ઉઠને ભઈલા, જોને સવાર થઇ ગઈ. આજે તો વહેલો ઉઠી જા. આજે તો રક્ષાબંધન છે. રોજ તો તું મોડો ઉઠે જ છે. આજે જલ્દી ઉઠી જા.( પાર્શ્વી ક્યારની બૂમો પાડતી હતી પણ તેનો ભાઈ રોહન જલ્દી ઉઠતો જ ન હતો.)
પાર્શ્વી: મમ્મી, ભાઈને સમજાવો ને ઉઠે જલ્દી, મોડું થઇ જશે. મારે રાખડી બાંધવી છે.
મમ્મી: બેટા, ઉઠી જા. તું શા માટે બેનને પરેશાન કરે છે.
(રોહનનો તો નિત્યક્રમ જ હતો કે પાર્શ્વી ને પરેશાન કરવાની પરંતુ મમ્મીના કહેવાથી એ ઉઠે છે અને નાહી ધોઈને જલ્દી તૈયાર થઇ જાય છે. પાર્શ્વી તો ક્યારની ય તૈયાર થઇ ગઈ હોય છે. તે રોહનને બેસાડીને રાખડી બાંધે છે. રોહન ખિસ્સામાંથી ૧૦૦ રૂપિયા કાઢે છે અને પાર્શ્વીના હાથમાં મૂકે છે.)
રોહન: આ લે, રક્ષાબંધનની ભેટ.(હસતા હસતા)
પાર્શ્વી: થૅન્ક યુ ભઈલા. હું પણ તારા માટે કંઈક લાવી છું.(એમ કહીને એક બોક્સ રોહનના હાથમાં આપે છે.)
આ જો ભઈલા. ખોલીને જોઈ લે કદાચ તને બહુ ગમશે.
રોહન: પણ, રક્ષાબંધનના દિવસે તો ભાઈ બહેનને ગિફ્ટ આપે ને! તે કેમ મારા માટે ગિફ્ટ લીધી?
પાર્શ્વી: તું ખોલીને તો જો એકવાર અને મને ઈચ્છા થઇ ગઈ તને ગિફ્ટ આપવાની તો મેં આપી એમાં શું થઇ ગયું? (પાર્શ્વીના આગ્રહ કરવાથી રોહન બોક્સ ખોલીને જોવે છે અને ગિફ્ટ જોતા જ તે ખુશ થઇ જાય છે.)
રોહન: મેં તો તને માત્ર ૧૦૦ રૂપિયા જ આપ્યા અને તું મારા માટે આટલી સુંદર ગિફ્ટ લાવી. એ પણ મારી પસંદ ની જ વસ્તુ જેની મને બહુ જ ઈચ્છા હતી.
(પાર્શ્વી રોહન માટે હાથમાં પહેરવાનું સોનાનું કડુ લાવી હતી જેનો રોહનને બહુ જ શોખ હતો અને પહેલી વખત એવું નહોતું કે તે કઈ લાવી હોય પણ ભાઈને ગમતી વસ્તુ એ હંમેશા તેના માટે લઇ જ આવતી. આમ, તો બંને ભાઈ બહેન વચ્ચે ૪ વર્ષનો ફરક હતો પણ એ બંને હંમેશા સારા ફ્રેન્ડ બનીને જ રહેતા. રોહન પાર્શ્વી કરતા નાનો હતો પરંતુ તે હંમેશા એક મોટા ભાઈની જેમ જ તેની સંભાળ રાખતો. હા, પણ તેને પાર્શ્વીને ચીડવવાની ખુબ જ મજા આવતી એટલે આખો દિવસ તેને ચીડવ્યા કરતો.)
પાર્શ્વી: તે મને પ્રેમથી સો રૂપિયા આપ્યા એ પણ ઘણા છે મારા માટે અને જયારે તું ઘણા રૂપિયા કમાતો થઇ જાય ને ત્યારે મને લઇ દેજે, તારે જે લઇ દેવું હોય તે. હો ને!
(એ જ સાંજે રોહન અચાનક પાર્શ્વીને કહે છે કે તું જલ્દી તૈયાર થઇ જા અને ઘરના બધા લોકોને પણ તૈયાર થવાનું કહે છે. દરવખતની જેમ ફરવા જવાનું હશે એમ વિચારીને બધા તૈયાર થઇ જાય છે.રોહન બધાને એક એવી જગ્યાએ લઇ જાય છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ સ્થળ પહોંચતા રોહન ગાડી પાર્ક કરે છે અને બધા ગાડીમાંથી નીચે ઉતરે છે. જે જગ્યા એ પ્રોગ્રામ હતો ત્યાં જતી વખતે...)
પાર્શ્વી: ભઈલા, આ તું ક્યાં લઇ આવ્યો છો? શેનો પ્રોગ્રામ છે એ તો કે.
રોહન: આપણે જઈએ જ છીએ ને અંદર. ખબર પડી જશે તને. થોડીક રાહ જોઈ લે. ભલે.
પાર્શ્વી: ભઈલા !!!! (અંદર પ્રવેશતા જ પાર્શ્વી ચકિત થઇ જાય છે કારણ કે તે ત્યાં જે દ્રશ્ય જોવે છે તેના પર તે વિશ્વાસ જ નથી કરી શકતી.ઘણા મોટા મોટા મહેમાનો પણ ત્યાં પધાર્યા હોય છે. તે દિવાલ પર તેનો ફોટો જોવે છે અને નીચે જે લખ્યું છે તે જોઈને સમજી જ જાય છે કે નક્કી આ બધું ભાઈએ એના માટે જ કર્યું છે. રોહન બધાને ત્યાં બેસાડી ને સીધો જ સ્ટેજ પર જાય છે. તે માઈક હાથમાં લઈને... )
રોહન: અહીં પધારેલા સર્વે મહેમાનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. જેમણે આ પ્રસંગમાં આવીને તેની રોનક જ વધારી નાખી. જોકે હું લેખક કે એક સારો વક્તા તો નથી કે વધુ કંઈ બોલી શકું પરંતુ આપણે સૌ જે કાર્ય માટે ભેગા મળ્યા છીએ તેને આગળ વધારીએ.હું મારી બેન અને મારા પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ જલ્દીથી સ્ટેજ પર આવે. (રોહનના પરિવારજનો અને મુખ્ય મહેમાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમ આગળ વધારે છે.) કહેવાય છે કે આપણા જીવનમાં માંનું સ્થાન સૌથી ઊંચું હોય છે પરંતુ માં પછી જો કોઈનું સ્થાન હોય તો એ બહેન હોય છે, વાત કરું મારી બહેનની જેણે હંમેશા મને મદદ કરી. ભલે પછી એ શાળાની પરીક્ષાઓ હોય કે જીવનની કોઈ મુશ્કેલી. હંમેશા મને શીખવાડ્યું કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એ મારી મોટી બહેન હોવા છતાં હંમેશા મને મોટા ભાઈની જેમ જ સમજ્યો. તેણે મને હંમેશા ખુશ રાખ્યો. આજે મને આ પવિત્ર દિવસે મોકો મળ્યો છે મારી વહાલી બહેનને ખુશ કરવાનો. તેનું સપનું હતું કે એક દિવસ તેની લખેલી બૂક પ્રકાશિત થાય અને બધા લોકો સુધી પહોંચે. તેના વિચારો એ દુનિયા સમક્ષ રજુ કરી શકે. તો બસ આવી ગયો એ દિવસ પાર્શ્વી... આજે તારી બુક પ્રકાશિત થવા જઈ રહી છે.
(પાર્શ્વીને લખવાનો શોખ હોવાથી તેણે એક ડાયરી માં તેની બધી વાર્તાઓ લખી હતી, રોહને તે બધી જ વાર્તાઓ ને છપાવી ને એક બુક બનાવી દીધી અને પાર્શ્વીને એક અનોખી ભેટ આપવાની ઈચ્છાના કારણે તેને કંઈ જાણ જ ન થવા દીધી આ વાતની. મુખ્ય મહેમાનોના હસ્તે બૂકનું વિમોચન કરવામાં આવ્યું.)
પાર્શ્વી: ( માઈક હાથમાં લઈને, સૌને નમસ્કાર કરીને ગળ-ગળા થઈને) મેં સપના માં પણ નહોતું વિચાર્યું કે મારો ભાઈ મને આટલી સુંદર, આટલી અણમોલ ભેટ આપવાનો હશે. મેં આટલું બધું લખ્યું હોવા છતાં આજે કદાચ શબ્દો ખૂટે છે મારી ખુશી વ્યક્ત કરવા માટે. હું આભારી છું મારા ભાઈની જેણે મને દુનિયા ની બેસ્ટ ગિફ્ટ આપી અને આભારી છું એ ભગવાનની જેણે મને દુનિયાનો બેસ્ટ ભાઈ આપ્યો. આભારી છું એ માં- બાપની જેણે અમને આટલા સારા સંસ્કાર આપ્યા. આજનો દિવસ મારા માટે મારી જિંદગીનો અણમોલ દિવસ છે અને આ ગિફ્ટ મારી જિંદગીનું સૌથી અણમોલ ગિફ્ટ. હું ક્યારેય નહીં ભૂલી શકું આ દિવસ ને. થૅન્ક યુ સો મચ મારા ભઈલા. (આટલું કહેતા પાર્શ્વીની આંખમાંથી આંશુ બહાર આવી જાય છે. હા, ચોક્કસ એ ખુશીના આંશુ જ હતા.)
(પોતાની લખેલી બુક જોઈને પાર્શ્વીના આનંદનો તો પાર જ નહોતો સાથે જ ખુશ હતો તેનો આખો પરિવાર. જેના પરિવારની દીકરીનું સપનું આજે પૂરું થયું હતું. અને હા, સૌથી વધારે ખુશ હતો રોહન જેણે, પોતાની બહેનનું સપનું પૂરું કર્યું હતું. તેણે તેની બહેનને એક 'અણમોલ ભેટ' આપી હતી.)
એક ભાઈ દ્વારા આપવામાં આવેલી ભેટની કિંમત ગમે તેટલી હોય પરંતુ તે હંમેશા અણમોલ જ હોય છે કારણકે એ ભેટ પાછળની ભાવના જ વધુ મહત્વની હોય છે તેની કિંમત (Price) નહીં. આશા છે કે આપ સૌને પણ આ 'અણમોલ ભેટ' ચોક્કસ ગમી જ હશે.
આભાર.