હસતા નહીં હો! - ભાગ ૪ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હસતા નહીં હો! - ભાગ ૪

હાસ્યવાર્તા:થિયેટર મારી નોકરી ખાઈ ગયું!

"વનનો લીલો અંધકાર જેમ કહે તેમ સૌ કરે,
ચરે,ફરે,રતિ કરે,ગર્ભને ધરે,અવતરે,મરે."

-સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા

આજના માણસનું જીવન પણ આવું જ થતું જાય છે જીવન શક્ય બનતું જાય છે ના જીવન મૃત્યુ મંદિર સુધી પહોંચે એ પહેલા થોડો ઘણો આનંદ માણસ મેળવે તે માટે અનાદિકાળથી ઘણો પ્રલોભનો અથવા તો મનોરંજનના સાધનો પૃથ્વી પર છે: સુરા,સુંદરી,રતિક્રીડા,નૃત્ય ,સંગીત, રેડિયો-ટીવી ને થિયેટર!બસ આ થિયેટરમાં જ મને મારા અગમ્ય અને જેને અનેક જ્યોતિષીઓ પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો તેવા ભવિષ્યની ચિંતા કેમ થઇ એની વાત આ લેખમાં કરવી છે.

"યાર,કંટાળી ગયા હવે સમરસમાં!જરાય મજા આવતી નથી." મારા એક કોઈક બીજા પર બેસી જાય તો તે બીજાની જીંદગીની મજા ચાલી જાય એવા હાથીકાય મિત્રએ મને કહ્યું.

"હા, જો ને આજે સવારે પણ આ(ગાળ) પાણી નહોતું ચડાવ્યું. સાલું,નાહવા માટે પણ રખડવું પડ્યું."મે જરા હોસ્ટેલની ભાષામાં એની વાતમાં સૂર પુરાવતા બળાપો કાઢયો.અમારી લાડકવાયી 'સમરસ હોસ્ટેલ' ખરેખર કેદખાના જેવી છે પણ એ વાત પછી ક્યારેક!

"હા, પણ શું થાય? મફતમાં રહેવા દે છે એટલે ચલાવવું પડે."

"હા એ ખરું પણ સરકાર તો એને પૈસા આપે છે ને!"મેં જરા અધિકારીની અદાથી કહ્યું.

" એ ભાઈ તું બધી માથાકૂટ ક્યાં લઈને બેસી ગયો હું તો તને મારી સાથે લઈ જવા આવ્યો છું."

ઉંમરના ૨૧ વર્ષ પૂરા થયાની રાત્રે બાર વાગ્યે માતા પિતા ઊંઘમાંથી ઉઠાડીને કોઈ અણગમતી છોકરી સાથે આપણને પરણવા લઈ જાય ત્યારે જેવો ચહેરો આપણો થાય તેવો જ મારો થઈ ગયો.મેં એવા દયામણા ચહેરે પૂછ્યું "ક્યાં?"

"થિયેટરમાં!ક્યાંય બીજે નહિ લઈ જાઉં કાંઈ તને!"આ કહેતી વખતે એના વાક્યમાંનુ આ 'બીજે ક્યાંય' મને ખટક્યું, કદાચ એનો ઈશારો લાલ દરવાજા.....જવા દો,એ ચર્ચાનો અત્યારે અવકાશ નથી.

એક તો હું કાઠિયાવાડમાંથી અમદાવાદ ગયેલો અને મારી આર્થિક સ્થિતિની જાણ ઉપરના સંવાદ પરથી મળી આવે છે.આ થીયેટર માં જવાનું મને આર્થિક રીતે પોષાય તેમ નહોતું. પણ 'લેખકે વાચક પાસે વફાદાર રહેવું જોઈએ' એવું મને મારા એક અતિ જ્ઞાની પણ બહુ જ ઓછા જાણીતા સાહિત્યિક મિત્રએ કહેલું.એ ન્યાયે કહું છું કે હું પણ ફિલ્મો અને ટીવી નો રસિયો છું આથી જ્યારે પણ એનું નામ આવે ત્યારે હું કોઈને 'ના' પાડી શકતો નથી પછી લક્ષ્મીજી ભલે પોતાના હાથમાં રહેલા શંખની અણી મારા પેન્ટના ખિસ્સામાં ભોંકી ભોંકીને કહેતા હોય કે ,"હળવા રહો ભાઈ!આ ખાલી છે."પણ હું એમને અવગણીને પણ ફિલ્મો જોવા તો જાઉં જ છું.

