હસતા નહીં હો! - ભાગ ૩ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હસતા નહીં હો! - ભાગ ૩


વિદ્વાન માણસો કહે છે કે આપણા જીવનમાં ત્રણ પ્રકારના સંબંધ હોય છે:
પહેલો માણસનો માણસ સાથેનો સંબંધ,બીજો માણસ નો વસ્તુ સાથેનો સંબંધ અને ત્રીજો માણસ નો પોતાની જાત સાથેનો સંબંધ.પહેલા અને ત્રીજા સંબંધમાં જે માણસ નિષ્ફળ જાય એ જ હાસ્ય લેખક ની ઉપાધિ ધારણ કરતો હોય છે એમ મારું માનવું છે. આથી એ ન્યાયે અહીં હું બીજા પ્રકારના સંબંધનો કરૂણ(મારા માટે)અને હાસ્ય(તમારા માટે) પ્રસંગ રજૂ કરું છું.

"હવે એની જે સ્થિતિ છે એના પરથી એવું લાગે છે કે એને ભંગારમાં નાંખી દેવી જોઇએ."મારા (પૂજ્ય) પિતાજી આદેશ આપ્યો.'મુજ મન રીત સદા ચલી આઈ, મેં જાઉં પર મુજ સાયકલ ના જાએ.' કવિતા ના રવાડે ચઢેલો મારા જેવો માણસ જ્યારે સાયકલ પ્રેમી બને ત્યારે આવું બોલે અને એ જ હું બોલ્યો. આમ તો ભારતીય ઘરોમાં 'પપ્પા' નામનું પ્રાણી જે આદેશ આપે તેનું પાલન બીજા બધા નાના-મૂંગા-બિચાળા પ્રાણીઓને કરવાનું જ હોય છે,પરંતુ ક્યારેક મારા જેવા પૂરતી શક્તિથી વિરોધ કરીશું તો કદાચ માનશે એમ માનીને નિર્બળ વિરોધ પણ કરે.

બસ આ જ માન્યતાને આધારે વિરોધ કરવાનું હનુમાનકર્મ કર્યું. ચમત્કારથી કે કેમ ખબર નહિ, મેં તો કોઈ પુણ્ય નથી કર્યા પરંતુ મારી આવતી પેઢી કદાચ જે પુણ્ય કરવાની હશે તેના પ્રતાપે મારા પિતાજીએ સાઇકલને સાયકલ માંથી ભંગાર બનાવવાનો નિર્ણય રદ કર્યો.પાંત્રીસ વર્ષથી અપરણિત હોય,કોઈ કન્યા 'હા' પાડતી ન હોય અને એવા મૂરતિયાને કોઈ ફૂલગુલાબી છોકરી સામેથી આવીને વિવાહનું આમંત્રણ આપે અને એને જેવી ખુશી થાય એવી જ મને મારા પિતાજીના આ નિર્ણયથી થઈ જાણે મને મારી પ્રેમિકા મારી સાઈકલ પાછી મળી ગઈ.

વાત એમ હતી કે છેલ્લા ઘણા વર્ષોથી જે સાઇકલે મને દરેક પરિસ્થિતિમાં પોતાની ચેઇન ઉતારીને,ટાયરો ને વારંવાર ભૂખ્યા બનાવીને સાથ આપ્યો હતો તેને ઘરના બધા સભ્યો ભંગારમાં મોકલી દેવા માગતા હતા.હું કોઈ સરકારી અધિકારી હોઉં અને મારે કોઈ હિન્દી ફિલ્મની નાયિકા(ઉર્ફે હિરોઈન) સાથે પરણવાનું હોય ત્યારે વરઘોડા પર ચડવા જેવો ઉત્સાહ હોય એ જ ઉત્સાહથી મને બે પૈડાવાળી,ગણિત થી પણ વધારે અઘરી ગેર સિસ્ટમ ધરાવતી, માથે હેલ્મેટ પહેરવાના નિયમ વાળી ગાડી મને શીખવવા પરિવારજનો ઉતાવળા બનતા હતા. પણ મારી અંદર તો પહેલી પનિહારી જેવી નાજુક નમણી ગુજરાતી સાહિત્ય (વ્યાકરણ ને બાદ કરતા) જેવી સાવ સીધી અને સરળ,કોઈપણ પ્રકારના નિયમ વગરની સાઇકલ ચલાવવાની ઈચ્છા હજુ કુદકા મારતી હતી.

"હવે તો કોલેજમાં આવ્યો,હવે તો ગાડી શીખી લે.બાકી દીકરી કોણ આપશે?"શેરબજારના ભાવ વધશે કે ઘટશે એની રોકાણકારોને,આવતી ચૂંટણીમાં કોણ જીતશે એની રાજકીય વિશ્લેષકોને,એકતા કપૂરની ધારાવાહિકોમાં આવતી વખતે શું આવશે એની સ્ત્રીઓને જેટલી ચિંતા નથી હોતી,એના કરતાંયે વધારે ચિંતા ગુજરાતી માતા-પિતાઓને પોતાના દીકરાને પરણાવવાની ચિંતા હોય છે.(જોકે એમાં એનો વાંક નથી!)એ જ લાગણીનો હું પણ શિકાર બન્યો.લગભગ આ ઉંમરના બધા યુવાનોને જે મફતમાં મળતું હશે એવું આ મ્હેણું મને મારી માતાએ માર્યું.એ સાંભળતા જ હું બોલ્યો,"તો સારું ને,એક દીકરીની જિંદગી બચી જશે અને હું ગર્વથી કહી શકીશ કે મેં બાળપણમાં શાળામાં બોલેલા 'પ્રતિજ્ઞાપત્ર'નું સ્પષ્ટપણે પાલન કર્યું છે."મારા માતાએ મારા પર કરડી નજર કરી અને કહ્યું,"ટૂંકમાં લગ્ન ન કરીને ભૂખ્યે મરવું છે એમ?"મેં હસતા હસતા કહ્યું,"તો પરણીને વળી તમને હું સુખેથી ખાતા જોતો તો નથી."ચર્ચા જ બંધ થઈ ગઈ!

હું મારી સાયકલ સાથેના સંસ્મરણોમાં ખોવાઈ ગયો. સાઈકલ લઈને અમે મિત્રો અનેક શેરીઓમાં રખડવા જતા. અમે જે શેરીમાં રખડવા જતા ત્યારે ખબર નહીં પણ મારા અને હડકાયા કુતરા નો જુનો સંબંધ રહ્યો છે મારો નિર્દોષ,નિષ્પાપ,ભોળા અને મૂર્ખ ઉપરાંત સૌથી વધુ તો ડરેલા ચહેરાને જોઈને તેને મારા પર ભસ્વાનું કેમ મન થતું હશે એ કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકો માટે સંશોધનનો વિષય છે.મારા બધા મિત્રો બાળપણથી જ અળખામણા રહ્યા છે અમારી પંગતમાં સૌથી વધુ ભોળો અને કદાચ નબળો મૂર્ખ માણસ પણ હું જ છું.જ્યારે અમે સાયકલ લઈને કુતરા વાળી શેરી માં જતા ત્યારે મારા મિત્રો તો કૂતરાઓની પૂંછડી પરથી સાયકલ ફેરવીને એને જીવનદર્દ આપતાં છતાં એના પર માત્ર ભસીને કૂતરું શાંત થઈ જતું,કરડતું તો નહીં જ નહીં!આવું થાય ત્યારે મને સમગ્ર નિયતિ ખૂબ જ ન્યાયી લાગે છે.પણ આવું જ્યારે હું કરું ત્યારે એ પોતાના દાંતની છાપ મારા ચરણ કમળ પર અવશ્યપણે પાડે.

આવું કરવાનો એ મારો પહેલો અનુભવ. આ બધા મિત્રોને આવું બધું કરતાં જોઈને મને એકવાર ઈર્ષ્યા આવી.મારી બાળ સખી અને પ્રિયતમા સમાન સાયકલ પણ મને જાણે કહી રહી હતી કે,

" તું શાને ડરે છે કૂતરાની પૂંછથી,
તારી સાથે છું હું તારી બાળસખી.

નહીં કરે એ માત્ર એક ચીસ કાઢશે,
હવે વધુ ન કરો વિચાર સમય વીતશે.

હવે સાબિત કરો તમારી ખુમારી,
ચડાવો પેડલ ને વીંધો કૂતરાની પૂંછડી."

આવું વિચારીને મારામાં અને જુસ્સો ઉભરાયો.અને મે કદી ન કરેલું એવું ભીષ્મકર્મ કરવાનો નિર્ણય લીધો.કોઇ યુદ્ધે ચડેલા વીરને જીતવાનો પૂરેપૂરો જુસ્સો હોય,વીરાંગનાએ રાજતિલક કરી દીધું હોય,ભાટ-ચારણોએ પ્રશસ્તિ ગીતો ગાઈ નાખ્યા હોય એ પછી એ જેવી રીતે ઘોડે ચડે એ રીતે હું સાઇકલ પર બેઠો.મનોમન એ કૂતરાની પત્નીની માફી માંગી લીધી કે જેથી વિકટ સંજોગોમાં એ એના પતિનો સાથ ના આપે.મારા મિત્રો મારા પરીક્ષક બની બેઠા હતા.એ લોકોને પરણતી વખતે જેટલો ઉત્સાહ હોય એના કરતાં વધુ ઉત્સાહ મારા આ સાહસને જોવાનો હતો.

મેં અર્જુન-કર્ણ-નેપોલિયન-ભીમ વગેરે મહાન યોદ્ધાઓને યાદ કરીને પેડલ મારવાનું શરૂ કર્યું.સાયકલ પણ ઉત્સાહથી દોડી ગઈ ને સૂડીની વચ્ચે સોપારી રાખીને સોપારીનું છેદન કરતા જે 'ખટક' અવાજ આવે એવો જ અવાજ મારી સાયકલમાં આવ્યો પણ મેં એના પર ધ્યાન દીધા વિના પેડલ માર્યા કર્યા.થોડી જ વારમાં મારી સાયકલના ટાયર વડે કૂતરાની પૂંછડીનું છેદન થયું.અચાનક,કોઈ એક પત્નીથી ત્રાસેલા પતિને બીજી વખત પરણવાનું આમંત્રણ આપ્યું હોય,પહેલેથી સૂચિત કર્યા સિવાય નોકરી છોડી દીધી હોય ત્યારે પેઢીનો માલિક,કોઈ માસ્તરને એના વર્ગમાં વિદ્યાર્થીના પ્રશ્નોને લીધે અટવાવું પડ્યું હોય ને એ બધાની આંખોમાં જે ગુસ્સો અને ખૂન્નસ એવો જ ગુસ્સો અને ખૂન્નસ એ કૂતરા અને મનોમન માફી માંગી હોવા છતાં એ કુતરીની આંખમાં પણ હતો.તેઓ પુરી શક્તિથી પાછળ પડ્યા અને મેં પુરી શક્તિથી ભાગ્યો પણ પેલો 'ખટક' અવાજ અવગણવો મને ભારે પડ્યો-અરે,અતિ ભારે પડ્યો.એ 'ખટક' અવાજ હવે ખટક્યો ,મારી સાયકલની ચેઇન ઉતરી ગઈ હતી.મારા પગમાં રહેલા રક્તકણો,શ્વેતકણો, ચામડી અને એની અંદર રહેલા રસાયણો એટલે કે આખો એ એક ભાગ કુતરાનો ખોરાક બની ગયું.આવો દગો તો મારી સાયકલે મારી સાથે ઘણી વખત કર્યો છે છતાં હું એને ચાહું છું.

બસ,હજુ આ બધું વિચારીને આ લખતો હતો ત્યાં નીચે ઉહાપોહ સંભળાયો.બધા મારી સામે કરુણતાભરી નજરે જોતા હતા.પણ મને ખબર નહોતી કે આટલો બધો ઉહાપોહ શેનો હતો ને આ બધા મારી સામે કરુણતાથી કેમ જોતા હતા!?કોઈ દર્દીને બાટલો ચડાવવો અત્યંત જરૂરી હોય,બાટલો ચડાવવા માટેની સોય નસમાં દાખલ થઈ ગઈ હોય અને પછી નર્સ અડધો બાટલો ચડાવ્યા પછી જાહેર કરે કે આ બાટલામાં આ દર્દી સાથે ભળતું લોહી નહોતું ત્યારે દર્દીની જે હાલત થાય એવી હાલતનો હું દર્દી હોય એમ મારા પિતાએ મારા ખભા પર હાથ મુક્યો અને કહ્યું,"તારી સાયકલ ચોરાઈ ગઈ!"