along with eachother part 2 books and stories free download online pdf in Gujarati

એકમેક ના સથવારે ભાગ ૨

આગળના ભાગમાં આપણે જોયું કે કંદર્પ અને કૃતિ બંને એક સમયના બેસ્ટ ફ્રેન્ડ્સ હોવા છતાં એકબીજા સાથે દુશ્મનો ની જેમ વર્તે છે અને બંને એકબીજાથી તદ્દન ભિન્ન મત ધરાવતા અને ભિન્ન પરિસ્થિતિમાં જીવન જીવતાં હોય છે પણ અચાનક આગલા દિવસે એક અકલ્પનીય ઘટના બની ગયા બાદ તેમનાં સ્વભાવ માં આમુલ પરિવર્તન આવી જાય છે.આ ઘટના વિશે તથા તે બંને ના આગળનાં સફર વિશે વધુ જાણવા માટે વાંચો "એકમેકનાં સથવારે" ભાગ ૨ .....

તેરી અદાઓ કે દીવાને કઈ ઔર ભી હૈ
છલકે શબ કે પૈમાને કઈ ઔર ભી હૈ
યું નઝરોં કે તિરોં સે ઘાયલ ના કરો સબકો
યહાં દીવાનો કે સંગ મે કુછ ચોર ભી હૈ...

કંદર્પ અને કૃતિ ના મિત્ર વર્તુળ "રોકર્સ" ગ્રુપમાં પ્રથમ નામ અમોલનું. અમોલ ખરેખર નામ મુજબનાં ગુણ ધરાવનારો. હસમુખો અને મિલનસાર સ્વભાવ, બીજાની મદદ કરવા માટે હંમેશા તૈયાર અને મિત્રો માટે મરી પડે એવો. પણ પેલી કહેવત મુજબ, "ઘર કી મુર્ગી દાલ બરાબર" તેના ઘરમાં કોઈ ને પણ અમોલ ના ગુણોની કોઈ જ કદર નહી.બસ અમોલની બહેન પ્રિયા જ ઘરમાં સર્વેસર્વા. પ્રિયા પાણી માંગે તો દુધ હાજર થાય.અમોલના ઘરમાં ત્રણ પેઢીથી એક પણ દીકરી ન હતી એટલે પ્રિયાને ઘરમાં આગવું મહત્વ મળતું. આખું ઘર બસ પ્રિયા ના એક ઈશારે તેનું કહ્યું કરવા તૈયાર થઇ જાય કારણ કે પ્રિયા ને પહેલેથી સેલિબ્રિટી તરીકે જ રાખવામાં આવી હતી.પ્રિયા આમ પણ ખુબ સ્માર્ટ, સ્વચ્છંદી અને મહત્વાકાંક્ષી છોકરી હતી. દેખાવે મધ્યમ પણ તેની ડ્રેસિંગ સેન્સ અને સ્માર્ટનેસના લીધે તે બધાં સાથે થોડી જ વારમાં ભળી જતી.

પ્રિયાના આવા આકર્ષક વ્યક્તિત્વ ને કારણે તે ગ્રુપમાં પણ બધાની ફેવરીટ હતી.ગ્રુપમાં કોઈ પણ વ્યક્તિ પોતાની સમસ્યા લઈને પ્રિયા પાસે આવે એટલે પ્રિયા પળવારમાં જ તેનું નિવારણ કરી આપતી.અને ગ્રુપમાં કોઈ પણ ને પાર્ટી આપવાની હોય કે કોલેજમાં કોઈ ઇવેન્ટ હોય તેનો બધો કારભાર પ્રિયા સંભાળતી અને તેને નીપુણતાથી પાર પાડતી.પ્રિયાની આ બધી ખૂબીઓથી કોલેજમાં તેની વાહ વાહ થતી.અમોલ આ બધાંથી ખુશ થતો અને પોતે પ્રિયાનો ભાઈ છે એ વાત નો ગર્વ કરતો.

એક અલ્લડ, હસતી રમતી પ્રિયા ક્યારેક ક્યારેક એકદમ ગુમસુમ બનીને બેસી રહેતી.તે પોતાની આ ઉદાસી ને ક્યારેય કોઈની સમક્ષ પ્રગટ થવા ન દેતી.અને પોતાની કોઈ પણ સમસ્યાનો સામનો એકલે હાથે કરી જાણતી. કારણકે તે ચુસ્તપણે એવું માનતી હતી કે જ્યારે જીવનને તમારા પોતાના સિદ્ધાંતો અનુસાર પોતાની રીતે જીવતા હોઈએ ત્યારે કોઈ પણ મુશ્કેલી આવે તેનો સામનો પણ પોતાની રીતે એકલા હાથે કરવો જ જોઈએ અને મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ જાતે જ શોધવો જોઈએ.તેની આવી સિધ્ધાંતવાદી અને મોડર્ન વિચારસણી ખરેખર બધાંને ખુબ જ ગમતી.

પ્રિયાની આવી સ્માર્ટ નેસ રોહનને પણ ખૂબ ગમતી.રોહન પણ પ્રિયાની જેમ પોતાની મસ્તીમાં મસ્ત રહેતો. પણ પ્રિયાના મોજ શોખ અને જલસા સ્વખર્ચે હતા જ્યારે રોહન અમીર બાપનો નબીરો હતો.તેની વૈભવી જીવનશૈલી, મોંઘીદાટ કારો, નવી નવી બાઇકો અને મોંઘી ગિફ્ટસ બધું બાપકમાઈ પર થતું. રોહનના જલસા આટલા સુધી જ સિમિત ન હતા.વૈભવી જીવનશૈલીનો શો ઓફ કરતા કરતા તે તમામ વ્યભિચાર કરતો હતો. સ્મોકિંગ, ડ્રિંકસ અને દર મહીને નવી ગર્લફ્રેન્ડને પ્રપોઝ અને એકવાર જલસા થઈ જાય એટલે બીજી નવી ગર્લફ્રેન્ડ.નાની નાની વાતમાં કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવો, કૉલેજમાં જુનિયર ને હેરાન કરવા આવી બધી બાબતો માં રોહન મોખરે રહેતો.

તાજેતરમાં યોજાનાર ઇન્ટર કોલેજ પ્રતિસ્પર્ધા માં પોતાની કોલેજને દરેક શ્રેણીમાં વિજયી બનાવવા બધાં તડામાર તૈયારીમાં વ્યસ્ત હતા.અને સૌની જેમ "રોકર્સ" ગ્રુપના સભ્યો પણ પોતાના રૉકિંગ પરફોર્મન્સ માટે તનતોડ મહેનત કરી રહયા હતાં. તેમાં વૉલીબૉલ અને બેડમિન્ટનમાં કંદર્પ, ઓન ધ સ્પોટ કાવ્યસર્જન અને ડાન્સ કોમ્પિતિશન માટે કૃતિ, એક્ટિંગ માટે પ્રિયા અને કોલેજના પ્રતિનિધી તરીકે અમોલ બધી જ સ્પર્ધામાં હોસ્ટ તરીકે ની જવાબદારી સંભાળવાનો હતો. જોતજોતામાં તૈયારીના દિવસો પુરા થયા અને એક પછી એક સ્પર્ધાઓ યોજાતી ગઈ અને દરેક શ્રેણીમાં "રોકર્સ" ગ્રુપના સભ્યો પોતાના શ્રેષ્ઠતમ્ પ્રદર્શનને કારણે વિજેતા બનતા ગયા.આજે છેલ્લી શ્રેણી ઓન ધ સ્પોટ કાવ્યસર્જન ની બાકી હતી.અને તેમાં પણ કૃતીએ પોતાના વાક્ચાતુર્ય ને લીધે શ્રેષ્ઠ રચનાઓ રજૂ કરી.અને છેલ્લે "આશિક કી તકદીર" પર આ મુજબની પંક્તિઓ રજુ કરી

"યુ હી કોઈ હુસ્ન કા ઘાયલ કતલે આમ નહીં હોતા
હર એક આશિક કી તકદીર મેં મહેબુબ કા પ્યાર નહીં હોતા
કોઈ પા લેતા હૈ જન્નત કી ગલિયાં પ્યાર મેં મગર
કિસી કે લિયે મહેબુબ કે હંસી ચેહરે પે પ્યાર કા પૈગામ નહીં હોતા... "