થિયેટરમાં ફિલ્મ જોવા જવું તો છે પણ હવે પ્રશ્ન એ હતો કે મારા બંને માંથી આ ભુલભુલામણી જેવા અમદાવાદ શહેરમાં જોયેલું થિયેટર ક્યુ? જાણે ચારે દિશામાંથી વેદોના મંત્રોનું બુલંદ સ્વરે ગાન થતું હોય અને અમે એના આકંઠ આસ્વાદકર્તા હોઈએ એ રીતે એક જ અવાજ આવ્યો:'હિમાલયા મોલ'!અમે બંનેએ એ મોલમાં આવેલું એકમાત્ર થિયેટર જોયેલું. નથી તો કર્યો કાર્યક્રમ પણ મેં એક શરત રાખી કે રાત્રિનું ભોજન તો પાછું હોસ્ટેલમાં જ લેવાનું કારણ કે તો જ મને આ ફિલ્મ પોસાય લક્ષ્મીજી તો મારાથી નારાજ રહે છે અને છતાં આવા ભવ્ય અને તમને ગરીબ લાગે પણ મારા માટે ભવ્ય છે તો આયોજનથી લગભગ લાંબી કુદ ની રમત જીતી શકાય એવો મોટો કૂદકો મનમાં મારી હું ઉછળી પડ્યો. વાર નકકી થયો શનિવાર!બીજે દિવસે રવિવારે જેટલો આનંદ મારા જેવા માણસોને ન હોય એના કરતાં વધારે આનંદ 'આવતી કાલે રવિવાર છે' એવું વિચારીને શનિવારે હોય છે.

સોમવારથી છે શનિવારની સવાર સુધી નાકની દાંડી પર ચશ્માના વક્ષસ્થળ ને મુકીને આવતા,બસ આ છેલ્લો તાસ હોય અને ત્યાર પછી જાણે નિવૃત્ત થઈ જવાના હોય એવું ભણાવતા,અમુક ઉપદેશ ગોખીને આવતા હોય એમ તે જ ઉપદેશ આપ્યા કરતા,નાના બાળકને તેની માતા ધબ્બા મારીમારીને લેશન કરાવતી હોય ત્યારે બાળક જે રીતે નોટ માં લખે એવું બોર્ડ પર ચીતરતા અધ્યાપકોને સહન કરીને આખરે એ સુવર્ણ દિવસ આવ્યો. મેં પણ આ દિવસને સુંદરમની પ્રેમિકાની જેમ યુગોથી ઝંખ્યો હતો.પણ આખરે આવી ગયો-દિવસ!

ભોલે મારો મહાકાલી મિત્ર રિક્ષાને તકલીફ આપી ને મોર પહોંચ્યા રિક્ષાવાળા પણ કેટલાક હોય છે તકલીફ આપવાના પણ પૈસા લે છે. હિમાલયા મોલ ના એ ભવ્ય પરિસરને જોઈને હું,મારી આંખો,મારા તમામ અંગો ધ્રૂજવા લાગ્યા આવા મોટા મોલમાં જે થિયેટર હોય એની ટિકિટના ભાવ કેવા હશે એની કલ્પના પણ મને આવવા લાગી.પણ મોલના એ ભવ્યાતિભવ્ય પરિસરથી હું જેટલો અંજાયો એના કરતા વધારે તો ત્યાં ઉભેલી રૂપસુંદરીઓથી અંજાઈ ગયો.જાણે એની ચામડીનો લોટ બાંધતી વખતે ઈશ્વરે એમાં 'પોન્ડ્સ' પાઉડર નાખ્યો હોય એવો એનો ગોરો દેહ જે સંપૂર્ણ દેખાતો હતો,દીવાલની ખીતી પર જેમ અને જેટલા કપડાં ટીંગાડીએ તેમ અને તેટલા જ કપડાં એ રૂપસુંદરીઓએ પહેરેલા હતા-એકદમ કબરચિતરા!જોઈને એક વખત તો મનમાં પણ થઈ આવ્યું કે જઈને કહી આવું કે આ પણ ન પહેર્યા હોત તો વધુ આનંદ......ત્યાં મને મારા મિત્રએ મારી પાસે ટીકીટ માટે ઉઘરાણી કરી.

ડોક્ટર શરદીને ઈંજેક્શન મારવામાં, જન્મદિવસે જ એનું માન જળવાય છે એ છોકરીને એને કેક પર રહેલી મીણબત્તીને ઓલવવામાં,કોલેજમાં ભણેશ્રી વિદ્યાર્થીને કોઈ ગુણવાન કન્યા શોધવામાં જેવો ઉત્સાહ હોય એવો ન ઉત્સાહ મને ફિલ્મ જોવા જવા માં હતો અને અમે ગયા, ફિલ્મ શરૂ થઈ.પણ આ શું!?પહેલા જે જાહેરાતો આવી હતી એ પણ આ ફિલ્મ કરતાં સારી હતી! ફિલ્મમાં તો નકામું દલા એ પણ પાછા જુદા જુદા રંગના અને ઉંદર ને પકડવા જાય એની વાર્તા ઉપરથી ફિલ્મ હતી!મારા ઉત્સાહની,મારી અંદર બેઠેલી જુવાની જેને કામોત્તેજક દ્રશ્યો જોવાની અદમ્ય ઈચ્છા હતી એ બધાની અણી નીકળી ગઈ અને સાથે મારી પણ!એ ઉંદર વેદના પુરાણમાં મને જરાય રસ પડ્યો નહિ.કન્યા જોવા જઈએ ત્યારે ઐશ્વર્યા રાય બચ્ચન હોય ને રાત્રે સુહાગરાતમાં લાજ ઉઠાવીએ ત્યારે ખબર પડે કે આ તો વૃદ્ધ 'ટુનટુન' છે ત્યારે જેવી નજર વરરાજાની વધુ પર પડે એવી નજર મેં મારા પેલા હાથીકાય મિત્ર પર કરી.ને પછી એણે વિસ્ફોટ કર્યો કે એને ઉતાવળમાં ભૂલથી કાર્ટૂન ફિલ્મની ટીકીટ ખરીદી લીધી છે.

મને લાગ્યું નક્કી પેલા લક્ષ્મીજીનો શ્રાપ લાગ્યો!પહેલી વખત જ્યારે ટિકિટના ભાવ સાંભળ્યા ત્યારે જ ઉલટી જેવું થવા માંડેલુ છતાંય અમુક લાલચોને કારણે ત્રેવડ ન હોવા છતાંય પૈસા ખર્ચ્યા ને મળ્યું શું-કાર્ટૂન ફિલ્મ!મારા જીવનનો આ નિત્યક્રમ છે. પછી તો શું થાય હું ને હાથીને મારી શકું એવી તમારી તાકાત નહિ આખું ફિલ્મ જોઈ લેવાનું નક્કી કર્યું અને અલબત્ત એવું કરવું પડ્યું.ત્યાંથી નીકળતા જ એક કરૂણ ઘટના મારી સાથે બની એને મને જીવનની સૌથી મોટી ચિંતા આપી દીધી.એ ઘટના પછી તો એમ થયું કે કાશ ફિલ્મ જોવા ન ગયો હોત!
હું ને એ હાથી સીડીઓ ઉતરતા હતા ત્યાં મારા કાને એક સંવાદ પડ્યો:-

"ખરા છે હો પણ આપણા જુવાનિયા, વારેવારે માંદા પડી જાય."એક સજ્જન બોલ્યા.

"હા,એ બહારનુ બધુ પેટમાં ઠાલવે પછી એ જ થાય ને!" બીજા સજજને સૂર પુરાવ્યો.

" હવે આ માંદલા યુવાનો નહીં ચાલે હો."

" કેમ?"

"લે કેમ શું? તમને ખબર નથી?"

"ના, શું?"

" અરે હવે તમારે ક્લાર્ક થવું હોય કે કલેક્ટર,શિક્ષક થવું હોય તે મામલતદાર જરા પણ તબિયત નબળી દેખાય મેડિકલ રિપોર્ટમાં એટલે તમને કોઈ ન લે."

" પણ એ તો સરકારી નોકરીમાંને?"

" ના હવે તો ખાનગી વાળા પણ એમ જ કરે છે."

"પણ પરિણામ સારું હોય તો પણ?"

"અરે ગમે તેવું પરિણામ કેમ ન હોય,નહી તે નહી જ!આજે જ મારા ઉપરી સાહેબના હાથમાં મેં આ બધું લખેલો પરિપત્ર મુક્યો."

બંને સજ્જન હતા તો ભણેલા એટલે વિશ્વનીય વાત હશે એવું મને લાગ્યું!પણ જ્યારે એ વાતમાં બીજા બે ત્રણ સજ્જને પણ હકાર ઉમેર્યો મારા તો મોતિયા મરી ગયા.એક તો પહેલેથી આ કાર્ટૂન ફિલ્મનું કાંડ ને પછી આ વાત!મારુ સમગ્ર લોહી જાણે એક ક્ષણ માટે દારૂ બની ગયું-એકદમ જલદ!

"શું?....હેં!...હા.... હો....હેં!શું?....હે રામ!"આ પ્રશ્નાર્થ અને ઉદાર મિશ્રિત સરવાણી મારા ઓષ્ઠસંપુટમાંથી સરી પડી. એક તો મેં મહામહેનતે મારી તબિયત સાચવેલી ને ઉપરથી જો સરકાર પણ રોગીઓ સાથે આવો અન્યાય કરે તો પછી સરકારી અધ્યાપક થવાના સ્વપ્ન તો ભાંગીને ભુક્કો-ભુક્કો પણ ન જડે!મારી તો આંખે અંધારા આવવા લાગ્યા,મારા મુખમુદ્રના શેઢેથી પક્ષી ઉડી ગયું-પેન્ટ ને શર્ટમાં બોલપેન ખોસીને,સુવર્ણચંદ્રક વિજેતા એક યુવાન ઇન્ટરવ્યૂ આપી ગયો,પસંદ પણ થઈ ગયો પરંતુ નોકરી મળતી નથી,મા બાપ ચોધાર નહિ છધાર આંસુએ રડી રહ્યા છે ને નોકરી ન મળવાનું કારણ શું હતું-શરદી?!-આવા આભાસો મને થવા લાગ્યા.તો શું હવે મારે ભણવાનો કોઈ જ અર્થ નહિ-આજીવન બેરોજગાર ને જવાબદાર શું?મારી શરદી,મારી ઉધરસ,મારો તાવ કે મારી ઊલટીઓ?મારે આજીવન ભૂખ્યા જ મરવાનું?આખા રસ્તે આ જ વિચારો આવતા રહ્યા ને પેલો હાથી સ્વસ્થ શરીર હોવાનું અભિમાન કરતો રહ્યો.હે વાચકમિત્રો!તમારા ધ્યાનમાં કોઈ નોકરી હોય તો.....જવાબ અવશ્ય આપશો એવી મને આશા છે.