કોનાં જેવા? Mrigtrishna દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

કોનાં જેવા?

ક પડેલાં ભંગાણના આરે ઉભેલી ઝુંપડી જેવી જગ્યા આજે બે આત્માઓના આગમનથી પાવન થઈ ઘરમાં પરિવર્તિત થઈ ગઈ....

હા.... આજે અહીં, આ જગ્યાએ બે નાના, કપાસ જેવા ઉજળા, બે નિર્મળ ભૂલકાઓનુ દુનિયામાં અવતરણ થયું છે...
અરે....જરા સાંભળો તો ખરા.. કેટલું જોરમાં રડે છે જાણે આખી દુનિયાને પોતાના આવવાની સૂચના આપતાં હોય....
બંનેના અવાજ અલગ છે અને રૂપ રંગ તો એકદમ જ ભિન્ન.

ધીરે-ધીરે રડવાના અવાજો ઓછા થયા અને થોડાં જ દિવસોમાં એમણે દુનિયાને દર્શન આપ્યાં... બંન્ને ઢબુક-ઢબુક કરતાં, પડતાં-આખળતા એમનાં ઘરની બહાર આવ્યા અને વિસ્ફારિત ટમટમતી આંખોથી બહારની દુનિયા નિહાળી પાછાં ઘરમાં પેસી ગયાં....
પછી તો આ રોજનો જ ક્રમ... ધીરે-ધીરે બહારનાં વિશ્વથી હેવાયા અને શરૂ થઈ ધીંગા મસ્તી....
કાળક્રમે બંન્નેની સમજણ વિકસી અને દુનિયાની નજરોમાં પોતે ક્યા નામથી ઓળખાય છે તે તેમની માતાઓ થકી ખબર પડી...

એક બાળ જે જરાક ઊંચો, એને તો બસ આખો દિવસ કુદવાનુ અને હોંચી- હોંચી કરવાનું ગમે જ્યારે બીજાને આમતેમ દોડવાનું ને ભાઉ-ભાઉ કરવાનું ગમે...
હવે વાચા ફૂટી એટલે બંને મસ્તી કરતા કરતા થોડી વાતો પણ કરી લેતા..

એક દિવસ બંને સાહસ કરી નજીકના ફળિયામાં ગયા....
ગધ્ધુ કહે, 'અરે! આતો કેટલી સરસ જગ્યા છે, કેટલાં સુંદર ઘર છે,હે ને કુત્તુ?'
કુત્તુ કહે, ' હા ગધ્ધુ, અહીં કેટલાં સુંદર વૃક્ષો છે અને આ ઘાસ તો જો,... મને તો આળોટવાનું મન થાય છે'
'અને મને ખાવાનું' ગધ્ધુએ કહ્યું અને બંને હસવા લાગ્યા....
પણ બંનેની ખુશી ક્ષણિક જ હતી. થોડી જ વારમાં નજીકના એક ઘરમાંથી લાકડી બહાર ફંગોળાઈ અને ગધ્ધુને અડીને પસાર થઈ ગઈ. ગધ્ધુથી રાડ પડાઈ ગઈ.
હજુ એ બંને કંઈ સમજે એ પહેલાં એક અજબ પ્રાણી ઘરની બહાર નીકળ્યું અને બીજી લાકડી ઉગામી કહ્યું, "મારાં છોડવા ખરાબ કરી નાખશે...હડ્...હડ્...હડ્..."
બંનેને કંઈ ના સમજાયું પણ લાકડી વાગવાની બીકે બંને ત્યાંથી ભાગ્યા....

એક મેદાનમાં બંને હાંફતા- હાંફતા ઊભાં રહ્યાં...પછી બંનેએ એકબીજા સામે હાશકારાથી જોયું, ત્યાં તો એક દડો કુત્તુના પગ સાથે જરાક અથડાયો.... કુત્તુને તો દડો જોઇને મજા જ પડી ગઈ. કુત્તુએ દડાને થોડો પગ અડાડ્યોને દડો તો ગબળ્યો...એ જોઈને કુત્તુ અને ગધ્ધુને તો રમવાનું મન થઈ ગયું પણ હજી એ લોકો દોડીને દડા સુધી પહોંચે ત્યાં તો એક છોકરો આવ્યો ને દડો લઈ ગયો. કુતુહલવશ એ બંને એ છોકરાને જતો જોઈ રહ્યા, ત્યાં તો દૂર એમને હજુ વધુ છોકરાંઓ દેખાયા અને જેવો એ છોકરો દડો લઈ ત્યાં પહોંચ્યો એ બધાં રમવા લાગ્યા.
તેમને રમતાં જોઈ આ બંને બાળુડાને પણ રમવાનું મન થયું અને બંને છોકરાઓ તરફ ભાગ્યા... પણ આ શું છોકરાંઓ તો રમત છોડીને તેમની નજીક આવ્યા...એકે કુત્તુની પુંછડી પકડી ગોળગોળ ફેરવ્યો, બીજાએ ગધ્ધુને ઉંચકી ત્રીજા તરફ ફેંક્યો, વળી એકે તો ગધ્ધુની સવારી કરવાનું વિચાર્યું. કુત્તુની પુંછડી પર દોરીથી કંઈક બાંધીને દોડાવ્યો... ગધ્ધુને પણ દોડાવ્યો...

આ બધી ક્રિયાઓ અડધો એક કલાક ચાલી હશે ત્યાં એક સ્ત્રી ગુસ્સાથી બોલતી એમના તરફ આવતી દેખાઈ, કુત્તુ અને ગધ્ધુ તો ડરી જ ગયા. તેમને થયું, આજે તો આ સ્ત્રી બહું મારશે પણ આશ્ચર્ય....
એ સ્ત્રી તો બે છોકરાઓ તરફ વળી ને એમને ધમકાવવા લાગી, 'હાલો ઘરભેગા થાવ... વાંચવું લખવું કાંઈ નઈને આખો દિ કુતરાની જેમ ભટકવું છે... ગધેડા જેવાં છો, જરાય બુદ્ધિનો છાંટો નથી.... ભણશો તો કંઈક બનશો નહિ તો આખી જિંદગી વેઠ કરવી પડશે... તમેય બધા ઘરભેગા થાવ નકર એક એકને સીધા કરી દઈશ'
પછી એ કુત્તુ તરફ ફરી, કુત્તુ તો હેબતાઈ ગયો હતો એટલે ના હાલ્યો ના ડુલ્યો. એ સ્ત્રીએ કુત્તુની પુંછડીએથી દોરી છોડતાં કહ્યું, 'મારા રોયાંઓ. મુંગા જાનવરને કાં પજવો છો? જરા તો માણસ થાવ' ને પછી ગધ્ધુ અને કુત્તુને માથે પ્રેમ થી હાથ ફેરવ્યો ને એનાં છોકરાઓ પાછળ ચાલી ગઈ.

કુત્તુ અને ગધ્ધુ તો આ સ્ત્રીને એક દેવીની જેમ માન અને આભારવૃત્તિથી જોતાં જ રહ્યા.....
અચાનક ભાન થતાં ગધ્ધુ બોલ્યો, 'હવે આપણે પણ ઘરે જવું જોઈએ.'
કુત્તુએ કહ્યું, 'હા... આમ પણ હું દોડી દોડીને બહું થાકી ગયો છું'
ગધ્ધુએ કહ્યું, 'ને હું કુદી કુદીને'

ઘરે જઈને બંનેએ એમની મા ને સાથે બેસાડી આપવીતી કહી સંભળાવી અને કુત્તુએ પૂછ્યું, 'મા..એ કોણ હતાં?'
કુત્તુની માએ કહ્યું, 'બેટા..એ લોકો માણસ હતાં.'
ગધ્ધુએ પૂછ્યું, 'પણ એમણે અમને કેમ માર્યા ને હેરાન કર્યા?'
ગધ્ધુની માએ કહ્યું,'ગધ્ધુ... એ એમની પ્રકૃતિ છે...એમની શું દરેક જીવની... નબળા ને બળિયા દબડાવે'
કુત્તુએ કુતુહલવશ કહ્યું,'તો તો એ લોકો સારા નથી'
કુત્તુની માએ એને રોકતાં કહ્યું, 'ના દિકરા... બધાં જ ખરાબ નથી... સારા લોકો પણ છે... યાદ કર... પેલી સ્ત્રીએ તારી પૂંછડીએથી દોરી છોડી હતી.'
કુત્તુએ વિચારીને કહ્યું, 'હા... એણે મારી મદદ તો કરી અને અમને વ્હાલ પણ કર્યું પણ એ એનાં છોકરાંને કેટલું વઢી'
આ સાંભળી ગધ્ધુની મા બોલી, 'એ મા છે, છોકરાને ખરાબ વર્તન કરતાં રોકવા અને એમના સારા ભવિષ્ય માટે વઢે પણ ખરી.. તમે કંઈક ખોટું કરશો તો અમેય તમને વઢશુ.'
ગધ્ધુ મુંઝવણમાં બોલ્યો, 'પણ મા એ સ્ત્રીએ એના છોકરાંને ગધેડાં અને કુતરાં જેવાં કેમ કહ્યા?
કુત્તુએ સુર પૂરાવ્યો, 'હા... કેમ આપણે સારા નથી?'
કુત્તુની મા કહે, 'ના મારા લાલ.... બધાં જ સારા છે...એ તો...એ તો માણસોને એવું બોલવાની ટેવ પડી છે'

ગધ્ધુએ પૂછ્યું, 'ટેવ પડી છે.... આવી કેવી ટેવ?'
કુત્તુ વચમાં જ બોલી પડ્યું, 'પણ બધા બાળકોને માણસ થવા કેમ કહ્યું? એ તો માણસો જ છે ને?'

ગધ્ધુ બોલ્યો, 'હા મા, તે તો મને કદી ગધેડો થવા નથી કહ્યું.'
કુત્તુએ પણ ટાપસી પૂરી, 'મને પણ કોઇએ કૂતરો થવા નથી કહ્યું. માણસોની માએ એમને માણસ થવા કેમ કહ્યું?'

કુત્તુ અને ગધ્ધુની મા એકબીજા સામે હસ્યા અને કહ્યું, 'થોડા મોટા થશો એટલે બધું આપમેળે સમજાય જશે. માણસ બહુ અઘરું પ્રાણી છે. માણસ પોતાને જ નથી સમજાયા તો તમને ક્યાં સમજાવાના.....
આ બધી વાતો મૂકો. અત્યારે તો તમારે મનભરીને રમવાનું અને નવું નવું આપમેળે શીખવાનું.... ચાલો સૂઈ જાવ હવે, કાલે પાછા જવું છે કે નઈ નવું જાણવા નવું શીખવા....'

કુત્તુ અને ગધ્ધુ જતાં જતાં બોલ્યા, 'એ આપણા જેવા તો નથી જ, તો એ છે કોના જેવાં?

********************************************