PRERANADAAYI NAARI PAATR SITA- 5 books and stories free download online pdf in Gujarati

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 5

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 5

कृष तनु शीश जटा एक बेनी | जपति ह्रदय रघुपति गुन श्रेनी || કૃષ- નબળું પડેલું શરીર અને વાળ વણાઈને વેણી થઈ ગયા છે. રામના નામનું હ્રદય જપ કરી રહ્યું છે . માતા જાનકીની અશોકવાટિકામાં આવી સ્થિતિ પ્રવર્તે છે. હનુમાનજી પહોંચી ગયા છે. વૃક્ષ પર બેઠાં આ જુએ છે અને પોતે પણ દુખી થઈ ગયાં.

રાવણ પોતાની મંદોદરી સહિત અન્ય રાણીઓ સાથે આવીને ગર્જના કરતો સીતાને પોતાના તરફ નજર કરવા જણાવે છે અને તેના બદલામાં પોતે તમામ રાણીઓને સીતાની દાસી બનાવી દેવાની લાલચ આપે છે. પરંતુ આર્યનારી સીતા તેના તરફ ધ્યાન આપતાં નથી પણ એક તણખલું હાથમાં લઈ બતાવે છે. તેણી કહેવા માંગે છે, “મને રામ વગર આ વિયોગમાં મારા પ્રાણ તણખલા જેટલા પણ પ્રિય નથી.” તો એક અર્થ એમ છે કે રાવણની કિંમત સીતાના મનમાં આવા તુચ્છ તણખલા જેટલી જ છે. સીતા તનથી નબળા પડ્યા છે મનથી નહીં. સાથે જ સીતાજી રાવણને આગિયા અને રામને સૂર્ય સાથે સરખાવે છે ત્યારે રાવણને પોતાનું આ અપમાન સહન ન થતાં આક્રોશમાં તલવાર ઉગામે છે. સીતાજી આંખો બંધ કરી મનોમન પ્રાર્થના કરે છે, ‘ હે તલવાર, તું મારું ગળું કાપી નાખ. હવે હું રામ વિરહ સહન કરવા સમર્થ નથી. તું મારા દુ:ખનો ભાર ઉઠાવી લે.’ પરંતુ મંદોદરી એક અબળા પર તલવાર ચલાવતાં રાવણને રોકે છે. રાવણ ધુંઆપુંઆ થતો ત્યાંથી જાય છે. રાક્ષસીઓ ફરી સીતાજીને હેરાન કરવા માંડે છે. સીતાજી ત્રિજટા કે જે સીતાજી પર હેત રાખતાં, આ મુશ્કેલીમાં સાથી બનેલા છે તેને કાષ્ઠ લઈ આવી ચિતા બનાવી પોતાને આગ ચાંપવા આજીજી કરે છે તેઓ હવે રામવિયોગને સહન કરવા નથી ઇચ્છતા. રાત્રિ હોવાને લીધે એ શકય નથી એમ કહી ત્રિજટા ત્યાંથી જતાં રહે છે. સીતાજીની નજર ફરી પગની પાની એ સ્થાયી થઈ જાય છે. ત્યાં તેને રામના દર્શન થાય છે. આંખો બંધ હોય કે ખુલ્લી એક જ આકૃતિ મનમાં તરવરે તે જ પ્રેમ.

આ પ્રસંગ સીતાજીનું દ્રઢ મનોબળ છતું કરે છે. તેનો રામ પ્રત્યેનો અનુરાગ-પ્રેમ દર્શાવે છે. રામ આવીને પોતાને લઈ જશે એવી શ્રધ્ધા તેના ક્ષીણ થયેલા શરીરને પણ આ તાકાતવાન બનાવે છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિને ચાહતાં હોઈએ ત્યારે મન મજબૂત બની જાય, તેના વિરહમાં કોઈ પણ ઘા સહન કરવાની તાકાત આવી જાય. પ્રિયપાત્રની ગેરહાજરીમાં પણ તે જ આસપાસ છે એવો અહેસાસ થવો એ જ પ્રેમ. સીતાજી આવા જ પવિત્ર પ્રેમમાં છે. તેઓને મન રામ સિવાય બીજા બધા જ પરાયાં છે. પતિ વિયોગની પરાકાષ્ઠા આવી ગઈ હોવાથી પોતાને જીવિત રહેવું પસંદ નથી.

હનુમાનજી ધીરેથી વૃક્ષ પરથી મુદ્રિકા – વીંટી નીચે ફેંકે છે. સીતાજી તેને જુએ છે, તેના પર ‘શ્રી રામ’ નામ અંકિત થયેલું જોઈને તેના વિષાદગ્રસ્ત મુખ પર સ્મિત ફરી વળે છે પરંતુ બીજી જ ક્ષણે તેઓ આ કોઈ માયાવીએ આ વીંટી નાખીને પોતાને ભ્રમિત કરવાની કોશિશ કરી હશે એમ માને છે ત્યાં જ હનુમાનજી નીચે આવે છે. સીતાજીને કહે છે,‘ મા, હું રામદૂત છુ.’સીતાજીને કોઈ પર હવે ભરોસો નથી રહ્યો. તેઓ તેનું પ્રમાણ માગે છે. હનુમાનજી દલીલ કરે છે જો હું રાક્ષસ હોત તો ‘મા’ ન કહેત તો સીતાજી કહે છે કે રાવણે પણ વિશ્વાસ જીતવા મને ‘મા’ જ કહ્યું હતું અને પછી અપહરણ કર્યું હતું. હવે મને આવું કહેનારા પર સ્વાભાવિક જ ભરોસો ન થાય. વાત પણ સાચી, આજના જમાનામાં પણ કોઈ સાધુ-સંત જ્યારે તેના ભક્ત સાથે પ્રકૃતિ વિરુદ્ધનું કાર્ય કરે ત્યારે અન્ય કોઈ પણ સંત-સાધુ-મહારાજનો ભરોસો ન થઈ શકે. હનુમાનજી કહે છે કે શ્રીરામજીએ આપને આપવા માટે આ વીંટી નિશાનીરુપે આપી છે. છેવટે હનુમાન કહે છે, ‘મા, કરુણાનિધાનના સોગંદ ખાવ છુ’ એમ કહે છે ત્યારે સીતાજીને ખાતરી થાય છે કારણકે ‘કરુણા નિધાન’ શબ્દ ખાનગી હતો. સીતાજી પોતે રામને આ નામથી જ બોલાવતાં માટે જ તો કહીએ છીએ,

जनकसुता जगजननी जानकी | अतिशय प्रिय करुणानिधान की || તેના મનમાં હર્ષ ઉમટ્યો. બધાના કુશળ સમાચાર પૂછ્યા. સીતાજીને આ નાના કદના વાનર કઈ રીતે આ રાક્ષસોનો સામનો કરશે તેવી શંકા થાય છે ત્યારે હનુમાનજી પોતાનું વિરાટ સ્વરૂપ બતાવતાં જ સીતાજી તેને અજર (ઘડપણ રહિત) – અમર અને ગુણોના ભંડાર હજો એવું વરદાન આપે છે. શ્રી રઘુનાથજી તમારા પર કૃપા વરસાવતા રહેજો એવા આશીર્વાદ આપે છે. હનુમાનજી આ આશીર્વાદ પામીને ધન્ય થઈ ગયાં. તેઓ ફળ ફૂલ ખાવાની અનુમતિ આપતાં કહે છે કે રામજીને હ્રદયમાં ધારણ કરીને ખાજો. આપણે પણ દરેક આનંદ-શોખ પૂરા કરતાં સમયે ઈશ્વરનું પૂજન- અર્ચન, ધ્યાન કરતાં રહેવું એ આ બાબત શીખવે છે. માતા- બહેન કે માતારૂપ ભાભીના આશીર્વાદ હંમેશ દરેક કાર્યમાં સફળતા અપાવે છે.

સીતાજી હનુમાનને પોતે મળ્યાં હતા તેની નિશાનીરૂપે માથા પરનો ચૂડામણિ ઉતારીને રામને આપવાનું કહે છે. ઉપરાંત જયંતની હકીકત કહેજો કારણકે તે અમારા બે સિવાય અન્ય કોઈ જાણતું નથી. સાથે જ પાછાં મોકલતા સંદેશો આપે છે, ‘એક મહિનામાં રામ નહીં આવે તો મને જીવતી નહીં મેળવી શકે.’ કારણકે રાવણ એક મહિના પછી ફરી આવશે અને ત્યારે પણ જો સીતા તેનું કહ્યું નહીં માને તો તેના પ્રાણ હરી લેશે. વળી, દરેક દુખ સહન કરવાની એક મર્યાદા હોય છે. તેમ સીતાજી પણ હવે રામ વિયોગમાં વધુ સમય જીવિત રહેવા માંગતા નથી.

આ પ્રસંગ આપણને શીખવે છે કે દરેક પતિ પત્ની એ પરસ્પર પ્રેમ સાથે વફાદારી રાખીને દરેક વાત- પ્રસંગ- હકીકત જણાવવી જોઈએ. સુખ દુ:ખના સાથી છે તો તેઓએ કોઈ વાત છુપાવવી ન જોઈએ. દરેક બાબતે નિખાલસ રહેવું જોઈએ. જેથી ક્યારેય પણ કોઈ ત્રાહિત વ્યક્તિ તેઓને ખોટી રીતે હેરાન કે બ્લેક મેઈલ ન કરી શકે, શંકાના બીજ ન રોપે. વર્તમાન સંજોગોમાં વિજાતીય પાત્રોની મૈત્રી વધી રહી છે ત્યારે કોઈ તેનો ગેરફાયદો ઉઠાવીને લગ્નેતર સંબંધો બાંધવાની કોશિશ કરે છે અને જો તે પાત્ર તેમાં સફળ ન બને તો પતિ પત્ની વચ્ચે મનદુ:ખ, ગેરસમજ, શંકા ઊભી કરવાના પ્રયત્નો પણ કરે છે જેને લીધે દામ્પત્યજીવનમાં કડવાશ આવી શકે છે.

હનુમાનજી થોડી વધુ ધીરજ ધરવાનું વચન મેળવીને ફરી પાછા રામને સર્વે હકીકત જણાવવા રજા લે છે. સીતાજીને રામ પર અતૂટ વિશ્વાસ છે માટે જ એક નવી આશા તેની આંખોમાં ચમકી ઊઠે છે.

ક્રમશ:

પારૂલ દેસાઈ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED