સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ- ૪ Bhavesh Lakhani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંઘર્ષ ની ભઠ્ઠી ભાગ- ૪

સંઘર્ષ ની ભઠ્ઠી

ભાગ- ૪


દશરથના એ પગલાં ગામની બહાર જઈ રહ્યા હતા. દશરથ પોતાની સાત વર્ષની દીકરી સોની ને લઇ ગામની ભાગોળે આવેલા શિવ મંદિરમાં જઈને બેસી ગયો. એક રાત વિતાવવાનો સવાલ હતો છતાં પણ દશરથ પોતાના ઘરે જવા તૈયાર ન હતો. એના મનમાં એક ડર બેસી ગયો હતો કે કદાચ હજુ પણ મૃદુલા મારી સોની ને સુખેથી જીવવા નહીં દે એટલા માટે હવેતો મૃદુલાનો પડછાયો પણ સોની પર પડવા નહીં દઉં. આવો વિચાર કરી તેને મંદિરમાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું. સોની ની હાલત પણ હજુ નાજુક હતી એટલે આખી રાત સોની ને પોતાના ખોળામાં માથું નાખીને સુવડાવી દીધી. દશરથ આખી રાત પોતાની લાડકી દીકરી ના માથા માં વ્હાલથી હાથ પંપાળતો રહ્યો અને વિચારતો રહ્યો કે સવારે શું કરવું....?? દશરથ આખી રાત જાગ્યો અને પોતાના મનમાં કંઈક યોજના બનાવતો રહ્યો.

સવાર પડી દાદા ના કોમળ કિરણો ધરતી પર પડ્યા એટલે દશરથે પોતાની દીકરી સોનીને વ્હાલથી હાથ ફેરવીને જગાડી. ગામમાં આખા દિવસ દરમ્યાન બે જ બસો ની અવરજવર રહેતી હતી. એક વહેલી સવારે અને બીજી અને છેલ્લી બસ સાંજના સમયે આવતી હતી. સવારના સાત વાગ્યા એટલે બસ ગામમાં આવી. દશરથ સોનીને લઈને તે બસમાં બેસી ગયો. આરામ થઇ ગયો હોવાથી હવે સોનીની તબિયત ઘણી સુધારા પર હતી. તેને પણ થોડું અજુગતું લાગતું હતું એટલે એને દશરથને સવાલ કર્યો કે, બાપુ...., આપણે ક્યાં જઈ રહ્યા છીએ...?? ત્યારે દશરથે ટૂંકમાં જવાબ આપ્યો કે, '' જ્યાં સુખ મળે ત્યાં ''. આવા જવાબથી સોની ને કઈ સમજણ ન પડી એટલે એ શાંતિથી બેસી રહી. બાપ-દીકરી શાંત ચિતે બસમાં બેઠા ત્યાં ધુંવાડા કાઢતી બસ શહેર તરફ દૌડ઼વા લાગી. બીજી તરફ અહીં ઘરે મૃદુલા રાતથી બંને ની રાહ જોઈ રહી હતી. પરંતુ વિધાતા એ શું માંડયું હશે એની કોને ખબર....!!

ત્રણ-સાડાત્રણ કલાકનો સમય વીત્યો હશે ત્યાં તો ઊંચી-ઊંચી ઇમારતો દેખાવા લાગી. બસ શહેરના માનવમેદની થી ઉમટેલા રસ્તાઓ પાર કરતી આગળ વધવા લાગી. નાની એવી સોની બાપુના ખોળામાં સૂતાંસૂતાં બસની બારીમાંથી રંગબેરંગી શહેર નો નજારો જોવા લાગી. તેનો ચહેરો ખુબજ ખુશ જણાતો હતો. તેને ખુશ જોઈ દશરથ પણ ગદ્દગદ્દ થઇ ગયો. જાણે આખું શહેર વીંધાઈ ગયું હોય તેમ શહેર ના છેવાડે આવેલા બસ સ્ટેશન માં બસ થોભી ગઈ. દશરથના મનમાં શું યોજના હતી એનાથી સોની બિલકુલ અજાણ હતી. બપોરના લગભગ બાર વાગ્યાનો સમય થયો હશે. દાદાનો તાપ બરોબર માથા પર આવી ચુક્યો હતો. સવારના નીકળ્યા હતા એટલે ભૂખ પણ બરોબરની લાગી હતી. સોની એ વિનંતીભર્યા સ્વરે કહ્યું કે, બાપુ..., બહુજ ભૂખ લાગી છે. દશરથે દિલાસો આપતા કહ્યું કે હા બેટા ..., જરૂર થોડા આગળ જઈને સારું ભોજનાલય આવે એટલે આપણે જમી લઈએ.બાપ-દીકરી બંને ધીમા-ધીમા ડગલાં માંડતા આગળ વધી રહ્યા હતા. એવામાં એક સારું એવું ભોજનાલય સામે દેખાયું.

