tavdi books and stories free download online pdf in Gujarati

તાવડી

ટૂંકી વાર્તા :


તાવડી :


વહુ – દિકરાની સાથે ગાડીમાંથી ઉતરતા ધ્યાનમાં આવ્યું અમે વૃદ્ધાશ્રમ ના દરવાજે આવી ઉભા હતા.

મન અનાયાસ જ વમળો રચવા માંડ્યું અને સમગ્ર અસ્તિત્વ એમાં ક્યારે ગૂંચવાઈ ગયું તેની ખબર જ ન રહી. દિકરા પર તો ગળા સુધી નો વિશ્વાસ, અને વહુ ને પણ દિકરીથી એ વિશેષ હથેળીમાં રાખી’તી, તેના દરેક વિચારને – વાતને હકારાત્મકતાથી જ લઈ, ઘરના વાતાવરણમાં સહજ હળી ભળી જાય, ઘરને પોતીકું કરી રહેતી થઇ જાય તે માટે પ્રોત્સાહન આપ્યું હતું. શંકા ઉપજે તેવા કોઈ એંધાણ તો દેખાતા ન હતા, છતાં પારકી જણીનું પેટ કેમ જાણી શકાય ! આ વમળાતા મનથી પ્રભાવિત તન જાણે ટાઢું બોળ થઇને થીજી ગયું, તેની સાથે આંખો પણ કોણ જાણે ક્યાંથી પણ દરવાજાથી બહારની એક બાજુ વેરાઈ ને પડેલી તૂટેલ તાવડી પર સ્થિર થઇ ગઈ. તાવડી ના એ ટુકડાઓ પર જાણે વિતેલ વર્ષોના કૈંક કેટલાય અણગમતા પ્રસંગો ઉપસી આવતા હોય તેવું લાગ્યું.

દિકરાએ હાથ પકડી કહ્યું ‘ચાલ, માં ! ક્યાં અટકી ગઈ ?’ ત્યારે તંદ્રા તૂટી અને ચાલતી થઇ પણ અંગોમાં શિથીલતા વ્યાપી ગયેલી વરતાતી હતી. મન પણ મંદ ગતિએ ચાલતું થઇ તાવડી ની ત્રિજ્યા તરફ ગતિ કરવા માંડ્યું.

આ તાવડી ની જાતે ય કેવી - માટીનું ઢેફું, ઘાટ આપ્યો તેમ ઘડાઈ, તપી, સુકાઈ, તરડાઈ, તૂટવાનું અને તરછોડાવાનું !!! અરે....અરે એ તાવડી ની નિયતિ તો ખરી, પણ આ એની કોર ક્યાં, ક્યારે ટોચાઈ કે તરડાઇ ?

તાળો મળે ન મળે, મન તો અતીતમાં ઊંડું ને ઊંડું ઉતરતું જ જાય. લપસણા માર્ગે વળ્યા તે વળ્યા, ને વહુપણા ના પોતાના દિવસો અને વેઠેલી આકરી સાસરી આંખ સામે ઉઘલી આવી, વગર બોલાવી જાન ની જેમ. એ માંહે નો તલભાર અણસારે ય આ વહુએ જોયો નથી કે એનો સહેજે ઉલ્લેખ કર્યો નથી કદી વહુ કને. હા, એ ભૂતકાળની કડવાસ હજુ ય મનમાંથી ગઈ નથી, અને તેનો પ્રભાવ ક્યાય પડે નહિ તેની કાળજી પણ રાખી છે. તો શું, ક્યાં ઓછું આવ્યું હશે, કેમ કળવું ? એવી આકરી સાસરી માં પણ ઘર સંભાળેલ.

તાવડી તેર વાના માંગે અને તેત્રીસ પ્રકારનાં તંત ઉભા કરે, છતાં બધું સમું સુતર ઉતરી ગયું હતું. કઈક સાસુની પ્રકૃતિ અને પડ્યો સ્વભાવ હતો અને કૈક પોતાનો પણ ખરો જ ને. પોતાના સ્વભાવને પ્રમાણવાનો તો કદી પ્રસંગ જ ક્યાં પડ્યો, અને પડ્યેથી પણ એમાં નબળાઈ તો કદી વર્તાઈ નથી અને હવે જો કઈ એવું વર્તાય જે કોઈ ઘટનાક્રમ ના મૂળમાં હોય, તો તેનું નિરાકરણ પણ નીકળે. પણ તે અંગે કઈ કોઈ બોલે તો ને ? આજે ક્યાં આવી ઉભા છીએ, લાચારી છે, કૈક સ્વત: કરવામાં અશક્ત હોવાનું અનુભવીએ છીએ. ગજબ છે ને ! આ સમય તો ક્યારેય અશક્ત નથી બનતો. ક્યારેક આપણો તો ક્યારેક અન્યનો, એના સ્વભાવગત અણુ એ અણુમાં વ્યાપ્ત રહી કાર્ય કરતો રહે છે. હશે, હવે તો બધું સમય અને ભાગ્ય પર જ છોડવું રહ્યું. અહી આવવાનું પણ કોઈક પૂર્વના લેણ દેણ ને લઈને જ બન્યું હશેને !!!

મનની મંથર ગતિ સાથે આ આયખું પણ સદેહે પોચા પગે આગળ વધતું જતું’તું, ત્યાં દિકરાએ ફરી ધ્યાનભંગ કરાવતા કહ્યું, માં, તું ભૂલી ગઈને આજે દાદીની પુણ્યતિથી છે. તેં તો એને જીવ્યા લાગી સાચવી લીધી’તી પણ મને થયું કે એવી કેટલીયે ન સચવાયેલ દાદીઓ અહી છે તેને જમાડી આશીર્વાદ લઈને આપણે દાદીનું શ્રાદ્ધ કરીએ.


મનોજ જ. શુક્લ.


-----------

બીજા રસપ્રદ વિકલ્પો