Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 3

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા- 3

સીતાજીના ત્યાગ,તપસ્યા, સેવા ,ઉદારતા, ક્ષમાભાવના .....સમસ્ત નારી જગતનું પ્રતિનિધિત્વ કરે છે. સતી શિરોમણિ સીતાજીની ગુણગાથા જન માનસને પ્રભાવિત કરે છે.

જનક નંદિની, રામપ્રિયા સીતા વનમાં રામની સાથે કંટકોના માર્ગે, પથરાળ પંથમાં પણ સુખ અનુભવે છે. આશ્રમની ઘાસની પથારીમાં તે મહેલની સુંવાળી ચાદરને ભૂલી ગયા છે. રામ તેની માટે વન વગડાના ફૂલો ચૂંટીને જાતે જ ફૂલોના આભૂષણ બનાવીને પહેરાવે છે તેમાં તે અનેરું સુખ અનુભવે છે. અત્રિ ઋષિના આશ્રમમાં શીલવતી –નમ્રતાની મૂર્તિ સ્વરૂપ શ્રી સીતાજી અનસૂયાને આદરપૂર્વક મળ્યા ત્યારે ઋષિ પત્ની આનંદિત થઈ આશિષ આપે છે સાથે જ હંમેશ નવા, નિર્મળ અને સુંદર રહે તેવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણોનો શણગાર કરી આપે છે. અનસૂયાજી સીતાને પોતાની પુત્રી માનીને તેના હિત માટે સ્ત્રી ધર્મની સમજ આપતા કહે છે ,

“ मातृ पिता भ्राता हितकारी | मितप्रद सब सुनु राजकुमारी | अमित, दानि भर्ता बयदेही | अधम सो नारि जो सेव न तेहि| અર્થાત

“હે રાજકુમારી ! સાંભળો, માતા, પિતા, ભાઈ એ બધા હિત કરનારા છે પરંતુ તેની એક મર્યાદા છે, ત્યાં સુધી જ તે આપણને સુખ આપે છે. પરંતુ હે જાનકી ! પતિ તો અમર્યાદિત સુખ આપવાવાળા છે. તે સ્ત્રી અધમ છે જે આવા પતિદેવની સેવા કરતી નથી.” અનસૂયાજી એમ પણ કહે છે કે જગતમાં ચાર પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ ગણાય છે. વેદ,પુરાણ અને સંત મહાત્માઓ એમ ગણાવે છે કે ઉત્તમ પતિવ્રતાના મનમાં એવો ભાવ સદાય વસેલાં હોય છે કે સંસારમાં (પોતાના પતિ સિવાયના) બીજા પુરુષ સ્વપ્નમાં પણ નથી.

અત્રિ ઋષિના આશીર્વાદ લઈ રામ –સીતા અને લક્ષ્મણે બીજા વનમાં જવાની આજ્ઞા લીધી. અનેક ઋષિમુનિઓની રક્ષા કરતાં દર્શન આપતાં અરણ્યમાં આગળ વધતાં ગયા. દંડકવનવાળા પંચવટીધામમાં પહોંચ્યા. ગોદાવરી નદીની નજીક પર્ણકુટિ બનાવી રહેવા લાગ્યાં. એવામાં વિધવા કામાંધ શૂર્પણખા રામ અને લક્ષ્મણને પોતાની માયાજાળમાં ફસાવવાની કોશિશ કરે છે. આવી સ્ત્રીઓ જ પોતાનો અને અન્યનો વિનાશ નોતરતી હોય છે. પોતાની કામેચ્છા સંતોષ ન પામતાં પહેલા ખર અને દૂષણને ઉશ્કેરી યુદ્ધ માટે મોકલી તેનો વિનાશ નોતરે છે અને પછી રાવણને ઉશ્કેરીને રામ-લક્ષ્મણને તેના શત્રુ ગણાવે છે. ત્યારે રાવણે વર્ણન પરથી પામી લીધું કે આ સાક્ષાત પ્રભુ જ હોવા જોઈએ. પ્રભુની સાથે વેર કરી તેના હાથે મરણ પામી મોક્ષ પામવાનું યોગ્ય લાગ્યું. અને જો તે પ્રભુ ન હોય તો આ તેની સુંદર પત્નીને પામી લઈશ. મારિચે પણ રાવણનો સાથ આપી ‘સુવર્ણ મૃગ’નું રૂપ ધારણ કર્યું.

સીતાજી અને રામ પર્ણકુટિની બહાર બેઠાં છે. એક અતિ સુંદર, સુવર્ણમય, મણિમય મૃગ ત્યાં આવી પહોંચે છે..સીતાજીને તેના ચામડાની કંચૂકી પહેરવાનો મોહ જાગ્યો. રામને તે ચામડું લઈ આવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. પત્નીની ઇચ્છાને પૂરી કરવા રામ લક્ષ્મણને બુધ્ધિ, વિવેક અને બળથી સીતાની રક્ષા કરવાનું કહીને માયામૃગ પાછળ દોટ મૂકે છે.

