એક મેકના સથવારે - ભાગ ૪ ડૉ.હેમાક્ષિ ભટ્ટ દર્શીનાક્ષી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

એક મેકના સથવારે - ભાગ ૪


આગળનાં ભાગમાં આપણે જોયું કે રોહનને પ્રિયાની ચિંતા થવાથી તે પ્રિયાને મળવા માટે તેના ઘરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે પ્રિયા હોસ્પિટલમાં છે અને પ્રિયાની હાલત જોઇને તે પોતે પણ હતપ્રભ બની જાય છે ત્યાંથી આગળ...


થોડી જ વારમાં કંદર્પ અને કૃતિ પણ રોહનનો પીછો કરતા કરતાં હોસ્પિટલમાં આવી પહોંચે છે અને પ્રિયાને આ હાલતમાં જોઈને તે બંને પણ અવાચક બની જાય છે. કંદર્પ તો એટલો બધો અપસેટ થઈ જાય છે કે તેને શું કરવું તેની કાઈ સમજ પડતી નથી. એટલામાં રોહનને કોઈનો ફોન આવતાં તે રૂમની બહાર નીકળી જાય છે અને હોસ્પિટલની બાજુમાં આવેલા ગાર્ડનમાં જઈને ફોનમાં વાત કરવા લાગે છે.કૃતિ તરત જ કંદર્પને રોહનની પાછળ જવા માટે ઈશારો કરે છે અને કંદર્પ ધીમેથી રોહનને દેખાય નહીં એ રીતે ગાર્ડનમાં તેની નજીકના વૃક્ષ પાછળ સંતાઈને રોહનની વાત સાંભળવા લાગે છે.રોહન ફોન પર કોઈને ધમકાવી રહ્યો હોય છે કે મે તમને લોકોને આટલી હદે પ્રિયાને ડરાવવાની ના પાડી હતી કેમ તમે પ્રિયાને આટલી હદે ડરાવી છે કે એ આટલી બધી બીમાર થઈ ને તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે.આ વાત સાંભળીને કંદર્પ ના પગ તળેથી જમીન ખસી જાય છે અને તેને સમજાય છે કે પ્રિયાની આવી હાલત માટે રોહન જ જવાબદાર છે.તે ગુસ્સાથી લાલચોળ થઈ જાય છે અને રોહનને તેના કર્મોની સજા આપવાનું નક્કી કરીને રોહન પાસે ગુસ્સામાં જાય છે ત્યાં જ પાછળથી કોઈ તેનો હાથ એકદમ જોરથી પકડી લે છે. કંદર્પ ને ખબર પડી કે એ બીજું કોઈ નહીં પણ કૃતિ છે અને એ વધુ ગુસ્સે થઈ જાય છે.કૃતિ તેને માંડ માંડ શાંત કરે છે અને સમજાવે છે કે પોતે પણ રોહનની કરતૂત જાણી ગઈ છે અને એ પણ રોહનને સજા અપાવીને જ રહેશે પણ રોહનના આ બધું કરવા પાછળ શું કારણ છે તે જાણવું જોઈએ એમ તે કંદર્પ ને સમજાવીને કંઈ જ બન્યું ન હોય એમ રોહન સાથે તદ્દન નોર્મલ બિહેવ કરવાનું કહે છે. તે બંને પાછા પ્રિયાને જ્યાં દાખલ કરવામાં આવી હતી તે રૂમમાં જાય છે અને તરત જ રોહન પણ ત્યાં આવી પહોંચે છે. થોડીવારમાં ત્યા "રોકર્સ " ગ્રુપના અન્ય મિત્રો પણ પ્રિયાને મળવા આવી જાય છે.


એવામાં ફરી એકવાર રોહનને કોઈનો ફોન આવતાં તે તરત ત્યાંથી નીકળી જાય છે.પોતાને પણ કઈક જરૂરી કામ હોવાથી જવું પડશે એમ કહીને કંદર્પ પણ જલ્દીથી રોહનની પાછળ જવા નીકળી પડે છે.આ બાજુ કૃતિ અને "રોકર્સ " ગ્રુપના અન્ય મિત્રો પ્રિયાને થોડી નોર્મલ વાત કરવા અને જાતજાતની ફેશનની અને અન્ય વાતો કરીને, હળવી રમુજ કરીને તેનું માઇન્ડ ફ્રેશ કરવાનો પ્રયત્ન કરે છે. પણ પ્રિયાના હાવભાવ સુધ્ધાં બદલાતા નથી.તે કોઈને ઓળખતી પણ ન હોય એમ બાઘાની માફક બધાને એકીટશે જોયા કરે છે અને થોડીવારમાં નાના બાળકની જેમ સુઈ જાય છે.તેનું આવું વર્તન બધાને અચંબિત કરી દે છે. આમ ને આમ દિવસો ઉપર દિવસો વીતતાં જાય છે. આ દરમ્યાન કંદર્પ અને કૃતિ હવે આગળ શું કરવું તે અંગે ચર્ચા કરવા તથા પ્રિયા અને અમોલનાં પરિવારની સ્થિતિથી એકબીજાને વાકેફ કરવા સતત એકબીજાના સંપર્કમાં રહે છે.બંને મનથી એ વાત વિચારે છે કે આખરે તેઓ ફરી એકવાર પહેલાં જેવા "બેસ્ટ ફ્રેન્ડ" બની ગયા.