દશરથ અને સોની એ ભોજનાલયમાં ગયા. બાપ-દીકરીએ ખુબજ ધરાઈને ભોજન કર્યું. સોની ને ભોજન કરવાથી સંતોષ વળ્યો એટલે એનામાં હવે ઊર્જા આવી ગઈ હતી. બાપ-દીકરી શહેરની પાક્કી સડકો પર ચાલ્યા જતા હતા. થોડી વાર થઇ એટલે સોની એ પૂછ્યું કે બાપુ આપણે ક્યાં જઈ રહ્યા છીએ...?? હજુ તો સોનીનો સવાલ પૂરો થયો ત્યાં તો દશરથના પગ એક વિશાળ દરવાજા પાસે આવીને થંભી ગયા. તેઓ દરવાજામાં દાખલ થયા. સરસ મજાનો બંગલો હતો. સોની તો મનોમન વિચારી રહી હતી કે, આવડુ મોટું ઘર કોનું હશે...?? મુખ્ય દરવાજા પાસે પહોંચ્યા એટલે દશરથે બેલ વગાડયો, ત્યાં તો બે જ સેકન્ડમાં દરવાજો પણ ખુલી ગયો. જાણે કે બાપ-દીકરીની જ રાહ જોવાઈ રહી હોય...!! દરવાજો ખુલતાની સાથે જ સામે સૂટબૂટ માં ઉભેલા વ્યક્તિએ આશ્ચર્ય અને પ્રસન્તા બંનેનો સમન્વય સાધતા કહ્યું કે, અરે દશરથ તું ...!! આટલો મધુર સ્વર સાંભળતાની સાથ જ દશરથ પોતાન બાળગોઠિયા મિત્ર પવનને ભેંટી પડ્યો. બંને મિત્રો કેટલા સમયે મળ્યા હશે એની ખબર જ નથી. ખાસ્સો સમય વીતી ચુક્યો હતો.

પવન અને દશરથ બંને બાળગોઠિયા મિત્રો હતા. બાળ વયમાં સાથે રમ્યા-કૂદયા , સાથે ભણ્યા, સાથે મોજમસ્તીઓ કરી, સાથે ઘણી ઉછળકુદો કરી અને સાથે ઘણા ખેલ ખેલ્યાં. સાથે સાથે જુવાન થયા, લગ્ન થયા અને જીવનને ઘણી છોળો સાથે રહીને વિતાવી. લગ્નના અમુક સમય પછી પવન પોતાની પત્ની ને લઈને વ્યવસાય અર્થે શહેર માં વસવાટ કરવા માટે આવી ગયો. અને દશરથ ત્યાં ને ત્યાં જ રહ્યો.