કળિયુગમાં મોટાભાગની સ્ત્રીઓ મોહાંધ હોય છે. તેણી ભૌતિક સુખને જ સર્વસ્વ ગણીને પતિને અનેક સગવડો- બ્રાંડેડ વસ્ત્રો, ઘરેણાં- રાચરચીલું વિગેરેની માંગણીઓ કરતી રહે છે. તેઓ આ બાબતે એટલી હદે જીદ અને કંકાસ કરતી હોય છે કે પુરુષ કમાણી કરવા ‘યંત્રવત’ કાર્ય કરતો રહી શરીર અને મનથી દોડતો રહે છે. તે છતાં પણ માંગણીઓ ન સંતોષાય તો દેવું કરવું પડે છે ક્યારેક તો કંટાળીને આત્મહત્યા પણ કરી લેતો હોય છે. આ લોભ અને લાલચનું પરિણામ માણસને દુખી કરતું રહે છે.

ઊછળતું- કૂદતું માયામૃગ મારિચ રામને ગાઢ જંગલમાં લઈ જાય છે અને રામનું બાણ વાગી મોક્ષ પામતાં મનોમન રામનો આભાર માને છે પરંતુ ‘હા લક્ષ્મણ !’ નો ઉદગાર કરે છે જે સીતાજીને રામના અવાજમાં ઉચ્ચારાયેલા મારિચના શબ્દો ચિંતિત કરે છે. તેને પોતાના પતિ સંકટમાં છે એમ જાણીને લક્ષ્મણને મદદ માટે મોકલવા તત્પર બને છે. લક્ષ્મણ ઘણું સમજાવે છે કે આ કોઈ ‘છળ’ હોય શકે. રામ પોતાની અને સર્વની રક્ષા કરવા સક્ષમ છે પરંતુ સીતા ક્રોધિત થઈ જીદ કરીને લક્ષ્મણને મોકલે છે ત્યારે લક્ષ્મણ પોતાની મા સમાન ભાભીની આજ્ઞાનું પાલન કરવા જવા મજબૂર થાય છે. તે પર્ણકુટિની બહાર રક્ષા અર્થે એક ‘રેખા’ દોરે છે અને તેને ન ઓળંગવાનું વચન લઈ રામને મદદ કરવા નીકળી પડે છે.

રામનો આશ્રમ સુનો જાણીને રાવણે સન્યાસીનો વેષ ધારણ કરીને સીતાજીની પાસે ભિક્ષા લેવાના બહાને આવ્યો. તેને ‘લક્ષ્મણ રેખા’નો વરતારો થાઈ જતાં સીતાને બહાર બોલાવીને ભિક્ષા આપવા જણાવે છે. આંગણે આવેલા ભિક્ષુને ખાલી હાથે ન મોકલાય એમ જાણી અબુધ સીતા ભિક્ષા આપવા ‘લક્ષ્મણરેખા’ ઓળંગે છે અને રાવણની ‘જાળ’માં ફસાઈ જાય છે. રાવણ તેનો હાથ પકડી ખેંચી લઈ અને આકાશ માર્ગે જતો રહે છે. .. .હરણના મોહમાં સીતાનું ‘હરણ’ થઈ જાય છે.

આ ઘટના બનવાની હતી તેની જાણ રામને તો હતી જ માટે જ આ ઘટના અગાઉ સીતાજીને પોતાનું પ્રતિબિંબ આશ્રમમાં રખાવી હ્રદયમાં રામચંદ્રજીને ધારણ કરીને સીતાજી તો અગ્નિમાં સમાઈ ગયાં હતાં. આ પ્રતિબિંબનું ‘હરણ’ થયું હતું. માતા સીતાનું નહીં.

આ કળિયુગમાં તો કેટલીય ‘સીતા’નું હરણ થતું રહે છે. આ પ્રસંગ એ જ સમજાવે છે કે મોહ-માયા- લાલચ રાખવાથી કેવા દુષ્પરિણામનો ભોગ નારી બનવું પડતું હોય છે. આત્મના છ શત્રુઓ છે – કામ, ક્રોધ, લોભ, મોહ, લાલચ અને મત્સર. મોહ- લોભ એવી આગ છે કે જે કદી શાંત થતી નથી. મોહ જ જીદ કરાવે જો આ તૃષ્ણા પૂરી ન થાય તો ક્રોધમાં આવી જઈ નારીઓ પોતાના પતિની સાથે સતત કંકાસ કરતી રહે. કેટલાક સંજોગોમાં પતિથી વાત છુપાવીને પોતાની સમસ્યાનો ઉકેલ લાવવા સાધુ- બાબાના ચરણોમાં જઈ ચડે ત્યારે પાંખડી ‘સાધુ’ તેનો ગેરલાભ લેતા જોવા મળે છે. તો કેટલીક નારીઓ અતિ આધુનિક બની વિજાતીય પાત્ર સાથે મોજ મજા માણવા કે સફળતા મેળવવા મર્યાદા ઓળગે અને પછી બળાત્કાર-હત્યાનો ભોગ બને છે. માટે જ તો કહેવાયું છે કે નદી અને નારી જ્યારે મર્યાદા તોડે- તેનું ઉલ્લંઘન કરે ત્યારે વિનાશનું સર્જન થાય છે.

મોહ, લોભ, જીદ અને ક્રોધના પરિણામ દુખદ જ આવે તે સમજી લઈ આ અવગુણોથી દૂર જ રહેવાનુ. નારીએ તો ડગલે ‘ને પગલે રાક્ષસી-વિકૃત મનના ‘રાવણ’થી બચતા રહેવાનુ આ પ્રસંગ પરથી શીખવાનું છે.

ક્રમશ:

પારૂલ દેસાઈ