Praloki - 20 - last part books and stories free download online pdf in Gujarati

પ્રલોકી - 20 - છેલ્લો ભાગ

આપણે જોયુ કે, પ્રલોકી પ્રત્યુષને પોતાના દિલની વાત કહેવા માંગે છે. પણ પ્રત્યુષ પ્રબલને મળવા નીકળી જાય છે. હવે જાણો આગળ.
હેલો, મેમ... હું ર્ડો. પ્રબલને મળી શકું? ? પ્રત્યુષે પ્રબલની હોસ્પિટલની રીસેપ્નીસ્ટને પૂછ્યું. હા સર, તમારું નામ પ્રત્યુષ પારેખ છે ને ? પ્રત્યુષે માથું હલાવી હા પાડી. એને ખબર પડી ગઈ. પ્રબલે પહેલેથી જ કહી રાખ્યું લાગ્યું છે. સર.. તમે જઈ શકો છો. અહીં થી લેફ્ટ સાઈડ કન્સલ્ટિંગ રૂમ 1 હશે, ત્યાં સર મળશે. પ્રત્યુષ પહોંચી ગયો પણ હવે એને ડર લાગવા લાગ્યો. એને જે નિર્ણય લીધો એ બરાબર છે ! પ્રબલ સમજશે આ વાત ને. પ્રબલ બહાર આવ્યો. આવો પ્રત્યુષ હું તમારી જ રાહ જોતો હતો. પ્રબલની ઓફિસમા પ્રત્યુષે પ્રલોકી, પ્રબલ, દીપ, રિયા, જીમ્મી, અને કોમલ નો લાસ્ટ યર નો એક ગ્રુપ ફોટો જોયો. પ્રબલ અને પ્રલોકી બંને જોડે ઉભેલા હતા. પ્રત્યુષ એને ધારીને જોઈ રહયો. પરફેક્ટ જોડી... એ મનમા જ બોલ્યો. પ્રબલે કહયું, એ અમારા ગ્રુપનો લાસ્ટ ફોટો છે. એટલે મેં અહીં લગાવ્યો છે. પ્રત્યુષ કાંઈ બોલ્યો નહી. પ્રત્યુષ તમે બેસોને પ્લીઝ.. પ્રત્યુષ પ્રબલની વાતનું માન રાખી બેસ્યો.
પ્રબલને ડર તો હતો કે કદાચ પ્રલોકીએ કાંઈ કહયું હોય અને એટલે પ્રત્યુષ આવ્યો હોય. તો પણ ખાતરી કરવા પ્રબલે પૂછ્યું, પ્રત્યુષ કેમ આવવું પડ્યું ?? પ્રબલ.. મને ગોળ ગોળ વાતો કરતા નથી આવડતું. હું પૂછવા આવ્યો છું... શુ તમે તમારી આગળની જિંદગી પ્રલોકી સાથે વિતાવવા માંગો છો ?? પ્રલોકી કોઈની પત્ની રહી ચુકી છે એ જાણ્યા પછી શુ તમે એને એટલો જ પ્રેમ આપી શકશો જેવો તમે પહેલા એને પ્રેમ કરતા હતા ?? એક વાર એક બાળકની માતા પણ બની ચુકી છે.. શુ એ જાણ્યા પછી તમારા પ્રેમ કે વિશ્વાસમા ફેર પડશે.. ??? પ્રબલ પ્રત્યુષ સામે જોઈ રહયો. અચાનક પુછાયેલા પ્રશ્નોના શુ જવાબ આપવા એ પ્રબલ નક્કી નહોતો કરી શકતો. પ્રત્યુષ... પણ એકદમ આ પ્રશ્નો.. ? પ્રબલ માંડ માંડ શબ્દો ગોઠવતા બોલ્યા. પ્રલોકીએ તમને સાચી વાત કહી હશે. એ તમને બહુ જ પ્રેમ કરે છે. પ્રલોકીએ તમને ક્યારે પણ દગો નથી આપ્યો. અમારું મળવું એ કુદરતી હતું. પ્રલોકી તમને છેતરીને મને મળવા નથી આવી. પ્રબલ.... મેં તમને પ્રલોકી વિશે સ્પષ્ટતા કરવાનું નથી કહ્યું. મેં તમને પૂછ્યું છે શુ તમે પ્રલોકીને આજે એ જેવી છે એવી જ અપનાવી શકશો ? પ્રત્યુષ ફરી એ જ પ્રશ્ન પ્રબલને પૂછવા લાગ્યો.
પ્રબલે કહયું.. હા.. પ્રત્યુષ... પ્રલોકી આજે તમારી પત્ની ભલે હોય, કોઈ બાળકની માતા પણ ભલે બની ચુકી હોય. પણ મારા માટે એ મારી પ્રલૂ જ છે. એ પ્રલૂ જેના માટે આ જિંદગી છે. જેને મને આ જિંદગી આપી છે. પ્રલોકી સિવાય મેં ક્યારેય કોઈ છોકરી વિશે વિચાર્યું નથી કે ના વિચારીશ. એ ભલે તમારી સાથે રહે પણ હું આજે પણ એને બહુ જ પ્રેમ કરું છું. પ્રલોકી મારી પાસે કોઈ પણ રીતે આવે. એ મારી પ્રલૂ જ રહશે. ભલે સંજોગો બદલાયા, જગ્યા, સમય, સ્ટેટસ બધું બદલાયું પણ મારા દિલમાં પ્રલોકી એ જ છે. જે પહેલા હતી. તો પ્રબલ... હું પ્રલોકીને છોડી દઉં તો તમે પ્રલોકીને અપનાવી લેશો.... ? પ્રત્યુષનો આ પ્રશ્ન સાંભળી પ્રબલ ચોંકી ગયો. મારો જવાબ તો હા જ હોય ને પ્રત્યુષ. પણ તમે પ્રલોકીને છોડી ના શકો. પ્રલોકી તમને બહુ પ્રેમ કરે છે. પ્રેમ તો તમને પણ એ બહુ કરે છે પ્રબલ.... પ્રત્યુષે વેધક નજરે પ્રબલ સામે જોયુ. એ તમને અંદર લઈને જીવી અને મને બહાર. તમે એના મનના વિચારોમા સાથે હતા. તો હું એના બહારના વિચારોમા. મહાન છે પ્રલોકી... કેટલું સહન કરતી રહી. એના માટે કેટલું અઘરું રહ્યું હશે...! જયારે એના મનમાં તમારી માટે લાગણી હશે, તમારી ચિંતા થતી હશે, છતા બહાર મારી દરેક વસ્તુનું ધ્યાન રાખવાનું, મારી કેર કરવાની, મારા ઘરના લોકો માટે પોતાનું દુઃખ ભૂલી જવાનું. ક્યારેય એને એના ચહેરા પર એના મનમા શુ ચાલી રહ્યું છે એ બતાવ્યું જ નહી. અરે, કાલની જ વાત કરો ને... મેં પોતે તમને બંનેને ગાર્ડનમા વાત કરતા સાંભળ્યા હતા. પ્રબલ ચોંકી ગયો.હા, પ્રબલ મેં તમે જે પ્રલોકીને કહયું એ બધું જ સાંભળ્યું હતું. હું અનાયસે જ ત્યાં આવ્યો હતો. મને તો તમે સિવિલ મળવાના છો એ જ ખબર હતી. પણ સારૂ થયુ હું આવ્યો. હું જોઈ શક્યો પ્રલોકીની હાલત.. કેટલી તૂટી ગઈ હતી એ. અને તેમ છતા એ જયારે ઘરે આવી ત્યારે મારી સામે એટલી નોર્મલ ફરી કે જો મેં સાંભળ્યું ના હોત તો હું એની અંદર ચાલે રહેલા દ્વંદ્વને સમજી ના શકત.
પ્રબલ, પ્રલોકી બહુ લડી પોતાની સાથે. હવે નહી. શુ કરવા એ આખી જિંદગી આમ જ લડ્યા કરે. હું એને ઉડવા દેવા માંગુ છું. મુક્તપણે.. એ જેમ ઈચ્છે એમ.. એનું જ આકાશ હોય અને એજ નક્કી કરે કઈ દિશા હોય એની. ના હું એને રોકુ ના તમે. પ્રત્યુષ... મારી પાસે શબ્દ નથી તમને કહેવા માટે. તમે ખરેખર પ્રલોકીને બહુ પ્રેમ કરો છો. તમે સાચે જ એને બહુ ખુશ રાખી શકશો . પ્રબલ..પ્રેમ તો તમે પણ પ્રલોકીને કરો છો, શુ તમે એને ખુશ નહી રાખી શકો ? હું પ્રલોકીને મુક્ત કરવા માંગુ છું. તમે એને અપનાવી લો. એના ભાગની સાચી ખુશી, સાચું સુખ એને આપો. પ્રત્યુષ.. તમે આ શુ કઈ રહયા છો ? પ્રલોકીની સાથે આ જિંદગી જીવવા મળે તો મારા માટે સદનસીબ હશે. પણ પ્રલોકી તમને સાચે જ પ્રેમ કરે છે. તમે કાલની વાત સાંભળી આવો નિર્ણય ના લેશો. પ્રબલ... પ્રત્યુષ હસ્યો... જાણું છું એ મને પ્રેમ કરે છે. અને એ પણ જાણું છું એ તમને પણ પ્રેમ કરે છે. આ યુગમા એને બંને સાથે મળે એતો શક્ય નથી.તમે પ્રલોકીને ફોન કરો.અહીં બોલાવો. પ્રબલ પ્રત્યુષ સામે જોઈ રહયો. પ્રબલ.. તમે પ્રલોકીને અહીં બોલાવો. હું ફોન કરીશ તો એ આવી જશે પણ અહીં આવતા સુધીનું અંતર એના માટે મુશ્કેલ થશે. પ્રબલ વિચારતો રહયો કેટલો સરળ માણસ છે. પ્રલોકીની નાની નાની વાતનું પણ ધ્યાન રાખે છે. આટલું સાંભળ્યા પછી બીજો પુરુષ શક કરત. પ્રત્યુષ પ્રલોકીની ચિંતા કરે છે. કેટલો પ્રેમ કરે છે એ પ્રલોકી ને.... પ્રલોકી મારા કરતા પ્રત્યુષ જોડે જ ખુશ રહશે.
પ્રબલે પ્રલોકીનો ફોન નંબર ડાયલ કર્યો. હેલો... પ્રલોકી..! પ્રબલ તે મને કેમ ફોન કર્યો ? પ્રલોકી ગુસ્સામા બોલી. પ્રલોકી એક વાર મળવું છે તને. પ્લીઝ મારી હોસ્પિટલ પર મળવા આવ ને એક વાર. ના, પ્રબલ... હું નહી આવી શકું. પ્રત્યુષ કામથી બહાર ગયા છે અને હું એમને કહ્યા વગર ના આવી શકું. હા, તો તું ફોન કરી પૂછી લે પ્રત્યુષને. ના, પ્રબલ હું નહી આવું. મારે પ્રત્યુષ જોડે વાત કરવાની છે પછી જ હું તને મળીશ. પ્રબલ હવે આગળ કઈ કહી ના શક્યો. એને ઓકે કહી ફોન ડિસકનેક્ટ કર્યો. પ્રબલ .. તમે કેમ પ્રલોકીને મનાવી નહી. પ્રત્યુષ... મારો હક હતો એટલું મેં કહયું.. આગળ ના કહી શકું હું હવે. હું કોલ કરી જોઉં. તો તમે કહી દેશો કે તમે મારી હોસ્પિટલમા છો! ના, પ્રલોકી જ મને કહેશે. પ્રત્યુષે પ્રલોકીને ફોન કર્યો. હેલો ! પ્રત્યુષ... તમારું કામ પતી ગયું. પ્રલોકીને જલ્દીથી પ્રત્યુષ જોડે વાત કરવી હતી. પ્રલોકી શુ થયુ ? કેમ તું આટલી ટેન્શનમા છે ? પ્રત્યુષ તમે જલ્દી આવવા ટ્રાય કરજો... હા, પ્રલોકી હું આવીશ. પણ વાત શુ છે ? હમણાં કોની સાથે વાત કરતી હતી. ફોન એંગેજ આવતો હતો. અને તું હવે ટેંશનમા છે.. એટલે પૂછું છું શુ થયુ કોનો ફોન હતો ?. પ્રત્યુષ જાણતો હતો પ્રલોકી ખોટું નહી બોલે. પ્રત્યુષ પ્રબલનો ફોન હતો. એ મને મળવા બોલાવતો હતો. મેં ના પાડી. અરે, કેમ પ્રલોકી ? તું જઈ આવ પ્લીઝ. પ્રબલને મળી લે. મારે આવતા લેટ થશે. પણ પ્રત્યુષ, એ પહેલા મારે વાત કરવી છે તમારી સાથે. મારી જોડે પછી વાત કરી લેજે. જા તું પ્રબલને મળી લે. પ્રત્યુષની વાત સાંભળી પ્રલોકીને પણ લાગ્યું પ્રબલને મળવું જોઈએ.
પ્રત્યુષ તમે તો બહુ સારી રીતે ઓળખો છો પ્રલોકીને. પ્રબલે કહયું. પ્રત્યુષ તમે આ બધું કર્યા વગર પ્રલોકી સાથે ખુશ રહો. તમે જ એનું વર્તમાન અને ભવિષ્ય છો. પ્રબલ હવે આપણે પ્રલોકીની જ રાહ જોઈએ. પ્રેમ તો તમે પણ કરો છો અને હું પણ. અને એટલે આપણા બંને માટે પ્રલોકીની ખુશી જ મહત્વની છે. પ્રલોકીના મનમા કેટલાય વિચાર આવી રહયા હતા. પ્રબલની હોસ્પિટલ પહોંચતા જ એનું હૃદય તેજ ધડકવા લાગ્યું. શ્વાસોશ્વાસ પણ એને મહેસુસ થવા લાગ્યા. પ્રલોકીએ પ્રબલની ઓફિસનો દરવાજો ખોલ્યો. પ્રલોકી પ્રત્યુષને જોઈ ચોંકી ગઈ. એને લાગ્યું પ્રબલે પ્રત્યુષને અહીં બોલાયો હશે. પ્રત્યુષે કહયું, પ્રલોકી અહીં આવી બેસ. કશુ વિચારીશ નહી હાલ. પ્રલોકી ડરતા ડરતા અંદર આવી બેસી. એનું મગજ બીજું જ કઈ અનુમાન કરી રહ્યું હતું. પ્રત્યુષ.. તમે અહીં ક્યારે આવ્યા. બધું જ કહું પ્રલોકી હું. તું પહેલા પાણી પી લે. પ્રલોકી.. સોરી પહેલી વાર તારાથી કોઈ વાત છુપાવી. કાલ મેં તારી અને પ્રબલની વાત સાંભળી હતી. વ્હોટ ! પ્રલોકી બોલી. પ્રત્યુષ તમે કઈ રીતે સાંભળી હોય ? હા, હું અમસ્તો જ ગાર્ડનમા આવ્યો હતો. અને પ્રબલે જે કહયું તને એ બધું મેં સાંભળ્યું. એ પછીની તારી હાલત પણ મને ખબર છે. કાલે હું તને કહી દેત. પણ એમાં તને ફેંસલો લેવામાં તકલીફ પડત. મને ખબર છે આજે તું તારા મનમા એક નિર્ણય કરી ચુકી હોઈશ. તું તારો નિર્ણય કહે એ પહેલા હું કંઈ કહેવા માંગુ છું. પ્રલોકી, પ્રબલ તને બહુ જ પ્રેમ કરે છે. તું પણ પ્રબલને હંમેશા પ્રેમ કરતી જ રહી છે. હું એમ નથી કહેતો તે મને પ્રેમ નથી કર્યો. પણ પ્રલોકી પ્રબલ સાથે અન્યાય થયો છે. તું જે નિર્ણય લે એ વિચારીને લે.
