નસીબ ના ખેલ... - 32 (અંતિમ ભાગ) પારૂલ ઠક્કર... યાદ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ ના ખેલ... - 32 (અંતિમ ભાગ)

પપ્પા સાથે સરખી વાત ન થઈ શકવાનો અફસોસ ધરાને હતો, તો ધીરજલાલને પણ ધરા સાથે વાત ન થઈ એનો રંજ હતો પણ બંને એ પોતાના મનને એમ કહીને મનાવ્યું કે પછી તો અમે સાથે જ છીએને... પછી નિરાંતે વાત કરશું...
એક તરફ શ્રીમંતની વિધિ શરુ થઈ અને બીજી બાજુ નિશા એના કાકા એટલે કે ધીરજલાલને પૂછવા લાગી કે તમે વહેવારમાં શું કરવાનાં છો?? કોને શું આપવાના છો?? અને ધીરજલાલ પણ નિશાના મનમાં શું છે એ વાતથી અજાણ હતા એટલે ભોળાભાવે બધું કહેવા લાગ્યા, અને નિશા બધામાં વધારો કરાવવા લાગી, મતલબ જ્યાં જ્યાં જેટલું દેવાનું ધીરજલાલ ગોઠવીને આવ્યા હતા એ બધામાં નિશાએ રકમ નો વધારો કરાવ્યો, અને વાત જ્યાં ધરાના નણંદને આપવાના પૈસાની આવી ત્યાં તો નિશા એ એમ કહીને ઝગડો શરુ કર્યો કે એક જ નંણદ છે જે ધરાને રાખડી બાંધશે અને એના માટે તમે એક સાડી પણ ન લાવ્યા?? હું તમારા મોટા ભાઈ ની દિકરી છું મારાં માટે ન લાવો તો હું ચલાવી લઉં પણ તમારે અમારા નંણદ ને તો સાચવવા જ પડશે... ઉંચા અવાજે થતી વાત સાંભળી ને લગભગ બધા બહાર ફળિયામાં જ્યાં આ બધો ખેલ ખેલાઈ રહ્યો હતો ત્યાં આવ્યા, નિશાનો ઈરાદો (બધાની વચ્ચે ધીરજલાલ ને નીચા દેખાડવાનો ) પૂરો થઈ રહ્યો હતો, જો કે ધીરજલાલ પણ એમ કાંઈ કોઈના દબાવ્યા દબાય એમ ન હતા ધરાના નણંદે ઘણું કહ્યું કે સાડી હોવી જ જોઈએ એવી કોઈ જરૂર નથી પણ હવે વાત ધીરજલાલના આત્મસન્માન ની હતી, અને નિશાના કહેવા કરતા ય વધુ બધાની રકમ વધારી અને ત્યાં જ ગામડાની બજારમાંથી ધરાના નણંદ માટે સાડી પણ લઇ આવ્યા... નિશા એમનું અપમાન કરવા માંગતી હતી અને બોલતી એની જ બંધ થઈ ગઈ,
જો કે નિશાના આ વર્તનથી ધીરજલાલ એટલું તો સમજી જ ગયા કે નિશાનો વ્યવહાર સારો નથી, એ એ પણ સમજી શક્યા કે ધરા સાથે એનો વ્યવહાર કેવો હશે.... હવે જેમ બને એમ જલ્દી તેઓ ધરાને લઈને અહીંથી નીકળવા ઇચ્છતા હતા,
બપોરનો જમણવાર પત્યો કે તરત જ તેઓએ નીકળવાની વાત કરી, સૌની રજા લઈને ધરાને લઈને નીકળી ગયા . બસ થોડી આગળ નીકળી કે તરત જ ધીરજલાલ ધરાને પૂછવા લાગ્યા કે નિશાનો વ્યવહાર કેમ છે એના પ્રત્યે નો .... અને ધરાનો સંયમ તૂટ્યો , માંડ માંડ દબાવી રાખેલા અશ્રુનો ધોધ વહેવા લાગ્યો , પણ બસમાં અન્ય લોકો ય હતા, આ લોકો સૌ જોઈ રહ્યા હતા એટલે ધરા ચૂપ રહી, અને ધીરજલાલ પણ સમજી ગયા અને કહ્યું હવે ચિંતા ન કર બેટા હવે તું અમારી પાસે છે સુરક્ષિત છે , ઘરે જઈને નિરાંતે વાત કરશું .
