પ્રાણીઓ પરની મારી રિસર્ચ પૂર્ણ કરવાં માટે મેં ડાંગના એક અંતરિયાળ ગામની પસંદગી કરી. હું બસમાંથી ઉતરીને પગપાળા જઈ રહી હતી, ત્યાં જ મેં જોયું કે બીજા મને જોઈને ભસતા હતાં પણ એક કૂતરો એકદમ ઉદાસ બેઠો હતો, મને એ રડતો હોય એવું પણ લાગ્યું.
આમ મને કૂતરાંઓ ગમે એટલે મેં બિસ્કીટ કાઢી ભસતા કૂતરાંઓ સામે નાખ્યાં, બધાં કૂતરાંઓ બિસ્કીટ ખાવાં લાગ્યાં પણ પેલો ઉદાસ કૂતરો ના આવ્યો. મેં એની નજીક જઈ બે ત્રણ બિસ્કીટ મૂક્યાં તો એણે બસ એકવાર બિસ્કીટને જોયાં પણ ખાધાં નહીં. મને થયું કે એ બિમાર હશે કારણ કે પ્રાણીઓ જ્યારે બિમાર હોય ત્યારે ખાવાનું છોડી દે છે. હું એને પસવારીને ત્યાંથી નીકળી ગઈ.
ગામમાં જઈ પહેલાં રહેવાની વ્યવસ્થા કરવાની હતી એટલે પહેલાં સરપંચને મળી. મેં એમને ત્યાં આવવાનો ઉદ્દેશ સમજાવ્યો અને જણાવ્યું કે હું અઠવાડિયું કે પંદરેક દિવસ રહીશ. એમણે મને એમનાં ઘરે જ રહેવા જણાવ્યું. સરપંચનાં પરિવારમાં એમનાં માતા, પત્ની અને બે બાળકો હતાં. ટૂંક સમયમાં જ એમની સાથે ઘરોબો કેળવાય ગયો, આને ખાસ તો એમની દિકરી સાથે. એ મને આખાં ગામની, જંગલની, પ્રાણીઓની, વનસ્પતિઓની નીતનવી માહિતીઓ આપતી રહેતી.
એક-બે દિવસ સુધી આવતાં જતાં મેં એ કૂતરાંને એમ જ હતાશ અને નિરાશ જોયો અને એક દિવસ ખબર મળી કે એ કૂતરો મરી ગયો. મેં સરપંચની દિકરીને પૂછ્યું કે, "શું એ બિમાર હતો?"
એણે જણાવ્યું કે, "એ બિમાર નહોતો પણ એણે ખાવાનું છોડી દીધું હતું અને ક્યાંય જવાનું પણ."
"પણ કેમ?" મેં પૂછયું તો એણે જણાવ્યું કે, "એ કૂતરો અને એનો ભાઈબંધ મોર આખો દિવસ સાથે જ રહેતાં, સાથે જ ફરતાં, ખાતાં પીતાં. કૂતરો બીજાં કૂતરાંઓ અને પ્રાણીઓથી મોરનું રક્ષણ કરતો. બંને પાક્કા ભાઈબંધ. ગામમાં બધાં જ એમની ભાઈબંધીના વખાણ કરતાં, કોઈ એમને હેરાન ના કરતાં, ખાવાનું આપતાં, પણ એક દિવસે વહેલી સવારે મોરની ચિચિયારીઓ અને થોડીવાર પછી કૂતરાંનો જોર જોરથી ભસવાનો અવાજ આવતાં બધાં સફાળા જાગી ગયાં, અનહોનીનો અંદેશો આવતાં બધાં અવાજની દિશામાં દોડ્યાં. ત્યાં જઈને જોયું તો એક માણસ મોરનાં પીંછા ખેંચી રહ્યો હતો અને બીજા બે માણસોએ કૂતરાને લાકડીથી દૂર રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતાં. ગામના લોકોને આવતાં જોઈ એ લોકોએ ભાગવાનો પ્રયત્ન કર્યો પણ પકડાઈ ગયાં અને મોર રાષ્ટ્રીય પક્ષી હોવાથી, તેની હત્યા બદલ પોલીસ એમને પકડી ગઈ.
