Emporer of the world - 12 books and stories free download online pdf in Gujarati

Emporer of the world (જગતનો સમ્રાટ) -12

જગતનો સમ્રાટ (ભાગ-12)

આગળના ભાગમાં આપણે જોયું કે આનંદ સર અને મીતાબેન દ્વારા રાજયકક્ષાની આંતરશાળા સ્પર્ધા માટે સ્કુલ તરફથી જે કૃતિ રજૂ કરવાની છે એના માટે તેઓ જૈનીષ અને દિશાની પસંદગી કરે છે. તેમની જ પસંદગી શા માટે કરવામાં આવી તે બાબતે જૈનીષ મૂંઝવણ અનુભવતો હોય છે, જેનું સમાધાન મીતાબેન કરે છે. સંગીત અને નૃત્યની જુગલબંધી કેવી રીતે થશે એના માટે જૈનીષ દિશાને રાત્રે જમ્યા બાદ પોતાના ઘરે આવવા જણાવે છે, જ્યાં તેમની સમસ્યાનું સમાધાન દિનેશભાઈ કરે છે અને તેમનો જવાબ સાંભળી જૈનીષ ખુશીનો માર્યો તેમને દોડીને ભેટી પડે છે. હવે આગળ,

#######~~~~~~#######~~~~~~

દિનેશભાઈ જૈનીષ અને દિશાને રાધાકૃષ્ણના જીવન આધારિત કોઈ પ્રસંગ પર કૃતિ રજૂ કરવાની વાત કરીને લગભગ તેમની બધી જ શંકાઓનું નિવારણ કરી દે છે. જૈનીષ અને દિશા તેમનો આભાર માને છે અને તેઓ આ પ્રસંગમાં શું કરી શકાય તેના પર ચર્ચા કરવા લાગે છે. જ્યારે દિનેશભાઈ અને બીનીતભાઈ ઘણા સમયે મળ્યા હોવાથી તેઓ પણ વાતે ચડ્યા અને બીજી બાજુ રમીલાબેન અને શાલિનીબેન પણ વાતોએ વળગ્યાં. બધાય મોડે સુધી વાતો કરીને પછી છૂટા પડે છે. જૈનીષ અને દિશા આવતીકાલે આનંદ સર અને મીતાબેન સાથે આ આઈડિયા વિશે વાત કરીને પછી આગળ વધવાનું નક્કી કરે છે.બીજા દિવસે જૈનીષ આનંદ સર અને મીતાબેનને ગઈ કાલ રાત્રે થયેલ ઘટનાક્રમ વિશે જણાવે છે કે કઈ રીતે દિશાના પિતા દિનેશભાઈ રાધાકૃષ્ણના જીવન આધારિત ઘટનાઓને લઈને કૃતિ બનાવી શકાય. આ સાંભળીને તો આનંદ સર પણ અવાક થઈ જાય છે અને તેઓ પોતાની સ્વીકૃતિ પણ આપી દેય છે. તે જ દિવસે સ્પર્ધા માટે જૈનીષ અને દિશા પોતાની ટીમ બનાવી લેય છે. આનંદ સર અને જૈનીષ સંગીત પર કામ ચાલુ કરી દે છે, બીજી તરફ મીતાબેન સાથે મળીને દિશા નૃત્યના તાલમેલ બેસાડવા લાગે છે. નૃત્યની ટીમ તો બહુ જ જલ્દી તાલમેલ સાથે તૈયાર થઈ જાય છે, પણ અઘરું કામ પડે છે જૈનીષને.


રાધાકૃષ્ણના જીવન પ્રસંગ આધારિત રચના હોવાથી અહી વાંસળી સિવાય બીજા કોઈ સાધનને ગોઠવી શકાય તેમ નથી, અને માત્ર વાંસળી સાથે નૃત્યને સેટ કરવામાં જૈનીષને ખૂબ પરેશાન થવું પડે છે. છેવટે તે રાધાકૃષ્ણના જીવનનો અત્યંત મહત્વનો ભાગ એવો "રાસ" ભજવવાનું નક્કી કરે છે અને દિશાને આ વાત જણાવે છે. બંને આનંદ સર અને મીતાબેનને આ વાતથી માહિતગાર કરીને અંતિમ ઓપ આપીને કૃતિ તૈયાર કરી દે છે. આનંદ સર અને મીતાબેન એકવાર આખી કૃતિની રજૂઆત ગોઠવવાનું કહે છે જેમાં સ્કુલના આચાર્ય પણ સામેલ થશે.


બે દિવસ બાદ "રાધાકૃષ્ણનો રાસ" નામની કૃતિને જોવા સેમિનાર હોલમાં આનંદ સર અને મીતાબેન, તેમની સાથે સ્કુલના આચાર્ય અને શિક્ષકો ભેગા થાય છે. આખી કૃતિ પૂરી થઈ ગયા બાદ આચાર્ય વિદ્યાર્થીઓના કામની પ્રશંસા કરે છે અને બધાને સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે. આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે "રાધાકૃષ્ણનો રાસ" રાજ્યકક્ષાએ પ્રસ્તુત થયો. આનંદ સર અને મીતાબેન આખી ટીમ સાથે ગયા હતા. છેલ્લી ઘડીએ જૈનીષએ દિશાને બોલાવીને કૃતિમાં થોડો ફેરફાર કરવાનું નક્કી કર્યુ અને આ અંગે અત્યારે આનંદ સરને કંઈપણ જણાવા માટે ના પાડી.


પોતાના બાળપણના ખાસ મિત્ર પર દિશાને વિશ્વાસ હતો એટલે તે જૈનીષનો સાથ આપવા તૈયાર થઈ ગઈ. જેવું તેમની કૃતિનું નામ બોલાયું આખી ટીમ આવી જાય છે સ્ટેજ પર અને દિશા બધાને કૃતિ પૂરી થાય ત્યારે નીચે જવાને બદલે ગોળ કુંડાળું કરીને બેસી જવાનું કહે છે. બધા વિચારમાં પડી જાય છે પણ આખરે બધા માથું હલાવીને સંમતિ આપે છે. તેમનો એક્ટ ચાલુ થાય છે, તેમણે જે મહેનત કરી હતી આ કૃતિ પાછળ એ દેખાય રહી હોય છે. તમામ દર્શકો કૃતિ જોઈને મંત્રમુગ્ધ બની જાય છે અને જાણે સાચે જ વૃંદાવનમાં આવી ગયા હોય એવો અનુભવ કરે છે.


રાજ્યકક્ષાની સ્પર્ધા હોવાથી નિર્ણાયકો પણ ખૂબ અનુભવી પસંદ કરવામાં આવ્યા છે, પરંતુ "રાધાકૃષ્ણનો રાસ" તો એમને પણ તાળીઓ પાડવા મજબૂર કરી દે છે. કૃતિ પૂરી થતાં જ બધા તાળીઓ અને ચિચિયારીઓ પાડીને સાબિત કરી દે છે કે એમને આ કૃતિ કેટલી પસંદ આવી. જેવી કૃતિ પૂરી થઈ એવું જાહેર થાય એ પેહલા જ દિશા આગળ વધે છે અને ત્રણ તાળી પાડે છે. આનંદ સરને અને નિર્ણાયકોને ખબર પડી કે હજી કૃતિ પૂરી નથી થઈ. આનંદ સર થોડી ચિંતામાં દેખાય રહ્યા છે, એમને આટલી જ કૃતિની જાણકારી હોય છે માટે. તેઓ વિચારમાં હોય છે કે હજી આગળ શું થશે ત્યાં જ દિશા ફરીથી ત્રણ તાળી પાડે છે અને બધા વિદ્યાર્થીઓ મોટું કુંડાળું કરીને બેસી ગયા.


થોડી જ ક્ષણોમાં વાંસળીની મીઠી ધૂન સંભળાવાની ચાલુ થઈ અને તેના સુર સાંભળીને આખા હોલમાં શાંતિ સ્થપાય ગઈ. સંભાળનાર વ્યક્તિને પોતાના કાન પર વિશ્વાસ આવી રહ્યો નહોતો, પણ તેઓ જાણે આ ધૂનમાં ખોવાઈ રહ્યા હતા. આ બધુ એટલું જલ્દી બન્યું કે કોઈને ખબર જ ના પડી કે જૈનીષ પોતે જ કૃષ્ણના વેશમાં વાંસળી વગાડતો વગાડતો કુંડાળાની વચ્ચે આવી ગયો અને દિશા તેની પાસે આવીને જાણે એનામાં ખોવાઈ ગઈ હોય એમ એને તાકી રહી. અમુક ક્ષણો પસાર થઈ પછી જૈનીષએ દિશા સામે જોઇને માથું હકારમાં હલાવ્યું અને ફરી પાછી પોતાની આંખો બંધ કરી. દિશા તરત સમજી ગઈ અને તેણે તેના નૃત્યની પોઝિશન લઈ લીધી.

ફરી પાછા વાંસળીના સૂર રેલાવા લાગ્યા પણ આ વખતે કઈક એવું થયું જે કોઈપણ વિચારી શકે તેમ નહોતું. વાંસળીના સૂરમાં એવી વિરહની વેદના હતી જેને શબ્દોમાં કહી શકાય નહિ માત્ર અનુભવી શકાય. ઘણા દર્શકોના આંખોમાં અશ્રુ હતા, નિર્ણાયકો પણ એમાંથી બાકાત નહોતા. અધૂરામાં પૂરું કહીએ તો જૈનીષ પણ બંધ આંખે સજળ હતો અને દિશા જાણે છેલ્લી વાર સાંભળતી હોય એમ એની સાથે નૃત્ય કરી રહી હતી. સાક્ષાત રાધાકૃષ્ણ વૃંદાવન ધરતી પર લઈ આવ્યા હોય એવું દ્રશ્ય ઊભું કરી દીધું હતું. આનંદ સરને વિશ્વાસ જ નહોતો થતો આ જોઈને તેઓ પણ આ ક્ષણમાં ખોવાઈ જવા માટે પોતાની આંખો બંધ કરી દે છે.

સમય જાણે થંભી ગયો હોય તેમ લાગતું હતું. જૈનીષ અને દિશાની જોડીમાં આજે બધાને જાણે રાધા અને કૃષ્ણના જ દર્શન થઈ ગયા. કેટલા સમય સુધી કૃતિ ચાલી એનું ભાન તો જ્યારે વાંસળી વગાડતો બંધ થયો ત્યારે જ થયું. પ્રેક્ષકોની તાળીઓ બંધ થવાનું નામ જ નહોતી લઈ રહી, અને બધાને જાણ થઈ ગઈ હતી કે આ સ્પર્ધામાં આ કૃતિ સિવાય બીજા કોઈ વિજેતા બનશે નહી. સ્પર્ધાને અંતે "રાધાકૃષ્ણનો રાસ" ને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા ત્યારે તો બધા વિદ્યાર્થીઓએ જૈનીષ અને દિશાને ખંભે ચડાવ્યા. રાજ્યકક્ષાની સ્પર્ધામાં જીતવા બદલ એમને ખૂબ લોકનામના મળી, સાથે સાથે સ્કુલનું નામ પણ રોશન થયું.

પણ, કોઈ એવું હતું જેની નજરમાં જૈનીષ આવી ગયો આ સ્પર્ધાને લીધે. કૃષ્ણના વેશમાં આવવા છતાં નાનપણમાં મળેલી રુદ્રાક્ષની માળા તેના ગળામાં જ હતી અને જેની નજરમાં જૈનીષ આવ્યો એ વ્યક્તિ આ માળાનો મતલબ ખૂબ સારી રીતે સમજતો હતો. આખરે એ મહાદેવને યાદ કરીને હાથ જોડે છે અને આવનાર સમય માટે પોતાની જાતને મનથી તૈયાર રેહવાનુ કહે છે.

શું છે આ રુદ્રાક્ષની માળાનું રહસ્ય ? કોણ છે એ વ્યક્તિ જે જૈનીષને ઓળખી ગયો ? શું તે જૈનીષ માટે સારા સમાચાર છે કે ખરાબ ? જાણીશું આગળના ભાગમાં,

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED