પ્રતિશોધ પ્રથમ અંક - 20 Jatin.R.patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પ્રતિશોધ પ્રથમ અંક - 20

પ્રતિશોધ પ્રથમ અંક

ભાગ:20

મે 2002, અબુના, કેરળ

આજની રાત અબુનાવાસીઓ માટે કયામતની રાત હોય એવું ભાસતું હતું. આકાશને કોઈએ તપાવીને લાલચોળ કર્યું હોય એમ એનો રંગ રાતો થઈ ચૂક્યો હતો. પવનની ગતિ પણ પસાર થતી દરેક મિનિટ સાથે વધી રહી હતી. અંધારાની ચાદર ઓઢીને શંકરનાથ પંડિત, સૂર્યા અને ફાધર પોલ જોનાથન તળાવની બીજી તરફ આવી પહોંચ્યાં હતાં.

ઘડિયાળનાં કાંટા ધીમી પણ મક્કમ ચાલે આગળ વધી રહ્યાં હતાં. આગળ શું બનવાનું હતું એ વિશે વિચારી એ ત્રણેયનાં હૃદયનાં ધબકારા વધી ચૂક્યાં હતાં. ભૂલથી જો નીચે પડેલાં વૃક્ષનાં સૂકાં પત્તાં પર પગ મુકાય જાય તો પણ તેઓ સાવધ થઈ જતાં.

તળાવ વટાવીને તેઓ હવે જંગલમાં પ્રવેશી ચૂક્યાં હતાં. સમગ્ર જંગલ અંધકારની ચાદર ઓઢીને નિંદ્રાધીન હોય એવું લાગી રહ્યું હતું. નિશાચર પક્ષીઓનો વચ્ચે-વચ્ચે આવતો અવાજ જંગલની ખામોશીને બે ઘડી માટે તોડી નાંખતો અને પુનઃ ખામોશી વ્યાપી જતી.

"પંડિત, ત્યાં જોવો..!" ઘીમાં સુરે ફાધર પોલે થોડે દુર આવેલી ગુફાઓ તરફ આંગળી કરતાં કહ્યું. "આ જ ગુફાઓમાં નરબલી આપવામાં આવે છે. અંદરથી થોડી-ઘણી રોશની પણ આવી રહી છે."

ફાધર પોલે બતાવેલી દિશા તરફ પંડિત આગળ વધ્યાં. સૂર્યા અને ફાધર પોલ પણ એમની સંગાથે હતાં. દબાતા પગલે આગળ વધીને એ લોકો ગુફાનાં મુખ સુધી આવી પહોંચ્યાં. ગુફાની અંદર થઈ રહેલાં મંત્રોચ્ચારનો અવાજ છેક બહાર સુધી આવી રહ્યો હતો.

આ મંત્રોચ્ચાર લેટિનમાં હતો, જેમાં શૈતાનને ખુશ કરવા માટે ભેટ આપવાની વાત થઈ રહી હતી. આ ભેટ બીજું કોઈ નહીં પણ રામૈયાની દીકરી નયનતારા હતી એ વાત પંડિત સારી રીતે જાણતાં હતાં.

"સૂર્યા, તું અંદર નહીં આવે." પંડિતે સૂર્યાને ઉદ્દેશીને કહ્યું.

"પણ કેમ?" અણગમાનાં ભાવ સાથે સૂર્યાએ પૂછ્યું.

"કેમકે, તારે સમય આવે ગામલોકોને લઈને અંદર આવવાનું છે." પંડિતે કહ્યું. "ગામલોકો હમણાં આવતાં જ હશે, એ આવે એટલે તું એમને અંદર લઈને આવીશ. હું તને ખૂબ અગત્યનું કામ સોંપી રહ્યો છું જે તું સારી રીતે કરીશ એવો મને વિશ્વાસ છે."

"હું આ કાર્યને યોગ્ય રીતે કરી બતાવીશ.." સૂર્યા મક્કમ સુરે બોલ્યો. "તમે તમારો ખ્યાલ રાખજો."

"ઈશ્વર મારી સાથે છે." સૂર્યાને કપાળે ચૂમતા પંડિતે કહ્યું. "મને કંઈ નહીં થાય."

"ચલો ફાધર, હવે સમય આવી ગયો છે એ મનુષ્ય રૂપી શૈતાનોનો સફાયો કરવાનો." ફાધર પોલની તરફ જોતાં પંડિતે કહ્યું. જેનાં પ્રતિભાવમાં ફાધર પોલે પોતાની ગરદન હલાવી અને પંડિતને અનુસરતાં ગુફામાં પ્રવેશ્યાં.

જેમ-જેમ એ લોકો ગુફામાં આગળ વધી રહ્યાં હતાં એમ-એમ અંદરથી આવતો સેટાનીક રિચ્યુઅલ માટેનાં મંત્રોચ્ચારનો સ્વર વધુ સ્પષ્ટ રીતે કાને પડી રહ્યો હતો.

ગુફાની અંદર બસો મીટર જેટલું આગળ વધતાં જ ગુફાનો ડેડ એન્ડ આવી જતો હતો. આ પહેલાં ગુફામાં એક ખુલ્લી જગ્યા હતી જ્યાં અત્યારે ઈલ્યુમીનાટી સંસ્થા સાથે જોડાયેલાં લોકો અત્યારે શૈતાનને ખુશ કરવા નયનતારાની બલી આપવાની પુરજોશમાં તૈયારી કરી રહ્યાં હતાં.

એ ખુલ્લાં ભાગની મધ્યમાં એક વર્તુળ બનેલું હતું જેની અંદર એક પેન્ટાગોન બનવાયો હતો. આ પેન્ટાગોનનાં પાંચ ખૂણે પાંચ મીણબત્તીઓ રાખવામાં આવી હતી. આ પેન્ટાગોનની મધ્યમાં નયનતારાને નગ્ન સુવડાવવામાં આવી હતી; જે અર્ધબેહોશીની હાલતમાં નિઃસહાય બનીને પોતાની મોતની રાહ જોઈ રહી હતી.

આ વર્તુળને ઘેરીને છ-છ ની ગણતરીમાં કુલ અઢાર લોકો ત્રણ વર્તુળ બનાવીને ઊભાં હતાં. છ-છ ની ત્રણ હરોળ સેટાન નંબર 666ને દર્શાવતી હતી. આ બધાં લોકોએ શરીર પર પગથી માથા સુધી ઢાંકતું પહેરણ પહેરેલું હતું; જેથી એમનું મુખ જોઈ શકાય એમ નહોતું. આ બધાં લોકો એક ખાસ લયમાં મંત્રોચ્ચારનું રટણ કરી રહ્યાં હતાં. ગુફાની દીવાલો પર સળગતી મશાલોને ભરાવવામાં આવી હતી. આ મશાલોનાં પ્રકાશમાં ગુફાની દીવાલો પર બનેલાં પેન્ટાગોન અને અન્ય શૈતાનીક આકૃતિઓ નજરે ચડી રહી હતી.

આ આકૃતિમાં એક ભવ્ય આકૃતિ નજરે ચડતી હતી જે બેફમેટની હતી.

બેફમેટ એ નર્કનાં રાજા લ્યુસિફરનું જ એક સ્વરૂપ છે. જેમ અઘોરી લોકો પોતાની યોગ વિદ્યા અને સાધના માટે માં દુર્ગાનાં એક સ્વરૂપ માં કાળીની પૂજા કરે છે એમ સેટાનીક વિધિ કરનારાં ખ્રિસ્તી લોકો લ્યુસિફરનાં એક સ્વરૂપ બેફમેટની પૂજા કરે છે.

બેફમેટનું માથું બકરાંનું છે અને શરીર સ્ત્રીનું. આ ઉપરાંત એનાં અન્ય અંગ-ઉપાંગ પણ વિવિધ પશુઓનાં બનેલાં છે. બેફમેટનો એક હાથ ઉપર અને બીજો હાથ નીચેની તરફ હોય છે. ઉપર તરફનો હાથ સ્વર્ગ તરફ અને નીચેનો હાથ પાતાળલોક એટલે કે નર્કલોકનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે બેફમેટની આકૃતિ દર્શાવે છે કે જો ઈશ્વર છે તો શૈતાન પણ છે.

બેફમેટનાં કપાળ પર એક પેન્ટાગોન બનેલો હોય છે. જે લોકો બેફમેટની પૂજા કરી એને ભેટ સ્વરૂપે એવી કુંવારી યુવતીઓની બલી ચડાવાય છે જેને માસિક ચક્ર શરૂ જ થયું હોય. બેફમેટની પૂજા કરીને એને ખુશ કરનારો વ્યક્તિ ખૂબ જ શક્તિશાળી અને પૈસાદાર બની શકે છે એવી માન્યતા રહેલી છે. ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં લોકો બેફમેટનાં અનુયાયી છે અને તેઓ પોતાનાં કલ્ટ દ્વારા કરવામાં આવતાં સેટાનીક રિચ્યુઅલમાં બેફમેટની પૂજા કરતાં હોય છે.

બાર વાગવામાં હવે માત્ર પાંચ મિનિટની વાર હતી. ગુફાની અંદર મોજુદ બધાં જ લોકો હવે કોઈ અદ્રશ્ય શક્તિની અસર હેઠળ પોતાનાં શરીરને આમથી તેમ હલાવી મોંઢેથી ચિત્ર-વિચિત્ર અવાજ નીકાળી રહ્યાં હતાં. આ બધાં લોકોની મધ્યમાં એક વ્યક્તિ હતો જેનાં હાથમાં એક મોટું મીટ કટર હતું; એ આ શૈતાની વિધિનો આગેવાન હોય એવું લાગી રહ્યું હતું.

અબુના ગામ પર હવે ઈશ્વરની વિપદા ત્રાટકવાની તૈયારી હોય એમ આખું આકાશ અગન જવાળામાં લપેટાઈ ગયું હતું. લોકો પોતાનાં ઘરમાં આવેલાં ભગવાનનાં સ્થાનક સમક્ષ બેસીને દયાની ભીખ માંગી રહ્યાં હતાં.

નયનતારાની નજીક પેન્ટાગોન જોડે ઊભેલો વ્યક્તિ બેફમેટની આકૃતિ જોડે જઈને નતમસ્તક થયો અને પાછો પેન્ટાગોન જોડે આવી ગયો.

"ઇન ધ નેમ ઓફ ધ કિંગ ઓફ હેલ..ધ ઓલ માઇટી લ્યુસિફર..ધ પાવરફુલ બેફમેટ..વી વીલ ગીવ અવર સાઉલ ટૂ યુ.." એ વ્યક્તિ નયનતારાની નજીક પહોંચી એનાં નગ્ન શરીર પર વાઈન રેડતાં બોલ્યો.

એનાં આ સેટાનિક ઉચ્ચારણોને ત્યાં ઊભેલાં બાકીનાં લોકોએ પણ રિપીટ કર્યાં.

"ધીસ ગર્લ ઇઝ સ્મોલ ગિફ્ટ ફોર યુ માય લોર્ડ..માય બેફમેટ..!"

ઊંચા અવાજે આટલું કહી એ વ્યક્તિએ પોતાનાં હાથમાં રહેલાં ધારદાર મીટકટરની તરફ એક નજર ફેંકી અને પછી નયનતારાની તરફ અપલક નજર ફેંકી.

"લ્યુસિફર..લ્યુસિફર..લ્યુસિફર..!" ગુફામાં મોજુદ અન્ય લોકોનો ધ્વનિ પણ વધતાં સમયની સાથે તીવ્ર બની રહ્યો હતો.

જેવાં બાર વાગવામાં બે મિનિટ વાર હતી ત્યાં એ ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં એ આગેવાને નયનતારાની ગરદન એનાં ઘડથી અલગ કરવની મંછા સાથે પોતાનાં હાથમાં રહેલું મીટ કટર ઉગામ્યુ.

એનું મીટ કટર નીચે આવે એ પહેલાં તો ગુફામાં એક જોરદાર પવનની લહેરખી આવી અને ગુફાની અંદર સળગી રહેલી તમામ મશાલો તથા પેન્ટાગોનની ફરતે સળગતી બધી જ મીણબત્તીઓ ઓલવાઈ ગઈ.

"કોઈ ફટાફટ મીણબત્તીઓ સળગાવો.!" મીટ કટર લઈને ઊભેલાં વ્યક્તિએ વ્યગ્ર ભાવે કહ્યું.