અને આ શ્રેણીમાં પણ તાળીઓના ગડગડાટ સાથે પ્રથમ નંબર મેળવ્યો. આથી આજે પુર્ણ થનાર ઇન્ટર કૉલેજ પ્રતિસ્પર્ધામા "રોકર્સ " ગ્રુપની કૉલેજ "વેદવતી એન્જીનીયરીંગ કોલેજ" આ સ્પર્ધામાં પ્રથમ નંબર પર આવી અને "રોકર્સ " ગ્રુપ ને ટ્રોફી આપવામાં આવી. બધાએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. આજે કોલેજમાં બધાની ખુશીનો પાર ન હતો અને "રોકર્સ "ગ્રુપની જીતને સેલિબ્રેટ કરવા માટે રોહને પોતાના ફાર્મ હાઉસમાં એક સ્પેશિયલ પાર્ટી ઓર્ગેનાઈઝ કરી હતી. બધાં બની ઠનીને રોહનની પાર્ટી માં આવી રહ્યા હતા. બસ સૌની નજર સેન્ટર ઓફ અટ્રેકશન કૃતિની રાહ જોતી હતી.અને તે પાર્ટીમાં આવી.કૃતિ ડાર્ક બ્લુ કલરના ડ્રેસમાં અત્યંત મનમોહક લાગતી હતી.પાર્ટીમાં આવેલ દરેક વ્યક્તિએ કૃતિને નખશિખ એકીટશે નિહાળી. એમાં છોકરાઓ તો હતાં પણ આ મદમસ્ત યૌવનની પુરબહાર કૃતિ ને છોકરીઓ પણ ઇર્ષાની મારી ટીકી ટીકી ને જોઈ રહી હતી!!!આજે કંદર્પ પણ ખુબ સ્માર્ટ અને હેન્ડસમ લાગતો હતો અને તેને માટે પણ તેની ગર્લફ્રેન્ડ બનવા આતુર છોકરીઓ ની નજરમાંથી બચવું મુશ્કેલ હતું.

આમ એકબીજા સાથે મોજથી પાર્ટી એન્જોય કરતા કરતા બધા ડાંસ ફ્લોર પર ઝૂમી રહ્યાં હતાં અને બધા પોતપોતાની મસ્તીમાં મસ્ત બનીને કપલ ડાંસ ની રાહ જોઈ રહ્યા હતા.તરત જ પાર્ટી માં કપલડાંસ માટે ના સોંગ શરૂ થયાં અને થોડીવારમાં બધા પોતપોતાના ડાંસ પાર્ટનર સાથે ગોઠવાઈ ગયા.જેમાં અમોલ અને કૃતિ, કંદર્પ અને પ્રિયા અને બીજી ઘણી જોડીઓ બની હતી. કમનસીબે રોહન સાથે ડાંસ કરવા ગૃપમાથી ન તો પ્રિયા આવી કે ન તો કૃતિ.તેને આ વાતનું બહુ જ દુઃખ થયું પણ તેણે કોઈને આ વાત ન કરી. ડાંસ કરતા કરતા પાર્ટનર એક્સચેન્જ કરવાના હતા અને તેમા કંદર્પ અને કૃતિ કપલમાં આવી ગયા.આજે તે બંને ઘણાં સમય બાદ એકબીજાની આટલી નજીક આવ્યાં હતા. ખરેખર તેઓ 'મેડ ફોર ઇચઅધર' હતા એમ દ્રઢપણે સૌ માનતા હતા પણ આ બંને જ પોતાના ઈગો સાઇડ પર મુકીને એક થવા માટે ટ્સ ના મસ થતાં ન હતાં.

રાતે એકાદ વાગે પાર્ટી પૂરી થઈ ગઈ અને બધા પોતપોતાના ઘરે જવા નીકળ્યા. હજું બધા પોતપોતાના ઘરે પહોંચ્યાને પાર્ટી ના વિચારો કરતા કરતા ઊંઘ્યા હશે કે તેટલા માં જ એક દુઃખદ ઘટના બની ગઈ.કંદર્પ એ કૃતિને ફોન કર્યો ત્યારે કૃતિ ભર ઊંઘમાંથી ઊઠીને સડસડાટ કરતી ગાડીમાં હોસ્પિટલ આવી પહોંચી. "કંદર્પ તે કેમ અત્યારે ચાર વાગ્યે મને હોસ્પિટલ દોડાવી?? કોની તબિયત સારી નથી? " એમ આવતાવેંત કૃતિ એકસાથે બોલી ગઈ.કંદર્પ તો રડતાં રડતાં માત્ર અમોલ..... એટલું બોલીને અટકી ગયો. એટલે કૃતિ ગભરાઈને કંદર્પ ને પુછવા લાગી કે શું થયું છે અમોલને?? હજુ પાર્ટીમાં આપણે સાથે ડાંસ કરતા હતા ત્યાં સુધી તો તે એકદમ સ્વસ્થ હતો.એટલે કંદર્પ તેને અમોલનાં મૃતદેહ પાસે લઈ ગયો અને અમોલ ને આમ જોઈને કૃતિ અવાચક થઈ ગઈ.તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને અમોલ ને બોલાવવા લાગી પણ અમોલ ક્યાંથી જવાબ આપવાનો હતો??

અમોલ ના ઘરે આ વાત ની જાણ થતાં જ તેના ઘર માથે આભ ફાટયું. અમોલના માતા પિતા અને પ્રિયા બધાં ગાંડા જેવા થઈ ગયા અને ખુબ આક્રંદ કરવા લાગ્યા.
સવારે અમોલ ની અંતિમ વિધી માટે અમોલ ના ઘરે બધા આવી પહોંચ્યા. બધાં હતપ્રભ થઈ ને પુછવા લાગ્યા કે આવું કેવી રીતે થયું??

અચાનક કંદર્પ કૃતિનો હાથ પકડીને બધાની નજર થી બચાવતા એને ઘરની બહાર એકબાજુ લઈ ગયો અને તેણે કૃતિને એ વાત ની જાણ કરી કે અમોલે જ તેને ફોન કરી ને રોહનના ફાર્મ હાઉસ પર બોલાવ્યો હતો અને જ્યારે કંદર્પ ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એકલા અમોલ સિવાય બીજું કોઈ પણ ન હતું.અમોલ લોહીલુહાણ થઈ ને પડ્યો હતો એટલે કંદર્પ એ એમ્બ્યુલ્સ બોલાવી. રસ્તામાં અમોલ કંદર્પ ને કંઈક કહેવાની કોશિશ કરી રહ્યો હતો પણ કંદર્પ તેને વધુ તકલીફ ન પડે એ માટે આરામ કરવા સમજાવતો હતો. પણ અમોલ "રોહન અને પ્રિયા" એટલું જ બોલી શક્યો અને હોસ્પિટલ પહોંચતા પહેલા જ મૃત્યુ પામ્યો.કંદર્પ ની આ વાત સાંભળીને કૃતિ એ કંદર્પ ને કહ્યું કે તે મને ફ્રેન્ડ માનીને આ વાત કરી છે તેથી હું આ અચાનક થયેલા અમોલ ના મૃત્યુ નું કારણ જાણવામાં અને રોહન અને પ્રિયા વિશે અમોલ શું કહેવા માગતો હતો એ વાત નું રહસ્ય જાણવામાં મારાથી શક્ય એટલી મદદ કરીશ.

આખરે ક્યાં કારણે અમોલ નું આમ અચાનક મૃત્યુ થયું હશે??!! મરણપથારીએ પડેલ અમોલ રોહન અને પ્રિયા વિશે કઈ અગત્યની વાત જણાવવા માગતો હશે???ક્યાં કારણે પ્રિયા ક્યારેક અચાનક ઉદાસ થઈ જતી હશે?
શું કંદર્પ અને કૃતિ આ બધા રહસ્યનો ભેદ ઉકેલી શકશે??? જાણવા માટે વાંચતા રહેજો આગળનો ભાગ....વાંચીને આપના કિંમતી પ્રતિભાવો જરૂરથી આપશો.....


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED