સંઘર્ષ ની ભઠ્ઠી
ભાગ-૧
આજે શાળાએ થી આવવામાં સોનીને થોડું મોડું થઇ ગયું હતું. સોની જ્યાં ઘરે પહોંચી ત્યાં તો એની સાવકી માતાએ સોનીને શબ્દો થી વધાવવાનું શરુ કરી દીધું. ન સાંભળી શકાય એવા શબ્દો સોની ને પ્રતિદિન સાંભળવાના થતા હતા. એ જરા આગલા દિવસનું ગૃહકાર્ય પૂછવા માટે એમના વર્ગની સહાધ્યાયી સાથે વાતચીત કરતી હતી એટલે ઘરે આવવામાં જરા મોડું થઇ ગયું.
'' ક્યાં ગઈ હતી....?? કાળા મોઢાળી..., ચુડેલ...., કામ કરતા તને આલ પડે છે.....?? ''
'' ના માં હું ક્યાંય પણ ગઈ ન હતી.''
'' તો આવવામાં આટલું બધું મોડું શાનું થયું...?? આ રાજરાણીને....!! ''
'' એ તો માં હું આગલાં દિવસે શાળાએ ગઈ ન હતી ને એટલે જરા ગૃહકાર્ય પૂછવાનું હતું એટલે થોડું અમસ્તું મોડું થયું...''
'' ઠીક છે, ઠીક છે હવે આ ઘરમાં બાકી પડેલું કામ કરવા લાગી જા.. ''
સોની પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી એક નાદાન બાળકી હતી. એ જયારે માંડ બે વર્ષની હશે ત્યારે એની માં શારદા એને છોડીને પ્રભુ શરણ થઇ ગઈ હતી. આથી એનો બાપ દશરથ ખુબજ લાચાર થઇ ગયો હતો. કુટુંબના સભ્યોના લાગણીવશ દબાણથી એને પર ઇચ્છાયે બીજા વિવાહ માટેની સંમતિ આપી દીધી. એના બીજા વિવાહ બાજુના ગામમાં રહેતી મૃદુલા સાથે કરાવવામાં આવ્યા હતા. મૃદુલા પણ એક વિધવા હતી. એકાદ વર્ષ પહેલા એના પતિ ને ખેતરે કામ કરતો હતો ત્યારે સાપ કરડવાથી તેનું અકાળે મૃત્યુ થયું હતું. આથી મૃદુલના માબાપ તેને પોતાના ઘરે તેડી લાવ્યા હતા. મૃદુલના માબાપ નો પણ એવો વિચાર હતો કે, હજુ મૃદુલા ની વય તો ખુબજ નાની કહેવાય. આથી એના બીજા લગ્ન કરી દઈએ એમાં જ ભલાઈ. મૃદુલના માબાપના વિચારણને સેતુ મળી ગયો. થોડા સમયમાં જ પડોશી ગામના દશરથ સાથે એમના વિવાહ નક્કી થયા. થોડા સમયમાં જ મૃદુલા પરણી ને શ્વસુરગૃહે આવી ગઈ. શરૂઆતમાં તો બધું ઠીકઠાક ચાલતું હતું. પરંતુ ધીમે-ધીમે દશરથ ના ઘરમાં થોડું અશાંતિનું મોજું ફરવા લાગ્યું. મૃદુલાનું બોલવા ચાલવા માં અક્કડપણુ કુટુંબ ના બધા સભ્યોને શૂળ ની માફક ચુંભવા લાગ્યું હતું. છતાં પણ બધા મૂંગા મોઢે સહન કરતા હતા. પણ હવે સહનશક્તિ માં પણ ઓટ આવવા લાગી. એટલે ના છૂટકે કુટુંબના સભ્યોએ દશરથને અલગ થઇ જવા માટે ફરમાન કર્યું. દશરથ મનથી ખુબજ દુઃખી થયો. તે મનમાં વિચારતો રહેતો હતો કે, જે લોકોએ લગ્ન માટે દબાણ કર્યું એજ લોકોએ આજે મને ઘરથી અલગ કરી દીધો. છેવટે દશરથ પત્ની મૃદુલા અને આગલા ઘરની દીકરી સોનીને લઇ બાજુના સાવ નજીકના ગામમાં રહેવા ચાલ્યો ગયો.