રોહનને ખબર ન પડે તે રીતે કંદર્પ એકવાર રોહનના ફાર્મ હાઉસ પહોંચી જાય છે અને ત્યાંની તમામ તપાસ કરવા લાગે છે.એવામાં અચાનક તેનું ધ્યાન એક લોક મારેલા રૂમ તરફ જાય છે અને તેને યાદ આવે છે કે આ રોહનની ફેવરિટ જગ્યા છે ત્યાંની બાલ્કનીમાંથી ખુબ જ નયનરમ્ય દ્રશ્ય દેખાતું હતું. શાંત,નિર્મળ નદીનો પ્રવાહ અને આસપાસનું આહલાદક વાતાવરણ ફાર્મ હાઉસમાં આવનાર કોઈપણ વ્યક્તિ ને પળવારમાં ગમી જાય તેવું હતું.ત્યાં કેટલીયે વાર કંદર્પએ કલાકો સુધી કૃતિ સાથે વાતો કરી હતી અને આ ફાર્મ હાઉસમાં "રોકર્સ " ગ્રુપના તમામ મિત્રોની ઘણી બધી યાદગાર ક્ષણો હતી. બધાએ સાથે મળીને કરેલ મોજમસ્તી, એક્ઝામ સમયે કરેલ ગ્રુપ રીડિંગ,કોલેજમાં આવતી દરેક કોમ્પિતિશનની તમામ તૈયારીઓ અને આવું કેટકેટલું અહીં એકસાથે અહી એન્જોય કર્યું હતું. ક્ષણવાર માટે કંદર્પ આ બધી યાદોમાં ખોવાઈ ગયો અને અમોલ સાથેના મીઠા સંસ્મરણોને વાગોળવા લાગ્યો. પણ તરત જ પ્રિયાનો વિચાર આવતા પોતે અહી જે કામસર આવ્યો હતો એ યાદ કરીને ફરીથી શોધખોળ કરવા લાગ્યો.એવામાં તેને કોઈનો આવવાનો અવાજ સંભળાયો એટલે એકદમ જ એક ખૂણામાં સંતાઈને ઊભો રહ્યો અને તેણે રોહનને ફાર્મ હાઉસમાં આવતા જોયો.તે ખુબ જ ગભરાયેલો હતો અને તેના હાથમાં કોઈ બોક્સ હતું જેને સંતાડવા માટેની જગ્યા એ શોધી રહ્યો હતો અને જેવો તે પેલું બોક્સ એ લોક ખોલીને બાલ્કનીવાળા રૂમમાં સંતાડીને આવ્યો એવા જ પેલા ગુંડાઓ ત્યાં આવી પહોંચ્યા અને કઈ પણ બોલ્યા વિના સીધા રોહનને ઢોરમાર મારવા લાગ્યા.રોહન હજુ કઈ પણ બોલે એ પહેલાં જ તેમણે રોહનને મારી મારીને લોહીલુહાણ કરી દિધો અને રોહનને એમ જ અર્ધબેભાન અવસ્થામાં મૂકીને તે લોકો રોહનના ફાર્મ હાઉસમાં બધે જ પેલું બોક્સ શોધવા લાગ્યા.


શું હશે એ બોકસમાં જેના માટે એ ગુંડાઓ રોહનને આટલો ઢોરમાર મારી રહ્યા હતા?શા કારણે રોહન એ બોક્સને પોતાના જીવના જોખમે પણ ગુંડાઓથી બચાવવા માગતો હતો? આ બધું જોઈને રોહન અને પેલા બોક્સને ગુંડાઓથી બચાવવા કંદર્પ શું કરશે? શું કારણે રોહન પ્રિયાને અન્ય વ્યક્તિઓ દ્વારા આટલી હદે ડરાવી ધમકાવી રહ્યો હતો? બધું જાણવા માટે વાંચતા રહેશો આગળનો ભાગ.....
અને આપના કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં...