Hasta nahi ho 9 books and stories free download online pdf in Gujarati

હસતા નહીં હો! - 9 - કાઠિયાવાડી વડીલો
"પણ ક્યાં કઈ તારા બાપનું લૂંટાઈ જાય છે તે આટલી ઉતાવળ કરે છે? જરા શાંતિથી કરને." ઉપરથી બોલપેન મુકો તો લસરીને નીચે પડી જાય એવી ઉપરથી લપસ્યા જેવી અને નીચેથી સીધી એવી ફાંદ ધરાવતા,સરકારી આચાર્યની જેમ નાકની વચ્ચે સુધી ચશ્માની દાંડી રાખીને મારી સામે તાકીતાકીને કોડા જેવી આંખો વડે જોનારા,પોતાની જ વાત સાચી છે એવું ઠસાવવા સરસ્વતી દેવી પણ શરમાઈ જાય તેવી દલીલો કરનારા,બીજાની વાતમાં અનેક હીરા માંથી પથ્થર શોધવા જેટલી મહેનત કરીને દોષ શોધનારા એક વડીલે મને ઉપરનુ વાક્ય કહ્યું.હવે આ વડીલ કહી રહ્યા હતા કે ધમકાવી રહ્યા હતા એ હું નક્કી કરી શકતો નહોતો.જો હવે હું જરા પણ ઉતાવળ કરું તો જે નવદંપતી ના વિવાહનો હિસાબ અમે કરી રહ્યા છીએ તેની પ્રથમ રાત્રિમાં તેના ઓરડામાં જઈને બેસી જઉં અને જેટલું પાપ મને લાગે અને એ પાપની જે સજા મને થાય એવી સજા મને એ વડીલ કરે.

"એક તો આ ગણિતમાં કાચો છે ને ઉપરથી ઉતાવળ કરે છે.કોણ જાણે કેમ આર્ટસ ભણી શકતો હશે?" આર્ટ્સના અધ્યાપકો અને વિદ્યાર્થીઓને માથે ઓઢીને રડવું પડે એવી વાત આ વડીલે કરી.આર્ટ્સ ભણવામાં ગણિતની નહિ પણ ગુજરાતીની જરૂર પડે છે એટલું પણ ન જાણતા એક વડીલે મને મારું ગણિત નબળું હોવાનું કૈવલ્ય જ્ઞાન કરાવ્યું. આ વડીલની પણ ફાંદ મોટી હતી અને આંખ લાલ ચોળ રહેતી.આ વડીલની વિશેષતા એ હતી કે ફાંદ ઘડા આકારની હતી જેમાં ગુસ્સો ભર્યો રહેતો. આ વડીલ નહોતા,સાક્ષાત દુર્વાસા હતા.જો હવે મારાથી ભૂલ થાય તો દુર્વાસાની માફક શ્રાપ ન આપે પણ મારા જીર્ણ શરીરને મારી મારીને જીર્ણાતિજીર્ણ બનાવી દે એવો ભય મને લાગ્યો.

આમ તો અમારા કાઠિયાવાડનું ઘણું બધું સમગ્ર દેશમાં પ્રખ્યાત છે:ખાવાનું, વસ્ત્ર પરિધાન, ભાષા,માણસો વગેરે પણ એ ઉપરાંત એક ચીજ એવી છે જે ખૂબ જ સારી છે છતાં આ ચીજોની જેમ ખૂબ પ્રખ્યાત થઇ શકી નથી અને એ જ છે અમારા 'કાઠીયાવાડી વડીલો'. એની સુંદર દેહયષ્ટિનું વર્ણન કરી ચુક્યો છું અને એના માનસનું ગુણગાન ગાવાની હવે મને લાગે છે કે જરૂર નથી.આવા મહાન એવા અમારા કાઠીયાવાડી વડીલો સાથે અનેક વખત મારે કામ પાર પાડવાનું હોય છે કારણ કે હું એક કાઠીયાવાડી છોકરો છું અને ભવિષ્યમાં કાઠીયાવાડી વડીલ જ થવાનો!

એમાં એક દુર્ભાગ્યપૂર્ણ દિવસે એક અંગત લગ્ન બાદ બે કાઠીયાવાડી વડીલો સાથે લગ્ન નો હિસાબ માંડવાનું થયું.આ હિસાબ કરવાનું કામ મને સોંપાયું એટલે આપણે તો ખુશ થઈ ગયા કે ચાલો કોઈ તો આપણને સમજદાર સમજે છે.પણ ત્યારે બીજા જે ખરા અર્થમાં સમજદાર એવા મારા જેવડા અથવા તો મારાથી ઉંમરમાં મોટા યુવાન હતા તે પાછળ ખસી ગયા અથવા તો હિસાબમાં તેમણે ધ્યાન ન આપ્યું.મને થયું કે આ બિચાળા વડીલો આપણને હિસાબ જેવું મહાન કામ સોંપે છે તો આપણે કરવું જોઈએ પણ ખબર નહિ કેમ આ બીજા યુવાનો એ કામ પ્રત્યે બેદરકાર જ રહ્યા એટલે કે હિસાબ એ કોઈ અગ્નિપરીક્ષા હોય અને એ આપવામાંથી છટકવા માટે આમ બહાના કાઢીને એક પછી એક ભાગતા હતા.ને વધ્યો હું!આમેય હું એક જ વધુ છું.

"તારા અક્ષર ખૂબ જ સારા છે.ચાલ આમાં હું કહું એ મુજબ લખવા માંડ." આ ધમકી ઉર્ફે આહવાન સાંભળતા જ કોઈ વરરાજાને તેની વધુને વરમાળા પહેરાવવા જતા જેટલો ઉત્સાહ હોય એટલા જ ઉત્સાહ સાથે હું હિસાબ કરવા બેઠો.આ સમયે બીજા જે યુવાનો બહાનાબાજી કરીને ભાગી ગયા હતા તે સામેના મકાન પરની અગાસી પરથી મારી સામે એવી રીતે જોઈ રહ્યા જાણે કોઈ બકરી કતલખાનામાં જતી હોય અને મારી સામે જોઇને ખંધુ હસવા લાગ્યા.અહીં તો એમ બધાએ બહાર જવાનું કહ્યું ને એ બધા સામેની અગાસી પર શું કરે છે?એ મને સમજાયું નહીં.પણ તમે ગમે એટલું સમજો તો પણ તમારી સમજદારીમાં જગતની સમજદારી ક્યારેય ન આવે એવી તત્વાજ્ઞા થતા મેં એના પરથી નજર ફેરવી લીધી. ને 'અમે' એટલે કે હું અને બંને કાઠીયાવાડી વડીલોએ મળીને હિસાબ આદર્યો.

આણું, મામેરુ,પહેરામણી,કવર જેવી અનેક ભાતભાતની નોંધોનું લાંબું ચિતરામણ એ બંને વડીલોએ પોતે અદાલતના જજ હોય અને હું સ્ટેનોગ્રાફર હોય એવી અદાથી મારી પાસે નોટમાં બધું લખાવ્યું. આટલી વારમાં પહેલા વડીલ શરૂઆતમાં લખેલ વાક્ય અનેક વખત બોલી ગયા હતા.પણ એટલેથી ન અટકતા જેના માટે મારા વખાણ થયા ને હું ફુલાયેલો એની પણ હવે તો એમને ટીકા કરવા માંડી."પણ જરા ધીમે લખ અને સારા અક્ષરે લખ. મને બધું ઉકલવું તો જોઈએ ને!" મોતીના દાણા પણ શરમાય જાય એવા અક્ષરે હું એમનો પડતો બોલ નોટમાં લખ્યે જતો હતો અને એ પાછા વડીલ પણ પેપર લખતી વખતે છેલ્લી દસ મિનિટમાં જે ઝડપે આપણે લખીએ એવી ઝડપે બધું બોલતા હતા.એક તો આટલી ઝડપે બોલે છે ને હું સારા અક્ષર કરું છું તો પણ પાછા ગુસ્સો કરે છે.એવા આ ઘમંડી વડીલોને જોઈને મને ગુસ્સો ચડ્યો છતાં હું હસતા હસતા બોલ્યો,"પેપરચેકરોને ઉકલી ગયા તો તમને નહિ ઉકલે?" મારુ આ વાક્ય પૂરું થયું ને એ વડીલ નિર્મિત આખું ઘર હસવા લાગ્યું.વડીલથી પોતાનું અપમાન ન જોવાયું અને એ ક્રોધે ભરાયા."મારે તારું પેપર નથી જોવું,નોટમાં વાંચવું છે.સમજ્યો ડોબા?"આગળ દલીલ કરીશ તો બાજુમાં બેઠેલા દુર્વાસા પણ આ પરશુરામજીને વ્હારે આવશે ને પછી મારા જેવા વાનર રૂપે માણસનું શું થાય?એ વિચારે હું મૌન રહ્યો ને હકારમાં માથું હલાવ્યું.

મને ત્યારે એમ હતું કે બસ આ લેખન કાર્ય પૂરું થાય ને છટકું.થોડાક સમયમાં લેખનકાર્ય પૂરું થયું અને મને થયું કે બસ હવે અહીં જ સ્વર્ગ! ને ત્યાં આ શું? મારી એ ધારણાના સ્વર્ગમાંથી જ યમરાજ અને ચિત્રગુપ્ત બહાર આવ્યા અને કહેવા લાગ્યા કે આ તો માત્ર હજુ વ્યવહારિક નામ લખ્યા હિસાબ તો હજુ બાકી છે.યમરાજ અને ચિત્રગુપ્ત કોણ છે કહેવાની જરૂર છે ખરી?

હિસાબ મંડાયો.પૈસા ગણાયા અને જે મારી સાથે દર વખતે થાય છે એવું જ થયું.નોટમાં જેટલા વ્યવહારિક નામ લખેલા ને એને ચુકવેલી રકમનો જે સરવાળો આવેલો એટલા રોકડ રૂપિયા હાજર નહોતા.હવે વાત આવી કે પૈસા ગયા ક્યાં? કોઈ શહેરની જાણીતી બજારોમાં જેમ કોઈ ચોર પ્રખ્યાત થઈ જાય અને પછી જ્યારે કોઈ ચોરી થાય ત્યારે પોલીસ પકડીને એને જ મારે એવો હું ચોર હોઉં તેમ સીધું પહેલા કાઠીયાવાડી વડીલે કહ્યું કે નક્કી
"આના હિસાબમાં જ કોઈ ભૂલ હશે. શું કરશે જીવનમાં?એક લગ્નનો હિસાબ વ્યવસ્થિત નથી કરી શકતો."દુર્વાસાનો ચહેરો પણ લાલચોળ થઈ ગયેલો અને એના શ્રાપનો ભાજન બનવાની મેં માનસિક અને શારીરિક તૈયારી પણ મેં કરી લીધી. આ સાંભળતા અને જોતા જ ઉપર જણાવ્યા એવા ચોરે ચોરી ન કરી હોય અને છતાં તે બદનામ થાય તેને માર પડે ત્યારે ચોરનો જેવો ચહેરો થાય એવો જ મારો ચહેરો થયો.મને ક્ષરવાર તો થયું કે ફોગટ છે મારું જીવન!ફોગટ છે મારી શૈક્ષણિક કારકિર્દીના ઉજળા પરિણામો! 'મારાથી આવી હિસાબમાં ભૂલો થાય જ કેમ?' એવી વૃત્તિ મારામાં જાગી. Black Humourમાં ઉર્ફે કાળા હાસ્યમાં હસાઈ ગયા બાદ ગ્લાની થાય કે ખોટું હસાઈ ગયું તે જ ગ્લાનિ મને થવા લાગી.

