Jivanshikshan vishayak kedavani - 3 books and stories free download online pdf in Gujarati

જીવનશિક્ષણ વિષયક કેળવણી - 3 - વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા

વિદ્યાર્થીજીવન : એક પ્રયોગશાળા

ડૉ. અતુલ ઉનાગર

વિદ્યાર્થીજીવન સ્વ-વિકાસના હેતુથી અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોય છે. તે પોતાની જાતને સર્વાંગીણ રીતે વિકસાવવા માટે એક સાધક બનીને કઠોર પરિશ્રમ કરે છે. પોતાની આસપાસની સૃષ્ટિ તેને વિકસવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રોજબરોજની જિંદગીમાં અનેકવિધ નાની મોટી સમસ્યાઓ અને ઘટનાઓ ઘટતી હોય છે. જે અનેકવિધ અવસરોનું નિર્માણ કરે છે. ટુંકમાં આ સૃષ્ટિએ આપણા સૌના વિકાસ માટે એક સુનિયોજિત યોજના ઘડી કાઢી હોય છે.

દુનિયાની દરેક વ્યકિત એકબીજાથી ભિન્ન છે. એટલે કે અનન્ય હોય છે. દરેક વ્યક્તિનું વ્યકિતત્વ અને પ્રકૃતિ વિશેષ હોય છે. આપણે ક્યા બીજનાં વૃક્ષ છીએ તેની ખાતરી કર્યા પછી આપણા જીવન-બીજને અનુરૂપ આહાર-વિહાર અને આદતોથી કેળવવાં જોઈએ. આયુર્વેદશાસ્ત્રએ અને માનસશાસ્ત્રએ માણસની પ્રકૃતિઓના અલગ-અલગ પ્રકારો ગણાવ્યા છે. આથી આપણે સૌ એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિ ધરાવીએ છીએ.

કોઈ આદત (રહેણીકરણી) આપણા માટે ઉપયોગી છે કે નિરુપયોગી, સુખદ છે કે દુઃખદ, શ્રેષ્ઠ છે કે નિમ્ન વગેરેનો નિર્ણય ત્યારે જ લઈ શકાય જ્યારે તે આપણી જીવનશૈલીની પ્રયોગશાળામાંથી પસાર થઈ હોય. આપણને અનુકૂળ જે ખરાઈ કરેલી છે તેવી આદતો જે આપણા જીવનને સફળ બનાવવામાં પાયાની ભૂમિકા ભજવે છે.

જીવન વ્યવહારોને પણ ચોક્કસ પ્રકારની રીતભાતો અને અમુક ઢબોની ટેવો પડાવવી પડતી હોય છે. અન્યોને અનુકૂળ હોય તે આપણને પણ અનુકૂળ હોય જ તે જરૂરી નથી. આથી પોતાનાં શરીર અને મનને અનુરૂપ વર્તન શોધી-કાઢીને તેના આચરણનો સ્વભાવ બનાવવો જોઈએ.

સૌથી અગત્યની બાબત તો એ છે કે મારી મર્યાદાઓની ઢાલ બની શકે અને શક્તિમાં વૃદ્ધિ કરી આપે તેવી અમૂલ્ય ટેવો કઈ કઈ હોઈ શકે? આ માટે મારે મારી જીવનશૈલીની પ્રયોગશાળાની એરણ પર ચઢાવીને મારી પ્રકૃતિને અનુરૂપ શ્રેષ્ઠ આચરવા જેવી આદતો શોધીને તેનું જતન કે સંવર્ધન કરવું જોઈએ. આથી જીવન એ એક પ્રયોગશાળા છે. જીવનભર અલગ-અલગ પ્રકારના પ્રયોગો કરતાં રહેવું પડે છે.

અહીં અમુક નમૂનાના પ્રયોગો દર્શાવ્યા છે. આ પ્રયોગો ફક્ત ઉદાહરણ માટે જ છે. આવા પ્રકારના અનેક પ્રયોગો થઈ શકે. પોતાની મેળે જ અનેકવિધ પ્રયોગના અનુભવોનો સાક્ષાત્કાર કરવો જોઈએ. પ્રયોગો એક અથવા એકથી વધુ દિવસો પૂર્ણશક્તિથી કરીશું તો મને આ અનુકૂળ છે કે પ્રતિકૂળ તેનો નિર્ણય થઈ શકશે.

✓ અમુક દિવસ લોકોના સદ્ગુણોને જ શોધવા ✓ અમુક દિવસ વ્યક્તિનાં સત્કર્મો માણવાં, સાંભળવાં અને કહેવાં ✓ અમુક દિવસ લોકોને માત્ર સાંભળવા (હૃદયપૂર્વક) ✓ અમુક દિવસ માત્ર સેવાકાર્યો જ કરવાં ✓ અમુક દિવસ મૌન રહેવું ✓ અમુક દિવસ માત્ર સકારાત્મક જ વિચારો કરવા ✓ અમુક દિવસ વિચાર શૂન્ય રહેવું ✓ અમુક દિવસ સફળ/શ્રેષ્ઠ વ્યક્તિ સાથે જ રહેવું. ✓ અમુક દિવસ એકાંતમાં રહેવું ✓ અમુક દિવસ વડિલોના અનુભવો સાંભળવા.

✓ અમુક દિવસે ગ્રામીણ, વનવાસી કે કુદરતી જીવન જીવવું ✓ અમુક દિવસ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સદંતર ઉપયોગ ન કરવો ✓ અમુક દિવસ સોસિયલ મિડિયાનો ઉપવાસ કરવો ✓ અમુક દિવસ નદીના કિનારે રહેવું ✓ અમુક ચોક્કસ પર્વતો ચડવા ✓ અમુક પરિક્રમા કરવી ✓ અમુક દિવસ વર્તમાનપત્રો વાંચવાં નહીં ✓ અમુક દિવસ શુદ્ધ ગુજરાતી બોલવાનો પ્રયત્ન કરવો.

✓ અમુક દિવસ માત્ર કુદરતી જ આહારો લેવા ✓ અમુક દિવસ મીઠું (નમક) ન ખાવું કે ઓછું ખાવું ✓ અમુક દિવસ ખાંડ ન જ ખાવી ✓ અમુક દિવસ સુધી તીખું કે તળેલું ન ખાવું ✓ અમુક દિવસ ઉપવાસ કરવાં ✓ અમુક દિવસ ચાલીને કે સાયકલ ચલાવીને ઓફિસે જવું ✓ અમુક દિવસ લીમડો, બાવળ, વડ કે કરંજનું દાતણ કરવું ✓ અમુક દિવસ કોટનનાં જ કપડાં પહેરવાં ✓ અમુક દિવસ પૂર્ણશકિતથી વધુમાં વધુ પાણી પીવું ✓ અમુક દિવસ ફળોનો જ આહાર લેવો ✓ અમુક દિવસ ફક્ત બાફેલો કે શેકેલો જ આહાર લેવો.

ઉપર્યુક્ત પ્રયોગો માત્ર ઉદાહરણ માટે જ છે. આવા અનેક પ્રકારના પ્રયોગો કરવાથી આપણાં વ્યક્તિત્વને કે પ્રકૃતિ અનુરૂપ વર્તનો આપણને મળી જશે. જીવનની આદતો બનાવી શકાય તેવી એક યાદી તૈયાર થઈ જશે. આવી સુટેવો દ્વારા સાચા અર્થમાં સફળ જીવન જીવી શકાય છે. આ સુટેવોનો સરવાળો એટલે ચરિત્ર અને તે જ અર્થપૂર્ણ જીવન હોઈ શકે. સફળતાનો આ જ રાજમાર્ગ છે.

ડૉ. અતુલ ઉનાગર
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED