Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 9

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 9

સીતાજીમાં પુત્રી, માતા અને પ્રિય પત્નીના ત્રણેય મુખ્ય નારી રૂપ ઝળહળી રહ્યાં છે. સીતા શ્રી રામની દિવ્ય જ્યોતિ છે, સતીત્વની જીવંત પ્રતિમા છે, પતિવ્રતા નારીનું પ્રેરક પ્રતીક છે. જે શીલ, સેવા સમર્પણ અને સહનશીલતાની મહેંક ફેલાવે તે નારી જ નારાયણી બને છે. શ્રી વાલ્મિકીનું રામાયણ એ ઇતિહાસ છે માટે તેમાં લવ –કુશ કાંડનો સમાવેશ થયેલો છે.

સીતાજીની ગર્ભાવસ્થામાં જ અનેક ઋષિ- મહર્ષિઓએ એક સાથે આવીને ગર્ભાધાન સંસ્કાર કર્યા હતા. ગર્ભાવસ્થામાં વાલ્મીકિ ઋષિ અને ગૌતમી માતાના આશ્રમમાં આશ્રય લઈ લવ અને કુશ જોડિયા પુત્રોને જન્મ આપ્યો. જન્મ સંસ્કાર અને નામકરણ પણ અજાણતા જ શત્રુઘ્ન દ્વારા થયા હતાં. તેઓનો ઉછેર એક ક્ષત્રિયને શોભે તેવો કરવામાં સીતાએ તકેદારી રાખી હતી. વીરતા- શૂરવીરતાના ગુણ સાથે સ્વાવલંબનનું સિંચન કર્યું હતું. બાળકો મોટા થતાં એક ઘટના એવી બની કે તેઓએ પોતાની તેજસ્વિતા ફેલાવી.

અયોધ્યાના રાજા શ્રી રામ અયોધ્યાની પ્રજાને ‘અશ્વમેઘ યજ્ઞ’ જોવાની ઈચ્છા હોવાથી અશ્વમેઘ યજ્ઞ કરવાનું નક્કી કર્યું. વેદોક્ત વર્ણન વાળો શ્યામકર્ણ ઘોડા પર વિશ્વામિત્રે કહ્યું એ મુજબનો એક પત્ર લખી તેના માથા પર બાંધવામાં આવ્યો. યજ્ઞનો આ ઘોડો લઈ સેના યુધ્ધ કરવા નીકળી. યમુનાજી ઓળંગીને લવણાસૂરની સેના ને હરાવી શ્રી વાલ્મીકિ ઋષિના આશ્રમ પાસે સેના એ પડાવ કરી ઘોડાને એક વૃક્ષ ના થડે બાંધી દીધો. સીતાજીના બળવાન પુત્રો લવ અને કુશએ આ ઘોડો અને તેમાં લખેલ પત્રનો પડકાર વાંચ્યો. બંને ધનુષ્યબાણ લઈને શત્રુઘ્નની પહોચી ગયાં. બાળક જાણીને તેમણે સમજાવ્યા પણ આ તો નીડર- શૂરવીર બાળકો હતાં. તેમણે તો યુધ્ધ માટે લલકાર કર્યો. સેના, સેનાપતિને ઘાયલ કર્યા, કાયર સૈનિકો ભાગ્યા.. ભરત-શત્રુઘ્ન અને લક્ષ્મણને પણ મૂર્છિત કર્યા. આ ધમાસાણ યુદ્ધમાં સુગ્રીવ- હનુમાન સમસ્ત વાનર સેનાને પરાસ્ત કરી બેભાન કરી દીધા. અંતે અયોધ્યા સમાચાર પહોંચ્યા અને યજ્ઞ અધૂરો મૂકીને સ્વયં શ્રી રામ આવ્યાં તેમણે બાળકોની ઓળખ પૂછી ત્યારે કહ્યું કે અમે જનકરાજાની પુત્રી જાનકીના પુત્રો છીએ પરંતુ અમારા પિતાના વંશની ખબર નથી. તે જ સમયે ઋષિ વાલ્મીકિ ત્યાં આવી જતાં લવ કુશ અને પિતા રામ વચ્ચે યુધ્ધ ન થયું. સીતાને આ સમગ્ર ઘટનાની જાણ થતાં તે દુખી થયા કારણકે બંને પુત્રોએ પોતાના જ કુટુંબીઓ અને સેના પર પ્રહાર કર્યો હતો. પોતાના પિતાનું સન્માન કરવાને બદલે તેની સાથે લડત આપવા તૈયાર થયા હતાં. એ સમયે લવ કુશને તેઓની સાચી ઓળખ આપે છે. શ્રી રામ તેઓના પિતા છે તે જણાવે છે. શ્રી રામ પ્રસન્ન થઈ બાળકોને રાજસભામાં આમંત્રણ આપે છે. બાળકો ત્યાં જઈને રાજસભામાં પોતાની માતા સીતાનું જીવન ચરિત્રનું ગાન કરે છે. સીતાના જન્મ થી લઈ પોતાના જન્મ અને ઉછેરની કથા સંભળાવે છે. ભરી સભામાં આ પુત્રો રામ અને સીતાના છે એમ જાણ થાય છે. નિષ્કલંક સીતા પર અયોધ્યાની પ્રજાએ ખોટો આરોપ લગાવ્યો હતો તેને કારણે જનક દુલારી, રઘુવંશની પુત્રવધૂ એ દુખ સહન કરવું પડ્યું.

આ બાળકો સીતા અને રામના જ છે તેનું પ્રમાણ દેવું પડશે તેવી અયોધ્યાની પ્રજાની હજુ પણ ઈચ્છા છે. અયોધ્યાવાસીઓ સીટની શુધ્ધતાનું પ્રમાણ માંગે છે. ફરી રાજા રામ પ્રજાની ઈચ્છા કરવાં રાજસિંહાસનની મર્યાદા માટે ફરી સીતા સભામાં આવીને પ્રતિજ્ઞા લેવા જણાવે છે. શ્રી રામ તો જાણે છે કે સીતા પવિત્ર છે, નિષ્કલંક છે, પોતે તો સદાય સીતાનો સ્વીકાર કરવાં તૈયાર છે પરંતુ ‘લોકો શું કહેશે?’ના ડરથી ફરી સીતાને પ્રમાણ આપવાનું જણાવે છે. ઋષિ વાલ્મીકિ સહિત સીતા આવે છે. વિશ્વામિત્ર અને અનેક મહર્ષિ- ઋષિઓ રાજસભામાં બિરાજમાન છે ત્યારે સીતા કહે છે કે “હું હંમેશ પ્રમાણ જ આપતી રહું ? મારી જ અગ્નિ પરીક્ષા થતી રહે ? હે, ધરતીમા ! હું તારી પુત્રી છુ, હવે મારી સહનશીલતાની ખૂટી ગઈ છે, મને માર્ગ આપ અને તારા ખોળામાં આશ્રય આપ.” ધરતી મા પ્રગટ થાય છે અને અંતે પતિવ્રતા નારી સીતા – ધરતી પુત્રી ભૂમિજાને શેષભગવાન મણિ જડિત સિંહાસન પર બિરાજમાન પાતાળમાં સમાય જાય છે.

શ્રી રામ આક્રંદ કરે છે, રોકવાનો પ્રયાસ કરે છે, લવ અને કુશ પોતાની માતાને રોકવા રોકકળ કરે છે, અયોધ્યાવાસીઓ માફી માંગે છે, ન જવા કરગરે છે ત્યારે સીતા બધા સુખી થાઓના આશીર્વાદ આપે છે. હવેના જન્મમાં પણ રામ જ પતિ તરીકે મળે તેવી પ્રાર્થના સાથે તે ધરતીમાં સમાય જાય છે.. એક નારીની સહનશીલતાની મર્યાદા આવી જાય ત્યારે દ્રઢનિશ્ચયી બની તે બધાનો ત્યાગ કરી શકે છે.

સીતા સમાં પવિત્ર, પતિવ્રતા, સહનશીલ બનવાનું દરેક ભારતીય સ્ત્રીનું પરમ ધ્યેય છે. સીતામાં કટુતા વસતી નથી, તેનામાં પોતાને થયેલા અન્યાયનો બદલો લેવાની ભાવના નથી. સીતા ભારતનું ખાસ પ્રતીક છે. માટે જ વડીલો દરેક દીકરીને ‘સીતા જેવી થજે’ તેવા આશીર્વાદ આપે છે. એક સંપૂર્ણ નારીત્વના આદર્શો સીતાના એક જીવનમાંથી વિકાસ પામ્યાં છે. ભારતીય નારીઓએ સીતાને પગલે ચાલીને આગળ વધવાનું છે અને વિકાસ સાધવાનો છે, પ્રગતિનો આ એક જ માર્ગ છે. આધુનિક સમાજે નારીઓનું સન્માન કરવું પડશે. શ્રી રામ તો રાજા હતાં, પ્રજાની માંગણી તેમણે સ્વીકારવી પડે પણ આપણે તો સ્વતંત્ર છીએ. આજે ઘણી ‘સીતા’ઓ અન્યાયનો ભોગ બને છે ત્યારે આત્મહત્યા કરે છે તે અટકાવવી પડશે તે માટે ‘સમાજ શું કહેશે’ના વિચારને જાકારો આપીને પોતાનું મન શું કહે છે તે જાણવું પડશે. વિશ્વાસ અને પ્રેમ હોય તો અન્યનું પણ પોતિકાના સુખ વિષે વિચારવું પડશે ત્યારે જ ભારતીય નારી પણ પોતાની તમામ જવાબદારીઓ ખુશી ખુશી નિભાવશે. મૂળભૂત રીતે દરેક નારીમાં સીતાના ગુણો રહેલાં છે બસ તેને સતત કસોટીની એરણ પર રાખતા જઈને તેને વજ્ર બનવા કે જીવતર છોડી દેવા મજબૂર ન કરો. સમાજમાં બળાત્કાર, ઘરેલુ હિંસા, નોકરી વ્યવસાયના સ્થળોએ અપમાન અને અત્યાચારનો ભોગ બને છે ત્યારે તેણી સમાજને છોડી જવાનું પગલું ભરે છે. ક્યાં સુધી ભારતીય નારી પોતાની શારીરિક ચારિત્ર્યની પવિત્રતા- સચ્ચાઈ સાબિત કરવા જાતજાતની‘અગ્નિ’ પરીક્ષાઓ આપતી રહેશે ? સમાજ શું કહેશે ના ડરથી કુટુંબીઓ અનેક પાબંદીઓ લગાવીને તેના વિકાસને રૂંધતો રહેશે. જે ભૂલ અયોધ્યા વાસીઓએ કરી અને સીતાને ગુમાવ્યાં તે ભૂલ ભારત દેશના નાગરિકોએ નથી કરવાની. સમાજની માનસિકતા બદલાવવા આધુનિક યુવા પેઢીએ આગળ આવવું પડશે. પોતાના અધિકારો માટે પડકાર ઝીલનારી અનેક નારીઓને સાથ આપવો પડશે. ત્યારે જ સાચા અર્થમાં ભારતીય સંસ્કૃતિને જાળવીને ફરી દરેક નારીને ગાર્ગી, મૈત્રીયી, સીતા, દ્રૌપદી જેવી વીરાંગનાઓ અને વિદુષીઓ બનાવીને દેશને શોભનીય – મહાન બનાવવાનો છે.

અસ્તુ

પારૂલ દેસાઈ