પ્રબલ, તારે પણ કંઈ કહેવું હોય તો કહી શકે છે. પ્રલોકી એ પ્રબલને કહયું. પ્રલોકી, અમે બંને તારી ખુશી જ ઇચ્છીએ છીએ. ખુશી.. ?? સાચે તમે ખુશી ઈચ્છો છો.? પ્રત્યુષ ના તો તમારા વિશે કે પ્રબલ ના તો તારા વિશે મેં આવું વિચાર્યું હતું. તમે બંને ભેગા મળી નક્કી કર્યુ, હું જેને ઈચ્છું એની જોડે જાઉં એમ જ ને ! જેને છોડીશ એતો મારી ખુશી ઈચ્છે છે એટલે એ દુઃખી નહી થાય ને.. ? રમત નથી આ... તમે જે વિચારો છો એ... વિચારી લીધું કે પ્રલોકીને સામે ઉભી રાખો અને પૂછી લો. જે જોઈએ એની જોડે જા. પ્રલોકી થોડી હસી. વાહ, મહાન છે તમારા બંનેનો પ્રેમ. પ્રત્યુષ તમે મારી નસ નસમા સમાયા છો, તો પ્રબલ એ નસમા ફરનાર લોહી છે. તમે મારા શ્વાસોશ્વાસમા સમયા છો, તો એ શ્વાસ જેના લીધે ચાલે છે એ છે પ્રબલ. તમે મારા હૃદયમા સમયા છો, તો એના ધબકાર છે પ્રબલ. કોને અલગ કરું હું ?? નથી સહેલું મારા માટે. આખી રાત વિચારી એક ફેંસલો લીધો હતો. એ પણ હવે મને ખોટો લાગવા લાગ્યો. કેમ કર્યુ તમે બંનેએ આવું ? બંને મને પ્રેમ કરો છો તો કઈ રીતે તમે મને આવી પરિસ્થિતિમા મૂકી ? હું ના પેલી બાજુ જઈ શકું છું ના આ બાજુ. પ્રલોકી રડવા લાગી.
પ્રલોકી રડીશ નહી, પ્રબલે પ્રલોકીનો હાથ પકડ્યો. બીજી બાજુ પ્રત્યુષ પણ પ્રલોકીનો હાથ પકડી બેઠો. પ્રલોકી, તને અમે કોઈ દુઃખ નથી આપવા માંગતા, પ્રબલે કહયું. પ્રલોકી, તું વાતને સમજ. તું જ વિચાર બે નાવમા કઈ રીતે તું પસાર થઈ શકીશ ? પ્રત્યુષ પ્રલોકીને સમજવતાં બોલ્યો. પ્રત્યુષ, મારે કોઈ બે નાવમા પસાર થવું જ નથી. મેં જે મારા દિલમા હતું એ કહયું. હું તમારી પત્ની છું અને તમારી જ પત્ની રહીશ. અને મારા મનમા તમારા માટે જે પ્રેમ, જે માન, જે વિશ્વાસ છે એ આજે પણ એ જ છે. અને કાલે પણ એ જ રહેશે. આજે તો મને વધુ ખુશી થઈ કે તમે મારા પતિ છો. પ્રલોકી... બોલી દીધું ?? તું હમ દિલ દે ચુકે સનમની હીરોઈન છે ? હું કોઈ હીરો છું ? પ્રેકટીકલ વિચાર. તું ભલે મને પ્રેમ કરતી હોય. પણ શુ પ્રબલ સાથે થયેલ અન્યાય ભૂલી શકીશ તું ? પહેલાની વાત અલગ હતી પણ બધું જાણ્યા પછી શુ તું પ્રબલની પરિસ્થતિ માટે પોતાને જવાબદાર નહી માને ? હા, પ્રત્યુષ હું જ જવાબદાર છું આ પરિસ્થિતિની. માનુ છું હું. પણ પ્રબલને ન્યાય આપવા જતા તમને હું અન્યાય કરીશ. એનું શુ ? ના, પ્રલોકી...તું કોઈ અન્યાય નથી કરતી. તે મને મારા ભાગનો પ્રેમ આપ્યો. પણ હવે પ્રબલનો વારો છે. તું એને અપનાવી લે. અને તમારું શુ પ્રત્યુષ... ? મારૂં શુ.... ? પ્રલોકી તું ખુશ હોઈશ તો હું ખુશ જ રહીશ. હવે, તમારા વગર ના રહી શકું હું પ્રત્યુષ. કોણ કહે છે મારા વગર રહેવાનું. હંમેશા હું તારી જોડે છું. જોડે જ રહીશ. તું જયારે કહીશ ત્યારે હું તારી મદદ કરવા પણ તૈયાર રહીશ. તું હવે બસ પ્રબલ સાથે જીવ. જે પ્રેમ તે તારી અંદર સાચવી રાખ્યો છે. એને બહાર લાવ. સાત વર્ષથી જે તારી અંદર ગૂંગળાઈ રહ્યું છે. એને હવે તું ખુલ્લી હવા આપ. તું પોતે નક્કી કર કોની જોડે જવું છે તારે. કોઈ દબાણ નથી તારી ઉપર.
પ્રત્યુષ, પ્રબલ..... હું નથી નક્કી કરી શકતી હું શુ કરું ? પ્રલોકી.. તું તારું દિલ કહે એ કર. દુનિયાનું કે બીજું કશુ ના વિચારીશ. પ્રબલે કહયું. પ્રત્યુષ મને માફ કરો. મારા લીધે તમારે આ બધું સહન કરવું પડે છે. તમે સાચું કહયું, જો હું તમારી સાથે રહીશ તો પ્રબલની પરિસ્થિતિ માટે પોતાને જવાબદાર માનતી રહીશ. પણ જો હું પ્રબલ પાસે જાઉં છું તો હું....મને માફ નહી કરી શકું. બસ, પ્રલોકી.. પ્રત્યુષ થોડો અકળાઈને બોલ્યો. હું એ જાણ્યા પછી તને નહી સ્વીકારી શકું કે તું પ્રબલને પણ પ્રેમ કરે છે. હું ગમે તેટલું ઈચ્છીશ તો પણ એક પુરુષ તરીકે તારી ઉપર શક કરી દઈશ. મેં રાતે જ નિર્ણય લઈ લીધો હતો. હું તને ડિવોર્સ આપીશ. તું પ્રબલ સાથે જ રહીશ. આ મારો આખરી નિર્ણય છે. પ્રત્યુષ.... ! પ્રલોકી રડતા રડતા બોલી. મારી મરજી તો પૂછો. નથી પુછવી મારે તારી મરજી. મારી મરજી એ જ છે, હું હવે તારી સાથે નહીં રહી શકું. પ્રત્યુષે કડક અવાજમા કહયું. પ્રબલ, હું તમને કશુ જ કહેવા માંગતો નથી. મને ખબર છે તમે પ્રલોકીને મારા કરતા પણ વધુ ખુશ રાખશો. પ્રલોકી, પ્રબલ હવે વધુ હું નહી ઉભો રહી શકું. મારો શ્વાસ રૂંધાય છે. હું નીકળું છું. પ્રલોકી, ખુશ રહેજે. પ્રત્યુષ... પ્લીઝ... પણ પ્રત્યુષ નીકળી રહ્યો હતો. પાછું વળી પણ જોયુ નહી. સડસડાટ એ ચાલી નીકળ્યો. પ્રબલે પ્રલોકીનો હાથ પકડી પોતાના તરફ ખેંચી. પ્રલોકી પ્રબલને વળગીને રડી, સાત વર્ષથી જે ડુમો અંદર બંધાયેલો એ આંસુ સાથે બહાર નીકળવા લાગ્યો. પ્રલોકીને આજે લાગ્યું ફરી એ જીવિત થઈ છે. પ્રલોકી, આઈ લવ યુ....હું મારી બધી ભૂલો સુધારીશ. પ્રબલ, ભૂલો તો મેં કરી એ હું સુધારીશ. આઈ લવ યુ ટૂ... શુ તું મને માફ કરીશ. પ્રબલે બોલ્યા વગર પ્રલોકીને વધુ મજબૂત રીતે પકડી લીધી.
પ્રત્યુષ બહુ જ રડ્યો. પણ એ ખુશ હતો પ્રલોકી અને પ્રબલ માટે. પ્રલોકી ઘરે આવી. પ્રત્યુષ... સોરી... .. પણ હું તમારા વગર..પ્રલોકી કાલે આપણે કોર્ટ જઈએ છીએ. મેં વકીલ સાથે વાત કરી દીધી છે. બંને વચ્ચે મૌન છવાઈ ગયું. પ્રલોકી પ્રત્યુષની નજીક આવી. પ્રત્યુષ ના ખભા પર માથું નાખી, પ્રત્યુષનો હાથ પકડ્યો. હંમેશની જેમ બંને બોલ્યા વગર બેસી રહયા. પ્રલોકી રડતી રહી. પ્રત્યુષે કહયું, રડી લે આજે તું પ્રલોકી આજે તું.. મનભરી લડી લે. આજ બધું ભૂલી જા. કાલથી તારો નાનપણનો પ્રેમ, તારા સપના રાહ જોવે છે. એ જીવજે. પ્રત્યુષ.... આઈ લવ યુ.... પ્રલોકી, આઈ લવ યુ ટૂ. પ્રત્યુષ પ્રલોકીની પીઠ પર હાથ ફેરવતો રહયો. એક નિશ્વાર્થ પ્રેમ કરતો રહયો. ક્યાંય સુધી બંને બેસી રહયા. બીજા દિવસે પ્રત્યુષે પ્રલોકી સાથે ડિવોર્સ લઈ લીધા. પ્રલોકીએ પ્રબલ સાથે મેરેજ કર્યા. પ્રલોકી... થૅન્ક્સ મારી જિંદગીમા આવવા માટે. પ્રબલ અને પ્રલોકી બંને એક થઈ ગયા. પ્રત્યુષ લંડન જતો રહયો. અને ત્યાં એને બીજા મેરેજ કર્યા. આજે પણ એ પ્રલોકીનો સારો ફ્રેન્ડ છે. પ્રબલ અને પ્રલોકીએ એક સાથે હોસ્પિટલમા બેસવાનું સપનું પૂરું કર્યુ. બંનેનું ટોપના ડોક્ટર્સમા નામ છે.
** સંપૂર્ણ**
મારા વાચક મિત્રોનો બહુ બહુ આભાર. તમારા સહકાર અને પ્રોત્સાહનના લીધે હું આ નવલકથા લખી શકી. પ્રલોકી એ મારી આજુબાજુ જીવાયેલી વાર્તા છે. મેં શબ્દો ગોઠવી એ તમારા સમક્ષ રજુ કરી છે. મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કરવા વિનંતી. આશા રાખું તમને આ નવલકથા ગમી હોય.......

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED