એક અનોખો સંબંધ
દુનિયામાં દરેક સમાજના લોકોમાં આપસમાં સબંધ બંધાતા હોય છે, જેમાં પતિ-પત્ની, ભાઈ- બહેન, નણંદ- ભોજાઈ, સાસુ-વહુ મિત્રો વગેરે હોય છે.
આજે એક સત્ય ઘટના પરથી સાસુ-વહુના એક અનોખા સંબંધની વાત કરવી છે. પરિવારની ઓળખ ગુપ્ત રાખીને વાત કરું છું.
માતા- પિતા, બે પુત્ર- પુત્ર વધુનો સાધન સંપન્ન નાનો સુખી પરિવાર. એક દીકરો વ્યવસાયાર્થે અલગ રહે.
હવે મુખ્ય વાત કરું..
સામાન્ય બીમારીમાંથી તબિયત લથડતાં માતા કોમામાં સરકી ગયા.. પતિ, પુત્ર- પુત્રવધુ સેવા કરતાં.. ત્યાં કોરોનાનો કાળમુખો પંજો ત્રાટક્યો અને પિતાનું મૃત્યુ થયું. અચેત અવસ્થામાં, અડધી સાન ભાનમાં રહેલ માતાને પતિના મૃત્યુની જાણ નહોતી કરવામાં આવી.
ધીમે ધીમે વહુની સેવા ચાકરી રંગ લાવી રહી હતી. રાત-દિવસ જોયા વગર પોતાની સગી માં થી વિશેષ સાસુની ખૂબ જ સારસંભાળ લીધી. પોતાના માવતરને પણ કહી દીધું હતું કે મારા માટે મારા મમ્મી એટલે કે મારા સાસુ પ્રથમ છે. એટલે કંઈ કામ હોય તો બપોરે એ આરામ કરતા હોય એ દરમ્યાન મને થોડો સમય હોય છે ત્યારે વાત કરી લેવી. અને મને પિયર આવવાનો આગ્રહ કરતા જ નહીં.
આવી સેવાભાવી પુત્રવધુની સેવા- ચાકરીથી માતા થોડા સાજા થયા.. એટલે કે આમ તો પથારીવશ જ પણ થોડા સજાગ.. થોડું બોલીને કે ઇશારામાં સમજાવતા અને માનસિક સજાગતા એ બધું જ જોતા અને...
પતિના મૃત્યુના અંદાજે આઠેક મહિના પછી, એમણે પણ મૃત્યુને વહાલું કર્યું. વરસની અંદર જ માતા-પિતાની છત્રછાયા દૂર થઈ ગઈ .
અંતિમ સંસ્કાર માટે સ્મશાને લઇ જવાની તૈયારીઓ ચાલતી હતી. પુત્રવધુ પરિવારની સ્ત્રીઓ સાથે શોકમગ્ન હતી.
" તું બહાર આવ.." પોતાના પતિની વાત સાંભળીને પુત્રવધુ બોલી " હું? અહીં બધા છે..તો.."
" ના.. તું આવ બહાર" અને દીકરો પોતાની પત્નીને પરાણે બહાર લઈ આવ્યો.. સામે ઠાઠડીમાં સાસુના નશ્વર દેહને જોઈને પુત્રવધુના આંસુ રોકાતા નથી.
" મમ્મીને તારે કાંધ આપવાની છે " સાંભળીને ત્યાં હાજર રહેલા સર્વે ચોંકી ઉઠ્યા, કદાચ ઘણાને મનમાં વિચાર પણ આવ્યો હશે કે ' એક સ્ત્રી કેવી રીતે કાંધ આપે'
પુત્રવધુ અસમજણ ભાવે જોઈ રહી ત્યારે રડતાં રડતાં દીકરાએ કહ્યું કે " મમ્મીની ઇચ્છા હતી કે એમને તું કાંધ આપે "
અને ઘરની બહાર જ્યારે નનામી નીકળી ત્યારે સૌ પ્રથમ કાંધ પુત્રવધુએ આપી.. મુખ્ય દ્વાર સુધી કાંધ આપીને એમ્બ્યુલન્સમાં નનામી મુકાઈ ગઈ. પુત્રવધુ હીબકાં ભરતી ભરતી પરિવારની સ્ત્રીને વળગીને ખૂબ રડી .
" તારે પણ આવવાનું છે" એમ કહી દીકરાએ પોતાની પત્નીનો હાથ જાલ્યો ને એમ્બ્યુલન્સ તરફ લઈ ગયો..
"પણ.. હું..એમ કેવી રીતે.. અહીં બધા .." પુત્રવધુ બોલી.
"દીકરીની જેમ તે ઘણી સેવા કરી એટલે અંતિમ દર્શન માટે સાથે જા.." પરિવારજનોમાંથી કોઈ બોલ્યું.
અને પુત્રવધુ સ્મશાને ગઈ.. ત્યાં પહોંચી એટલે એના પતિએ કહ્યું " મમ્મીની એક અંતિમ ઈચ્છા એ પણ હતી કે એમને અગ્નિદાહ અમે દીકરાઓ નહીં પરંતુ તું આપે"
અને માંડ માંડ રોકાયેલા આંસુનો બંધ તૂટી પડ્યો.. ધ્રુસકે ને ધ્રુસકે રડતી પુત્રવધુએ પોતાની માતા સમાન સાસુને અગ્નિદાહ આપ્યો.
પથારીવશ હતા પરંતુ સજાગ હતા. દીકરાઓ તો માતાની સેવા કરે પરંતુ દિકરીથી વિશેષ સેવા પુત્રવધુએ કરી. એટલે જ થોડી સભાન અવસ્થામાં દીકરા પાસેથી વચન લીધું અને પુત્રવધૂને દીકરાનો દરજ્જો સોંપીને કાંધ લેવડાવી અને અગ્નિદાહ એની પાસે જ દેવડાવ્યો.
આજ કાલ પુત્રીઓ અગ્નિદાહ આપે છે પરંતુ એક પુત્રવધુએ પોતાની સાસુને અગ્નિદાહ આપ્યો એ કદાચ સૌ પ્રથમવાર બન્યું હશે..
સમાજમાં એક નવો ચીલો પાડીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર પરિવારને શત શત પ્રણામ 🙏
#મારીરચના