Saap gayo lisota rahya books and stories free download online pdf in Gujarati

સાપ ગયો લીસોટા રહ્યા



" સાહેબ, આપણે આપણી શાળા તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે છાત્રાલય ની વ્યવસ્થા ઊભી કરીએતો શક્ય છે? ''
"વિજયભાઇ શિક્ષક માટે અશક્ય કંઈ જ હોતું નથી અને તે પણ તમારા જેવા શ્રેષ્ઠ શિક્ષક માટે તો અશક્ય હોય જ નહીં. ''
"સાહેબ,એ તો આપની મહાનતા છે બાકી તમારા માર્ગદર્શન વગર અમે શું કરી શકીએ?''
"પણ, તમને છાત્રાલય નો વિચાર આમ અચાનક કેમ આવ્યો?''
"આપણી શાળાનું શિક્ષણનું સ્તર ઘણું સરસ છે. આપણી પાસે વિધાર્થીઓ માત્ર પાંચ કલાક હોય છે પરંતુ એ વિદ્યાર્થીઓ ચોવીસ કલાક માટે આપણી પાસે હોય તો મારું માનવું છે કે સોનામાં સુગંધ ભળી જાય''
હું અહોભાવ થી તેની સામે જોતો રહ્યો. એક શ્રેષ્ઠ શિક્ષકનાં હોવા જોઈતાં બધા જ ગુણો મને તેનામાં દેખાતા હતા. તે ખરેખર ખંતપૂર્વક પોતાનું કાર્ય કરતા હતા. મને આજથી એક વર્ષ પહેલાં શાળામાં શિક્ષક તરીકે જોડાવા માટે અરજી આપવા આવ્યા હતા તે દિવસનો પ્રસંગ યાદ આવી ગયો.
* * *
સ્વહસ્તાક્ષરે , સુંદર-સુવાચ્ય અક્ષર વડે લખાયેલી અરજી વાંચી મેં તેને કહ્યું " તમારી અરજી લખવાની શૈલી તેમજ શૈક્ષણિક લાયકાત ને ધ્યાન પર લેતા તમને શિક્ષક તરીકે ના પાડવી અસ્થાને છે અને તેમાંય તમે તો વ્યવસ્થિત સ્વહસ્તાક્ષરે અરજી લખી છે બાકી જે ઉમેદવારો આવે છે તે તો ટાઇપ કરેલ બાયોડેટા લાવે છે જાણે પરણવા નિકળ્યા ન હોય! પરંતુ...''
"હા સાહેબ પરંતુ શું?'' તેણે મને પુછ્યુ.
"અમારી આ શાળામાં શિક્ષક તરીકે માત્ર બહેનો ને જ લેવાનું નક્કી થયું છે. ''
"સાહેબ, હું ઘણી શાળાઓમાં ગયો દરેક જગ્યાએ મારે માત્ર આ પ્રશ્નને કારણે નિરાશાનો સામનો કરવો પડ્યો છે. મારી આપને નમ્ર વિનંતી કે આપ મને એક ચાન્સ આપો જેથી મે જોયેલ સ્વપ્ન હું સાકાર કરી શકું. ''
ઘડીભર તો હું અચંબિત થઈ તેની સામે જોઈ રહ્યો. મને મારો ભુતકાળ યાદ આવી ગયો. મને એ આચાર્યશ્રી એ કહેલ"હું ટ્રસ્ટ માં વાત કરી જવાબ આપીશ'' મને તેની દ્રષ્ટિ માં મારું જ સ્વપ્ન દેખાયું છતાં મેં પૂછ્યું "તમારું સ્વપ્ન હું જાણી શકું?
"મારે શ્રેષ્ઠ શિક્ષક, આદર્શ શિક્ષક થવું છે'' તેણે જવાબ આપ્યો.
* * *
વિજયભાઇની ઈચ્છા મુજબ આજ તક્ષશિલા વિદ્યાલયમાં તક્ષશિલા છાત્રાલયનો પ્રારંભ થયો તેને ત્રણ માસ વિતી ચૂક્યા છે. વિજયભાઇ તેમજ અન્ય શિક્ષકગણની મહેનત રંગ લાવી છે. મારી સામે એક વિદ્યાર્થીને મળવા આવેલ વિધાર્થીના માતા-પિતા બેઠા છે. તેનો પુત્ર અંકુર આવી બન્નેને ચરણસ્પર્શ કરીને બન્નેની બાજુમાં અદપ વાળી ઊભો રહ્યો. અંકુરની માતાએ તેને પોતાની તરફ ખેંચી છાતી સરસો ચાંપી દીધો. તેની આંખોમાં આંસું તગતગી રહ્યા હતા. "સા'બ ત્રણ માહથી સોરાને ઝોયો નોતો ઇનુ દખ તો સે પણ માવતરને પઇગે લાયગો ઈના હરખમાં પાણી આઇ ગયા '' સાડીના છેડાથી પોતાના આંસુ લૂછી પોતાના પુત્રના મસ્તકમાં હાથની આંગળીઓ ફેરવે છે.
"તમે અંકુરને અહીં મૂકી ગયા ત્યારે કક્કો આવડતો નહોતો માત્ર ત્રણ મહિનામા ગુજરાતી કડકડાટ વાંચી શકે છે. ''વિજયભાઇએ કહ્યું.
"મારા સોરાને આય ગુઝરાતી ભણવા નથી મેયલો, અંગરેઝી ભણાવો ભણાવવો હોય તો નહી તો આઇવા જ સી તો ભેરો લેતા ઝાય'' અંકુરના પિતા ઊભા થઈ જતાં બોલ્યા.
"અરે , ઉકાભાઇ તમે શાંત થાઓ. મારી વાત સાંભળો. બેસો બેસો''. મેં તેને ખુરસી પર બેસવા ઇસારો કરતાં કહ્યું. "અંગ્રેજી અમે નથી શિખવવાના એવું નથી પણ ગુજરાતી આપણી માતૃભાષા છે. તમે જ કહો ને આ સંસારમાં પિતા, માતા, ભાઈ, બહેન, પત્ની આ બધામાં તમારા માટે મહત્વપૂર્ણ સ્થાન કોનું?
"ઇ તો માની હારે કુણ આવે, માં ઇ માં બીઝા હંધાય વગડાના વા'' ઉકાભાઇએ પોતાની આગવી છટાથી કહ્યું.
"તો ઉકાભાઇ,એ જ રીતે ગુજરાતી પણ આપણી માતા છે જેમ જન્મથી આપણી માતા આપણી કાળજી લે છે તેમજ. તમે જ કહો ને કે તમે અને તમારો પુત્ર અંકુર જન્મથી કઇ ભાષા સાંભળતા આવ્યા અને બોલતા આવ્યાં? મારા પ્રશ્નથી તે થોડી વાર મૌન થઈ મારી સામે જોઈ રહ્યા. તેના ચહેરા પરથી મને લાગ્યું કે હું તેમને સમજાવવામાં સફળ થયો છું.
"સા'બ તમારી હંધીય વાત હાસી પણ મારી ભેરા હાલો તમ ભણેલા ભેરા થઈ ગુઝરાતીનો ડાટ વાળી નાયખો સે. હાલો મારી ભેરા'' કહીં મારો હાથ પકડી મને બહાર રસ્તા પર લઇ જાય છે. વિજયભાઇ પણ સાથે-સાથે આવે છે. એક દુકાન પાસે લઈ જઈ "દુકાન પર લયખુ આ વાસો''
"વેલ ડન હેયર આર્ટ'' મેં વાંચ્યું.
" આયા પરદેહથી ઠેઠથી કોઈ વાળ કાપવા આવે સે?''બીજી દુકાન બતાવી "ઇ વાસો''
"પટેલ પાન એન્ડ કોલ્ડ્રીન્ક્સ.'
"તેની હામેની દુકાન?''
"અંબીકા ક્લોથસ્ટોર.''
"સા'બ , નાના માણહની મોટી વાત માફ કરઝો. તમે જ કો, આઇ કપડાં લેવા અંગરેઝ આવે કે પસી ગુઝરાતી? ગુઝરાત ની પાનની દુકાને પાન ખાવા અંગરેઝ થોડો નવરો સે?'' ઉકાભાઇ પોતાની હૈયાવરાળ ઠાલવતા હતા. વાત કરતા-કરતા અમે શાળા સંકુલમાં પ્રવેશ્યા. એક વિદ્યાર્થી બાજુમાંથી પસાર થયો તેનાં હાથમાં પેન્સિલ હતી તે લઇ "સા'બ, આ ઝોવો'' પેન્સિલ મારા હાથમાં લઈ અંગ્રેજીમાં લખાયેલા અક્ષરો NATARAJ સામે જોઈ રહ્યો. "તમારી વાત એકદમ સાચી છે ઉકાભાઇ''. વિજયભાઇએ મારા હાથમાંથી પેન્સિલ લઇ બાજુ માં ઉભેલ વિધાર્થીને આપી વર્ગમા જવા કહ્યું.
" સાહેબ, ઉકાભાઇની વાત સાચી તો છે જ પણ મને આશ્ચર્ય થાય છે આ બાબત તરફ તો આપણું ધ્યાન હતું જ નહીં !''
" હા વિજયભાઇ આપણે દરેક જગ્યાએ અંગ્રેજીને પ્રાધાન્ય આપીએ છીએ. હા દરેક જગ્યાએ પછી પેન્સિલ , નોટબુક, બોલપેન હોય કે પછી સાબુ, ટૂથપેસ્ટ, ટૂથબ્રશ હોય. દુકાનો પરનાં બોર્ડ હોય કે પછી સરકારી કચેરીઓના બોર્ડ હોય દરેક જગ્યાએ આપણે બિન્દાસ્ત પણે અંગ્રેજીનો ઉપયોગ કરીએ છીએ. સરકારી પરીપત્રો પણ અંગ્રેજીમાં હોય છે અને કોઈ પરીપત્ર ગુજરાતીમાં હોય તો અંતે નોંધ અચૂક લખેલ હોય છે કે પત્રની સત્યતા માટે અંગ્રેજી પરીપત્ર પર આધાર રાખવો. અત્યારે તો એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે સાપ જતો રહ્યો પણ લીસોટા મૂકતો ગયો અને હવે એ લીસોટા પોતાનું કદ પ્રસરાવતા જાય છે''
બહારથી કોઈ ફેરીયાનો અવાજ
સંભળાય છે "એપલ લઈલો....બનાના લઈલો...ફ્રે..શ.. એ..પ..લ....ફ્રે...શ...બ..ના...ના...''
સમાપ્ત


બીજા રસપ્રદ વિકલ્પો