મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 13 પ્રિયાંશી સથવારા આરિયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 13

રિધિમાંએ પોતાની કોલેજબેગમાં જ નીતિનનું એડ્રેસ મૂકી દીધું. ઘરે પહોંચી અને બસ એ જ નિત્યક્રિયા. બધું પૂરું થયું અને રાત્રે પલંગમાં પડેલી રિધિમાં નીતિનના ઘરે જવું કે ન જવું એ અસમંજસમાં હતી અને એમાં જ સુઈ ગઈ. એ રાત્રે મોડા ઊંઘેલી હતી જેના કારણે એ સવારે વહેલી ન ઉઠી શકી. 5 વાગ્યાની જગ્યાએ 6 વાગ્યે ઉઠી એના કોલેજ જવાના સમયે. ત્યાં તો એની મમ્મી બુમ પાડતી સંભળાઈ.
"રિધું હવે તો ઉઠી જા, તારે કોલેજમાં મોડું થશે."
"કેટલા વાગ્યા મમ્મી?" ઉઠતા જ આંખો ચોળતા એ બોલી.
"અરે જો 6 વાગ્યા" એની મમ્મીએ રસોડામાંથી જ બુમ પાડી કહ્યું.
"6 વાગ્યા" આંખો ચોળતી રિધિમાં રોકાઈ ગઈ અને એની આંખો મોટી થઈ ગઈ. ફટાફટ ઉભી થઇ પોતાની પથારી લઈ લીધી. અને દૂરથી જ ગણપતિ બાપાના ફોટાને પગે લાગી. ત્યારબાદ એ ફટાફટ ન્હાવા જતી રહી. એને નહાતા જ યાદ આવ્યું કે એને આજે નીતિનના ઘરે જવા એને ચેલેન્જ કરવામાં આવ્યું હતું. જવું કે ન જવું એ વિશે વિચાર કરતી રિધિમાંને આ પણ ભગવાનનો ઈશારો જ લાગ્યો. એણે બાથરૂમમાં જ નક્કી કરી લીધું કે એ આજે એ નીતિનના ઘરે જશે.
"રિધું જલ્દી બહાર નીકળ, કોલેજ નથી જવાનું" એની મમ્મી બાથરૂમનો દરવાજો ખખડાવીને ગઈ.
બહાર આવી રૂમાલ રૂમમાં જ બાંધેલી દોરી પર લટકાવી એણે કીધું, "ના મમ્મી નથી જવાનું, એટલે જ મોડા ઉઠી."
"કેમ?" એની મમ્મી રસોડામાંથી બહાર આવી પૂછવા લાગી.
થોડો વિચાર કરતા એ બોલી,"મમ્મી અમે બધાએ આજે નહીં જવાનું નક્કી કર્યું છે"
"એટલે" ન સમજાતા એની મમ્મી રિધિમાં જોડે આવી ઉભી રહી.
"મમ્મી અમે આજે માસ બંક કરવાનું વિચાર્યું છે. અમે કોઈ આજે કોલેજ નહિ જઈએ" રિધિમાં આટલું મોટું જુઠ્ઠાણું મમ્મી સામે જોઇને બોલી ન શકત કદાચ, એટલે બેડની ચાદર સરખી કરવાનો ઢોંગ કરતા બોલવા લાગી.
"આ તમારા લોકોનું પણ કઈ સમજ નથી આવતું, રજાના દિવસે કોલેજ જાઓ અને કોલેજ ચાલુ હોય ત્યારે રજા પાડો છો. નવી પેઢી ન થઈ માનો કે મનમરજીના માલિક થઈ ગયા."
એની મમ્મી રિધિમાંને બેડ સરખો કરતા જોઈ ગુસ્સે થઈ ફરીથી બોલતા બોલતા રસોડામાં ચાલ્યા ગયા.
મમ્મી ગઈ એટલે રિધિમાંને થોડી ટાઢક થઈ, બોલતા બોલાઈ ગયું પણ હવે શુ? એ વિચારતા વિચારતા જ બેડ પર આડી પડી અને ક્યારે સુઈ ગઈ ખ્યાલ જ ન રહ્યો. રાતનો ઉજાગરો તો હતો જ એમપણ.

છેવટે 9 વાગ્યે એની આંખ ખુલી. નિત્યક્રિયા તો પહેલા જ પતી ગઈ હતી, હવે એ બીજા કાર્યોમાં મમ્મીની મદદ કરવા લાગી. કપડાં તો મમ્મીએ ધોઈ દીધા હતા. હવે કચરા-પોતું અને વાસણ બાકી હતા. રિધિમાં એ જ કામોમાં પડી. 11 વાગ્યા હશે કે એ તૈયાર થવા લાગી.
"હવે ક્યાં ઉપડી આ સવારી અત્યારથી?" મમ્મીએ રિધિમાંને તૈયાર થતી જોઈ કટાક્ષમાં કહ્યું.
"મમ્મી, વિચારું છું કે ઓફિસ જરા જલ્દી જતી રહું, અમુક કામ પેન્ડિગ છે તો વહેલા જઈ એ પુરા કરું." એ દુપટ્ટો સરખો કરતા બોલી.
"હા સારું, જાણે વહેલા જઈશ તો તને બોસ બનાવી દેશે એમ કરે છે તું! મને લાગ્યું કે તું આજે મને જમવામાં સાથ આપીશ, ચલ કઈ વાંધો નહિ. તું તો જમી લે."
"ના મમ્મી, હું ટિફિન લઈ લઉં છું, રોજની મોડા જમવાની આદત પડી ગઈ છે."
"હા સારું." એની મમ્મી મનમાં જ બબડે જતા હતા, "બસ માં ની તો કોઈને ચિંતા જ નથી પોતાનો જ સમય સાચવવો છે."
"મમ્મી, એવું કેમ કહે છે?" મમ્મીને પાછળથી જ ગળે લાગી એ બોલી. " મમ્મી બસ હું પણ તારી ખુશી માટે જ તો બધું કરું છું. પ્લીઝ એવું ન બોલ"
"સારું હવે વધુ માખણ ન લગાડ, હવે તારે મોડું નથી થતું?"
"ઓકે હું નીકળું" એ બેગ લેવા કબાટ તરફ ગઈ. જોયું તો ચોપડા બધા ખુરશી પર હતા. અને બેગ એના સ્થાને નહતી.
"મમ્મી મારી બેગ" એણે મમ્મી તરફ જોઈ પૂછ્યું.
"અરે હા એ તારી બેગ ગંદી લાગતી હતી તો મે આજે ધોઈ દીધી, તને પણ સમય હતો આજે એટલે"
"મમ્મી મને પૂછવું તો હતું, એક તો ચોમાસુ 2 દિવસ સુધી બેગ પણ નહીં સુકાય હવે. શુ યાર?" થોડીવાર પહેલા ભાવુક થયેલ એ અત્યારે મમ્મી પર ગુસ્સો કરવા લાગી.
"અને જે કાગળ હતા અંદર એ."
"કાગળ" એની સામે વ્યંગમાં એની મમ્મી બોલી, "બેટા એ જૂની ટિકિટો હતી, અને હવે કઈ કામની નહતી. એટલે કચરાપેટીમાં નાખી દીધી."
"અરે યાર" એ તરત બહાર ઓસરીમાં મુકેલી કચરાપેટીના ડબ્બા તરફ ધસી ગઈ. ડબ્બો ખાલી હતો. "ક્યાં ગયો બધો કચરો?" એ પાછી રૂમમાં ગઈ મમ્મી સાથે ગુસ્સામાં બોલવા લાગી.
"એ તો રામુ લઈ ગયો" એ ખુશી ખુશી રિધિમાં સામે જોયા વગર જ બોલવા લાગ્યા. "પહેલા તો કેટલો મોડો કચરો લઈ જતો, હમણાંથી વરસાદને કારણે જરા જલ્દી લઈ જાય છે."
"અરે યાર" રિધિમાં માથે હાથ દઈ બેસી ગઈ.
"ઓ રાજકુમારી હવે ઓફિસ જવામાં મોડું નથી થતું?"
"હવે ક્યાં જઉં?" મનમાં એ બોલી. પણ બહાર તો એટલું જ કહી શકી, "હા નીકળું છું." એ મમ્મીનું જ સાઈડપર્સ લઈને નીકળી. ક્યાં જઉં એ તો ધ્યાન ન રહ્યું પણ હવે શું કરું? એમ વિચારતી એ રસ્તા પર ચાલવા લાગી. અચાનક ત્યાં એક સોસાયટીનું નામ ધ્યાનમાં આવ્યું.
એ વિચારવા લાગી. "એને પેપર પરનું સોસાયટીનું નામ અને એરિયાનું નામ યાદ આવ્યું." અને અચાનક મો પર ખુશી છવાઈ ગઈ. "પણ ઘર નંબર?? કઈ વાંધો નહિ ત્યાં જઈ શોધી લઈશ. જવું તો ખરા."

રીક્ષા લીધી અને સીધી સોસાયટીની બહાર રીક્ષા ઉભી રખાવી. જોયું તો ઘડિયાળમાં 12 વાગ્યા હતા. વોચમેન જેવું તો કઈ હતું નહીં, પણ કોઈકને પૂછી લેવાશે. એમ વિચારી એ ગેટની અંદર ગઈ. 200 ઘરની સોસાયટી હતી. શરૂમાં એક-બે ઘરને પૂછ્યું પણ નંબર ન મળ્યો. હવે તો એ જ રસ્તો હતો જે દેખાય એને પૂછવું નહિતર પાછા જતા રહેવું. એણે પૂછવાનું નક્કી કર્યું. 20 મિનિટની કસરત પછી એ છેલ્લી લાઈનના એક ઘરની બહાર આવી અને ત્યાં ઓસરીમાં એક વૃદ્ધ દેખાયા. રિધિમાંએ એમને પૂછ્યું, "અંકલ, મિ. નીતિન પટેલ. એમનું ઘર ક્યાં છે? આપ જાણો છો?"
"હા હા જાણું છું પણ આપ કોણ?" એનું નિરીક્ષણ કરતા એ કાકા બોલ્યા.
"હું કોણ એ જવા દો, પ્લીઝ મને એમનું ઘર બતાવોને"
"અરે પણ તમે તમારું નામ કહેશો ત્યારે હું એમને કહી શકીશ ને"
"અરે, ખરું કરો છો અંકલ. મે ખાલી ઘર પૂછ્યું છે. તમારા વિશે નથી પૂછ્યું કે તમે આમ મારા વિશે પૂછો છો!"
"હા કેમકે, આ ઘર મારુ છે અને.." રિધિમાં આવા જવાબથી કંટાળી ત્યાંથી નીકળી રહી હતી કે, ".. મિ. નીતિન પટેલ મારો દીકરો" એ હસતા હસતા બોલ્યા.
"ઓહ મતલબ તમે...." રિધિમાંએ એમની તરફ આંગળી કરી આગળ બોલવા જતી હતી.
"એનો બાપ" અંદર આવવાનો ઈશારો કરતા એ રિધિમાંને ઘરની અંદર લઈ ગયા. બેડ પર બેસવાનું કહી એ રસોડામાંથી પાણી લેતા આવ્યા. રિધિમાંને પાણી આપ્યું, પાણી પીતા એણે રૂમનું નિરીક્ષણ કરી લીધું. સાદો રૂમ, ઘડિયાળ સિવાય કંઈ જ લટકાવેલ ફોટો કે ભગવાનનો ફોટો નહિ. એક ટેબલ પર ટેકવેલ સોનીનું 21" નું ટીવી. બે બેડ અને વચ્ચે ટેબલ. બસ બીજું કંઈ નહીં. અંદરની બાજુ એક બેડરૂમ જેવો હતો અને એક બાજુ રસોડું. નીતિનના પિતા ગ્લાસ લઈ રસોડામાં મૂકી આવ્યા. પછી રિધિમાં સાથે બેઠા.
"હા તો બેટા તમે ?"
"જી હું રિધિમાં, સરની સાથે નોકરી કરું છું, બે દિવસથી એ ન આવ્યા તો બસ એમની તબિયત જોવા આવી ગઈ."
"ઓહ રિધિમાં" એમના દિકરાની એ દિવસની હાલત એમને યાદ આવી ગઈ. "તો તમે અચાનક આજે? મતલબ ઓફિસને બધું?"
"હા એક્ચ્યુલી, હું કોલેજથી આવી અને સરનું ઘર રસ્તામાં જ પડતું હતું એટલે બસ આવી ગઈ ખબર પૂછવા."
એનું જુઠ્ઠાણું દેખાઈ આવ્યું, પણ એનાથી મગનભાઈ વિચલિત થયા વગર જ વાત કરવા લાગ્યા. આખરે એમના દિકરાની પરિસ્થિતિ વિશે એમને ખ્યાલ હતો, તો જો એનું જીવન સરળ બની શકતું હોય તો એવી કોઈ તક એ જતી કરવા માંગતા નહતા.
"બેટા મે તારું નામ ફક્ત એકવખત સાંભળ્યું છે, અને એ પણ જોયું છે કે મારા દીકરાને તારી સાથે જોડાયેલી વાતોથી ખૂબ ફરક પડે છે. એનો તો મને ખ્યાલ હતો, પણ આજે સમજી ગયો કે તને પણ એનાથી ફરક પડે છે કદાચ એટલે જ અહીં સુધી આવી છે." મગનભાઈ જે રીતે બોલી રહ્યા હતા, એમના શબ્દોમાં આજીજી અને કડકાઈ બંને દેખાતી હતી.
"અંકલ, એવું.... એવું કંઈ નથી." થોથવાતા બોલવા લાગી
"એમ પણ એમના વિશે એવું વિચારવું બહુ જ ખોટું કહેવાય."
"એટલે તું શું કહેવા માંગે છે?" એમને કઈ સમજ ન આવતા પૂછ્યું.
"સરના લગ્ન થઈ ગયા છે, એટલે આ ખોટું છે." નિરાશહ થઈ મો નીચું રાખી બોલી.
"અચ્છા તો એ કારણ આપ્યું તને દૂર રાખવા નીતિને." મગનભાઈ હવે અફસોસ વ્યક્ત કરવા લાગ્યા.
"આ છોકરો પણ, બસ પોતાનો જ દુશમન બન્યો છે."
"મતલબ હું કઈ સમજી નહિ."
"મતલબ...." ઉભા થઇ પોતાની વાતની શરૂઆત કરતા બોલવા લાગ્યા.
"હમણાં થોડા દિવસ પહેલા નીતિન આવ્યો ત્યારે તું ઘરે ન પહોંચી હતી એ વાતને લઈને એ જે રીતે પરેશાન હતો, મને લાગ્યું જ કે એને તારા સાથે લગાવ છે. આજે એ પણ ખબર પડી ગઈ કે તને પણ એના પ્રત્યે લગાવ છે. એટલે કદાચ આ વાત તને કહેવામાં મને સંકોચ નહિ થાય."
રિધિમાંના કોઈ પણ પ્રતિભાવની પરવા કર્યા વગર એમણે પોતાની વાત મૂકી. "મારા દિકરાની આ પરેશાની જો તારા કારણે દૂર થતી હોય તો હું પણ ખુશ થઈ જઈશ." અચાનક રિધિમાં સામે ફરીને વાત બદલતા "બેટા તું ચા પીશ?"
"અંકલ પ્લીઝ તમે શું કહેતા હતા એ કહોને આ બધું પછી થશે!"
"લાગે છે મારા કરતાં તો તને વધુ ઉતાવળ છે નહીં" હવે મુદ્દા પર આવવાના હોય એમ ગંભીર થતા, " હું અને નીતિન બસ બે જણ જ છે અમારા પરિવારમાં, એની માતા એને 2 વર્ષનો મૂકીને ભગવાનને ઘરે જતી રહી, મારી ઝેરોક્ષની દુકાન હતી ભાવનગરમાં તો એમાં અને નીતિનને સાચવવમાં ક્યારે એ મોટો થઈ ગયો, માસ્ટર્સ ઇન સાયકોલોજી કર્યું ખ્યાલ જ ન આવ્યો. બસ પછી કોઈ નોકરીમાં એને રસ નહતો. એને તો બસ મારુ ઘડપણ સાચવવું હતું. એટલે મારા માટે થઈ સારી નોકરી સ્વીકારવાને બદલે એ દુકાનમાં જ જોડાયો. એની સારી એવી ધગશ અને વ્યવસાયિક મગજને કારણે અમારે ધંધામાં સારી એવી પ્રગતિ થઇ અને સારી કમાણી થવા લાગી. ત્યારબાદ મે એને ઘરસંસારમાં વ્યસ્ત કરવા વિચાર્યું. સ્ત્રીઓથી એ દૂર જ રહેતો. ફ્રેન્ડ પણ કોઈ નહતી. લગ્ન થશે એટલે એના જીવનમાં એક સ્ત્રીનું મહત્વ સમજાશે એમ વિચારી મેં છોકરી જોવા જવાનું વિચાર્યું. અને અમે ગયા એને જોવા, 'સંગીતા' નામ અનુસાર એકદમ સંસ્કારી છોકરી હતી એ અને મે નીતિન તરફથી હા પાડી દીધી. એ ભાવનગર નજીક જ એક ગામમાં રહેતી હતી. નીતિનનો વિચાર તો વધુ રાહ જોવાનો હતો. એ થોડો સ્થાયી બનવા ઈચ્છતો હતો. પણ મારી હા ને કારણે એને પણ સંગીતાને સ્વીકારી લીધી. એ બંનેના લગ્ન થયા અને 2 વર્ષમાં તો અમારા ઘરે પારણું બંધાવવાનું હતું. સંગીતા જેટલી સરળ હતી એટલી વ્યવહારમાં કુશળ હતી. થોડા જ સમયમાં એને અમારા કુટુંબમાં બધા લોકોના હૃદય જીતી લીધા અને નીતિન પણ એને પ્રેમ કરવા લાગ્યો હતો. પ્રથમ સુવાવડ હોઈ એ એના પિયર ગઈ. પણ એ રાત્રે......" એમનું ગળું સુકાઈ ગયું, ડૂમો બાજી ગયો અને શબ્દો ત્યાં જ અટવાઈ ગયા. રિધિમાં ઝડપથી રસોડામાં જઇ પાણી લઈ આવી. મગનભાઈને પાણી પીવડાવ્યું અને શાંત કર્યા.

એમના શાંત થયાના થોડીવાર પછી, "પછી શું અંકલ?"
"પછી બસ આજની જ તારીખ હતી એ, એ ત્યાં પિયરમાં અને નીતિન મારી સાથે, ખૂબ વરસાદ હતો ને લેન્ડલાઈન બધી જ ડેડ. હજુ તો એને આઠમો જ મહિનો હતો અને એકાએક દર્દ ઊપડ્યું, હોસ્પિટલમાં લઈ જવું શક્ય ન હતું, કોઈ રીતે એ લોકો લઈ ગયા, પણ બહુ મોડું થઈ ચૂક્યું હતું. મારી દીકરી જેવી સંગીતા અમને છોડી જઈ ચુકી હતી, જે દીકરીને જન્મ આપ્યો એ પણ 24 કલાક જીવીને કુપોષણને કારણે મરી ચુકી હતી. અમને તો છેક બપોરે જાણ થઈ અને અમે ત્યાં ધસી ગયા. પણ ત્યાં સુધી બધું પૂરું થઈ ચૂક્યું હતું." એમની આંખોમાંથી બોલતા-બોલતા તો આંસુ નીકળી ગયા. "એ પછી નીતિન ત્યાં ભાવનગર ન રહી શક્યો, બધું જ વેચીને અમે અહીં આવી ગયા અને એ નોકરી કરવા લાગ્યો. મારી માટે બધું જ કામ કરી ઓફિસ જાય અને પાછો આવે એટલે મને મદદ કરાવે. બસ એના જીવનમાં આ જ રહી ગયું છે. પણ દરવર્ષે જ્યારે આજનો દિવસ આવે એટલે એ પાછો પોતાના દુઃખમાં ડૂબી જાય છે."

એમને જ્યારે પોતાના દિકરાનો આખો ઇતિહાસ સંભળાવ્યો ત્યારે રિધિમાં સામે જોયું, તો એની આંખોમાં પણ આંસુ હતા. જાણે નીતિનના જીવનની બધી તકલીફ એના માથે જ આવી હોય. એને પણ એ બોજ વર્તાયો જે નીતિન આટલા વર્ષોથી ઉઠાવી રહ્યો હતો. મગનભાઈ કઈ આગળ બોલે એ પહેલાં રિધિમાંએ પાણીનું બહાનું બતાવ્યું. રસોડામાં જાતે જઈ પાણી પીવાના બહાને એણે પોતાનું મો સાફ કર્યું. બહાર આવી અને એક ગ્લાસ પાણી ભરી કાકાને પણ આપ્યું.
"ના ના બેટા, મને નથી પીવું. જયારથી તું આવી છે ત્યારનું પાણી જ પીધા કરીએ છીએ. હવે એ મુક અને તું કે, તું શું પીશ? ચા, કોફી કે શરબત" પાણીનો ગ્લાસ હાથમાં લઈ ઉભા થતા બોલ્યા.
"ના ના અંકલ, મારે કઈ જ નથી જોઈતું. હું ઠીક છું. સરને મળવા આવી હતી પણ સારું થયું કે તમે મળી ગયા. મને તમને મળી ખૂબ ખુશી થઈ." એણે મગનભાઈને રસોડામાં જતા રોક્યા.
"ના ના એમ થોડી ચાલે, તું પહેલી વાર જ આવી છું. અને એમ થોડી કઈ ગરમ-ઠંડુ કર્યા વગર જવા દેવાય. એમાં પણ જ્યારે તારા આ મગનકાકાએ તને આટલી દુઃખી કહાની સંભળાવી હોય ત્યારે તો ખાસ." એ રસોડામાં જતા રહ્યા. પાછળ રિધિમાં પણ ગઈ.
"ઓકે અંકલ, તો હું ચા પીશ, પણ ત્યારે જ જ્યારે તમે મને બનાવવા દો."
"અરે દિકરા, તું મહેમાન છું. એમ થોડી તને ચા બનાવવા દેવાય"
"શુ અંકલ, ક્યારના મને તમારી દિકરીની જેમ કહો છો. અને મને ચા બનાવવા જેટલો અધિકાર પણ નથી આપતા, હું ક્યારેય નહીં આવું પછી હં......." એણે પોતાનો ખોટો ગુસ્સો બતાવ્યો.
