Honesty- A true Incident books and stories free download online pdf in Gujarati

ઇમાનદારી - એક સત્ય ઘટના

એક ગામડીયુ ગામ. ગામમાં પટેલોની જ વસ્તી. આશરે દોઢસો થી બસો ઘર માંડ હશે એ ગામમાં. તેમાં એક માત્ર ઘર હતું પૂજારી પરિવારનું. જંગલમાં આવેલા અતિ પ્રાચીન અને સ્વયંભૂ મહાદેવના મંદિરની તેઓ પૂજા કરતા.


એ પરિવારનો નાનો દીકરો સવારે મહાદેવની પૂજા કરે અને ત્યારબાદ રીક્ષા ચલાવે. તેની ઉંમર પચીસ વરસની હશે. તે ખુબ જ ઉદાર અને પ્રામાણિક હતો. કોઈને ગમે ત્યારે કામ હોય -પછી દિવસ હોય કે રાત, જરૂરી કામ આવી પડે એટલે બધા તેને જ બોલાવે. કોઈને અચનાક હોસ્પિટલ જવાનું થાય તો તે અડધી રાતે તે તૈયાર થઇ જાય. સામાજિક કાર્યોમાં તે હંમેશા અવ્વલ જ હોય.


એક દિવસ તેને સાંજે મુસાફરોને લઈને ગામથી ૫૦ કિમી દૂર શહેરમાં જવાનું થયું. મુસાફરોને ત્યાં મૂકીને પાછું વળી જવાનું હતું પરંતુ જે રસ્તા પરથી પસાર થઈને આવવાનું હતું તે રસ્તો વર્ણવી પણ ન શકાય એવો ભયંકર હતો. ડાકુ લૂંટારાનો ખુબ ત્રાસ હતો. સાંજ પછી કોઈ પણ તે રસ્તા પરથી આવવાની હિમ્મત પણ ન કરે .આ જુવાન તે રસ્તા વિશે અને ત્યાંના ડાકુઓની વાતોથી અજાણ નહોતો પરંતુ જેના પર મહાદેવના હજાર હાથ હોય તેને ડર કેવો! તે તો જરા પણ ડર્યા વિના તે રસ્તા પરથી જઈ રહ્યો હતો. ત્યાં જ અચાનક તેની નજર એક વ્યક્તિ પર પડી, એક એવી વ્યક્તિ જે દારૂના નશામાં હતો અને લથડાતા લથડાતા દોડી રહ્યો હતો. તેને જોઈને એવું લાગતું હતું કે તે કોઈકથી ડરીને ભાગ્યો હોય. તે રિક્ષાચાલક યુવાનના મનમાં તેને જોઈને એવો વિચાર પણ આવ્યો કે "આ ખરેખર કોઈ દારૂડિયો છે કે પછી કોઈ ડાકુ- લૂંટારો જ એવું નાટક કરતો હશે?"(તે સમયમાં ડાકુ - લૂંટારાઓ મુસાફરોને લૂંટવા માટે નવા નવા પ્રયોગો અજમાવતા રહેતા.) છતાં પણ યુવાને રીક્ષા ઊભી રાખીને તે વ્યક્તિને પૂછ્યું, "કેમ ભાઈ શું થયું? આમ હાંફળો ફાંફળો થઈને ક્યાં જઈ રહ્યો છે?" સામે તે વ્યક્તિએ પ્રત્યુત્તર વાળ્યો "ભાઈ, હું બાજુના ગામનો એક દરબાર(એક જાતિ)છું. મારી પાસે ૫૦૦૦૦ રૂપિયા છે, જે લઈને હું શહેરથી આવી રહ્યો હતો ને આ અધર્મીઓએ મને પકડી લીધો. મને જબરદસ્તી દારૂ પીવડાવીને મને મારી નાખીને મારા રૂપિયા પડાવી લેવાનો તેમનો ઈરાદો હતો. તેમણે મને દારૂ તો પીવડાવી દીધો પરંતુ, હું માંડ માંડ કરીને તેમનાથી પીછો છોડાવીને ભાગ્યો છું. જો તું મને મારા ગામ મૂકી દે તો તારો ખુબ આભાર." આ બધું પેલો ડરેલો માણસ અચકાતા અચકાતા બોલી ગયો. પેલા યુવાને કહ્યું " ભાઈ, જલ્દી બેસ તને તારા ગામ મૂકી દઉં નહીંતર પેલા અધર્મીઓ આવી જશે."


