Prernadaayi Naari Paatr Sita - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 6

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 6

રાવણ વિદ્વાન હતો, શિવ ભક્ત હતો, બળવાન હતો પરંતુ અભિમાનની આગમાં તેનું સર્વ જ્ઞાન, ભક્તિ, શક્તિ ભસ્મ થઈ ગયું. તેના બળ-બુધ્ધિનો દુરુપયોગ કર્યો જેના પરિણામે તેમણે કપટ કરી સીતાજીનું હરણ કર્યું. લંકા લઈ આવી રાક્ષસીઓની વચ્ચે મૂકી દીધા. ‘અશોક વાટિકા’માં ભગવતી સીતાજી શોકમગ્ન દશામાં રામની રાહ જોઈ રહ્યાં છે.

શ્રી હનુમાનજી સાથે ચૂડામણિ નિશાનીરૂપ મોકલી રામને સંદેશ મોકલી દીધો હતો જે શ્રી રામને આપીને સીતાજી લંકામાં છે તેની ખાતરી આપી દીધી એટ્લે શ્રી રામ લક્ષ્મણ અને હનુમાનજી સહિત વાનર-રીંછની સેના સાથે લંકા પહોંચીને યુધ્ધ શરૂ કરી દીધું હતું એ વિષે ત્રિજટા સીતાજીને સમાચાર આપે છે. કોમળ હ્રદયી સીતાજી શ્રી રામની સેનાનો સંહાર થયો તે જાણીને દુખી થાય છે. તેઓને આઘાત પહોંચે છે. ત્રિજટા જણાવે છે કે રાવણના માથાં કપાઈ ગયાં છે. ત્યારે સીતાજી વિચારે છે કે હવે શું થશે ? રાવણ કઈ રીતે મરણને શરણ થશે ? ફરી સીતાજી વિચારે છે કે પોતાના સુવર્ણમૃગના મોહને પ્રતાપે પોતે રામથી વિખૂટાં થયાં, લક્ષ્મણ પર ક્રોધ કરી ‘લક્ષ્મણ રેખા’ ઓળંગી પોતાનું આ દુર્ભાગ્ય થયું, દુ:ખદાયી યાતનાઓ પોતે અને અન્યએ સહન કરવી પડી.

જ્યારે પણ વ્યક્તિને પોતાની ભૂલ સમજાય અને પસ્તાવો થાય ત્યારે નિશ્ચિત સમસ્યાનો ઉકેલ આવતો જ હોય છે. તેની દુર્દશામાં સુધારો થતો જ હોય છે એવું ઈશ્વરે ગોઠવી જ રાખ્યું હોય છે. ત્રિજટા કહે છે કે જ્યારે રાવણના હ્રદય પર શ્રી રામ બાણ મારશે ત્યારે જ તે મૃત્યુ પામશે. પણ શ્રી રામ જાણે છે કે રાવણના હ્રદયમાં સીતાજી છે માટે બાણ મારતાં નથી. સીતાજીના હ્રદયમાં રામનો પોતાનો વાસ છે રામના હ્રદયમાં અનેક બ્રહ્માંડોનો વાસ છે માટે જો પોતે રાવણના હ્રદયમાં બાણ મારે તો સર્વનો વિનાશ થઈ જાય.

સીતાજી આ સાંભળીને ખુશ થયાં કે શ્રી રામ સર્વનો નાશ નહીં થવા દે. પરંતુ ક્યારે રાવણની સ્થિતિ એવી થશે કે તેનું ધ્યાન પીડા તરફ જશે અને હ્રદયમાંથી જાનકીજીને દૂર કરી શકશે અને શ્રી રામ હ્રદય પર બાણ મારશે. ફરી સીતાજી વિરહની વ્યથાથી પીડાવાં લાગ્યાં. તેઓને આ રાત્રીના ચંદ્રનો પ્રકાશ પણ અંધકાર ભાસે છે, રાત્રિ એક યુગ જેવી મોટી લાગે છે. સીતાજીના હ્રદયમાં વિરહાગ્નિ પ્રસરી ગયો છે. એ જ સમયે પોતાની ડાબી આંખ અને ડાબો હાથ ફરકતા કઈંક શુભ થશે તેવી આશા બંધાય છે. જે ધીરજ ધરવા પ્રેરણા આપે છે.

આ પ્રસંગ આપણને એ બતાવે છે કે જ્યારે જીવનમાં જાણે અંધકાર ફેલાઈ ગયો છે તેવું લાગે ત્યારે થોડી ધીરજ ધરવી અને ચોક્કસ આગામી દિવસો ખુશીની રોશની ફેલાવનાર છે એમ માનવું. નિરાશ થયાં વગર થોડા વધુ સમય માટે સારા કાર્ય થવાની રાહ જોઈ લેવી.

જાણે સોનાનો સુરજ ઊગ્યો, સીતાજીને શ્રી હનુમાનજી સમાચાર આપવા જાય છે કે દશ માથાવાળા રાવણને શ્રી રામે જીતી લીધો છે, તેનો સંહાર કર્યો છે, સીતાજી ના હ્રદયમાં હર્ષ સમાતો નથી, કૃશ થઈ ગયેલું શરીર ચેતનવંતુ થઈ ગયું. આંખોમાંથી હર્ષાશ્રુ ટપકી રહ્યાં છે. સીતાજી હવે શ્રી રામને મળવા આતુર છે. શ્રી રામે વિભીષણને આજ્ઞા કરી કે ‘સીતાજીને આદર સહિત અહીં લઈ આવો.’રાણીઓએ સીતાજીને દાસી બની જઈ સ્નાન કરાવીને દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી શણગાર સજી દીધો. જાનકીજી ફૂલોથી સજ્જ પાલખીમાં શ્રી રામનું સ્મરણ કરી બિરાજમાન થયાં. પરંતુ વાનરો-રીંછો તેના દર્શન કરવાં ઉતાવળા થયાં ત્યારે ફરી રામે કહ્યું કે સીતાજીને પગપાળા લઈ આવો જેથી આ બધા પોતાના માતાના દર્શન કરે તેમ સીતાજીના દર્શન કરી શકે.

સીતાજી શ્રી રામ સમક્ષ પહોચે છે ત્યારે શ્રી રામ કહે છે, ‘તમે શુદ્ધ છો તેનું પ્રમાણ શું ? તે બતાવો, નહિતર હું તમને રાખી નહીં શકું?’ શ્રી લક્ષ્મણ, શ્રી હનુમાન અને ઉપસ્થિત સર્વેને દુખ થાય છે, આઘાત લાગે છે કે આવું શ્રી રામ શા માટે કહે છે ? તેઓ શ્રી રામને તો કહી શકતા નથી. પરંતુ શ્રી રામ અને સીતાજી બંને જાણે છે કે સીતાજીના બિંબને પ્રથમ અગ્નિમાં રાખ્યું હતું અને પ્રતિબિંબને જ બહાર રાખ્યું હતું હવે ફરી બિંબને બહાર લાવવાની ઈચ્છા શ્રી રામની હતી.

“ प्रभु के बचन सीस धरि सीता | बोली मन क्रम बचन पुनीता || लछिमन होहु धरम के नेगी | पावक प्रगट करहु तुम्ह बेगी ||”

“મન, વચન તથા કર્મથી પવિત્રતા ધરાવતાં સીતાજીએ પ્રભુના વચનોને માથે ચઢાવીને લક્ષ્મણજીને કહ્યું કે ‘હે ભાઈ, તમે ધર્મના દૂત બનો અને મારા માટે જલ્દીથી અગ્નિ પ્રકટાવો.”

કળિયુગમાં ભારતીય પુરુષપ્રધાન સમાજે ત્રેતાયુગનો આ એક જ પ્રસંગ જીવનમાં અનુસર્યો છે. તે સ્ત્રી જાતિને ‘અગ્નિ પરીક્ષા’ માટે સતત દબાણ કરતો રહે છે. મોટાભાગે ભૂલ પુરુષની હોવા છતાં ઘણી અબળાઓને - નારીઓને શંકા , અવિશ્વાસનો ભોગ બની અગ્નિમાં હોમાવાની ફરજ પડે છે એટલેકે પોતાની જાતને સાચી સાબિત કરવા સંઘર્ષ કરવો પડે છે. તે પોતાનો વ્યવસાય હોય કે સંબંધ હોય તેણીએ પોતાના વિચારો કે વ્યવહારો પોતાના પતિને ગમે તે મુજબ અપનાવવા પડે છે. તેમાં વળી જો ક્યાંય ચુક થાય તો સત્યતા પુરવાર કરવા મથવું પડે છે. રામાયણનો આ પ્રસંગ એ માટે છે કે જો નર કે નારી કોઈપણ જ્યારે જ્યારે મોહ, માયા, કે લોભ, જીદમાં કોઈ અવિચારી પગલું ભરશે કે પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય કરશે તેમણે શ્રી સીતાજીએ ભોગવી તેવી યાતનાઓ અને પોતાની જાતને સાબિત કરવાની તૈયારી રાખવી પડશે. પણ આપણે તો માત્ર નારી સુધી જ આ વાતને સીમિત રાખી દીધી. તેમની માટે જ બધી જ મર્યાદાઓ અને સીમાડાઓ બાંધી દીધા. દરેક વ્યક્તિ ફક્ત ત્રાજવું બનીને સ્ત્રીએ કઈ રીતે વર્તન/વ્યવહાર કરવા એના લેખજોખાં કરવામાં લાગી જાય. તેની ગુણવત્તા શું છે તે જાણવાની કોશિશ પણ ન કરે.

શ્રી લક્ષ્મણજી અગ્નિ તૈયાર કરે છે, શ્રી સીતાજી અગ્નિદેવને પ્રાર્થના કરે છે.

“ जौ मन बच क्रम मम उर मांही | तजि रघुबीर आन गति नाहीं ||

तौ कृसानु सब कै गति जाना | मो कहूँ होऊ श्रीखंड समाना || “

“હે અગ્નિદેવતા ! હે સર્વના સાક્ષી ! જો મન, વચન અને કર્મથી કડી પણ રામજી સિવાય મારી બીજી કોઈપણ ગતિ ન થઈ હોય તો તું મારા માટે ચંદન જેવો શીતળ થજે.”

સીતાજી પાણીના રેલામાંથી પસાર થાય તેમ અગ્નિમાંથી પસાર થઈને બહાર આવ્યાં. હકીકતમાં તો તેનું બિંબ કે જે અગ્નિમાં સમાયેલું હતું તે જ બહાર આવ્યું હતું. અગ્નિ દેવતાએ શ્રી રામને સીતાજીને સોંપ્યાં. આજે પણ જ્યારે જે નારીઓ સત્યનો સાથ રાખી પોતાની પ્રગતિ માટે કોઈ કાર્ય કરે છે ત્યારે તેણી પોતાના પતિ કે કુટુંબ સામે નીડર બની ડગયા વગર સંઘર્ષ રૂપી ‘અગ્નિ પરીક્ષા’ આપીને સફળ બનતી જોવા મળે જ છે.

ક્રમશ :

પારૂલ દેસાઈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED