ઝંખના Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

ઝંખના

** ‘ઝંખના’ **

ડૉકટર ડૉ. નિશાન ઠાકર અને ઉભરતી સાહિત્યકાર ‘ઝંખના’ ની ઓળખાણ ફેસબુકના માધ્યમ દ્વારા થઇ હતી. ‘ઝંખના’ તેનું તખલ્લુસ હતું. ડૉ.ડૉ. નિશાન ‘ઝંખના’નું સાચું નામ જાણતો ન હતો. ‘ઝંખના’ ફેસબુક પર સાહિત્યકારોના ગ્રુપમાં તેની કવિતાઓ, ગઝલો, ટૂંકી વાર્તાઓ, હાઈકુ અને પ્રેરક પ્રસંગો રજુ કરતી હતી. ડૉ. નિશાન ડોક્ટર હોવા છતાં સાહિત્યનો ખુબ શોખીન હતો. ડૉ. નિશાન, ‘ઝંખના’ની લેખનીનો દિવાનો હતો. ‘ઝંખના’ની વિશેષતા એક મિનિટમાં વાંચી શકાય તેવી પણ ખુબ ઘહન ગઝલ રચનાઓ હતી.

‘ઝંખના’ની વાંચેલી ગઝલો પર ડૉ.ડૉ. નિશાન જયારે મનન કરતો ત્યારે ‘ઝંખના’ની રચનાઓમાં છુપાએલો ગુઢાર્થ તેને હચમચાવી નાખતો. ‘ઝંખના’ ની રચનાઓ ઉપરથી ડૉ. નિશાનને લાગતું કે ‘ઝંખના’ના હદયમાં ખુબ ઉંડા ઘા થયેલા છે અથવા દિલમાં કોઈ અકથ્ય ઝખમો છુપાવીને બેઠી છે. તેની રચનાઓ વાંચી મનન કરી ડૉ. નિશાન રોજ રાત્રે એકજ વાર તેની બધી રચનાઓ પર એક સાથે તેના પ્રતિભાવો આપતો. ‘ઝંખના’ ને ડૉ. નિશાનના પ્રતિભાવો ખુબ ગમતા. ડૉ. નિશાનના પ્રતિભાવો પર ‘ઝંખના’ વળતી કોમેન્ટ લખતી. ડૉ. નિશાનને પણ તેની વળતી કોમેન્ટ ખુબ ગમતી. એક દિવસે ડોક્ટર નિશાને ‘ઝંખના’ને અંગત સંદેશામાં બે ત્રણ હાઈકુ મોકલાવ્યા. આ ડૉ. નિશાનના જીવનની પ્રથમ સાહિત્ય રચના હતી. ‘ઝંખના’ ને સાચા અર્થમાં તેની રચના ગમી કે નહિ તેની ડૉ. નિશાનને જાણ ન હતી પરંતુ ‘ઝંખના’ એ ડૉ. નિશાનની રચનાના ખુબ વખાણ કરી ડૉ. નિશાનને સાહિત્ય રચવા માટે પ્રેરણા આપી. પછી તો તેમનું ચેટીંગ અવિરત પણે ચાલતું રહ્યું. તેઓ મિત્રો બની ગયા.
તેમની મિત્રતા ફક્ત છ માસ જેટલી જ જૂની હતી. બંને એક બીજાના અંગત જીવન વિષે વધુ કંઈ જાણતા ન હતા. તેમની ચેટીંગ મુખ્યત્વે સાહિત્યને લગતી રહેતી. ઘણા લોકો ‘ઝંખના’ની રચનાઓની આલોચના પણ કરતા પરંતુ તે ડૉ. નિશાનને લખતી “ તમને મારી રચનાઓ ગમે છે એજ મારા માટે પુરસ્કાર છે, મારે બીજા કોઈ પાસેથી કોઈ શિરપાવ જોઈતો નથી.” ડૉ. નિશાનને લાગ્યું કે ‘ઝંખના’ દોસ્તીની હદથી આગળ વધી રહી છે. ડૉ. નિશાને એક મર્યાદા બાંધવાનું નક્કી કરી લીધું. નિશાને તેની પત્નીને તેની અને ઝંખના’ ની દોસ્તી વિષે જણાવી દીધું.

એક દિવસે ‘ઝંખના’એ ખુબ સંવેદનશીલ ગઝલ રજુ કરી. ડૉ. નિશાન તે ગઝલના શબ્દો અને તેમાં નિતરતી સંવેદનાથી હલબલી ગયો. ડોક્ટર નિશાને તેની આ ગઝલ પર ખુબ વિસ્તૃત અભિપ્રાય લખ્યો. બે દિવસ સુધી તેનો કોઈ વળતો સંદેશો ડૉ. નિશાનને ન મળ્યો. ડૉ. નિશાન અકળાઈ ગયો. બે દિવસ પછી તેણે ડૉ. નિશાનને લખ્યું “હોસ્પીટલમાં કિમોથેરાપીથી પરવારી હાલ આવી તમારો પ્રતિભાવ વાંચ્યો. તમને મારી ગઝલ ખુબ ગમી છે તેવું પ્રતિપાદિત થાય છે. ખુબ ખુબ આભાર.” તેનો સંદેશો વાંચી ડોક્ટર નિશાને તરત વળતો જવાબ પાઠવ્યો, “ કોણ કિમોથેરાપી લઇ રહ્યું છે ?” પરંતુ ‘ઝંખના’એ કોઈ જવાબ ન આપ્યો.

હવે ડૉ. નિશાન પણ થોડું લખતો થયો હતો. નિશાને એક ટૂંકી વાર્તા તે ગ્રુપમાં રજુ કરી. ‘ઝંખના’ એ ડૉ. નિશાનની વાર્તા વિષે ખુબ સારો પ્રતિભાવ પાઠવ્યો. નિશાને તેનો આભાર માનવાની સાથે ફરીથી ‘ઝંખના’ના ઘરમાં કોણ કિમોથેરાપી લઇ રહ્યું છે તે વિષે પૂછયું. ફરીથી ‘ઝંખના’એ જવાબ આપવાનું ટાળ્યું.

નિશાને અનુભવ્યું કે દિવસે દિવસે ‘ઝંખના’ની સાહિત્ય રચનાઓની સંખ્યા ઘટવા માંડી હતી. હવે તે ખુબ ઓછું લખતી હતી. ડૉ. નિશાનને તેની ફિકર થવા લાગી પરંતુ તે કયા શહેરની છે? ક્યાં રહે છે? તેની ઉંમર કેટલી છે? તેનો કોન્ટેક્ટ નંબર વિગેરે જેવી કોઈ વિગતો તેની પાસે ન હતી. ‘ઝંખના’ના ફેસબુકના પ્રોફાઈલ પિકચર તરીકે પારિજાતના પુષ્પો હતા તો નિશાને પણ તેના ફેસબુક એકાઉન્ટના પ્રોફાઈલ પિકચર તરીકે પોતાના પુત્રનો ફોટો મુકયો હતો. ‘ઝંખના’એ તેનો પ્રોફાઈલ સિક્યોર કરેલો હોવાથી કોઈ અંગત માહિતી જોઈ શકાતી ન હતી. ‘ઝંખના’ ડૉ. નિશાનના સંદેશાઓના જવાબો પણ આપતી ન હતી. ડૉ. નિશાન દિવસે તો કામમાં રચ્યો પચ્યો રહેતો પરંતુ રાત્રે તેને ‘ઝંખના’ ની ફિકર થતી એટલે તે બેચેન રહેવા લાગ્યો.

એક દિવસે ડૉ. નિશાનની પત્નીએ તેની બેચેની વિષે પૂછયું તો ડોક્ટર નિશાને જણાવ્યું કે “ થોડા મહિનાઓથી આંતરડાના કેન્સરથી પીડાતા એક યુવકની કિમોથેરાપીની ટ્રીટમેન્ટ તેની હોસ્પીટલમાં ચાલતી હતી. તે યુવાન દર્દીનું થોડા દિવસ પહેલાં મૃત્યુ થયું હતું. તે એક હેરીડીટી કેન્સરનો (Genetic Fault) નો ટીપીકલ કેસ હતો. તે યુવાનને તેના પિતાના વારસામાં આ રોગ મળ્યો હતો. તેના પિતા અને તેનો મોટો ભાઈ પણ આવી જ રીતે થોડા વર્ષો અગાઉ આ રોગમાં મૃત્યુ પામ્યા હતા. તે યુવકની સેવા માટે તેની બહેન વિદીષા તેની પાસે હોસ્પીટલમાં રહેતી હતી.એક હેરીડીટી કેન્સરનો (Genetic Fault) નો ટીપીકલ કેસ હોવાથી મેં તેના કુટુંબની હિસ્ટ્રી મેળવી વિદીષાને આ રોગ વારસામાં મળેલ છે કે કેમ તેની ચકાસણી કરવા વિદીષાને સિવિલ હોસ્પીટલમાં રીફર કરી હતી. સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓએ વિદીષાના કેટલાક ટેસ્ટ કરાવ્યા જેના રીઝલ્ટ આજે મળ્યા હોવાનો અને તેને પણ ફર્સ્ટ સ્ટેજનું આંતરડાનું કેન્સરની સંભાવના હોવાનું ડીટેકટ થયું છે તેવો સંદેશો મને મળ્યો છે તેથી વિદીશાની બિમારીથી હું થોડો બેચેન રહું છું.

તે ઉપરાંત નિશાને ‘ઝંખના’ની આખી વાત જણાવી અને કહ્યું કે “’ઝંખના’ હૃદયમાં તોફાનો સંઘરીને જીવતી કોઈ યુવાન તરુણી લાગે છે. તેના કિમોથેરાપી અંગેના સંદેશાનાં અનુસંધાને વિચારતાં જો તે પોતે કેન્સરની દર્દી હોય તો એક કેન્સર સર્જન તરીકે મારી ‘ઝંખના’ને પણ મદદ કરવાની ફરજ છે. પરંતુ હું લાચાર છું. મારી પાસે તેની કોઈ વિગતો નથી. માટે પણ હું બેચેન છું.”

ડૉ. નિશાનની પત્ની રીમાએ, ડૉ. નિશાનને મદદરૂપ થવા માટે, તેના અને ‘ઝંખના’ વચ્ચે થયેલા ચેટીંગના ડેટા પોતાના મોબાઈલમાં ટ્રાન્સફર કર્યા અને જો કોઈ ક્લ્યુ મળે તે માટે તેનો અભ્યાસ કરવા લાગી. બીજા દિવસે રાત્રે ડૉ. નિશાન હોસ્પિટલથી ઘરે આવ્યો ત્યારે તેની પત્ની રીમાએ તેને કહ્યું કે ‘ઝંખના’નો કોન્ટેક્ટ નંબર મળી ગયો છે. તે સાંભળી ડૉ. નિશાન એકદમ ઉછળી પડ્યો. ડૉ. નિશાને રીમાને કહ્યું,” કોન્ટેક્ટ નંબર ક્યાંથી મેળવ્યો ?” તે બોલી “ તમારી વચ્ચે થયેલી ચેટમાં તેણે નંબર મુકેલો હતો પરંતુ કદાચ તમારું તે તરફ ધ્યાન ગયું નથી. “ ડૉ. નિશાને તરતજ ‘ઝંખના’ને ફોન લગાડ્યો પરંતુ ફોન “ નો રીપ્લાય થયો“. ડોક્ટર નિશાને બે ત્રણ વાર પ્રયત્ન કર્યો પરંતુ તેણે કોઈ જવાબ ન આપ્યો. ડોક્ટર નિશાને ‘ઝંખના’ને એસ.એમ.એસ. કરી જણાવ્યું કે “ ‘ઝંખના’ હું તારો ફેસબુક મિત્ર અને કેન્સર સર્જન ડૉ. નિશાન ઠાકર છું. પ્લીઝ તાત્કાલિક મારો કોન્ટેક્ટ કર.” છેક બીજા દિવસે બપોરે તેનો ફોન આવ્યો. તેણે કહ્યું “ ડૉ. નિશાન ‘ઝંખના’ બોલું છું.” ડૉ. નિશાનને તેનો અવાજ પરિચિત લાગ્યો. ડૉ. નિશાન થોડો વિહ્વળ થઇ ગયો. ડોક્ટર નિશાને તેની ઉપર પશ્નોની ઝડી વરસાવી દીધી તેણે ડૉ. નિશાનને કહ્યું તમને તમારા બધા પ્રશ્નોના જવાબો અંગે એક મેસેજ વોટસઅપ પર મોકલું છું. ‘ઝંખના’ એ વાત પૂરી કરી ફોન બંધ કર્યો. થોડીવારમાં તેનો ટેકસ્ટ મેસેજ મળ્યો. જેની વિગતો વાંચી ડૉ. નિશાન સ્તબ્ધ થઇ ગયો. ‘ઝંખના’ એ બીજું કોઈ નહિ પરંતુ વિદીષા પોતે હતી.
ડૉ. નિશાન ‘ઝંખના’ને તેના રિપોર્ટ બાબતે હાલ કંઈ પણ કહેવા અસમર્થ હતો. આ એક “રેરેસ્ટ ઓફ રેર” કેસ હતો. પિતાના DNA પોતાના બાળકોમાં આટલી હદે વારસામાં આવે તેવું અકલ્પનિય હતું. ડૉ. નિશાન કોઈ પણ ભોગે ‘ઝંખના’નું જીવન બચાવવા ઈચ્છતો હતો. ડૉ. નિશાને ‘ઝંખના’ના જેવો દુનિયામાં કોઈ અન્ય કેસ હોય તો તેની વિગતો મેળવવા બાબતે ઈન્ટરનેટ પર ખુબ શોધખોળ કરી પરંતુ તેને આવા કોઈ કેસનો સ્ટડી થયેલ હોવાનું જાણવા ન મળ્યું પરંતુ આવા કેન્સરના ટીપીકલ કેસો અંગે અમેરિકાના ડૉ. સેમ્યુઅલ રીસર્ચ કરી રહ્યા છે તેની વિગતો મળી. ડૉ. નિશાને ડૉ. સેમ્યુઅલને ‘ઝંખના’ની ફેમીલી હિસ્ટ્રી અને લેટેસ્ટ લેબ રીપોર્ટ મેઈલ કર્યા અને તેમનો અભિપ્રાય માગ્યો. બે દિવસ પછી તેમનો ડૉ. નિશાનને મેઈલથી જવાબ મળ્યો કે તે એક અઠવાડીયા પછી એક કોન્ફરન્સમાં ભાગ લેવા મુંબઈ આવવાના છે તો અમદાવાદ આવી પેશન્ટને તપાસી ફાઈનલ આભિપ્રાય આપશે. હાલ રોગ આગળ ન વધે તે માટે કેટલીક દવાઓ પ્રિસ્ક્રાઈબ કરી છે તે દવાઓ દર્દીને આપવાની ભલામણ કરી. ડૉ. નિશાનને તેમના જવાબથી થોડીક રાહત થઇ.

ડૉ. નિશાન સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં ‘ઝંખના’ના કેસ બાબતે ચર્ચા કરવા રૂબરૂ ગયો. ડૉ. નિશાનને જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલના સત્તાવાળાઓને ડૉ..સેમ્યુઅલના મુંબઈ પ્રવાસની જાણ હોવાથી તેમણે વિદીષાના કેસમાં મદદરૂપ થવા ગુજરાત સરકાર મારફતે ડૉ.સેમ્યુઅલને અમદાવાદ આવવાનું આમંત્રણ પણ પાઠવી દીધું હતું જેનો ડૉ..સેમ્યુઅલ દ્વારા સ્વીકાર કરાયાનો મેઈલ પણ આજે મળ્યો હતો.

ડૉ. નિશાનના માથેથી ખુબ મોટો બોજ હટી ગયો. તેણે હવે ‘ઝંખના’ને સાચી વિગતોથી માહિતગાર કરી. ‘ઝંખના’એ પોતાના જીવનમાં આવા ઘણા આંચકા ખાધા હતા માટે આ આઘાત પણ તે જીરવી ગઈ. પરંતુ તે જાણતી હતી કે હવે તેનું કુટુંબ વધુ આર્થિક બોજો સહન કરી શકે તેમ ન હતો.

અઠવાડીયા પછી ડૉ. સેમ્યુઅલ મુંબઈની કોન્ફરન્સ પતાવી અમદાવાદ સિવિલ હોસ્પિટલના મહેમાન થયા. તેમણે વિદીશાની ખુબ ચોકસાઈ પૂર્વક ચકાસણી કરી અને રિપોર્ટસનો તલસ્પર્શી અભ્યાસ કરી જણાવ્યું વિદીષાને તેના પિતાનો કેન્સરનો વારસો મળ્યો નથી. રીપોર્ટસમાં તેને (Bowel Cancer) આંતરડાના કેન્સરની જે શંકા દર્શાવી છે તેવું કંઈ નથી આમ છતાં હું તકેદારી રૂપે કેટલીક દવાઓ લખી આપું છું તેનો પાંચ વર્ષનો કોર્સ પૂરો કરવો પડશે. અને વધુમાં દર બે વર્ષે વિદીશાની ‘મેમોગ્રાફી’ કરી તેની બ્રેસ્ટમાં કોઈ ડેવલપમેન્ટ થતું નથી તે પણ વોચ કરતા રહેવું પડશે.

ડૉ. સેમ્યુઅલે યુવાન ડૉ. નિશાનના ખભે હાથ મૂકી કહ્યું. “ Well-done, young man. Your endeavours have saved the life of a young lady. The world needs such more doctors like you.”

વિદીષાની માતાજીએ ડૉ. નિશાનનો આંસુ ભરેલી આંખે આભાર માન્યો જયારે વિદીષા આભારવશ ડૉ. નિશાનના ચરણ સ્પર્શ કરવા નીચી નમવા ગઈ ત્યારે ડૉ. નિશાને વિદીશાને “ તું તો મારી સાહિત્યિક ગુરુ છે “ એમ કહી, તેનાથી ઉંમરમાં મોટા હોવાના નાતે તેના માથે હાથ મૂકી લાંબુ જીવવાના આશીર્વાદ આપી હવે પછી દર્દીલી ગઝલોના બદલે જિંદાદિલ ગઝલોની રચના કરવા સુચન કર્યું જે વિદીષાએ હસીને સ્વીકારી લીધું.

પોતાના ભાઈની ટ્રીટમેન્ટ કરનાર ડોક્ટર અને દર્દીની બહેન બંને સોશિયલ મીડિયાના અંગત મિત્રો હોવા છતાં અને અવાર નવારની મુલાકાતો બાદ પણ એક બીજાને ઓળખી ન શકયા અને અજનબી રહ્યા તેને વિધિની વક્રતા સીવાય બીજું શું કહેવું તે પ્રશ્ન બંનેના મનમાં પડઘાતો રહ્યો. અનાયાસે ચેટીંગમાં ઉલ્લેખ થયેલા કિમોથેરાપી શબ્દએ એક ડોકટરના માનસમાં પેદા કરેલી ઉત્કંઠાના કારણે ઉભરતી સાહિત્યકારની જિંદગી બચાવવાનો આનંદ ડૉ. નિશાનના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકતો હતો.

આબિદ ખણુંસીયા (‘આદાબ’ નવલપુરી)
તા. ૨૪-૧૧-૨૦૧૮.