આમ, ભલા યુવાને તે દરબારને રિક્ષામાં બેસાડ્યો અને તેઓ જઈ રહ્યા હતા. પેલા દરબારનું ગામ આશરે પાંચેક કિમી જ દૂર હતું. ગામ નજીક પહોચવાની તૈયારી જ હતી કે દરબારે રૂપિયાનો થોકડો ભલા યુવાનને આપીને કહ્યું "આમાંથી તને જોઈએ તેટલા લઇ લે." યુવાન તો ચોંકી ગયો. તેણે તરત જ જવાબ આપ્યો."ના,ના ભાઈ, મને તારો એક પણ રૂપિયો નથી જોઈતો, તું સહી સલામત તારા ઘરે પહોંચી જા એ જ ઘણું છે મારે માટે." પરંતુ તે દરબારે ખુશ થઈને થોકડામાંથી ૫૦૦ રૂપિયા તેને આપીને કહ્યું "ભાઈ, મારો જીવ અને રૂપિયા તે જ બચાવ્યા છે નહીંતર હું પણ ન હોત અને આ રૂપિયા પણ ન હોત. હું પ્રેમથી આપું છું, લઇ લે." યુવાન છતાં પણ ના પાડતો રહ્યો એવામાં ગામ આવી ગયું ને તે દરબાર ૫૦૦ રૂપિયા તેના ખોળામાં મૂકીને ઉતરી ગયો અને તેણે ખુબ આભાર માન્યો.(આ ઘટના છે આજથી વીસ વરસ પહેલાની અને ત્યારે ૫૦૦ રૂપિયા પણ બહુ મોટી રકમ હતી.)


આમ, તે જુરૂરિયાતમંદ વ્યક્તિ સહી સલામત તેના ઘરે પહોંચી ગયો અને તે યુવાન પોતાના ગામ તરફ રવાના થયો. પેલા દરબારના મનમાં એક જ વાત ફરતી હતી કે "કેટલો ભલો માણસ હતો એ, જેને ખબર હતી કે મારી પાસે આટલી મોટી રકમ છે પણ તેને મારા એક પણ રૂપિયામાં આશા નહોતી. એ ઈચ્છત તો મારા પાસેથી રૂપિયા છીનવી પણ શકત પણ મેં આપ્યા છતાં પણ તે લેવા તૈયાર નહોતો. કેટલો ઉદાર હતો એ! ધન્ય છે એની ઈમાનદારી! ભગવાન ભલું કરે એનું જેણે મારો જીવ બચાવ્યો."


બીજી તરફ, તે યુવાન મનમાં ખુશ થઇ રહ્યો હતો. ખુશી એટલે નહોતી કે તેને ૫૦૦ રૂપિયા મળ્યા પરંતુ, તે એટલે ખુશ હતો કે આજે તેણે કોઈક નો જીવ બચાવ્યો હતો. તે વિચારતો હતો કે "આ ડાકુ -લૂંટારા શા માટે કોઈને રંજાડતા હશે, ઉપરવાળો તો બધું જોઈ જ રહ્યો છે ને!" ભગવાન બધાને સદબુદ્ધિ આપે.


( તો મિત્રો, આ હતો તે ઈમાનદાર છોકરો, જેને તેની ઇમાનદારીનું ફળ મળ્યું હતું. આ કોઈ વાર્તા નથી પરંતુ આજથી વીસ વરસ પહેલા બનેલી એક સત્ય ઘટના છે. અત્યારે એક તરફ ખુશી છે કે હવે રસ્તાઓ પણ એવા વેરાન નથી રહ્યા કે ડાકુ લુંટારાઓનો ભય રહે પરંતુ એટલી ઈમાનદારી અને માણસાઈ પણ દિવસે દિવસે ઓછી થતી જાય છે તેનો પણ અફસોસ છે. આશા કરું છું કે તમને પણ આ ઘટના રસપ્રદ લાગી હશે અને કંઈક શીખવા પણ જરૂર મળ્યું હશે. આપ સહુનો ખુબ ખુબ આભાર.

બીજા રસપ્રદ વિકલ્પો