એનો આદેશ માની એક વ્યક્તિ હાથમાં માચીસ લઈને, દીવાસળી સળગાવી એનાં વડે મીણબત્તીઓ સળગાવવા લાગ્યો. હજુ એને બીજી મીણબત્તી માંડ સળગાવી હતી ત્યાં એનું ધ્યાન એ તરફ ગયું કે પેન્ટાગોનની અંદર અર્ધબેહોશીની હાલતમાં પડેલી નયનતારા પેન્ટાગોનની અંદર મોજુદ નહોતી.

"એ છોકરી અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ..!" એ વ્યક્તિનાં અવાજમાં દુનિયાભરનું આશ્ચર્ય હતું.

"આ આપણી લ્યુસિફરને આપવામાં આવતી ત્રીજી બલી હતી..આ બલી પછી લ્યુસિફર આપણાં દરેકને અપાર શક્તિઓ આપવાનાં હતાં.." મીટકટર લઈને ઉભેલો વ્યક્તિ ક્રુદ્ધ સ્વરે બોલ્યો. "કંઈપણ કરો એ છોકરીને શોધો."

એનો આદેશ માથે ચડાવીને ચાર લોકો ગુફાનાં પ્રવેશદ્વાર તરફ અગ્રેસર થયાં..હજુ એ લોકોને એ તરફ આગળ વધે દસ સેકંડ પણ નહોતી થઈ અને એમની કારમી ચીસો ગુફાની અંદર હાજર અન્ય લોકોનાં કાને પડી.

એ જ સમયે ઘડિયાળનો કાંટો બાર પર પહોંચી ગયો..બેફમેટને બલી આપવાનો સમય વીતી ગયો હતો એ આવતાં જ મીટકટર પકડીને ઉભેલો વ્યક્તિ જોરજોરથી ચિલ્લાવા લાગ્યો.

એકાએક સો જેટલાં ગામલોકો ગુફાની અંદર પ્રવેશ્યાં. આ લોકોમાં કેશવ અને અન્ય હિંદુ પરિવારો ઉપરાંત ધર્માંતરણ પામેલાં ઘણાં હિંદુ લોકો હતાં. આ લોકોની સાથે શંકરનાથ પંડિત, સૂર્યા અને ફાધર પોલ જોનાથન પણ હતાં.

અંદર પ્રવેશેલા ટોળાંએ વધુ સમય વ્યય કર્યાં વિનાં ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં અન્ય લોકો પર લાકડીઓ અને બીજાં શસ્ત્રો વડે હુમલો કરી મુક્યો. પોતાનાં સાથીદારોનો આવો અંજામ જોઈ એમનો આગેવાન ડઘાઈ ગયો.

"હેનરી વિલિયમ્સ.." પંડિત શંકરનાથે ભાવહીન સ્વરે કહ્યું."હવે તારો ખૂની ખેલ ખતમ થઈ ગયો."

ઈલ્યુમીનાટી સંપ્રદાયનાં લોકોનો એ આગેવાન બીજું કોઈ નહીં પણ અબુનાનો સરપંચ હેનરી વિલિયમ્સ હતો. પોતાની ઓળખ છતી થઈ ગઈ છે એ સમજી ચૂકેલાં હેનરીએ પોતાનાં ચહેરા પર આવતી ટોપીને દૂર કરી.

"આખરે તે મારી વર્ષોની સાધના પર પાણી ફેરવી નાંખ્યું..!" પંડિત શંકરનાથ તરફ ક્રોધિત નજરે જોતાં હેનરી બોલ્યો. "પણ હું કોઈકાળે મારી વર્ષોની મહેનત અને સાધનાને એળે નહીં જવા દઉં."

આટલું કહી હેનરી પેન્ટાગોનની મધ્યમાં આવીને ઉભો રહી ગયો..કોઈ સમજે એ પહેલાં તો એને લ્યુસિફરનું નામ લઈ પોતાનાં હાથમાં રહેલું મીટ કટર પોતાની ગરદન પર ફેરવી દીધું.

"બધાં લોકો ફટાફટ અહીંથી નીકળી જાઓ.." હેનરીની આવી હરકતથી સ્તબ્ધ બનેલાં પંડિતે ઊંચા અવાજે ગુફામાં મોજુદ ગામલોકોને આદેશ આપતાં કહ્યું.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)