે રઘુએ કાગળનું વિમાન બનાવીને શિક્ષકની પીઠ પર ફેંક્યું. રઘુ વર્ગનો સૌથી વધારે ચંચળ છોકરો હતો. તેના કરતુતોથી વર્ગમાં સૌકોઈ વાકેફ હતું. તે ખૂબજ મોટી વગ ધરાવતા ગણમાન્ય ઉદ્યોગપતિનો એકનો એક લાડકો દીકરો હતો. આથી કોઈપણ શિક્ષકની તેને શિક્ષા કરવાની હિંમત નહોતી. એકવાર આ ઉદ્દંડ રઘુને કારણે જ એક શિક્ષકને શાળા છોડવી પડી હતી. આ રઘુથી બધાજ શિક્ષકો કંટાળી પણ ગયા હતા. વર્ગના દરેક વિદ્યાર્થીઓ તેનાથી ફફડતા હતા. શાળાનું સમગ્ર અનુશાસન તેના કારણે ધૂળમાં રોળાઈ ગયું હતું. આ રઘુથી નવા આવેલા શિક્ષક સાવ અનભિજ્ઞ હતા.
રઘુની આ મશ્કરીને કારણે આ નવા શિક્ષક ખૂબજ દુઃખી થઈ ગયા. કોણે આવી મશ્કરી કરી હશે તે શોધવું તેના માટે લગભગ અસંભવ જેવું જ હતું. આ સમયે તત્કાલ શું કરવું જોઈએ તે તેમને સુઝતું નોહતું. તેનો આત્મવિશ્વાસ પણ તૂટી રહ્યો હતો. ચહેરા પરની ઉદાસીનતા સ્પષ્ટ વંચાઈ રહીં હતી. પરાજિત ચહેરા સાથે એકદમ જ ઉદાસીન બનીને તે ખુરશી પર બેસી ગયા. વર્ગમાં જાણેકે સન્નાટો છવાઈ ગયો હોય તેમ ગમગીન વાતાવરણ બની ગયું હતું.
આ શિક્ષક ઘણી હિંમત ભેગી કરીને ધીમા અવાજથી બોલ્યા, આવું કોણે કર્યું છે? વર્ગના દરેક વિદ્યાર્થીઓ મૌન બેસી રહ્યા હતા. કેમ કે આવી જ રીતે શાળાએ એક શ્રેષ્ઠ શિક્ષક ગુમાવ્યા હતા. આ વખતે પણ તેવું જ કંઈક થવા જઈ રહ્યું હતું. વિદ્યાર્થીઓ સમજી ગયા કે કંઈક મોટી દુર્ઘટના ફરીથી સર્જાશે. મૌન બની ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી ઉત્તર મેળવવા માટે થોડા ઊંચા અને કડક શબ્દોમાં શિક્ષકે ફરી પ્રયત્ન કર્યો. સંસ્કાર અને સંયમ બીજના અભાવને કારણે રઘુ ધીરે ધીરે રઘવાયો થઈ રહ્યો હતો. રઘુ સિવાયના તમામ વિદ્યાર્થીઓ આ પરિસ્થિતિને થાળે પાડવા ઝંખી રહ્યા હતા.
એક પળની પણ રાહ જોયા વિના શિક્ષકોની પારાવાર પીડાની સ્વાનુભૂતી સાથે વર્ગના વિદ્યાર્થીઓમાંથી એક મિલન નામનો વિદ્યાર્થી ઊભો થયો અને સમગ્ર દોષનો ટોપલો તેણે ઓઢી લીધો. સ્વભાવે શાંત અને ખૂબજ ઓછું બોલનારો મિલન વર્ગમાં પોતાના જીવનમાં પહેલીવાર ઊભો થયો હશે. વર્ગના જ નહીં શાળાના તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકો પણ તેની પ્રામાણિકતા અને ભોળપણથી વાકેફ હતા. મિલન જાણેકે સદીઓનું શાણપણ આટલી નાની ઉંમરે પચાવી ગયો હોય તેવું લાગી રહ્યું હતું.
ખૂબજ નમ્રતા પૂર્વક તે શિક્ષકની આંખોમાં આંખ નાખીને બોલ્યો. "સાહેબ ભૂલ થઈ ગઈ !" આટલું બોલતાની સાથે જ આંખોમાંથી દડ દડ આંસુડાં પડવા લાગ્યાં. વર્ગના તમામ વિદ્યાર્થીઓની પણ આંખો પલળી ગઈ. આ સમયે રઘુના હ્રદયનું પરિવર્તન શરૂ થઈ હતું. વર્ગના તમામ વિદ્યાર્થીઓ જાણતા હતા કે મિલન દોષી નથી. ચહેરા પર છલકાતી નિર્દોષતા શિક્ષક વાંચી રહ્યા હતા. આથી શિક્ષકે તેને જ પોતાની શિક્ષા પસંદ કરવાનું કહીને મુક્તિ આપી દીધી. ખૂબજ મોટી ઘટનાને મિલનની વિવેકબુદ્ધિએ ટાળી દીધી.
પોતે સ્વીકારેલી સજાના ભાગરૂપે મિલને એક સપ્તાહ સુધી શાળાએ ન જવું એવું નક્કી કર્યું. બીજા દિવસથી બીમારીનું નાટક કરીને શાળાએ આવવાનું બંધ કર્યું. મિલનના અદમ્ય સાહસ અને રઘુના વર્તનની ચર્ચા આ એક વર્ગના વિદ્યાર્થીઓ પૂરતી જ ના રહેતાં સમગ્ર શાળામાં ચર્ચા થવા લાગી.
મિલન દ્વારા આ એક જન આંદોલન શરૂ થઈ ગયું હતું. ધીરે ધીરે મિલનની જેમ તેની સજામાં સહભાગી બનીને અન્ય વિદ્યાર્થીઓ પણ શાળાએ આવવાનું બંધ કરવાં લાગ્યાં. આ ઘટનાની જાણ આચાર્ય સહિત તમામ શિક્ષકોને થવા લાગી. વિદ્યાર્થીઓ શાળામાં જવાનું બંધ કરવાં લાગ્યાં એટલે અભિભાવકોમાં પણ ખળભળાટ મચી ગયો. બે-ચાર દિવસમાં અડધી નિશાળ જાણે કે ખાલી થઈ ગઈ હતી. આ આંદોલનનું નેતૃત્વ વાલીમંડળે સ્વીકારી લીધું અને બે દિવસમાં આચાર્ય પાસે ખુલાસો માગ્યો.
પરિસ્થિતિ બેકાબૂ જણાતાં શાળાના આચાર્યશ્રીએ શાળાના ટ્રસ્ટીઓને આ વિષયથી અવગત કર્યા. વાલી મંડળના આગેવાનો, આચાર્ય સહિતના શિક્ષકો અને ટ્રસ્ટી મંડળના હોદ્દેદારોની સંયુક્ત મીટિંગમાં રઘુના પિતાજીને આમંત્રિત કર્યા. આ મીટિંગમાં આચાર્યશ્રીએ આંદોલન પાછળની ઘટનાનું સમગ્ર વૃત્ત સંભળાવ્યું. આ હકીકત સાંભળીને રઘુના પિતાજી પણ સ્તબ્ધ થઈ ગયા. મિલનની કુરબાનીને સલામ કરતાં રડી પડ્યા. સમગ્ર મીટિંગ જાણે કે શોકસભામાં પરિણમી.
મિલનની સમર્પણ સાધનાની શક્તિની આગળ લાગવગ અને પૈસાની શક્તિ પાંગળી સાબિત થઈ પડી. જોતજોતામાં રઘુના પિતાજીનું હ્રદય પરિવર્તન થઈ ગયું. તેમણે આજથી સાચું જીવન જીવવાનો સંકલ્પ કર્યો. રઘુના પિતાજી આ શાળાના એમ્બેસેડર બની ગયા. આમ સુખદ અંત સાથે જ શાળાનું આંદોલન સમેટાઈ ગયું. શાળામાંથી કાઢી મુકેલા તે શિક્ષકને ફરીથી સમ્માન સહિત પરત બોલાવ્યા. વાર્ષિક ઉત્સવમાં બન્ને શિક્ષકો સહીત જેમણે સદીઓનું શાણપણ જીવી બતાવ્યું તેવા મૌનતપસ્વી અને કર્તવ્ય નિષ્ઠ મિલનનું સપરિવાર સમ્માન કરવામાં આવ્યું.
સદીઓનું શાણપણ કોઈ પણ જીવી શકે છે.
અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