ઘણા સમયના વિરહ પછી બંને મિત્રો એકબીજાને મળ્યા હતા. બંને મિત્રો બેસીને ગપ્પા મારવા લાગ્યા. પોતાની જુવાની અને બાળવયના ઘણા સંસ્મરણો ખોળવા લાગ્યા. વાતવાતમાં દશરથની આંખોમાં આંસુ આવી ગયા. દશરથનો દયામણો ચહેરો મુરઝાઈ ગયો. હસતા હસતા અચાનક દશરથની આંખમાં આંસુ આવ્યા એટલે પવન સમજી ગયો કે એનો બાળગોઠિયો કંઈક ભેદી મૂંઝવણમાં છે. પવને થોડી સ્નેહની ઊર્જા અને પોતાપણાની હૂંફ આપતા કહ્યું કે, દોસ્ત તારા મન માં જે પણ ભર્યું હોય તે આજે મારી સમક્ષ ઠાલવી દે. ખરા મિત્રના સાચા આગ્રહને વશ થઇ દશરથે પોતાની આપવીતી કહેવાની શરુ કરી : સોની નો હાથ પકડી ને દશરથે પોતાની પાસે બોલાવી કહ્યું કે, આ મારી દીકરી સોની છે. ત્યાર બાદ તેના પર વીતેલી બધીજ હકીકત તેને પવનને કહી બતાવી. દશરથ સાથે જે જે ઘટનાઓ ઘટી એ બધી ઘટનાઓ વિશે સાંભળીને પવનની આંખોમાંથી પણ શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. બંને મિત્રો ખુબ રડ્યા.

પવને કહ્યું કે, બોલ મિત્ર હું તને શું મદદ કરી શકું...?? પોતાના મિત્રના નિખાલસતાભર્યા સ્વભાવથી પરિચિત દશરથે પવનને કહ્યું કે, મારી આ અમાનત ( સોની) ને તારે સાચવવાની છે. એક પણ પળ નો વિલંબ કર્યા વગર પવને સોનીને પોતાના હાથથી ઉઠાવી ને પોતાના હૃદય સમી ચાંપી લીધી. સાથેસાથે પવનના પરિવારે પણ સોનીને હસતા મોઢે અપનાવવાની સંમતિ આપી દીધી. પોતાનું કાર્ય પૂર્ણ થયું એટલે મુખમાં હસી અને અંતર વેદના સાથે દશરથે પવનના ઘેરથી વિદાય લીધી. જનક જાનકીને વિદાય આપે પરંતુ અહીતો જાનકીને પારકા ઘરે મૂકીને જનક વિદાય થયા. દીકરી સોની પણ પોતાના જતા બાપને વળગી રહી. દીકરી સોની પણ નિખાલસતાથી પૂછવા લાગી કે , બાપુ મને એકલી મૂકી તમે ક્યાં જાવ છે....?? પોતાની દીકરીના સોહામણા વહેણ સાંભળતા પિતા ના પગ પણ ભારે થઇ ગયા. છતાં પણ છોડ્યા સિવાય છૂટકો ન હતો. દીકરી સોની ને પોતાનાથી અળગી કરી દશરથ જતાંજતાં એટલું બોલ્યો કે બેટા અહીં તું સુખેથી રહી શકીશ. આગળ બોલવા જતા દશરથના ગળે ડૂમો ભરાઈ આવ્યો તે એક પણ શબ્દ આગળ બોલી ના શક્યો અને તે પોતાના કાળજાના કટકા ને છોડીને ચાલ્યો ગયો.

હવે અહીં સોની ના જીવનનો બીજો અધ્યાય શરુ થયો. પવનના પરિવારના બધાજ સભ્યો સ્વભાવે ખુબજ સારા હતા એટલે સોનીને પણ સારી રીતે સાચવતા હતા. પવનના પરિવારમાં તેની પત્ની અને બે દીકરીઓ એમ મળીને ચાર સભ્યોનું પરિવાર હતું. જેમાં હવે એક સભ્યનો વધારો થયો. પાંચ જણનું પરિવાર સુખેથી રહેતું હતું. સોની જે ચીજવસ્તુ ની માંગણી કરે અથવા તો એની જે પણ ખ્વાઈશ હોય તે તમામ પૂર્ણ થઇ જતી હતી. સોની પવનના ઘરે ખુબજ ખુશી અને સુખી હતી. આવું સુખ એને ત્રણ વર્ષ સુધી ભોગવ્યું જેમાં નહિ કોઈ જાતની રોકટોક કે નહીં કોઈ જાતની વેદના કે કષ્ટી..!! હવે સોની ચૌદ વર્ષની થઇ ચુકી હતી. તે તો ખરા જીવનની મજા માણતી હતી પરંતુ કદાચ હવે તેના નસીબમાં વધારે સુખ ભોગવવાનું નહીં હોય...!! એમ એક દિવસ.....


ક્રમશ.....


ભાવેશ લાખાણી