#KNOWN.. 35 અંતિમ ભાગ Leena Patgir દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

#KNOWN.. 35 અંતિમ ભાગ

"મેં અનન્યાના શરીરને ભોગવીને બહુ ભૂલ કરી છે, પણ હું મારી તમામ તાકાત લગાવીને તેનો સાથ જરૂર આપીશ."

આજનો એ દિવસ દરેકના જીવનમાં ખુબ મહત્વની રાત અને વાત લઈને આવવાનો હતો. આદિત્ય, માધવી અને અઘોરી ત્રણેય જણા કાલીઘાટ પહોંચી ચૂક્યા હતા.
મંદિરના પૂજારીજી પણ આજે ભગવાનની મન મૂકીને સેવા કરવામાં લાગ્યા હતા.

સવારથી માધવી સતત અનન્યાને કોલ કરીને વાત કરવા માટે પરેશાન થઇ ગઈ હતી. આદિત્ય પણ તેને વારે વારે સાંત્વના આપીને પોતાના મનને મનાવી રહ્યો હતો.

આખરે એ ઘડી આવી જ ગઈ.કાલીઘાટમાં માત્ર મંદિર નહોતું પણ તેની સાથે સાથે મંદિરના પડખે સ્મશાન પણ અકબંધ હતું. જેમાં ઘણા રહસ્યો છુપાયેલા હતા. માધવી અને આદિત્ય સાંજથી જ સ્મશાનની અંદર ઝાડ પાછળ છુપાઈ ગયા હતા.

થોડીવાર થઇ હશે કે ત્યાંજ સ્મશાનનો બંધ દરવાજાનો અવાજ ખૂલતાંની સાથે કીચુડ કીચુડ અવાજ કરતો ખુલ્યો. માધવીના ધબકારા પણ અવાજની સાથે સાથે વધવા લાગ્યા. આદિત્યએ ઝાડ પાછળથી સહેજ આંખ કાઢીને જોયું તો સામે અનન્યા આવી રહી હતી.
માધવીએ આદિત્ય સામું જોયું તો આદિત્યએ તેને ત્યાં "ના" જવાનો ઈશારો કર્યો.

અનન્યા એક જગ્યાએ આવી. તેના હાથમાં કાંઈક વસ્તુઓ હતી. તેણે એ વસ્તુઓ કાઢીને બધી વ્યવસ્થિત મુકવા લાગી. છેલ્લે તેણે એક કાચની પેટી કાઢી.

"આ તો મોમની જ કાચની પેટી છે." આદિત્ય સ્વગત બબડ્યો.

અનન્યાએ એ પેટીને ખોલી તો તેના ચહેરા પર ચમક પથરાઈ ગઈ. અનન્યામાંથી એક શક્તિ જાણે બહાર નીકળી હોય એવો પડછાયો આદિત્ય અને માધવીએ જોયો. એ શીલા જ હતી. શીલાએ એ કાચની પેટી પોતાના હાથમાં લઇ લીધી. તે આંખો બંધ કરીને કાંઈક મંત્રોચ્ચાર કરવા લાગી. અનન્યાએ તરત આસપાસ નજર કરી. તેની નજરે આદિત્ય આવ્યો.

આદિત્યએ અનન્યાને પોતાનો અંગુઠો બતાવ્યો અને માધવી તરફ જોવાનું કહ્યું. માધવી પણ ખુશ થઈને અનન્યાની સામું ખુશ થઈને જોઈ જ રહી.

શીલાના મંત્રોચ્ચારથી એક કાળો પડછાયો હવામાં ઉદ્દભવી રહ્યો હતો. આદિત્ય અને માધવી એકબીજાની સામું આશ્ચર્યભાવે જોઈ રહ્યા. એ પડછાયો પૂરો રચી લીધા બાદ આદિત્યની આંખો તો ફાટીને જ રહી ગઈ. તે પડછાયો ચાંદનીનો જ હતો.

