આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા - ભાગ - 4 Mushtaq Mohamed Kazi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આશુમાં-ધી રીયલ મધર ઇન્ડિયા - ભાગ - 4

આશુમાં- ધી રિઅલ મધર ઈન્ડિયા ભાગ-4
વહી ગયેલી વાર્તા....
આશુમાં ના લગ્ન નાની ઉમર માં કાસમ ભાઈ નામના પોલીસકર્મી જોડે થયા.કાસમભાઈ ને તેમની સંસ્કારી પત્ની આશુમાં બે રૂપિયા ના ટૂંકા પગાર માં ખુશ હતા.સંસાર સારી રીતે ચાલતો હતો.ધીમેધીમે કુટુંબ વિસ્તરતું જતું હતું.પાંચ દીકરી ને ત્રણ દીકરા ને પોતે બે,આમ કુલ દસ જણા નું કુટુંબ હતું.મોટી છોકરી ને પૉલિયો ને લીધે ખોડ હતી. કુટુંબ માં છેલ્લા ને આઠમા નંબર નું સંતાન હમીદા ને પાંચમા નંબર નું સંતાન ઝૈબુનનિશા ને કારણે કુટુંબ પર આફત આવી. ઝૈબુનનિશા આશુમાં ની ગેરહાજરી માં મોટીબેન સાથે રસોઈ કરતા દાઝી ને મૃત્યુ ને ભેટી,જેને કારણે આશુમાં નું કુટુંબ પહેલીવાર ખંડિત થયું.દરમિયાન માં સહુ થી નાની ને સહુ ની લાડકી ઢીંગલી હમીદા હિંચકા પર થી પડી જવાથી તેને માથા માં ઇજા થઇ હવે આગળ.......
તત્કાળ સારવાર મળતા હમીદાની જાન બચી ગઈ.પણ પછી એક દિવસ ખેંચ આવી.સમયાંતરે ખેંચ આવવી ચાલુ રહી.મગજ ને નુકસાન થતું ગયું.હમીદા ની શારીરિકવય વધી પણ માનસિક વિકાસ ના થયો.હમીદા જેમ જેમ મોટી થતી ગઈ તેમ ખ્યાલ આવતો ગયો કે તેનામાં માનસિક સમજણ ઓછી છે.આશુમાં એ ફરી મનોમન માનસિક તૈયારી કરી લીધી.કમર કસી લીધી આવનાર ઝંઝાવાત સાથે બાથ ભીડવા માટે.હવે તેઓ દીકરી ની સાથે પડછાયો બની રહેવા લાગ્યા.જરાય રેઢી ના મૂકે જ્યાં જાય ત્યાં સાથે લઈ જાય.અહીં થી શરૂ થઈ નજરકેદ જેવી જિંદગી.
મગજના વિકાસ ને અભાવે હમીદા બિચારી બોલવાનું ના શીખી, ભજ ભજ ભા બસ આટલું બોલે.કુદરતી હાજતો નું ભાન નહીં દુન્યદારી ની સમાજ નહીં .ભૂખ લાગે તો રસોડા માં આવી ને બેસી જાય પોતાના હાથે બચકા ભરે.આશુમાં દીકરી ની ભાષા સમજી જાય પોતાના હાથે જમાડે.મગજ નો વિકાસ ના થયો પણ શારીરિક વિકાસ થોડો અટકે? છોકરી ની જાત જુવાની માં પ્રવેશી તેમ તેમ આશુમાં ની જવાબદારી ને બોજ વધ્યો.છોકરી એટલી નાસમજ કે આશુમાં રોજ સવારે પરાણે પોતાની આંગળી થી દાતણ કરાવે તો કરડી ખાય,આશુમાં માંડ પોતાની આંગળી છોડાવે,લોહી નીકળે પણ માં હતા ને સહન કરે રાખે.એક નાનકડા રૂમ માં દીકરી સાથે કેદ થઈ ગયા.જેને પોતાની કુદરતી હાજતો નું ભાન નહોતું આ દીકરી જુવાની માં પ્રવેશી પછી તો આશુમાં સામે પડકાર ઓર વધી ગયો.અગાઉ તેઓ પતિ ને સહારો બનવા સુતરફેણી બનાવી વેચતા, લોકો ના ઘરે જઈ સેવ બનાવી આપતા.પણ હવે બહાર નીકળાય નહીં.મોટી છોકરી ના લગન થઈ ગયા હતા એ લોકો ને ત્યાં પણ જવાય નહીં.કોઈ ખાસ પ્રસંગ હોય ને જવુ પડે તો હમીદા ને સાથે લઈ ને જાય.સગા પણ સમજુ એમના રહેવા માટે અલગ ઓરડો તૈયાર રાખે જો કે બધે આવી સગવડ ના પણ મળે.
22 વર્ષ ની ઉમર સુધી દીકરી હરતી ફરતી પણ પછી શરીર કામ કરતું બંધ થવા લાગ્યું ને અંતે દીકરી પથારીવશ થઈ ગઈ.શરીર જકડાવા લાગ્યું જાણે કે લકવાગ્રસ્ત થઈ ગયું.હવે તો આશુમાં ની હાલત ઓર કફોડી બની સાથોસાથ કુટુંબની આર્થીક હાલત પણ.પોતે પતિ ને મદદરૂપ થતા હતા પણ હવે તો દીકરી ની સેવા માંથી ઊંચા અવાતું નહોતું.મોટા સંતાનો ખાસ કરી ને છોકરીઓ પરણી ગઇ હતી. (છોકરીઓ ના લગન તો નાની ઉમરેજ થઈ જાય ને)અથવા તો એમને ઠેકાણે પાડવાનું અભિયાન ઘર માં શરુ થઈ ગયું હતું.ટૂંકા પગાર માં આ બધા ખર્ચ કાઢવા શી રીતે.કાસમભાઈ તો ખેતર પણ ખેરાત કરી ચુક્યા હતા.પણ આ રીયલ મધર ઇન્ડિયા હારે?એ જમાના માં બાળકો માં "બુઢીના બાલ" નો બહુ ક્રેઝ હતો.કાસમભાઈએ "બુઢીના બાલ" નામની સ્વાદે મીઠી ખાવાની વસ્તુ બનાવવા નું મશીન આણી આપ્યું. હવે આશુમાં ઘરે બેસી "બુઢીના બાલ"બનાવે ને ત્રણે છોકરા એને પેક કરી દુકાને દુકાને વેપારીઓ ને આપી આવે.જો કે આ પ્રયાસ પૂરતો ન્હોતો. આખરે બધા સંતાનો એ અભ્યાસ ની સાથે માબાપ નો હાથ બટાવવા કપાસ ના ખેતર માં મજૂરીએ જવાનું શરૂ કર્યું,આશુમાં માં પણ જોડે મજૂરી કરવા આવે. જેથી આટલા મોટા કુટુંબ નું ગુજરાન ચાલે. વચલા પુત્ર ઇબ્રાહિમ એ એક પટ્રોલપંપ પર કામ કરવાનું શરૂ કર્યું.
દરમિયાન સહુ થી મોટા પુત્ર ઉસ્માનનો અભ્યાસ પૂરો થયો એમને પોલીસની નોકરી મળી ગઈ.પરંતુ કોણ જાણે કેમ કાસમ ભાઈ આ નોકરી થી રાજી ન્હોતા.એમણે જીદ કરી નોકરી છોડાવી દીધી.અને એસ.ટી. ની નોકરી માં લગાવ્યા.ઘરમાં થોડી આવક વધી ત્યાં તો એક દિવસ કાસમભાઈ બાઇક પર કશે જતા હતા ને ગામડાના કાચા રસ્તા પર બાઇક સ્લીપ થઈ ગઈ.કાસમભાઈ ને પેટ માં મૂઢ માર લાગ્યો.પેટમાં દરદ થાય દવા કરી પણ ના મટયું.પેટમાં ગાંઠ થઈ ગઈ.મોટા દવાખાને દેખાડ્યું તો નિદાન આવ્યું કે કેન્સર ની ગાંઠ છે.હાય રે કિસ્મત હાય!!!છોકરા મોટા થયા છે ને નોકરી એ લાગશે તો રાહત થશે, સુખ ના દાડા જોવાના સપના પુરા થાય એ પહેલાં કાસમભાઈ આ ફાની દુન્યા છોડી ગયા.
પરંતુ "જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ" માં માનતું આ કુરેશી કુટુંબ આવી આફતો થી ટેવાઈ ગયું હતું.વચલો પુત્ર ઇબ્રાહિમ ફર્સ્ટ ક્લાસ માં સ્નાતક થયો.ને બેંક ઓફ બરોડા માં નોકરી એ લાગ્યો.નાનો રસુલ ખૂબ તોફાની પરંતુ રમવા માં એક્કો. ખૂબ જબરદસ્ત એથલીટ્સ.ખૂબ ચંદ્રકો જીતેલા એણે. સરકારી પ્રાથમિક શાળામાં વડનગર ખાતે શિક્ષક નિમાયો.
આમ આશુમાં ના જીવન માં ચડાવઉતાર આવતા રહ્યા.પુત્ર પુત્રીઓ ના સંસાર મંડાયા એમને ત્યાં સંતાનો થયા. પરંતુ આશુમાં ની નજરકેદ બરકરાર રહી.પુત્રી ની જવાબદારી પોતાની છે ને પોતેજ નિભાવશે એ બાબતે તેઓ સ્પષ્ટ હતા.પુત્રવધુઓ પર કોઈ જવાબદારી નાખી નહીં.પોતે વૃદ્ધ થયા હતા, 70 ની આસપાસ ઉંમર થવા લાગી હતી. એમ છતાં તેઓ શારિરીક ને માનસીક રીતે સ્વસ્થ હતા.છેલ્લા દસ વર્ષ ઉપરાંત થી હમીદા લકવાગ્રસ્ત હતી.પથારીવશ હતી.લગભગ 32 થી 35 વર્ષ ની ઉંમરે આજ થી વીસેક વર્ષ પહેલાં આખરે હમીદા નું અવસાન થયું.લોકો કહેતા ડોશી આખરે આઝાદ થઈ.પણ કોઈ માં આવું વિચારતી નથી વૃદ્ધ માં બાપ,સંતાનો ને ભારે પડે પણ માવતર ને પોતાનું સંતાન કયારે બોજરૂપ લાગતું નથી.આશુમાં ચોધાર આંશુ એ રડી પડ્યા.કોઈ ચિંતકે કીધું છે કે "ઈશ્વર, અલ્લાહ, ખુદા, ગોડ બધે પહોંચી ના શકે એટલે એણે "માં"નું સર્જન કર્યું"આ દુઃખ ભરેલી જિંદગી ની એમના પર અસર એ પડી છ કે તેઓ સુખ કે દુઃખ ના સમાચાર સાંભળે તો એમની આંખો માંથી કુદરતી રીતે આંશુ સરી પડે છે.કેવો સંયોગ, નામ આશુ ને આંખો માં સતત આંશુ.
સૌરાષ્ટ્ર ની એક સેવાભાવી સંસ્થા એ આશુમાં ની જીવનકથા જાણી તેઓ નું જાહેરમાં શાલ ઓઢાડીને સન્માન કર્યું તેમજ રૂપિયા દશહજાર નો પુરસ્કાર પણ આપ્યો.એ આનંદ ની વાત છે.અલ્લાહપાક નો કરમ કે આશુમાં આજે 93 વર્ષ ની ઉમ્મરે હયાત છે.યાદદાસ્ત આજકાલ ઓછી થઈ ગઈ છે.આટઆટલા ઝખ્મો ખાધા બાદ ટકી રહેવું બહુ મોટી વાત છે.લાંબી ઉમ્મર નો એક અર્થ એ પણ થાય કે તમો તમારી આંખો સામે તમારા સ્વજનો તમારા સંતાનો ને વિદાય થતા જુવો.આંશુમાં ની ફકત દીકરીઓ માં મોટી દીકરી, જેને પોલીયો છે હાલ, હયાત છે. તમામ દીકરીઓ આ ફાની દુન્યા ને તેમજ આશુમાં ને અલવિદા કહી ગઈ છે.અલબત્ત ત્રણે પુરુષ સંતાનો એટલે કે પુત્રો હયાત છે.મોટો પુત્ર ઉસ્માનભાઈ બાપ ની જીદ થી પોલીસ ની નોકરી છોડી એસ.ટી. માં જોડાયો હતો. અક્કલ હોશિયારી થી મેનેજર પદે નિવૃત્ત થયા.બીજા નંબરના અભ્યાસ માં હોશિયાર ઇબ્રાહિમભાઈ, બેંક ઓફ બરોડા માં મેનેજર ના હોદ્દે નિવૃત થયા.એમનો સુપુત્ર વસીમ મારી સ્કૂલ માં વિજ્ઞાન શિક્ષક છે.અન્ય પુત્ર સાજીદ વોલીબોલ નો કોચ છે ને s.m.c.નો કર્મચારી છે.બધા રાંદેર સુરત ખાતે રહે છે. સહું થી નાનો તોફાની રમતવીર રસુલભાઈ પ્રાથમિક શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હાલ વિમેન્સ કોલેજ, સાવરકુંડલા ખાતે ફિઝિકલ ઇન્સ્ટ્રિક્ટર એટલે કે પ્રાધ્યાપક છે. એમનો પુત્ર મોહસીન, જૂનાગઢ ની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ માં બાપ ની જેમ શારીરિક શિક્ષણ નો પ્રાધ્યાપક છે.આમ સતત સંઘર્ષ પછી આ કુટુંબ પોતાનું એક ગૌરવભર્યું સ્થાન ઉભું કરવામાં સફળ રહ્યું છે.જે અન્યો માટે પ્રેરણારૂપ છે.આ કથા લખવાનો મારો આશય પણ એજ છે.અસ્તુ...