રસ્તો જાણે કપાતો જ ન હતો , વાટ જાણે લાંબી લાગતી હતી , બંને ઘરે પહોંચવા આતુર હતા, અને અંતે રસ્તો ખૂટ્યો, ઘર આવ્યું, હંસાબેન પહેલેથી જ જરાં જુનવાણી.... એટલે દીકરીની નજર ઉતારી ઉંબરામાં જ અને પછી ઘરમાં લાવ્યા. ઘરમાં પગ મુકતા જ ધરા એના પપ્પા ને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી, જાણે ઘણા સમયથી રોકી રાખેલા પાણીમાં ઘોડાપૂર આવ્યું હોય,
પતિ-પત્ની બંને સમજી ગયા કે વાત ધાર્યા કરતા વધુ મોટી છે, હંસાબેન પણ ધરાને છાની રાખવા લાગ્યા, આવનાર બાળક ની તબિયત પર અસર પડશે આટલુ બધું ના રડાય કહીને સાંત્વના આપવા લાગ્યા, માંડ માંડ ધરા ચૂપ થઈ અને પાણી પીધું, સફરનો થાક ઉતારવા પહેલા તો ધીરજલાલે ચા નાસ્તો કરવાનો પ્રસ્તાવ રાખ્યો અને એ બહાને ધરાને કાંઈક ખવડાવવાનું વિચાર્યું, હંસાબેને તરત જ સરસ આદુ વાળી ચા બનાવી અને ધીરજલાલ ધરાને ભાવતા સમોસા લઇ આવ્યા સાથે ચેવડો અને વડોદરામાં મળતું ટમટમ તો ખરું જ....
બધાએ નાસ્તો કર્યો, અને ધરા થોડી સ્વસ્થ થઈ પછી ધીરજલાલે ધરાને તેના આટલા બંધ રડવાનું કારણ પૂછ્યું, અને સમ આપ્યા કે હવે નહીં રડે અને શાંતિથી બધી વાત કરશે. ધરા એ બધું કહેવા લાગી જે જે એને કહેવામાં આવ્યું હતું, લગ્ન ના ફકત 9 મહિનામાં એની સામે આવેલી દરેક બાબત અને એની સાથે કરવામાં આવેલો દરેક વ્યવહાર ધરાએ કીધો, ધરાની આપવીતી સાંભળીને ધીરજલાલ હચમચી ગયા, જો કે હંસાબેન ને બહુ ખાસ અસર થઈ હોય એમ ન લાગ્યું કારણ એમણે એમ કહી ધરા ને હિમ્મત આપી કે શરુ શરૂમાં સાસરીમાં આવા નાના મોટા મતભેદ તો રહેવાના જ, તને યાદ નથી મારે અને તારા પપ્પા ને પણ ઘણી વાર ઝગડો થાય છે અને એક બે વાર તારા પપ્પા એ મને ધોકા વડે મારી પણ છે, સંસાર છે બેટા આવું તો ચાલ્યા જ કરે એમાં આટલુ બધું રડવાનું? આખી જિંદગી પડી છે કેમ કાઢીશ???
ધરાએ દલીલ કરી કે કેવલ નો સાથ હોય તો હું પણ બધી મુશ્કેલી સામે લડી લઉં પણ અહીં તો કેવલ એના ભાભી નિશા ને સાથ આપે છે, ધીરજલાલ ઈશારો કરી હંસાબેન ને ચૂપ રહેવા જણાવ્યું, અને ત્યાર પૂરતી વાત ત્યાં પુરી કરી, ધરાને બીજી વાતે ચડાવીને એ બધું ભુલાવવાનો પ્રયત્ન કર્યો અને પછી રાતનું જમવાનું પતાવીને જરૂરી દવા આપીને ધરા ને સુવડાવી.
પણ બંને પતિપત્ની ની તો જાણે નીંદર જ ઉડી ગઈ હતી, ધીરજલાલ એ સ્વપ્નમાં પણ નોહ્તું વિચાર્યું કે એમની દીકરીનું ભવિષ્ય આમ સાવ ધૂંધળું થઈ જશે, નિશાએ ધીરજલાલ ની આ લગ્ન માટે હા પડાવવા માટે મેલી વિદ્યાનો પણ સહારો લીધો હતો એ વાત પણ ધરાની સામે આવી હતી એ જાણ્યા પછી ખુદ ધીરજલાલ અવાચક થઈ ગયા હતા. નિશા આટલી હદે કપટ કરશે એ નોહ્તું ધાર્યું ધીરજલાલે, અને આ બધી વાતોથી ધરા અંદરથી સાવ ભાંગી ગઈ હતી એ વાત તેઓ સમજી ગયા હતા.
આખી રાત બંને પતિ-પત્ની ચર્ચા કરતા રહ્યા, અને અંતે એ નક્કી થયું કે કેવલ સાથે એકવાર વાત કરવી, બીજે દિવસે સવારે જ દુકાને જઈને ધીરજલાલે ભાવનગર કેવલની દુકાન પાસે જે ઘરે ફોન હતો ત્યાં ફોન કર્યો, અને કેવલ સાથે વાત કરીને કહ્યું કે કેવલ એક વાર રૂબરૂ આવીને મળે, થોડી વ્યવહારિક વાત કરવી છે, જો કે કેવલએ ઘણી આનાકાની કરી પણ ધીરજલાલ મક્કમ રહ્યા અને થોડા સખત શબ્દો કહેતા અંતે કેવલએ હા પાડી અને કહ્યું કે બે ચાર દિવસમાં ત્યાં આવશે.
આ તરફ નિશા આવા જ કાંઈક પ્રતિભાવની આશામાં હતી, એને ખબર જ હતી કે ધરા ના ત્યાં ગયા પછી કાકાનું વર્તન આવું જ કાંઈક થશે, એટલે એણે કેવલને પણ આ માટે કહી રાખ્યું હતું, અને હવે આગળ શું જવાબ આપવો એ રણનીતિ પણ બંને દિયર -ભોજાઈ ઘડી રહ્યા હતા.
બે દિવસ બાદ કેવલ વડોદરા પોતાન સાસરે પહોંચ્યો, અને અહીં બે દિવસમાં માંડ સ્વસ્થ થયેલી ધરા કેવલને જોતા જ પછી બેચેન થઇ ગઈ, ફરી એટલે બધી વાતો એના મગજમાં ફરવા લાગી, એક દિવસ તો સાવ નોર્મલ પસાર થઇ ગયો, બીજે દિવસે ધીરજલાલે જ વાત શરુ કરી અને કેવલને ધરાએ જણાવેલ દરેક બાબત અંગે સાચું શું અને કેવલના મનમાં શું છે એટલું પૂછ્યું, કેવલ પણ જાણે આવા જ સવાલની રાહ માં હતો, પહેલેથી જ એ નિશાની દોરવણી મુજબ ચાલતો હતો અને આ વખતે પણ નિશાના કહેવા મુજબ જ આવ્યો હતો , એટલે એણે તરત જ સાફ શબ્દોમાં કહી દીધું કે હું એ લોકોને ન છોડી શકું, મારે એ પહેલાં પછી ધરા, ધરાને મારી સાથે રહેવું હશે તો હું કહું એમ રહેવું પડશે, ધણી નું કોઈ ધણી ન હોય , હું ધરાની કોઈ વાત માનવાનો નથી , એણે મારી વાત માનવાની હોય મારે એની નહીં.
ધીરજલાલે એના અને નિશાના સંબંધ અંગે પૂછતાં કેવલ એ સાફ કહી દીધું મારે એ પહેલા પછી બીજા બધા, કેવલના આ શબ્દોથી ઘરના બધા ચોંકી ગયા, ધીરજલાલ તો ગુસ્સામાં કેવલ પર હાથ ઉપાડવા જતા હતા પણ......
કેવલના આ શબ્દોથી ધરાને ખુબ આઘાત લાગ્યો અને એને બ્લીડીંગ થવા લાગ્યું, ધરાની તબિયત આટલી હદે બગાડતા તરત જ ધરાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડી, અહીં ધીરજલાલ ધરાને હોસ્પિટલ લઈ જવા માટે રીક્ષા /એમ્બ્યુલન્સ ની વ્યવસ્થામાં હતા, હંસાબેન ધરા પાસે હતા, પણ કેવલને જાણે આ બધી વાતની કાંઈ પડી જ ન હતી, તે સાવ નિશ્ચિંન્ત બનીને ટીવી જોવા લાગ્યો, ધીરજલાલ એમ્બ્યુલન્સ આવી જતા ધરાને લેવા આવ્યા અને કેવલને આ રીતે ટીવી જોતો જોઈને ખુબ જ ગુસ્સો ચડ્યો, પણ અત્યારે પહેલી જરૂર ધરાને હોસ્પિટલ લઈ જવાની હોવાથી ગુસ્સો ગળી જઈને ધરાને લઈને દવાખાને જવા તરફ ધ્યાન કર્યું.
હંસાબેન પણ સાથે જવાના જ હોય છતાં કેવલ ઉભો ન થયો, હંસાબેને કહેવું પડ્યું કે કુમાર તમે આવો છો? તો ચાલો, હું તાળું મારું ઘરને, ત્યારે ક-મને કેવલ ઉઠ્યો અને સાથે જવા તૈયાર થયો, બધા હોસ્પિટલ પહોંચ્યા, ધરાની તબિયત બગડતી જતી હતી, પ્રસૂતિને તો હજી ઘણી વાર હતી, પણ બ્લીડીંગ ખુબ થયું હોવાથી pre-mature delivery કરવી પડી, 7માં મહિને જ બાળકનો જન્મ કરાવવો પડ્યો, ધરાએ દીકરાને જન્મ આપ્યો, દીકરો તો અધૂરા મહિને જનમ્યો હોવા છતાં સ્વસ્થ અને તંદુરસ્ત હતો, હા વજન થોડું ઓછું હતું પણ બીજી કોઈ તકલીફ નોહતી. પણ દીકરાને જન્મ આપ્યા બાદ પણ ધરાની તબિયત વધુ લથડતી જતી હતી, કેવલ દીકરાનું મોઢું જોયા વગર જ ભાવનગર જવા નીકળી ગયો એમ કહીને કે ત્યાં બધા ને સમાચાર આપી દઉં અને તરત પિતા એ પુત્રનું મોઢું ન જોવાય, બાપના માથે ભાર આવે એવુ બધાએ કીધું છે એટલે હું અત્યારે પુત્રનું મોઢું નહીં જોઉં.
ઘણું કહેવાનું મન થયું ધીરજલાલ ને પણ અત્યારે સમય પણ નથી અને સંજોગો પણ કઠિન છે એમ સમજીને સમસમી ને ચૂપ રહ્યા, આ બાજુ ધરા જાણે કે મોત સામે ઝઝુમી રહી હતી, એના નસીબે કોઈ મોટો દાવ ખેલ્યો હતો.
દોહિત્ર ના જન્મ નો આનંદ વ્યક્ત કરે કે પુત્રી ની સતત વણસતી જતી હાલત પર દુઃખી થાય? ધીરજલાલ અને હંસાબેન મનોમન મૂંઝાઈ રહ્યા હતા, ધરા વાત કરવાની સ્થિતિમાં જ ના હતી, દીકરાને જન્મ આપીને ફકત 9 કલાક માં જ ધરાએ અનંતની વાટ પકડી, ધરાના મા બાપ માથે તો જાણે આભ તૂટ્યું, એક બાજુ ધરા નો અંશ હજી તો આ દુનિયામાં આવ્યો જ હતો અને પોતાના અંશે આ ફાની દુનિયા ને અલવિદા કહી દીધું હતું.
હૈયાફાટ રુદનથી હંસાબેન જમીન પર ફસડાઈ પડ્યા, દુઃખ ધીરજલાલ ને વધુ હતું, ધરા એમની લાડકી હતી, અને ધરા ના આ કમોત માટે દેખીતી રીતે જ કેવલ જવાબદાર હતો, દીકરી એ ગુમાવી ચુક્યા હતા, પણ હવે એ દીકરીના અંશ ને કોઈ કિંમત પર ગુમાવી શકવા તૈયાર ન હતા. તેમણે હંસાબેન ને પણ એ જ સાંત્વના આપતાં ચૂપ કર્યા અને કહ્યું કે જુવો ધરા એના દીકરા ના રૂપમાં આપણી સાથે જ છે, ધરાનો અંશ આપણી સાથે જ છે આપણે એને મોટો કરવાનો છે, કેવલ અને નિશાને પાઠ પણ ભણાવવાનો છે, આમ તૂટી જવાથી કાંઈ નહીં થાય.
ધીરજલાલ ની વાત સાંભળીને હંસાબેન થોડા સ્વસ્થ થયાં, ધરા અને એના દીકરાને લઈને ઘરે આવ્યા, ભાવનગર, રાજકોટ બધે સમાચાર મોકલી દીધા હતા, ધરાના અંતિમ સંસ્કાર બાદ જરૂરી વ્યવહારિક રિવાજો પૂર્ણ કરીને ધીરજલાલે નિશા અને કેવલનો ભાંડો ફોડવાનું નક્કી કર્યું,
ધરાના 12માં ના દિવસે ધરાના દીકરાનું નામ પાડવાનું ધીરજલાલે નક્કી કર્યું, તે દિવસે જો કે ધરાના સાસરીના પણ ઘણા સગાઓ આવ્યા હતા, ધરાના નણંદ પણ હતા, નિશાએ એમની પાસે નામ પડાવવાનું કહ્યું પણ ધીરજલાલ એ ચોખ્ખી ના પાડતા કહ્યું કે ધરાની કોઈ પણ નિશાની કે કોઈ પણ વાત કે વસ્તુ પર હવે તમારામાંથી કોઈનો કોઈ પણ હક્ક નથી, મારી સાથે આ બારામાં વધુ જો માથાઝીક કરી તો વાત સીધી વકીલ /કોર્ટ સુધી જશે અને પછી ઘણા રાઝ ખુલશે, ધરાનો દીકરો અહીં જ રહેશે, કોઈએ ખોટો કાનૂની હક્ક પણ કરવો નહીં, જો પોતાની આબરૂ સાચવવી હોય તો... નહિતર સમાજમાં મોઢું બતાવવાને લાયક નહીં રહેવા દઉં, મેં દીકરી ગુમાવી છે પણ એનો અંશ મારી સાથે જ રહેશે,
ધરાનો અંશ એટલે કે "ધારાંશ".

ધીરજલાલ નું રૌદ્ર સ્વરૂપ જોતા જ કેવલ અને નિશા ધ્રુજી ઉઠ્યા, કેવલ તો કહેવા પણ ન ઉભો રહ્યો અને કીધા વગર જ ત્યાંથી નીકળી ગયો, નિશા પણ જેમતેમ બધું પૂરું કરીને ચુપચાપ નીકળી ગઈ, સૌ એક પછી એક રજા લઈને ત્યાંથી નીકળવા લાગ્યા, આમ જુવો તો ધરાના જવાનુ દુઃખ બીજા કોઈને નોહ્તું, બસ એક મા -બાપે પોતાની દીકરી ગુમાવી હતી અને એક દીકરાએ પોતાની મા... !!!

ધીરજલાલ અને હંસાબેન પાસે આજે ધરા તો નોહતી પણ એનો દીકરો ધારાંશ જરૂર હતો જેના સહારે તેમને બાકીની જિંદગી હવે વિતાવવાની હતી.

🙏 સમાપ્ત 🙏


મિત્રો, ધરાના નસીબના ખેલ લખતા લખતા વચ્ચે અડચણ પણ ઘણી આવી, અને હું પણ ધરાના પાત્ર સાથે ઓતપ્રોત થઇ ગઈ, આ અંતિમ ભાગમાં ધરાના મૃત્યુ ને લઈને હું ઘણી અપસેટ રહી, થોડું થોડું લખીને રોકાઈ જતી હતી, મન ભરાઈ આવતા આગળ લખી જ નોહતી શકતી, આપ સૌ વાચકોનો ઘણો સાથ મળ્યો છે, ફરી મળશું એક નવી વાર્તા સાથે... આભાર સૌ વાચકમિત્રોનો...
પારૂલ ઠક્કર "યાદ"