મને બે-ત્રણ કલાક ભાષણ સંભળાવ્યા બાદ એક ઘટસ્ફોટ થયો.પણ જરા થોભીને એ ભાષણ દરમિયાન મારી હાલત શું હતી એનું કરુણ વર્ણન તમે સાંભળો.મને અધ્યાપક થવાના અભરખા હોવાને લીધે હું હંમેશા મારા સહાધ્યાયીઓ મને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે હું ભાષણરૂપે જ જવાબ આપું છું.મારી આ વૃત્તિથી મારા સહઅભ્યાસીઓ મને ઓછો જ બોલાવે છે.એ કેમ ઓછો બોલાવે છે એનું કારણ મને આ વડીલોએ પોતાના ભાષણ વડે સમજાવ્યું. હવે આવીએ ઘટસ્ફોટ પર તો પહેલાં જે કાઠીયાવાડી વડીલ હતા તેની "વાંકો જેનો અંબોડો ને નાગરવેલના પાન જેવી આંખોવાળી વાતડાહી વહુએ કહ્યું કે જે પૈસા રોકડ ખૂટે છે એ તો એની પાસે છે-એના પર્સમાં! એ વહુ મને ભાભી ન લાગ્યા,દેવી લાગ્યા અને એની વાણી સાંભળતાં જ હું ધન્ય થઇ ગયો.મારી પર આંગળી ચીંધી ચીંધીને હિસાબ દોષના આરોપો નાખવામાં આવ્યા હતા તે બધા ઉતરી ગયા ને મારા રોમરોમમાં હર્ષ વ્યાપી ગયો.

કોઈ વર્ગખંડમાં કોઈ શિક્ષક વિદ્યાર્થીને ધોઈ નાખે અને પછી ખબર પડે કે વિદ્યાર્થી નિર્દોષ હતો, માતા-પિતા પોતાની જુવાન દીકરીને જમાઈ સાથે બહુ ખુશ જુએ ને પછી ખબર પડે કે આપણી દીકરી જમાઈ સામે એના સખા સાથે રખડે છે, અદાલતના જજે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હોય ને પછી ખબર પડે કે આરોપી નિર્દોષ હતો ત્યારે શિક્ષક, મા-બાપ અને જજની જેવી હાલત થાય એવી જ હાલત એ કાઠીયાવાડી વડીલોની થઈ અને મારા સામે એ બંને-દુર્વાસા અને પરશુરામજી- દયામણા ચહેરે જોઈ રહ્યા.

હિસાબ તો મહા મહેનતે પૂરો થયો. દુનિયામાં અમુક એવા લોકો હોય છે જે પોતાની ભૂલ બદલ માફી માગવાની તો વાત દૂર રહે પણ પોતાની ભૂલ છે એમ ખબર પડે એટલે સામેવાળાની ગમે ત્યાંથી ભૂલ શોધીને તેના પર તૂટી પડે છે,જાણે પોતાની ભૂલનો બદલો સામેવાળા પાસેથી લેતા હોય! આ કાઠીયાવાડી વડીલોની વૃત્તિ પણ કંઈક આવી જ હતી. હું હિસાબ નવી પદ્ધતિથી કરતો હતો અને એને એની વૃત્તિ ને સતેજ કરવાનું બહાનું મળ્યું. તરત જ કહેવા લાગ્યા કે,"આ શું માંડ્યું છે?", "આ બધી ખોટી હોશિયારી ન બતાવ,અમે કહીએ એમ લખ!" મારી ખાતરી છે કે મારી પદ્ધતિ કોઈપણ હિસાબ નિષ્ણાંતને બતાવો તો મને શાબાશી આપે ને મને આ વડીલોએ આપ્યો-ગુસ્સો!

કેટલાક વડીલો અને ખાસ કરીને કાઠિયાવાડી વડીલો પોતાની ભૂલ આવતા જ વાત ફેરવવાની સારી એવી આવડત ધરાવતા હોય છે.આ એમનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.વાત
ફેરવીને મારા પર ગુસ્સે થઈને અને પાછા છેલ્લે મજાક કરીને મારા જેવા નિર્દોષ બાળક ની એને હાય લાગશે કે કેમ એ જ્યારે વિચારું છું ત્યારે મને શરૂઆતમાં લખેલા બંને વાક્યો કાને સંભળાય છે અને પહેલા જુવાનિયાઓનું અટ્ટહાસ્ય મારી આંખ સામે આવી જાય છે.ને વાચકમિત્રો,આ તો એક જ પ્રસંગ હતો.હું અને એ જુવાનિયાઓ અનેક વખત આવા કાઠિયાવાડી વડીલોના શિકાર બન્યા છીએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED