Featured Books
શ્રેણી
શેયર કરો

ચાર્ટડ ની ઓડિટ નોટસ - 15 લુક ડાઉનનો સમય (નીચું જોવા નો સમય)

# ચાર્ટડની ઓડિટ નોટ્સ -70 #
# Ca.Paresh K.Bhatt #
________________________
" લુક " ડાઉનનો સમય (નીચું જોવા નો સમય)
________________________

માણસ પ્રાથમિક અવસ્થામાં હતો ત્યારે પ્રકૃતિના સાનિધ્યમાં રહેતો હતો. ધીમે ધીમે શહેરો વિકસતા ગયા અને એ તરફ માણસ પ્રયાણ કરતો થયો. પ્રકૃતિનું સાનિધ્ય છૂટતું ગયું અને શહેર નું વળગણ વધતું ગયું. ધીમે ધીમે માનવ સમૂહ જુદા જુદા દેશોમાં ઓળખાવા લાગ્યો. હવે આ દેશના સત્તાધીશો પૃથ્વી પર પોતાનું આધિપત્ય જમાવવા લાગ્યા.વસુંધરાને પોતાની ગુલામ સમજવા લાગ્યા. તેના ઉપભોગથી વિકાસની સીડીયો ચડવા લાગ્યો.કોઈ એ શસ્ત્ર ઉત્પાદિત કરી શ્રીમંતાઇના જોરે મહાસત્તા થવાની હોડ પકડી તો કોઈએ અર્થતંત્ર વિકસાવી ને શ્રીમંતાઇ મેળવી ને મહાસત્તા બનવાની હરીફાઈ કરી. પરિણામે જેમ બે પાડા ઝગડે તેમાં ખો ઝાડની નીકળે એમ સમગ્ર વિશ્વના માનવની ખો આજે નીકળી ગઇ છે. વેદો એ કરેલી अहम ब्रह्मास्मि ની જ્ઞાનની ટોચ સમી ઘોષણા ને માનવે અહંકારની ટોચે બેસીને સ્વીકારી કે " હું જ બ્રહ્મ " છું. હું જ સર્વસ્વ છું. આ પૃથ્વી પર મને એકલાને જ રહેવાનો હક્ક છે. આ વસુંધરાને હું એકલો જ ભોગવીશ તેની અફાટ સંપત્તિ નો અમાપ દુરુપયોગ કરવાનો હક્ક મને એકલાં ને જ છે. અન્ય જીવ-જંતુ , પશુ-પક્ષી, વૃક્ષ-વનસ્પતિ, ખનીજ , પાણી આ બધુજ અમને માનવ ને જ ઉપયોગ કરવાનો હક્ક છે. આ જીવ જંતુ , પશુ પક્ષી ને ક્રૂર રીતે મારી ને અમારા ભોજનને માટે સમગ્ર પશુ અને પક્ષી જાતિનું નિકંદન કાઢવા અમે તત્પર થયા છીએ. વિશ્વના સમૃદ્ધ દેશો અને જે દેશો સમૃદ્ધ થવા થનગની રહ્યા છે એ બધા સમૃદ્ધિની ટોચ પર પહોંચ્યા છે , અર્ધા હજુ આ યાત્રામાં અધવચ્ચે છે , આ બધા ને હવે ટોચ પરથી નીચે જોવાનો સમય છે. Look Down લુક ડાઉન એટલે કે નીચે જોવાનો સમય છે.

વેદાંતમાં એક વાર્તા છે. એક વખત અગ્નિ, વરુણ ને વાયુ દેવ ને અભિમાન આવી ગયું કે અમે જ સર્વ શક્તિમાન છીએ. ભગવાનને આ ખબર પડી એટલે એમણે એક તણખલાનું રૂપ લીધું. વાયુદેવ ને થયું કે એક ફૂંકે તેનું અસ્તિત્વ ઉડી જશે. પણ થાકી ગયા તો પણ તણખલું હલ્યું પણ નહીં. પછી અગ્નિ દેવે પણ ઘણા ફાયર સ્પ્રે કર્યા પણ કઈ થયું નહિં. વરુણ દેવે પાણીના પ્રવાહ માં તેને તળિયે પહોંચાડવા નો પ્રયત્ન કર્યો પણ બધું જ વ્યર્થ. આ ત્રણેય દેવો ને તેમની મર્યાદાનો ખ્યાલ આવી ગયો. આજે એ તણખલું કોરોના ના વાઇરસ- જંતુ રૂપે આવ્યું છે . વિશ્વની બધી જ મહાસત્તા ઓ કે જેમણે અણુ બૉમ્બ ના બળે સમગ્ર પૃથ્વી ને તાબામાં કરવા થનગનતા હતા એ બધાને બેસાડી દીધા. ઈશ્વર કહેતો હશે કે મેં તને સર્વ શક્તિમાન એટલે બનાવ્યો કે આ પૃથ્વી પરના અન્ય જીવો ને, આ પૃથ્વી ઉપરની અને અંદરની દરેક સંપત્તિનું તું રક્ષણ કરે તેના બદલે તે તો તેનું ભક્ષણ શરૂ કરી દીધું. હવે તો શરમ કર, હવે તો નીચું જો. માનવ આજે કુદરતની કોર્ટમાં નત મસ્તકે કઠેડામાં ઉભો છે. તેના અણુ બૉમ્બ, તેની સંપત્તિ, તેની મિસાઈલ, તેનું વિજ્ઞાન, તેની ટેકનોલોજી, આ બધું જ વામણું ને પામર પુરવાર થયું. પૈસાના જોરે ફાઈવ સ્ટાર લાઈફને એન્જોય કરવી, દારૂ , જુગાર, કેસીનો, રંગીન જવાની, સી ફૂડ ને ચિકન બિરયાની આ બધી જ વાતો તેના સ્ટેટ્સ સિમ્બોલ હતી. આ જ લાઈફ હતી તેના બદલે હવે એ વિચારવા લાગ્યો કે આ કતલખાના ના મૂંગા જીવો ની ચીખ પણ આપણા જીવનને બરબાદ કરી શકે છે. જે જીવ-જંતુ , પશુ પક્ષીના સૂપ , અથાણા કે સૌંદર્ય વર્ધક કોસ્મેટિક બનાવવામાં આપણે તેના જીવતા રહેવાના અધિકારને નષ્ટ કરી નાખ્યો છે. આ બધાની સજા રૂપે ઈશ્વરે એક નાનું જંતુ બનાવી ને કહ્યું કે હજુ આ બ્રહ્માંડ નો શહેનશાહ બેઠો છે , તેના એક તુચ્છ જંતુ ને પણ તમારી મિસાઈલ, ટેકનોલોજી, વિજ્ઞાન કઈ નહિ કરી શકે. હવે તો વિચાર ! નહીંતર જેમ તમે તમારા બાળકો તોફાન કરે ને ઘરમાં પુરી દયો છો એમ હું પણ તમને તમારા ઘરે વગર તાળું મારે પુરી શકવા સક્ષમ છું. આજે આપણે સૌ આ બ્રહ્માંડના શહેનશાહ ની સામે લુક ડાઉન એટલે કે નીચું જોઈને ભુલ કરેલા બાળકની જેમ અથવા તો કોઈ ગુન્હો કરેલા ગુનેગારની જેમ નીચું જોઈએ ને ઉભા છીએ.

હવે માનવે નીચું જોતા જોતા એ વિચારવાનું છે કે આપણે એવું કામ કરીએ કે ભગવાનની સામે ફરી આપણે સૌ ઊંચું મસ્તક રાખીને જીવી શકીએ અને લોક ડાઉન ને લુક ડાઉન બંને માંથી આપણને મુક્તિ મળે એવી આ ઈશ્વરને જ પ્રાર્થના કરીએ એ સિવાય બીજો ઉપાય પણ શું છે ?

अस्तु |

Dt.20.07.2020.