ચિત્કાર Hitesh Vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચિત્કાર

સુરજના સોનેરી કિરણો માતા નર્મદાના સ્વચ્છ પાણીને જાણે કે સોનેરી ઢોળ ચઢાવવા માંગતા ન હોય ! કેતન અપલક નયને કુદરતના આ અલભ્ય દશ્યને માણી રહ્યો હતો. કવિ નું હ્રદય કહો કે લાગણીનો ધસમસતો પ્રવાહ કહો કે પછી કવિ કલાપીનો બીજો અવતાર અેટલે જ તો કેતન.

સુરજ ધીમે-ધીમે પશ્ચિમ દિશામાં પદાર્પણ કરી રહ્યો હતો.કેતન નયનરમ્ય આ દશ્ય માં જાણૅ કે ખોવાઇ જ ગયો હતો! "કેતન ...એ.. કેતન...'' કેતનના ખભા ને રીતસર હચમચાવી નાખતા નીતેશે કહ્યું "ક્યાં ખોવાઈ ગયો દોસ્ત ? હું તારી સાથે છું એ તો યાદ છે ને ? કે પછી કવિશ્રીને કવિતા ની સ્ફૂર્ણા થવા લાગી ? '' ક્યાં પ્રશ્નનો પહેલો જવાબ આપવો તેમ વિચારી "નહીં દોસ્ત, તારી સાથે જ છું, પણ સુર્યાસ્તના આ સોનેરી કિરણોના કારણે માતા નર્મદાનું રમણીય સ્વરૂપ કેટલુ મોહક લાગે છે ! માનવ જાતિ દ્વારા પ્રદુષિત આ નદી પ્રદુષિત ન હોત અને પછી ઢળતા સૂરજના કિરણો... આ..હા..હા..કેવું સુંદર દશ્ય હોત!!!''
"હા, તારી વાત ખરેખર સાચી છે.પણ સ્વાર્થી માનવજાત આ બાબતે સમજવા કે વિચારવા તૈયાર છે જ નહીં તેનું શું ? '' નિતેશ એક ઊંડો નિ:શ્વાસ નાખી આસપાસ નજર દોડાવે છે.
સહેલાણીઓ નર્મદાના કિનારે પોત-પોતાની મસ્તી માં મસગુલ છે.કોઈ ફરતા બેસી નાસ્તો કરી રહ્યા છે તો કોઈ અનન્તકળી નો આનંદ લૂંટી રહ્યા છે.કોઈ બાળકો રમી રહ્યા છે તો વળી કોઈ બાળકો ને રમાડી રહ્યા છે.કોઈ નર્મદાના ગોઠણડૂબ પાણીમાં રહી ન્હાવાનો આનંદ લૂંટી રહ્યા છે તો કોઈ નર્મદાના મધ્યે ઊંડા પાણીમાં ડૂબકીઓ લગાવી પોતાને સર્વશ્રેષ્ઠ તરવૈયા હોવાના અહેસાસનો આનંદ લૂંટી રહ્યા છે.તો વળી કોઈ વાંદરાઓને બી‌‌સ્કીટ ખવડાવી રહ્યા છે.
"હા નિતેશ, જો ને નર્મદામૈયાનો કિનારો પણ કેવો કરી નાખ્યો છે? જાણે કે કચરાપેટી ન હોય!!''જ્યા જુઓ ત્યાં કચરાના ઢગ પડ્યા છે તે જોઈને કેતન એક ઊંડા ની:શ્વાસ સાથે"ક્યારે લોકો ને એવો ભાવ થશે કે આ ધરતી, આ નદી આપણી મા છે?''
"મને તો લાગે છે આપણે આપણી સંસ્કૃતિ સાવ ભૂલી જ ગયા છીએ. પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળની આંધળી દોટ આપણને પતન તરફ લઈ જશે.'' કેતન થોડી ક્ષણ માટે મૌન થઈ જાય છે. દૂર ક્ષીતીજે અસ્ત થતા જતા સૂર્ય ને જોઈ રહ્યો છે.નિતેશ ઘડી ભર સૂર્યાસ્ત ના દ્રશ્ય ને તો ઘડીભર કેતન
તરફ"હા કવિ કેતનકુમાર આપણાં થી એ આંધળી દોટ થંભાવી શકવી અશક્ય પણ તેટલી જ છે.''
પશ્ચિમ દિશામાં અસ્ત થતો સૂર્ય જાણે કે ધરતી માતાના ખોળામાં છૂપાઈ જવા તત્પર નહોય ! તેમ પોતાની મંઝીલ તરફ પદાર્પણ કરી રહ્યો હતો. નર્મદાતટનાં વૃક્ષો , ફરવા આવેલા સહેલાણીઓના પડછાયા લાંબા લાંબા થવા લાગ્યા હતા.પક્ષીઓ કલરવ કરતાં પોતાના માળામાં જઇ રહ્યા હતા. એક બાળક પોતાની માતાનો હાથ પકડી વાંદરાઓ તરફ લઈ જવા મથામણ કરતું હતું.માતા આ‌નાકાની કરતી હતી."મોમ, પ્લીઝ મને મન્કી પાસે લઈ જા'' આશરે પાંચ થી છ વર્ષ નું બાળક વાંદરાઓ પાસે લઈ જવાની જીદ કરતું કેતન પાસેથી પસાર થાય છે.બાળકની કાલી ઘેલી બોલી તેમજ તેની માસુમિયત કેતન ને તે બાળક તરફ ખેંચી ગઈ.પરંતુ બાળક દ્વારા બોલાયેલ શબ્દ"મન્કી'' ખટકયો. તેણે અનાયાસે બાળક ને તેડી લીધું " બેટા તારૂ નામ શું છે?''
"જેનીશ''' બાળકે ટૂંકાક્ષરી
ઉત્તર સાથે વાંદરાઓ તરફ અંગૂલિનિર્દેશ કરતા કહ્યું " મારે મન્કી પાસે જવું છે.લઇ જશો?
"હા બેટા હું તને મન્કી પાસે લઈ જઈશ" કહી કેતને બાળકને નીચે ઉતારી બાળકની સામે ગોઠણભેર બેસી બાળકને પોતાની નજીક ખેંચી કહ્યું " મન્કી ને ગુજરાતીમાં શું કહેવાય તે મને કહીશ?
બાળકે કુતૂહલવશ નિતેશ સામે, પોતાની માતા સામે અને છેલ્લે કેતન સામે જોઈ સહજભાવે કહ્યું "મન્કી!''
"નહીં, બેટા તેને આપણી ગુજરાતી ભાષા માં મન્કી ન કહેવાય." કેતને વ્હાલ થી બાળક ના ગાલ પર ટપલી મારતાં કહ્યું.
બાળકે પોતાના નટખટ સ્વભાવ મુજબ કેતનના ગાલ પર ટપલી મારી અને પોતાના નાના-નાના બન્ને હાથ
વડે કેતનના ગાલ પર ચૂંટી ભરી ખડખડાટ હસી કહ્યું "અરે અંકલ તેને મન્કી જ કહેવાય.''
"અચ્છા તો પછી અંકલને ગુજરાતીમાં શું કહેવાય?''
"અંકલ કહેવાય!''
"નહીં બેટા અંકલ ને ગુજરાતીમાં કાકા કહેવાય અને મન્કી ને ગુજરાતીમાં..'' વાક્ય પૂરું થાય તે પહેલાં જ બાળકની માતા એ બાળકને પોતાના તરફ ખેંચી લીધું કેતનને સંબોધીને કહ્યું "ખબ્બરદાર આગળ એક શબ્દ બોલ્યા છો તો...''
કેતન અને નિતેશ આવા અણધાર્યા હુમલાથી થોડી ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા.પછી જાણે એકાએક કળ વળી હોય તેમ નિતેશે શરૂઆત કરી "મારા મિત્ર કેતનભાઈનો કહેવાનો અર્થ એવો નથી કે ઈંગ્લીશ ભાષા શીખવી નહીં.તેનુ કહેવાનું એમ છે કે આપણી માતૃભાષા ગુજરાતીનુ જ્ઞાન હોવું અતિ આવશ્યક છે, તે આપણી માતા છે.''
" મારો સન ખરાબ શબ્દો થી ડીસ્ટન્સ માં રહે એટલે જ તો ઈંગ્લીશ મીડીયમ માં એજ્યુકેશન લેવડાવુ છું. તમે જ વિચારો ને મન્કી નું ગુજરાતી બોલવું કેટલુ શરમજનક લાગે? જાણે બેડ શબ્દ.. અને હા મીસ્ટર આજ ના મોર્ડન યુગમાં ગુજરાતી ભાષા ડેથ થવા ના આરે છે.'' કહી પોતાના બાળકને લઈને તે સ્ત્રી એ ચાલતી પકડી.
સુર્ય પશ્ચિમ દિશામાં સંપૂર્ણપણે ઢળી ચૂક્યો હતો.વાતાવરણ માં સર્વત્ર અંધકાર છવાઈ ગયો હતો.પક્ષીઓનો કલસોર થંભી ગયો હતો. કેતને પોતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી માંથી મુખ્ય વિષય ઈંગ્લીશ સાથે અનુસ્નાતક ની પદવી પ્રાપ્ત કરી હતી.એટલુ જ નહીં પણ ગોલ્ડમેડાલીસ્ટ નું સન્માન પ્રાપ્ત કરી વડોદરા ની કૉલેજમાં ઈંગ્લીશ વિષય ના પ્રાધ્યાપક તરીકે ફરજ પણ બજાવે છે.
અંગ્રેજી ભાષા પ્રત્યે તેને ધૃણા છે તેવું પણ નથી. કારણ કે એ જ તો તેની રોજીરોટી મેળવવાનું સાધન છે. કેતન નું માનવું છે કે જેમ આપણી જન્મદાત્રી આપણી માતા છે તેમ ધરતી અને માતૃભાષા પણ માતા તરીકે નું એટલુ જ સ્થાન ધરાવે છે. જેમ જનની પોતાના બાળકનુ જન્મથી માંડીને પાલન-પોષણ કરે છે અને પોતાનું સંપૂર્ણ જીવન પોતાના સંતાન પાછળ ન્યોછાવર કરી દે છે. તેમ ધરતી માતા પોતાની ગોદમાં અસંખ્ય પોતાના સંતાનોની દરેક પ્રકારની જરૂરિયાતો નું પોષણ કરે છે. અને એવી જ રીતે વ્યક્તિ પોતાના જન્મ પછી જે ભાષામાં સાંભળતો, સમજતો અને બોલતો થાય તે જ ભાષા તેનો યોગ્ય વિકાસ કરવામાં પોતાનો ફાળો આપે છે.
ડો. હર્ષદભાઈ પંડિત અને તેની "બાળક ને માતૃભાષા માં જ શિક્ષણ'' ની ઝુંબેશ યાદ આવી ગઈ. એ મહામાનવે પોતાની સંપૂર્ણ જિંદગી આ ઝુંબેશ પાછળ ખર્ચી નાખી એટલું જ નહીં તેમણે પોતાના ખર્ચે પુસ્તીકા તેમજ સીડી બનાવી વિના મૂલ્યે વહેંચી. એવા આશયથી કે લોકો પોતાની માતૃભાષા પ્રત્યે જાગૃત થાય અને માતૃભાષા નું મહત્વ સમજે. પ...ણ.. પ..ણ..આજનો આ આધુનિકતા નો આંચળો ઓઢીને ફરતો માનવ સમાજ પોતાની સગી મા નો ત્યાગ કરી અન્ય કોઈ ની મા ને પોતાની સગી મા બનાવી રહ્યો છે. કેતન ના કાનમાં વારંવાર પડઘાતા શબ્દો "ગુજરાતી ભાષા તો ડેથ થવા ના આરે છે'' તેના મસ્તીસ્ક માં હથોડા ની જેમ વાગી રહ્યા હતા. હ્રદય માં કોઇ તીક્ષ્ણ હથિયાર નો પ્રહાર થયો ન હોય! કેતન અન્યમનસ્ક નયને જઈ રહેલા બાળક અને તેની માતા ને એકીટશે જોઈ રહ્યો.
" નહીં... નહીં.. એવું નહીં બને''
કેતન નાં મુખ માંથી શબ્દો સરી પડ્યા.
" કેતન આટલું દુઃખી થવું હવે વ્યાજબી નથી કારણકે તું પણ જાણે છે અત્યારે સંપૂર્ણ વ્યવહાર શુદ્ધ ગુજરાતીમાં નહીં પરંતુ અશુદ્ધ ગુજરાતી ભાષા એટલે કે ગુજલીશ ભાષા માં થાય છે'' નિતેશે પોતાના હાથ કેતન ના ખભા પર મૂકતા કહ્યું.
પરંતુ માતૃભાષા પ્રત્યે નો કેતન નો અનન્ય પ્રેમ હાર સ્વીકારવા તૈયાર ન હતો. સાથે-સાથે તે એ પણ જાણતો હતો અંગ્રેજો તો જતા રહ્યા પણ તેની ભાષા દિન-પ્રતિદિન પોતાનો પ્રભાવ વધારતી જાય છે. કેતને પોતાના ખભા પર મુકાયેલા નિતેશ ના બન્ને હાથ પોતાના હાથમાં લઈ એક ઊંડો નિ:શ્વાસ નાખી "દોસ્ત,હું સારી રીતે સમજુ છું અને જાણું પણ છું જ આ સમસ્યાનુ સમાધાન આપણા એકલા થી કોઈપણ સંજોગોમાં શક્ય નથી જ. પરંતુ મારા હ્રદયમાં થી ઊંડે ઊંડે થી ચિત્કાર ઊઠે છે આપણા દેશની પ્રજા ને પોતાની મા કેમ વ્હાલી નથી? કેમ વ્હાલી નથી પોતા ની માં ???''
કહેતા જ ત્યાં ફસડાઈ ગોઠણભેર બેસી જાય છે. રાત્રિના અંધકાર માં નીરવ શાંતિમાં તમરાના અવાજ ની સાથે-સાથે ચિત્કાર સભર ડૂસકું સંભળાય છે.