હવે દશરથ અલગ રહેતો હોવાથી એ એના મનનો માલિક પોતે હતો. એના સુખ દુઃખ તેને જાતે ઉકેલવાના રહેતા હતા. મૃદુલા શરૂઆતમાં સોનીને માં નો ખોળો આપતી, એને માં નું મમત્વ આપતી રહેતી. શરુ શરૂમાં તે સોનીનું ખુબજ ધ્યાન રાખતી હતી. દશરથ ભલે પરિવારથી અટૂલો પડી ગયો હતો પણ મૃદુલા સોનીને અનહદ પ્રેમ આપતી એ જોઈને દશરથ પોતાના પરિવારથી વિખુટા પડી જવાનું દુઃખ પણ ભૂલી જતો. સાવકી માં નો દીકરી પ્રત્યે નો અટલ સ્નેહ જોઈ એ મનોમન ભારે પ્રસન્ન થતો હતો.
દશરથ અને મૃદુલના લગ્નને એકાદ વર્ષ થવા આવ્યું હતું. એક દિવસ બપોરનો સમય હતો એટલે સોની , મૃદુલા અને દશરથનો આ નાનો એવો પરિવાર જમવા બેઠો હતો. મૃદુલા સોનીને પ્રેમથી ખવડાવી રહી હતી. ક્યારેક તે સોની ને પરાણે થોડું વધારે ખવડાવતી હતી એ જોઈને દશરથ રાજીના રેડ થઇ જતો. મૃદુલા જમીને ઉભી થઇ કે તરત જ એને ચક્કર આવવા લાગ્યા એટલે એ દીવાલની આડસ નો સહારો લઈને બેસી જ ગઈ. તરત જ દશરથ એને લઈને ગામમાં આવેલા એ ડૉ. નાનુભાઈના દવાખાને લઇ ગયો. તાબડતોબ ડૉ. નાનુભાઈએ મૃદુલાની તપાસ કરી તો ખુશી સમાચાર નો સંદેશો આવ્યો. મૃદુલા માં બનવાની હતી. ડૉ. નાનુભાઈએ જેવા દશરથને મૃદુલાના ગર્ભવતી હોવાના સમાચાર સંભળાવ્યા કે દશરથ ના મનની વેરાન ભૂમિ પર તો જાણે હરિયાળી છવાઈ ગઈ. ડૉ. નાનુભાઈએ દશરથને એક ખાસ સૂચના આપતા કહ્યું કે, મૃદુલાના ગર્ભને બીજો માસ ચાલી રહ્યો છે તો એની પાસે ભારે કામ કરાવવાનું નહિ, એનું ખુબજ ધ્યાન રાખવાનું રહેશે.
દશરથના જીવનમાં થોડું પરિવર્તન આવવા લાગ્યું. મૃદુલાના ગર્ભમાં પોષાતા બાળક પ્રત્યે એની લાગણીઓ વૃદ્ધિ પામવા લાગી હતી. હવે તો દશરથ મૃદુલાની ખુબજ પરવાહ કરવા લાગ્યો હતો. તેની નાનામાં નાની જરૂરિયાતનો ખુબ જ ખ્યાલ રાખતો હતો. તે મૃદુલાને રસોઈ બનાવવા તથા વાસણ અને કપડાં ધોવડાવવામાં પણ મદદ કરતો રહેતો. મૃદુલા ની સારસંભાળમાં તે સોની ને તો સાવ ભૂલી જ ગયો. મૃદુલાનું ધ્યાન પણ હવે સોની પરથી હટવા લાગ્યું હતું. દશરથ અને મૃદુલા પોતપોતાના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યા હતા. ધીમે-ધીમે ઘર કામમાં સોનીનો ઉપયોગ પણ થવા લાગ્યો હતો. તેની પાસે ઘરનું બધું જ કામ કરાવવામાં આવતું હતું. ભણવા સિવાય નો તેના પર કામનો બહુજ બોજો નાખી દેવામાં આવ્યો હતો. તેની પાસે ઘરનું તમામ કામ કરાવવામાં આવતું હતું. થોડી ઘણી રસોઈ શીખવવામાં આવી હતી. જમ્યા પછીના તમામ વાસણો સોની ને માંજવાના રહેતા હતા. ઘરના ત્રણેય જણ ના કપડાં પણ સોની પાસે ધોવડાવવામાં આવતા હતા. પાણી ભરવું તથા ઘરનો કચરો સાફ કરવા થી લઈને ઘણા કામો હવે સોનીના શિરે આવ્યા હતા. હવે તો દશરથ સાવ જ બદલાઈ ગયો હતો. તેને ઘરમાં મૃદુલાના ચહેરા સિવાય કશુંજ દેખાતું ન હતું. હવે તો મૃદુલા પણ સોનીને સ્નેહ આપવા બાબતે ઘણી અસમર્થ થઇ ગઈ હતી. મૃદુલા અને દશરથ એકમેકના જીવન ખોળ્યાં કરતા પણ એક પાંચ વર્ષની ફૂલ જેવી બાળકી ની સારસંભાળ લેવાવાળું કોઈ ન હતું. તે એક માબાપના પ્રેમ માટે તરસતી હતી પણ એ બાળકી એ પ્રેમ ખોજવામા નિષ્ફળ રહી.
જેમજેમ મૃદુલાની પ્રસુતિનો સમય નજીક આવતો ગયો તેમતેમ તો સોનીના જીવનમાંથી દશરથનું વ્હાલ અને મૃદુલા ની મમતા તો જાણે સાવ ગાયબ જ થઇ ગયા અને ઉલટાનું એના પર કામનું ભારણ વધતું ગયું. સોનીના જીવનમાં હવે પિતા દ્વારા મળતા ધિક્કરપણા અને ફીટકારપણા એ પણ પ્રવેશ કર્યો હતો. સગા પિતા દશરથ અને સાવકી માં મૃદુલની સ્મૃતિમાંથી જ એ નીકળી ગયું હતું કે, અમારે એક દીકરી પણ છે. ધીમે-ધીમે તેની સાથે ઘરના નોકર જેવો વ્યવહાર થવા લાગ્યો હતો. આવી પરિસ્થિતિમાં નવ માસ પૂર્ણ થતાં મૃદુલાએ એક તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો.
હવે તો સોની પર કામનો બોજો એટલો વધી ગયો કે એ બિચારી શરીરથી તો જીવિત હતી પણ મનથી મૃત થઇ ચુકી હતી. ધીમે-ધીમે મૃદુલાનો એ દીકરો મોટો થવા લાગ્યો હતો. એનું નામ રઘુ રાખવામાં આવ્યું હતું. રઘુ તો માતાપિતાના પ્રેમ ની છત્રછાયા માં મોટો થતો જતો હતો. સોની ને એક વિશેષ કામ પણ સોંપવામાં આવ્યું હતું. ભણવાનું, ઘર કામ કરવાનું તથા ભાઈ રઘુ ને પણ હેતથી સાચવવાનો અને રમાડવાનો. એક પાંચ વર્ષની બહેન પોતાના પાંચ માસના ભાઈને ખુબજ હેતથી રમાડે અને ખુબજ ધ્યાનથી સાચવે પણ ખરા.
એક દિવસ તો એક અણધારી ઘટના ઘટી. બહેન સોની પોતાના ભાઈ રઘુને કાખમાં ઉંચકી પ્રેમથી રમાડતી હતી એવામાં.....,
ક્રમશ..,
ભાવેશ લાખાણી