"અરે ના ના દીકરા, આટલા વર્ષો પછી તો નીતિનને ઓળખનાર કોઈ ઘરે આવ્યું છે. તું બહુ ખાસ છે અને જો ઘરે આવતી રહીશ તો મને પણ ગમશે. એટલે આમ નારાજ ન થા. લે તું ચા બનાવ, હું તને બધી વસ્તુ બતાવી દઉં." બધી વસ્તુઓ આપ્યા પછી જ્યારે ચા ઉકળતી હતી ત્યારે મગનકાકા રિધિમાંને કહેવા લાગ્યા. "દિકરા તું અહીં આવી એટલે હું ખૂબ ખુશ થયો, જાણે તને ક્યારનો ઓળખતો હોઉં એવું લાગ્યું. જો નીતિન તને આટલું માને છે અને તું પણ એનું આટલું ધ્યાન રાખે છે તો તું એને આ ઉદાસીમાંથી બહાર નિકાળ ને! હું તો પ્રયત્ન કરીને થાક્યો."
રિધિમાં કઈ જ ન બોલી. ચા ઉકળી ગઈ પછી એણે કપમાં ગળી એક કપ મગનભાઈને આપ્યો. અને બીજો કપ એણે લીધો. કાકાએ બહાર બેસવાનો આગ્રહ કર્યો એટલે બંને બહાર બેઠા. રિધિમાં બેડ પર બેઠી હતી અને થોડે દુર મગનભાઈ એક ખુરશી લઈ બેઠા. ચાનો ઘૂંટડો ભરતા, તીરછી નજરે એમણે રિધિમાં તરફ જોયું. એ હજુ પોતાનો કપ બે હાથમાં પકડી રહી વિચારોમાં જ ખોવાયેલી હતી.
"બેટા રિધિમાં"
"હમ્મ" વિચારોમાંથી બહાર આવી એ પોતાનું જ નામ સાંભળતા .
"તે કઈ કીધું નહિ પછી મને"
"અંકલ શુ હું નીતિનસરને મળી શકું અત્યારે?" એ કચવાતા મને બોલી. પોતાની દ્વિધા એ નીતિનની સામે મુકવા ઇચ્છતા હતી.
"ના" મગનકાકાએ રિધિમાંને આમ ના પાડી એટલે એનું મો પડી ગયું. કદાચ કઈક ખોટું બોલી ગઈ હોય એવી શંકા એને પોતાના પ્રત્યે થઈ.
"તને એ હાલ તો નહિ જ મળે, એ ઘરે નથી" ચા પુરી થતા એમણે કપ ખુરશીના પાયા નજીક મુક્યો અને રિધિમાં સામે જોવા લાગ્યા. એના મનમાં જે ભાવો હતા એ ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મગનકાકા એ ભાવો સમજવાની કોશિશ કરી રહ્યા હતા.
રિધિમાં મનોમન વિચારી રહી હતી, "નીતિનસર માટે આ દિવસો જો એટલા જ ભારે હોય તો એ અત્યારે ઘરે કેમ નથી? ક્યાં છે એ?"

(રિધિમાંને નીતિનનું ઉદાસીનું કારણ મળી ગયું પણ એની દુઃખની જડ અને પોતાને ના પાડવાનું કારણ ન સમજી શકી. પ્રથમવાર મળનાર મગનભાઈ રિધિમાં સાથે આટલો સારો વર્તાવ કરી શકે છે તો નીતિન જે રિધિમાંને આટલું જાણે છે એ કેમ પોતાનાથી દૂર કરે છે. એ વસ્તુ રિધિમાંને પરેશાન કરી જ રહી છે પણ એ સાથે જ એક સવાલ કે નીતિન ક્યાં છે? એ પણ હેરાન કરી રહ્યો છે. એને મળ્યા વગર આ દ્વિધામાંથી બહાર નીકળવું શક્ય નથી. અને એ ક્યાં છે એનો કોઈ અણસાર નથી. જો વાંચકોને પણ આ જ સવાલ સતાવતો હોય તો આગળનો ભાગ માત્ર તમારી માટે જ છે.)