ડાયરી Sonal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરી

ધનજી દુકાન વધાવવાની તૈયારી કરતો હતો. દુકાનનું શટર બંધ કરવા ગયો ત્યાં એના માથે એક નાનકડી ડાયરી પડી, જે શટરમાં ફસાયેલી હશે.
ધનજી નવાઈથી ડાયરીને જોઈ રહ્યો. પછી યાદ આવ્યું કે બાજુના બિલ્ડીંગમા નવા રહેવા આવેલા કાન્તાબહેન આજે સવારે જ વરસ સુધી સાચવીને એમના મૃત્યુ પામેલા દીકરાની ચોપડીઓ વેચવા આવેલા એમાં આ ડાયરી હતી. એમાં આકર્ષક કવર જોઈને પોતે જ આ ડાયરી અલગ મૂકી હતી. ડાયરી લઇને ગલ્લા પર મૂકી અને દુકાનનું શટર અંદરથી બંધ કર્યું.

વારસામાં મળેલી ભંગાર અને પસ્તીની પોતાની દુકાન અને પાછળ રહેઠાણ, એ ધનજીની પોતાની મૂડી કહો કે દુનિયા. આમ પણ એકલપંડો જીવ, માં બાપ ના મૃત્યુ બાદ કોઈ સગાએ હાથ નો જાલ્યો એટલે ૭ ચોપડી પછીનું ભણતર અભેરાઈએ મૂકીને દુકાન સંભાળવા લાગ્યો. પોતાના પુરતું કમાઈ લેતો. ઓરડીમાં જઈ લાઈટ પંખો ચાલુ કર્યા, માટલામાંથી પાણી પીધું અને ઘડિયાળમા જોયું, તો ૯ વાગ્યા હતા. કૃષ્ણ જન્મ માટે હજી ઘણો સમય હતો અને આમ પણ ઉપવાસ હતો એટલે ખાલી પેટે ઊંઘ આવવાની નહોતી. ભંગારમાં મળેલું કોઈનું જુનું ટીવી અને રેડિયો પણ ચાલતા નહોતા. એટલે સમય કેમ પસાર કરવો એ પ્રશ્ન ઉભો રહ્યો.

"લાવ આજનો વકરો ગણી લઉં" એમ વિચારીને ધનજી ઓરડીમાંથી દુકાનના ભાગમાં આવ્યો. અંધારું હતું એટલે પસ્તીના બંડલો અને જુના ડબ્બા ડુબલીના
ઠેબા ખાતો ગલ્લા પાસે આવ્યો. ગલ્લાના ખાનામાંથી ડબ્બો લેતા એની નજર પેલી ડાયરી પર પડી. સોનેરી રંગની બોર્ડેરવાળા પ્લાસ્ટિકના કવરથી ડાયરી અંધારામાં પણ ચમકતી હતી. ધનજી ડબ્બો અને ડાયરી લઈને પોતાની જાતને સંભાળતો ઓરડીમા જતો રહ્યો. પરચુરણ અને રૂપિયાની નોટો ગણીને પાછા ડબ્બામા મૂકી અને ડબ્બો બંધ કરીને અભેરાઈએ મુક્યો. સમય પસાર કરવા ડાયરી હાથમા લઈને ખાટલામા આડા પડીને વાચવા માટે ઉઘાડી.

" આ શહેરમાં હું હજી નવો હતો, નાના શહેરનો જીવ, અહી મોટા શહેરની ચકાચોંધ સાહેબી જોઈને છક થઇ ગયો હતો. ભાડાના ઘરમાં રહેતો હતો. ટૂંકમા
માં ને પણ અહી બોલાવી લેવાની ગણતરી હતી. અને તે દિવસે કોલેજમાં જન્માષ્ટમીના વાર્ષિક સમારંભમા જવાનું હોવાથી, હું મોચી પાસે મારી મોજડી પોલીશ
કરાવવા ઉભો હતો. મોચી કોઈના જોડા સીવીને મને પોલીશ કરી દેવાનો હતો. અને આમ પણ મને કોઈ ઉતાવળ નહોતી , એટલે નિરાંતે ઉભો હતો.
ત્યાં એક છોકરી હાંફતી હાંફતી આવી અને બોલી " જલ્દી આ ચપ્પલ રિપેર કરી દો, મારે બહુ મોડું થઇ ગયું છે " મોચી કહે વાર લાગશે ,આ ભાઈ તમારી પહેલા ઉભા છે. એણે મારી સામે વિનંતીની નજરે જોયું .એની આંખમાં કઈંક અજબ ચમક હતી, હું ના નહિ પડી શક્યો. આ મારી અને ત્વિષાની પહેલી મુલાકાત. અને એ ચપ્પલ સંધાવીને થેંક યુ કહીને જતી રહી અને હું એને જતી જોઈ રહ્યો.

કોલેજમા સમાંરભ પતાવીને ઘરે જવા રાત્રે બસ પકડી. મોડું થયું હતું, એટલે પાંચ સાત લોકો સિવાય બસ ખાલી હતી. આરામથી બસમાં બારીની સીટ પકડીને હું બેઠો બેઠો ઝોલા ખાતો હતો.
" હું અહી બેસું?" એક રણકારે મને નિંદ્રામાંથી જગાડી દીધો. એ ત્વિષા હતી, બસમા આટલી જગ્યા હોવા છતાં કોઈ સુંદર યુવતી તમારી પાસે બેસવાનું પૂછે તો તમે ના કેવી રીતે કહી શકો?
"હા, બેસોને " મેં મલકતાં કહ્યું. એ હસી અને બોલી, હું ત્વિષા, જી.ટી. કોલેજમા આર્ટસમા છું . તમે?
"હું તુષાર, હું લો કોલેજમાં કોમર્સ કરું છું.
અને એક ચુપકીદી સાથે હું ત્રાસી આંખે એને જોવાની નિષ્ફળ કોશિશ કરતો રહ્યો. રાહ જોતો હતો કે એ કઈંક બોલે અને
"સવારે તમે જ હતા ને મોચી પાસે?"
"હા, તમે બહુ ઉતાવળમાં હતા "
"હજી પણ ઉતાવળમાં જ છું, બહું મોડું થયું છે, પણ બસ કેટલી ધીમે જાય છે "
મને નવાઈ લાગી, ખાલી રસ્તા પર બસ સડસડાટ દોડતી હતી અને આ કેમ આવું બોલે છે?
"ચાલો મારું સ્ટોપ આવી ગયું, આવજો." કહી ને એ સ્ટોપ પર ઉતરી ગઈ.
મેં પાછળ વળીને જોયું પણ એ દેખાણી નહિ.

"ત્વિષા ને ગોતો છો "
મેં ચમકીને જોયું તો કંડકટર મારી સામે ઉભો હતો. "પેલી છોકરી, તમે એને ટીકીટ પણ નહિ આપી? " મેં પૂછ્યું.
"એની ટીકીટ ક્યારની કપાઈ ગઈ છે." કંડકટરે થોડા ભારે અવાજમાં જવાબ આપ્યો. હું પહેલા કાંઈ સમજ્યો નહિ પણ જયારે કંડકટર એ કહ્યું કે " એ થોડા વર્ષો પહેલા આજના દિવસે મરી ગઈ છે. ખાલી આજના દિવસે એ ૨૪ કલાકમાં આખા શહેરમાં કોઈ પણ જગ્યાએ દેખાય છે.પણ કોઈને હેરાન નથી કરતી. ખાલી એના વિષે કોઈ જાણે એ એને નથી ગમતું , ત્યારે જ એ વિફરે છે." હું આંખો ફાડીને સાંભલટો હતો. આખરે મેં હિંમત કરીને કંડકટરને પૂછ્યું કે તમે આ જાણો છો તો તમને હેરાન નથી કરતી? કંડકટર કહે ભાઈ મને પણ કાલે જ ખબર પડી છે. અને મારા આખા શરીરે પરસેવો વળી ગયો. ત્યાજ મારું બસ સ્ટોપ આવ્યું અને હું જલ્દીથી ઘર તરફ ચાલવા માંડ્યો. આ મારી અને ત્વિષાની પહેલી અને છેલ્લી મુલાકાત. એના વિષે કોઈની સાથે ચર્ચા નહોતી કરવી અને એની હમેશા યાદ રહે એટલે આ બધું ડાયરીમા લખ્યું છે.

"હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલ કી "
ધનજી એ ડાયરી બંધ કરી અને બગડેલા ટીવી ઉપર મૂકી. માટલામાંથી પાણી પીધું અને ઓરડીની પાછળના ફળિયામા કૃષ્ણ જન્મ ઉજવવા દરવાજો ખોલ્યો. ફળિયામાં ઘણા મોટેરા અને બાળકો હતા. જુવાનીયા પણ હતા. બધા કૃષ્ણ જન્મનો આનદ માણતાં હતા. એક છોકરી આવીને કહે " કાકા, લાકડી આપોને, તોરણ સરખું કરવું છે ." ધનજી લાકડી લેવા અંદર ગયો. ઓરડીના ખૂણામાંથી લાકડી ઉપાડીને ધનજી ફર્યો કે સામે પેલી છોકરી હાથમાં ડાયરી લઇને ઉભી હતી અને એની આંખોમાંથી અંગારા વરસતા હતા. ધનજી ધ્રુજી ગયો .
" જેમ તુષારે આ ડાયરી લખવાની ભૂલ કરી, એમ તમે ડાયરી વાચવાની ભૂલ કરી છે. સજા તો મળશે . કોઈને નહિ છોડું."
ધનજી ત્યાજ થીજી ગયો, ડચકાં ખાતા અને ફફ્ડાતા હોઠે બોલ્યો " ત્વિષા...."

*ધડામ *
"આખી બસ દુકાનમા ઘુસી ગઈ "
"બસનો ડ્રાઈવર નશામા હશે"
"પણ એ બચી ગયો અને કંડક્ટર મરી ગયો"
"હે કનૈયા, ધનજીની આત્માને શાંતિ આપજે. "

લેખક : સોનલ ( #મારીરચના )
ઈમેંલ : marirachana@gmail.com