-: ચાર્ટડ ની ઓડીટ નોટ્સ :-
શું ચારીત્ર્યવાન ફક્ત સ્ત્રીઓ જ હોય !
કાલે સવારે એક સજ્જન મિત્ર તેમનું રીટર્ન ભરવા માટે આવ્યા . એમને કોઈ સરકારી કામ હતું એટલે મારા ઓફિસ ના લેન્ડલાઇન ફોન માંથી એમણે ફોન કરવા પૂછ્યું. વાયર ટુંકો હોવાથી એમને સ્પીકર ફોન કરી આપ્યો. મેં વેબસાઈટ પર એમને ફોન નમ્બર જોઈ આપ્યો. એમણે સરકારી કચેરી માં ફોન કર્યો . સામે એક બેને હલો કહ્યું .એ ભાઈ એ એમની સાથે વિવેક થી બેન નું સન્માન જળવાય એ રીતે ફક્ત એટલું જ પૂછ્યું કે ફલાણા વિભાગ નું કામ છે . જે વિભાગ નું કામ હતું એ બારા માં વાત કરી પરંતુ એ બેન એ વિભાગ ના કાર્યકર ન હતા .પરંતુ એ બેને જે રીતે તોછડાઈ થી વાત કરી એટલે મને એમ થયું કે વુમન એમ્પાવરમેન્ટ ની બધી ગરમી આ બેનના મગજ માં જ ચડી ગઈ છે . જે એમની રફ ભાષા , જે એમની તોછડાઈ થી જવાબ દેવા ની સ્ટાઈલ , એમનો અવાજ યુવાન જ લાગ્યો – એટલે મોટા સાથે કેમ વાત થાય એ વિવેક ની પણ અણસમજ !
ત્યારે થયું કે સ્ત્રી હોય કે પુરુષ ચારીત્ર્ય એટલે શું ? સ્ત્રી પુરષ સંબંધ પુરતું જ મર્યાદિત ?. શું વાણી નું ચારીત્ર્ય ન હોય ? શું વર્તન નું ચારીત્ર્ય ન હોય ? શું વિવેક નું ચારીત્ર્ય ન હોય ? શું સભ્યતા નું ચારીત્ર્ય ન હોય ? સ્ત્રી થઇ એટલે શું દરેક પુરુષ નાલાયક જ હોય એમ ? દરેક પુરુષ ચારીત્ર્યહીન જ હોય ? દરેક પુરુષ એક પતિ હોય છે , એક પિતા હોય છે , એક પુત્ર પણ હોય છે આ દરેક સંબંધ માં સામે પક્ષે સ્ત્રી જ હોય છે . ઘણી વખત કોઈ સભ્ય પુરુષ બસ માં બેઠો હોય તો સ્ત્રી કરતા એ વધારે સંકોચાઈ ને બેઠો હોય છે . એને ખબર છે કે જો બ્રેક વાગતા ભૂલમાં પણ સ્ત્રીને અડી જવાશે તો , કાઠીયાવાડ માં કહેવત છે એ મુજબ “ લૂગડાં લે “ . સમાજ પણ એ પુરુષ નો જ વાંક હશે એમ માને અને આજુ બાજુ માંથી બિલાડી ના ટોપ ની જેમ ભાઈઓ ફૂટી નીકળે . એ સજ્જન પુરુષ ને વગર વાકે ધોઈ નાખે. ખરેખર કોઈ હરામખોર , હાથે કરી ને અડપલા કરે તો ત્યાં કઈ નથી બોલી શકાતું કારણ કે ખબર જ છે અહી કઈ નહિ થઇ શકે એટલે ત્યાં મૌન ધારણ કરી ને સ્ટોપ આવતા ચુપચાપ નીચે ઉતરી જાય છે . જો રસ્તા વચ્ચે પણ સ્કુટી લઇ ને કોઈ યુવતી આવતી હોય ને ચપ્પલ ના લાઈનર ઘસાઈ ગયા હોય, ને બ્રેક ન લાગે , ને જો કોઈ સજ્જન પુરુષ ની ગાડી સાથે ભટકાઈ જાય તો પણ વાંક તો આ ભાઈ નો જ ગણાય , કારણ બની બેઠેલા ભાઈ ઓ તરત ૧૦૮ ની જેમ હાજર થઇ જાય ! ફરી કહું છું કે વાત અહી ખરેખર સજ્જન પુરુષ ની જ છે કોઈ દેખાતા સજ્જન ની નથી . કદાચ આવો વર્ગ ઓછો હશે પણ જે સજ્જન છે એમની જ આ વ્યથા છે . આ વર્ગ સજ્જનતા ને કારણે આ વ્યથા પણ નથી કહી શકતો . કારણ હમેશા એવું જ હોય આ બાબતે વાંક તો પુરુષો નો જ હોય ! ક્યારેક સ્ત્રી એ એ પણ વિચારવું જોઈએ કે તેના પિતા પણ એક સજ્જન પુરુષ જ છે . સજ્જન પુરુષ હમેશા માનતો જ હોય છે કે यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः.....આ માન સમ્માન અકબંધ રહે એ માટે સ્ત્રી ની વાણી નું ચારીત્ર્ય , તેના વર્તન નું ચારીત્ર્ય , તેના વિવેક નું ચારીત્ર્ય ,પણ શીલ ચારીત્ર્ય જેમ જ શણગારેલું રાખે .
“ લજ્જા એ સ્ત્રી નું ઘરેણું છે ને આજ કાલ ખોટા ઘરેણા પહેરવાની ફેશન છે “
अस्तु
CA.PARESH K.BHATT DT.૦૮/૦૬/૨૦૧૯.