Emporer of the world (જગતનો સમ્રાટ) - 13 Jainish Dudhat JD દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

Emporer of the world (જગતનો સમ્રાટ) - 13

જગતનો સમ્રાટ (ભાગ-13)

આગળના ભાગમાં આપણે જોયું કે રાજ્યકક્ષાની સ્પર્ધામાં જૈનીષ અને દિશા તેમની ટીમ સાથે ભાગ લેવા પહોંચી ગયા અને તેમની સાથે આનંદ સર અને મીતાબેન પણ હોય છે. સ્પર્ધા દરમિયાન જૈનીષ દિશાને તેમની કૃતિમાં ફેરફાર કરવાનું જણાવે છે અને આ વાત પોતાના સુધી જ સીમિત રાખવાનું કહે છે. તેમની કૃતિ પૂરી થતાં જ દિશા અને જૈનીષની જોડી વાંસળી અને નૃત્યના અદભુત સંગમથી તમામ શ્રોતા ગણ અને નિર્ણાયકોને મંત્રમુગ્ધ કરી દે છે. આખરે રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા ઘોષિત થઈને તેઓ સ્કુલનું નામ રોશન કરી દે છે. બીજી બાજુ જૈનીષે આ સ્પર્ધામાં ઉતરીને કોઈનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે. હવે આગળ,


#####~~~~~#####~~~~~#####

રાજ્યકક્ષાની સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનીને પાછી ફરેલ ટીમનું સ્વાગત ખૂબ જોરશોરથી કરવામાં આવે છે. સ્કુલમાં તો જાણે ઉત્સવનો માહોલ હોય એવી રીતે આખી સ્કૂલને શણગારવામાં આવી હોય છે. મુખ્ય દરવાજાથી લઈને મેદાનમાં જતા રસ્તા ઉપર ફૂલો પાથરીને રસ્તો બનાવી દિધો હોય છે અને આ રસ્તાની બંને બાજુ સ્કુલના વિદ્યાર્થીઓ હાથમાં ફૂલોની પાંખડીઓ સાથે સમગ્ર ટીમને અને ખાસ કરીને રાધાકૃષ્ણની જોડીને આવકારવા તૈયાર હોય છે. સ્કુલના મેદાનમાં પંડાલ બાંધીને એક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો હોય છે, જ્યાં સ્કુલ તરફથી તમામ ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને આનંદ સર તથા મીતાબેનનું સન્માન કરવામાં આવશે. સન્માન કરવા માટે સ્કુલનું સંચાલક મંડળ જૈનીષ અને દિશાના માતા પિતા પર પસંદગી ઉતારે છે. જેથી તેઓ પણ અત્યારે સ્કુલમાં હાજર હોય છે.

આખરે બધાની આતુરતાનો અંત આવી ગયો. આનંદ સર અને મીતાબેન સાથે વિજેતા બનીને પાછી ફરેલ ટીમનું આગમન થયું. જેમાં મુખ્ય આકર્ષણ તો માત્ર જૈનીષ અને દિશા જ હતા. સ્કુલના મુખ્ય ગેટ પરથી જ વિજેતાઓની વધામણી ચાલુ થઈ ગઈ અને તમામને મેદાનના મુખ્ય પંડાલ સુધી સ્કુલના આચાર્ય દોરી જાય છે. પંડાલમાં બનાવેલ સ્ટેજની નજીક વિજેતા ટીમની સાથે આનંદ સર અને મીતાબેન માટે ખાસ બેઠક રાખવામાં આવે છે. મુખ્ય ગેટથી પંડાલ સુધીના રસ્તામાં વિજેતાઓને ફૂલોથી નવડાવી દેવામાં આવે છે. આખરે વિજેતા વિદ્યાર્થીઓ, આનંદ સર અને મીતાબેન પોતપોતાના સ્થાન ગ્રહણ કરે છે અને તેમની સન્માનવિધિ કાર્યક્રમ આગળ વધે છે.

આચાર્ય દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવે છે અને તેમનામાં રહેલ પ્રતિભાને નિખારવામાં મદદરૂપ થવા માટે આનંદ સર અને મીતાબેનનો પણ ખૂબ જ આભાર વ્યક્ત કરે છે. ત્યારબાદ આનંદ સર અને મીતાબેન વારાફરતી વિદ્યાર્થીઓ સાથે તેમના અનુભવો અને સ્પર્ધાનો અનુભવ રજૂ કરે છે. આનંદ સર જૈનીષ અને દિશાને કૃતિમાં છેલ્લી ઘડીએ કરેલા ફેરફારના કારણે મળેલ અદભુત પ્રતિસાદ બદલ અભિનંદન પાઠવે છે. સન્માન સમારોહ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. આનંદ સર અને મીતાબેનનું સન્માન અને તેમની સ્પીચ બાદ એક એક વિદ્યાર્થીને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવે છે. તેમને રોકડ ઈનામ, પ્રમાણપત્ર અને સુવર્ણ ચંદ્રક આપીને સન્માન કરવામાં આવે છે.


સન્માન સમારોહમાં સૌથી છેલ્લે જૈનીષ અને દિશાનું સન્માન બાકી હોય છે. સ્ટેજ પરથી બંનેના નામ જાહેર થતાંની સાથેજ આખી સ્કુલમાં તાળીઓ અને ચિચિયારીઓના ગુંજારવ સંભળાય છે. સ્કુલના બધા જ વિદ્યાર્થીઓ બંનેનું ઊભા થઈ અભિવાદન કરે છે. સ્ટેજ ઉપસ્થિત બીનીતભાઈ અને રમીલાબેન તથા દિનેશભાઈ અને શાલિનીબેન પણ પોતાના સંતાનોએ મેળવેલી નામનાથી ભાવવિભોર બની અશ્રુસહ બંનેને સ્ટેજ પર આવકારે છે. તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્ય સહિત આનંદ સર અને મીતાબેનનું અભિવાદન સ્વીકારતા જૈનીષ અને દિશા સ્ટેજ પર આવે છે. બંનેને સુવર્ણ ચંદ્રક, પ્રથમ વિજેતાનું પ્રમાણપત્ર અને રોકડ ઈનામની સાથે સ્કુલનો સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીઓનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે. બંને માટે સૌથી વધારે ખુશીની વાત એ હોય છે કે આ ઈનામ તેમના માતા પિતા દ્વારા જ અપાવવામાં આવે છે.

પોતાના સંતાનોએ આટલી નામના મેળવી એટલે બીનીતભાઈ અને રમીલાબેન તથા દિનેશભાઈ અને શાલિનીબેન ભાવવિભોર થઈ જાય છે અને તેઓ બંનેને વહાલથી ભેટીને મનથી ખૂબ પ્રેમ ભર્યા આશિષ આપે છે. સન્માન સમારોહ બસ હવે પૂરી થવાની તૈયારીમાં જ છે, ત્યાં જ આનંદ સરને ફોન આવે છે. તેઓ ફોન પર વાત પૂરી કરીને શાળાના આચાર્ય સાથે કઈક મંત્રણા કરવા બધાથી થોડા દૂર જાય છે. આનંદ સરની વાત સાંભળીને આચાર્ય સાહેબ પહેલાં થોડા ચોંકે છે પછી તેમના ચેહરા પર ખુશી છલકાય આવે છે. તેઓ આ સમાચાર તાત્કાલિક આપવા માટે આનંદ સરને જણાવે છે. આચાર્યની સહમતી મળતા આનંદ સર આ સમાચાર આપવા સ્ટેજ પર મૂકવામાં આવેલ માઈક તરફ આગળ વધે છે.

શું હશે આ સમાચાર ? કેમ આચાર્ય સાહેબ ચોંકી ગયા અને પછી કેમ ખુશ થઈ ગયા ? કોની નજરમાં જૈનીષ ઉર્ફ જગત સમ્રાટ આવી ગયો ?

જાણવા માટે વાંચતા રહો આગળના ભાગ..... ત્યાં સુધી,

હર હર મહાદેવ
રાધે રાધે