Kokila books and stories free download online pdf in Gujarati

કોકિલા

*" કોકિલા * *
મુંબઈથી દિલ્હી (હજરત નિઝામુદ્દીન) જતી ટ્રેનના સ્લીપર કોચ એસ-૪માં આઠ-દસ યુવાનોની એક ટોળી પ્રવાસ કરી રહી હતી. દિવાળીનું વેકેશન હતું એટલે ટ્રેન ભરચક હતી. દાહોદ સ્ટેશને આ ટ્રેનનું ફક્ત બે મીનીટનું જ સ્ટોપેજ હતું. આજુબાજુના જંગલોમાંથી બોર, જમરૂખ, સીતાફળ જેવી જંગલની પેદાશો લાવી વેચવા માટે આદિવાસી બાળકો અહી ઉભા રહે છે. ટ્રેન ઉભી રહેતાં નાના નાના કિશોરો અને કિશોરીઓ દોડીને જુદા જુદા કોચ પાસે ચીજ વસ્તુઓ લઇ પહોચી ગયા. કોચ એસ-૪ પાસે એક ચૌદ-પંદર વર્ષનો કિશોર સીતાફળની ટોપલી લઇ આવી પહોચ્યો. યુવાનોની ટોળીએ તેની સાથે રકઝક કરી પાંચ કિલો સીતાફળની ટોપલી ચારસો રૂપિયામાં નક્કી કરી વેચાતી લીધી અને તે કિશોર સાથે મજાક મસ્તી કરવા લાગ્યા. કોઈ તેના માથા પર ટપલી મારતું તો કોઈ અન્ય રીતે તેને પજવતું હતું. પેલા કિશોરને ખબર હતી કે ફક્ત બે મિનિટનો હોલ્ટ છે અને તે પણ પૂરો થવા આવ્યો છે એટલે તે પેલા યુવાનોને જલ્દી પૈસા ચૂકવી આપવા વિનવવા લાગ્યો. યુવાનો હજુ ટીખળ કરી રહ્યા હતા તેવામાં ટ્રેન ઉપડી. પેલો કિશોર યુવાનોને પૈસા ચૂકવી આપવા આજીજીપૂર્વક વિનવણીઓ કરવા લાગ્યો પરંતુ યુવાનો હજુ મજાક મસ્તી કરવાના મુડમાં હતા. પેલો કિશોર રડવા લાગ્યો અને ટ્રેનની બારીની ગ્રીલ પકડી પૈસા લેવા ટ્રેનની સાથે તાલ મિલાવી હળવે હળવે દોડવા લાગ્યો. એક યુવાને મજાકમાં પોતાના મોઢામાં પાણીનો કોગળો ભરી તેના ચહેરા પર પિચકારી મારી તેમ છતાં પેલા કિશોરે પૈસા આપવાની વિનવણી ચાલુ રાખી. ટ્રેનની ઝડપ વધી એટલે કોચમાં બેઠેલા એક મુસ્લિમ સદગૃહસ્થે પોતાના પાસેથી પાંચસો રૂપિયાની નોટ પેલા કિશોર તરફ ધરી જે તેણે ખચકાતા મને લઇ લીધી. હવે ટ્રેને પૂરી ઝડપ પકડી લીધી હતી.

મુસ્લિમ સદગૃહસ્થ દ્વારા પેલા કિશોરને પૈસા આપવાના કારણે પેલા યુવાનોને ક્ષોભ થયો, તેમની મજાક મસ્તી બંધ થઇ ગઈ અને ટ્રેનમાં એકદમ શાંતિ પથરાઈ ગઈ. એક યુવાને તેની પાસેથી પાંચસો રૂપિયાની નોટ કાઢી પેલા સદગૃહસ્થને ધરી જે લેવાનો તેમણે પ્રેમથી ઇન્કાર કરી જણાવ્યું તમે મારા દીકરા જેવા જ છો. એન્જોય કરો. પેલો યુવાન હજુ તેના હાથમાં રહેલી પાંચસો રૂપિયાની નોટ સદગૃહસ્થને આપવા મથામણ કરતો હતો જે લેવા સદગૃહસ્થ ઇન્કાર કરી રહ્યા હતા. યુવાનો પૈકી એક યુવાન નીચી નજરે બોલ્યો ,” ચાચા, આ આદિવાસીઓ ચોરી છુપીથી જંગલની પેદાશો લાવી વેપાર કરતા હોય છે જે એક ગુનો છે માટે અમે...... “ પરંતુ તે તેનું વાક્ય પૂરું ન કરી શકયો કેમકે તેની દલીલમાં કોઈ દમ ન હતો.

ચાચા બોલ્યા, “ બેટા, કોઈ પણ ધર્મ આપણને અણહકનું ખાવાની છૂટ નથી આપતો. આ ગરીબ છોકરાઓના મા બાપ આખો દિવસ જંગલોમાં રઝળપાટ કરી આવી ચીજ વસ્તુઓ લાવી પેટનો ખાડો પુરવા તેમના બાળકોને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ વેચવા મોકલી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ”

યુવાને લૂલો બચાવ કરવા દલીલ આગળ ધરી, “ ચાચા, આ આદિવાસીઓ બેઈમાન અને ચોર હોય છે. ઘણીવાર તે ટ્રેનમાં મુસાફરોના કિંમતી સમાનની ચોરી પણ કરતા હોય છે માટે તેમને આવી સજા પણ થવી જોઈએ.” ચાચા બોલ્યા, “ બેટા, સાવ એવું પણ નથી. તે લોકો ગરીબ જરૂર હોય છે પરંતુ ચોર કે બેઈમાન નથી હોતા. હું તમને આદિવાસીઓની પ્રમાણિકતાની એક વાત કહું તે સાંભળો.” ચાચાએ આગળ ચલાવ્યું ,” એક વખતે હું દિલ્હીથી મુંબઈ પરત ફરી રહ્યો હતો. મારી સાથે મારી પત્ની અને મારો પૌત્ર હતા. વલસાડ સ્ટેશને એક નાની આદિવાસી કિશોરી મેલાં અને ફાટેલાં કપડામાં પોતાની કાયાને સંતાડી વલસાડી હાફૂસ કેરીઓ વેચતી હતી. અમારા માટે મેં એક ડઝન કેરી ખરીદી જેની કિંમત બસો રૂપિયા થતી હતી. અમારી પાસે છુટા પૈસા ન હતા. છુટા પૈસાની મથામણમાં ટ્રેન ઉપડી અને આજની જેમ પેલી કિશોરી પણ પૈસા લેવા ટ્રેનની બારી પકડી દોડતી જોઈ મેં પાંચસો રૂપિયાની નોટ બારીમાંથી બહાર ફેકી જે તેણે લઇ લીધી અને તે નોટ હવામાં લહેરાવી મેને કોઈ સંદેશો આપવા માગતી હતી જે હું સાંભળી શકયો ન હતો.”

ચાચાએ તે પછી ઉમેર્યું, ”તે પ્રસંગના એક અઠવાડિયા પછી મને મારા ઘરના સરનામે એક પત્ર મળ્યો. પત્રમાં ગરબડીયા અક્ષરે આદિવાસી તળપદી ભાષામાં લખાણ હતું જેનો ભાવાર્થ એ થતો હતો કે, ચાચા, હું કોકિલા. તમે થોડા દિવસ પહેલાં મારી પાસેથી વલસાડ રેલ્વે સ્ટેશનેથી બસો રૂપિયાની કેરી ખરીદી હતી પરંતુ તમારી પાસે છુટા પૈસા ન હોવાથી તમોએ મને પાંચસો રૂપિયાની નોટ આપેલી જેના ત્રણસો રૂપિયા મારી પાસે જમા છે. જયારે તમારે આ બાજુ આવવાનું થાય ત્યારે સ્ટેશન પરથી મારી પાસેથી લઇ લેજો. હું રોજ સાંજે સ્ટેશન પર ચીજ વસ્તુઓ વેચવા આવું છું.”

ચાચા એક પળના વિરામ પછી બોલ્યા, “આદિવાસી ગરીબ કિશોરીને મારું સરનામું કેવી રીતે મળ્યું તેનું મને કુતુહલ થયું પરંતુ તેની પ્રમાણિકતા જોઈ હું દ્રવી ઉઠ્યો. હું બીજાજ દિવસે સાંજે વલસાડ સ્ટેશને આવી પહોચ્યો. મેં સ્ટેશન પર આમ તેમ નજર ફેરવી તો મને તે કિશોરી ટ્રેનના એક કોચ પાસે કેરીઓ વેચતી નજરે પડી. હું તેની પાસે પહોચ્યો. તે મને ઓળખી ગઈ. મને જોઈ ખુબ ખુશ થઇ અને તેના ફાટેલા ફ્રોકના ગજવામાં સાચવીને રાખેલા ત્રણસો રૂપિયા કાઢી મારી સામે ધર્યા. હું તે કિશોરીનાં માથે હાથ મુકી તેને રેલ્વે સ્ટેશનના વેઈટીંગ રૂમ તરફ દોરી ગયો અને તેના કુટુંબ વિષે જાણકારી મેળવી.”

ચાચાએ ઉમેર્યું,“ તેનું નામ કોકિલા હતું. તેને એક નાનો ભાઈ હતો. તેના મા બાપ મૂળ ધરમપુર બાજુના હતા પરંતુ મજુરી કરવા માટે વલસાડથી ત્રણ કિલોમીટર દુર આવીને વસ્યા હતા. કોકિલા નજીકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી હતી. પોતાના કુટુંબને મદદરૂપ થવા તે રોજ સાંજે શાળા છૂટ્યા પછી ત્રણ કિલોમીટર ચાલી સીઝન મુજબના ફળો લઇ વેચવા માટે વલસાડ રેલ્વે સ્ટેશન પર આવતી હતી. તે દિવસે છુટા પૈસા ન હોવાના કારણે મેં તેને બસો ના બદલે પાંચસો રૂપિયા આપ્યા તો તેણે મને દુરથી એ કહેવાનો પ્રયત્ન કર્યો હતો કે વધારાની રકમ તેની પાસે અનામત પેટે જમા રહેશે પરંતુ મને તેની વાત સંભળાઈ નથી તેવું તેને લાગ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી રેલ્વે સ્ટેશન પર સતત આવવાના કારણે તે રેલ્વેની કામગીરીથી વાકેફ હતી. તેણે સ્ટેશન માસ્તરની મુલાકાત લઇ મને ત્રણસો રૂપિયા પરત કરવા મારું સરનામું મેળવી આપવા વિનંતિ કરી. તેણે સ્ટેશન માસ્તરને કહ્યુ કે કોચ એસ-૮ માં ફક્ત એકજ મુસ્લિમ મુસાફર હોવાથી તેમની વિગતો આસાનીથી મળી શકશે. સ્ટેશન માસ્તરે ઓનલાઈન રીઝર્વેશન ચાર્ટ જોઈ મારી વિગતો મેળવી. મેં રીઝર્વેશન માટે આધાર કાર્ડ રજુ કરેલ હોવાથી તેમાંથી મારા ઘરનું સરનામું મેળવી શકાયું. કોકિલાએ મારું સરનામું મેળવી મને પત્ર લખ્યો હતો. મને તેના પ્રયત્નો અને પ્રમાણિકતા પર ખુબ માન ઉપજયું. તેની પ્રમાણિકતાની કદર રૂપે હું તેના માટે થોડાક નવા કપડાં અને ચપ્પલ લાવ્યો હતો તે તેને ભેટ આપ્યા અને તેને બેહજાર રૂપિયા રોકડા આપી આશીર્વાદ આપી મુબઈ આવવા રવાના થયો.”
ચાચાએ તેમની વાત પૂરી કરી ત્યારે પેલા યુવાનોના માથા શરમથી ઝુકી ગયા હતા. કોઈએ પણ સીતાફળને હાથ લગાવવાની હિંમત ન કરી. ટ્રેન રતલામ સ્ટેશને પહોચવા આવી હતી. તે યુવાનો બોલ્યા, “ ચાચા અમે વળતી ટ્રીપમાં દાહોદ સ્ટેશને ઉતરી પેલા કિશોરની માફી લઈશું. હવે તો અમારા પૈસા સ્વિકારો.” ચાચાએ યુવાનો પાસેથી પૈસા સ્વીકારી સૌના માટે રતલામી સેવના નાસ્તાનો ઓર્ડર આપ્યો.
******

બીજા રસપ્રદ વિકલ્પો