પહેલાં તો કૂતરાંએ મોરને ઉઠાડવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ પછી એને સમજાઈ ગયું કે મોર તો મરી ગયો. પછી તો એ કૂતરાંનુ તો જાણે કોઈ સ્વજન ચાલ્યું ગયું હોય તેમ એ મરેલા મોર પાસે બેસી રહ્યો અને આંસુ સારવા લાગ્યો. ગામવાળાએ મોરને ત્યાં જ દાટી દીધો. બધાં જ પોતપોતાના કામમાં લાગી ગયા પણ એ કૂતરો જ્યાં મોરને દાટ્યો હતો ત્યાંથી ખસ્યો જ નહીં. કદાચ એને ડર હતો કે બીજા કૂતરાંઓ મોરને જમીન ખોદી, કાઢીને ખાઈ જશે. બે ચાર ગામવાળાનું ધ્યાન ગયું એટલે આવતાં જતાં એને ખાવાનું, પાણી આપી આવતાં પણ એ તો ના ખાય, ના પીવે, બસ, મોરને દાટેલો એ જગ્યાને એકધારું જોયાં કરે. બીજાં કૂતરાંઓ જે એનું ખાવાનું ખાય જાય, એમને પણ ના ભસે, નવાં માણસો કે બીજાં પશુઓને પણ ના ભસે કે પાછળ દોડે. એ તો બસ જાણે ત્યાં સ્થિર જ થઈ ગયો હતો. બસ, એ કૂતરો એ મોરની યાદમાં એની પાછળ મરી ગયો."
મારાં મનમાંથી એક ઉંહકારો નીકળી ગયો. શું વિરહની વેદના! એ કૂતરાંએ એનાં મિત્રને કેટલાં દિલથી ચાહ્યો હશે કે એની વિદાયથી કૂતરાંની દુનિયા જ લુંટાઈ ગઈ ! શું પ્રેમ એમનો કે, કૂતરો મોરનાં મરી જવાથી વિરક્ત બની ગયો અને એણે મોર વિનાની દુનિયા પણ છોડી દીધી!
શું એ મોર એનું અસ્તિત્વ હતો કે એનાં અસ્તિત્વનો આધાર? જે હોય તે પણ વિરહ કદાચ એક એવી વરવી લાગણી હતી જેને જીરવવી એ કૂતરાં માટે બહું અઘરી હતી.
ગામવાળાએ એ કૂતરાંને પણ મોરની બાજુમાં જ દાટ્યો અને એક તકતી પર લખ્યું. "મોર અને કૂતરાંની મિત્રતા - એક લાગણીભર્યો સંદેશ"
મને ત્યાં તકતી પર લખી આવવાનું મન થયું, "વિરહ - એક વરવી વેદના"
મે મારાં રિસર્ચ પેપરમાં એક મહત્વપૂર્ણ મુદ્દો નોંધ્યો.
"લાગણી કે સંવેદના જેટલી માનવ અનુભવે છે પ્રાણીઓ પણ એટલી જ કે તેથી વધુ તીવ્રતાથી અનુભવે છે. કદાચ પ્રાણીઓ આપણાં કરતાં વધુ સંવેદનશીલ હોય છે માટે જ બીજી પ્રજાતિના બાળકનું પાલનપોષણ કે બચાવવા પોતાના પ્રાણ આપી દીધાં હોય એવાં કિસ્સાઓ આપણી સામે આવતાં જ રહે છે."
_______________(સમાપ્ત)_______________
તા. ૨૯/૦૭/૨૦૨૦
- મૃગતૃષ્ણા