"આ તો એ જ છે જેણે હોટેલમાં આવીને મારી પાસેથી એ કાચની પેટી છીનવી હતી." આદિત્ય ચાંદની તરફ જોતા બોલ્યો.

"ઓહહ તો તું આવી જ ગઈ મારી સામે." અનન્યાએ ચાંદની તરફ જોતા કહ્યું.

"હાહાહા, હા મારી વ્હાલી દીકરી..બહુ યાદ કરી તને માય ડાર્લિંગ. આજે ખરા અર્થમાં તું મારા કામ આવી શકવાની છું." ચાંદની અનન્યા સામું જોઈને અટ્ટહાસ્ય કરતા બોલી.

"હું તારા કોઈ પણ કામ પૂરા નહીં થવા દઉં ડિયર મોમ. એ માટે મારે મારો જીવ જ કેમ ના આપી દેવો પડે." અનન્યા મક્કમ અવાજે બોલી.

"હાહાહા બેટા તું ભૂલે છે. આ કાચની પેટી જેવી હું ખોલીશ કે શીલાનો આત્મા કાયમી તારા શરીરમાં પ્રવેશી જશે." ચાંદની અનન્યાની સામું કપટભર્યું સ્મિત કરતા બોલી.

"હું નથી જાણતી કે તમે આવું કેમ કર્યું પણ હજુ પણ મને મારી આંખો પર વિશ્વાસ નથી થતો કે મારીજ known (જાણીતી ) મારી જ પોતાની વ્યક્તિએ મારી સાથે આવું શું કામ કર્યું??" અનન્યાએ આંખોમાં આંસુ લાવતા પૂછ્યું.

"હા તો અનુ ચાલ આજે મારા ભૂતકાળની એક ઝલક તને હું કહી જ દઉં. હું સુરેન્દ્રનગરમાં આવેલા આંબલીયા ગામની દીકરી હતી. મારા બાપુજી ગામના ભુવા હતા. તેઓ ભગવાનની ખૂબજ સેવાપૂજા કરતા હતા પણ એમને એક દિવસ સાપ કરડી ગયો. તેઓ ખૂબજ રિબાઈ રિબાઈને મર્યા હતા. મારી નજરો સામે તેમનું કરુણ મોત થયું હતું. તેમનો ભગવાન પણ તેમને બચાવવાં ના આવી શક્યો. રહી વાત શીલાની તો એ મારા જ ગામમાં રહેતી મારી પ્રિય સખી હતી. તેના બાપુ બહુ મોટા તાંત્રિક હતા. અમે છુપાઈ છુપાઈને તેમની વિધિઓ નિહાળતા. તેઓ એવી એવી વિધિઓ કરતા કે અમે ચોંકી જતા. અમે પણ હવે નાના મોટા કામ માટે વિધિઓ કરતા થઇ ગયા હતા. ત્યારબાદ શીલાના લગ્ન મુંબઈમાં થયાં. તેના પતિ ઉપર પણ તાંત્રિકવિધિ કરીને તેને પ્રાણમુક્ત અમે જ કર્યો હતો. મારા પણ લગ્ન તારા પપ્પા સાથે ગોઠવાઈ ગયા. મારા સસરા પણ ભગત હતા. તેમની હાજરીથી હું મારી કોઈજ સાધના નહોતી આગળ વધારી શકતી. એવામાં તારો જન્મ થયો. મને તને આ દુનિયામાં લાવવાનું કોઈજ કારણ નહોતું જડતું એમાં પણ જયારે એવી ખબર પડી કે તું એક દૈવી શક્તિ છું. ત્યારે તો મેં ઘણા બધા પ્રયત્નો કર્યા પણ તું દર વખતે બચતી જ ગઈ. ત્યારબાદ મારી વાતચીત શીલા સાથે થઇ. તેણે મને અઘોરી ત્રિલોકનાથ વિશે વાત કરી. તેમને એક એવું રહસ્ય ખબર હતી જેનાથી અમે ધારીએ એ કરી શકીએ એમ હતા.

હું અને શીલા તેમની પાસે ગયા. તેમના ઈરાદાઓ અમે સારી પેઠે સમજવા લાગ્યા હતા પણ તેમને અમારા ઈરાદા વિશે ખબર પડી ગઈ જેથી એમણે શીલાને શ્રાપ આપ્યો કે તે હવે માત્ર 11 દિવસ જ જીવશે. મેં શીલાને બચાવવાં એક નિર્ણય લીધો. તેની આત્માને મૃત્યુ બાદ તેના જ ઘરમાં જીવંત રાખવાની. આ બધી સાધના કરતા માધવી મને જોઈ ગઈ અને મેં ફરી એક કાવતરું રચ્યું.

માધવીની મદદ લઈને હું તને હાથે કરીને એવું બતાવવા લાગી કે તું પાગલ થઇ ગઈ છું. તારામાં કોઈ દુષ્ટ આત્મા રહેલી છે. ત્યારબાદ શીલાને મળેલા શ્રાપને મેં ઉપયોગી થઇ શકે એવો વિચાર કર્યો અને શીલાની આત્મા તેની આ કાચની પેટીમાં કેદ કરાવી દીધી. માધવીની મદદ લઈને તે પોતે જ શીલાની આત્માને તારા શરીરમાં આવવાનું આમંત્રણ આપ્યું, અને તારો ઉપયોગ કરીને અઘોરી પાસે રહેલ કાલીમાંનાં આ ટુકડાની જાણકારી મેળવી લીધી.

એ પુસ્તક ફક્ત તું જ ખોલી શકે એમ હતી. અઘોરીને માર્યા બાદ શીલાની આત્મા બહાર આવી ત્યારે તું ક્યાંક ચાલી ગઈ. અમે આદિત્યને અમારું નવું શસ્ત્ર બનાવવાનો વિચાર કરી લીધો. માધવીની મદદથી અમને તારો પતો મળી ગયો પણ તું તારી પાસે અભિમંત્રિત દોરો પહેરવા લાગી હતી. શીલા માટે તારું શરીર ફરી નકામું બની ગયું હતું.

આદિત્યની મદદથી પહેલી જ મુલાકાતમાં મેં તારા ગળામાં રહેલું લોકેટ બદલાવી નાખ્યું અને ફરી શરુ થઇ અમારી કાવતરાંથી ભરપૂર ચાલ. તે ટુકડો પાછો અમને અપાવીને તે ખૂબજ સારું કામ કર્યું છે.

આટલા વર્ષો બાદ આજે હું મારા પિતાજીના મોતનો બદલો લેવાનો સંતોષ મેળવીશ. મારી માઁને પણ મેં પોતે જ મારી હતી કેમકે એ મારા ઇષ્ટ અને મારી વિધિઓમાં આડી આવતી હતી. તારી મદદથી હું આજે ભગવાન પરનો લોકોનો વિશ્વાસ ગુમાવી દઈશ. એક એવો વિનાશ સર્જીશ કે લોકો કાળી શક્તિ પાસે ભીખ માંગશે અને એમનો ભગવાન બનીશ હું.... હાહાહા"
ચાંદની જોરજોરથી હસવા લાગી.

"હું એવું નહીં થવા દઉં." અનન્યા જોરથી ચીસ પાડતા બોલી.

અનન્યા બોલી ત્યાં તો ચોથનાં ચંદ્રમા જોઈને ચાંદનીએ હાથમાં રહેલ કાચની પેટી ખોલીને અનન્યાની સામું અટ્ટહાસ્ય કર્યું.

શીલાની આત્માનો પડછાયો અનન્યાની અંદર પ્રવેશી ગયો. અનન્યાની અંદર એક ઝણઝણાટી થઇ ગઈ.

અનન્યાએ ચાંદની તરફ જોઈને ફરી અટ્ટહાસ્ય કર્યું.

અનન્યાનું આમ હસવું ચાંદનીને અજુગતું લાગ્યું.

આદિત્યની નજરે કંઈક ચઢ્યું અને તે જોરથી "અનન્યા "નાં નામની બુમ પાડતો બહાર દોડી ગયો. આદિત્યની બૂમથી માધવીનું પણ તે તરફ ધ્યાન ગયું.

આદિત્ય હજુ દોડતો અનન્યાની પાસે પહોંચે એ પહેલા અનન્યાએ પોતાના હાથમાં રહેલ ખંજરને પોતાના પેટમાં ઘુસાડી દીધું. આ બધું ઘડીના છઠ્ઠા ભાગમાં બની ગયું કે ચાંદની પણ ચોંકી ગઈ.

આદિત્ય દોડતો અનન્યા પાસે આવ્યો.

"આ શું કર્યું અનુ??" આદિત્ય આંખમાં આંસુ સાથે અનન્યાને પોતાના ખોળામાં લેતો બોલ્યો.

"આ જરૂરી હતું. શીલાને મારવાનો આ જ ઉપાય હતો. આહ આહ (ઘડીક શીલાનાં અવાજની ચીસો ગુંજતી રહી.) આદિ હવે તું જાણે છે શું કરવાનું છે તારે??" અનન્યાનો અવાજ આદિત્યને કંઈક કહી રહ્યો હતો.

ચાંદની આગળ "નહીં......" કહેતી આવે એ પહેલા આદિત્ય ખંજર ફરી કાઢીને અનન્યાના શરીર પર ઉપરાછાપરી ઘા કરવા લાગ્યો.

વાતાવરણમાં કયારેક અનન્યાનું અટ્ટહાસ્ય તો કયારેક શીલાની કારમી ચીસો ગુંજવા લાગી. અનન્યાના પ્રાણ નીકળી ગયા હતા.

માધવી આ બધું જોઈને રોઈ રહી હતી. ચાંદનીને હજુ કંઈજ સમજ નહોતી પડી રહી કે તે શું કરે?? !! તેના હાથમાં કાલીમાંની ખોપરીનો ટુકડો હતો. તેને જોઈને ફરી ચાંદનીની આંખોમાં ચમક આવી ગઈ. તે હજુ આગળ વધે એ પહેલા તો પાછળથી અઘોરી ત્રિલોકનાથે આવીને ચાંદની ઉપર પોતાની હાથમાં રહેલ ખોપરીથી ભભૂત ફેંકી. ચાંદનીને પોતાનું શરીર બળવા માંડ્યું હોય એવો આભાસ થયો. તે દર્દથી પીડાઈ રહી.

માધવીએ તરત ચાંદનીનાં હાથોમાંથી એ ટુકડો ઝુંટવી લીધો. અઘોરી ત્રિલોકનાથ સતત પોતાની એ ભભૂત ચાંદની પર નાખતા રહ્યા. ચાંદનીની કારમી ચીસો વાતાવરણમાં પડઘા પાડતી ધીરે ધીરે તીવ્રથી ધીરી થઇ રહી હતી.

માધવી આદિત્યને વળગીને આ બધું દ્રશ્ય જોઈને જોરજોરથી રોઈ રહી હતી.

અઘોરીએ પોતાનું કામ પૂર્ણ કરીને આદિત્યના હાથે મોક્ષપ્રાપ્તિ કરાવી.

આદિત્ય માધવી સાથે કારમાં બેસીને જઈ રહ્યો હતો.
માધવી હજુ પણ ઊંડા આઘાતમાં બેસી રહી હતી.

"માધવી અનન્યાએ જે કર્યું એને આપણે વધાવવું જોઈએ. તું ઝાઝો વિચાર નાં કરીશ." આદિત્યએ કારમાં માધવી આગળ રહેલ ડેકીને ખોલીને ગીતા કાઢી અને તેને માધવીના ખોળામાં મૂકી.

"અંતે વિજય સત્યનો જ થાય છે. જેની મોત થઇ એને બલિદાન આપ્યું કહેવાય." આદિત્ય માધવીને સમજાવતા બોલ્યો.

"પણ અનન્યા જીવિત પણ તો રહી શકતી હોત ને, આપણે કંઈક ને કંઈક રસ્તો શોધી લેતા. "

"માધવી અનન્યાએ બહુ સમજી વિચારીને આવું પગલું ભર્યું હશે. હું જાણું છું તે દૈવી શક્તિ હતી પણ તે પોતાની શક્તિઓનો ઉપયોગ કરતી થાય ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. એમ પણ જયારે આપણા #known આપણી સાથે આવું વર્તન કરે એ પીડા હું સમજી શકું છું."

માધવી આદિત્યની વાત સાંભળતી ગીતાની સામું એકધારું જોઈ રહી.
********************
14/04/21

થોડા મહિના બાદ માધવી અનન્યાની કબર પાસે આવીને ઉભી હતી. તેના હાથોમાં ગુલાબનાં ફૂલો હતા. 12/12/20 હજુ આ તારીખની યાદો તેને યાદ હતી. કબર પર "અનન્યા આદિત્ય સિંહ" વાંચીને તેણે આ નામ લખાવીને આદિત્યનો અને અનન્યાનો પ્રેમ અમર કર્યો હતો. પોતે આદિત્ય સાથે એક સુખી લગ્નજીવન પસાર કરી રહી હતી પણ આદિત્યના દિલમાં અનન્યાની જગ્યા પોતે નહોતી બનાવી શકી.

"સોરી અનુ..તને મોત પાછળ ધકેલવામાં મારો પણ કદાચ હાથ હતો જ... તારા જ #known (જાણીતા ) લોકોએ તને મારી નાખી અને તારા જ લીધે આજે લોકો ભગવાન પર ફરી વિશ્વાસ કરી શકશે."

ત્યાંજ પાછળથી આદિત્યએ માધવીના ખભે હાથ મુક્યો.

"માધવી તે મને પ્રોમિસ કર્યું હતું કે તું નહીં રોવે અહીંયા આવીને. આપણા આવનારા બાળક માટે-"

"હા હા હું જાણું છું. બસ અનન્યાને એટલું જ કહેવા માંગીશ કે જો તેણે મને માફ કરી હોય તો આપણા આવનાર બાળકમાં મને ફરી મારી અનુ પાછી મળી જાય."

આદિત્ય માધવી સામું પ્રેમાળ સ્મિત રેલાવતો રહ્યો.

THE END

આશા રાખું છું કે આપને મારી આ પ્રથમ હોરર નોવેલ પસંદ પડી હશે. મારી સ્ટોરી વાંચતા દરેક વાંચકોનો દિલથી આભાર. આપ સૌનાં પ્રતિભાવોને લીધે જ હું આટલું સરસ લખી શકી છું.

ઘણા બધા વાંચકોના મેસેજ આવતા કે નવો ભાગ કયારે મુકશો?? પણ હું એટલું જ કહીશ કે મારી આ સ્ટોરીમાં મેં પ્લોટ પહેલેથી વિચારેલો હતો પણ દરેક ભાગમાં કંઈક નવું લાવીને લખવાનું સાહસ દર વખતે ભાગ લખતા પહેલા જ હું કરતી. મારી સ્ટોરીનો કોઈ પણ ભાગ અગાઉ વિચારીને મેં નથી લખ્યો.

અંતે બસ એટલું જ કહીશ કે જો આપને મારી આ નોવેલ દિલથી પસંદ આવી હોય તો એને તમારા અમૂલ્ય પ્રતિભાવ આપીને વધાવશો.

THANK YOU SO MUCH FOR MY EVERY READER... 😇