તપારો (વાર્તા સંગ્રહ) મનોજ દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તપારો (વાર્તા સંગ્રહ)

તગારે તપાવી નગારે વગાડો,
તપારે જ જીવન ચમકતું મળે છે. -(૧૨/૫/૨૦૧૮)

ટુંકી વાર્તા : --

સજ્જનની સિંગ એટલે ... બસ એના જેવી સિંગ ક્યાંય ન થાય. મોટી બધી કઢાઈમાં તપાવે તો ય સજ્જનના હાથનો જાદુ તે કેવો, ક્યાંય ના મળ્યું હોય તેવું સ્વાદનું સંમોહન તેની તપાવેલ સિંગ પાસેથી સાંપડે. વગર કોઈ જાહેરાત કર્યે મલકમાં પ્રખ્યાત થઈ ગઈ સજ્જનની સિંગ. કહે છે ને સજ્જનોનો સંગ સારા પરિણામ જ આપે. અને એક સદવિચાર ને મુદ્રાલેખ ની જેમ સજ્જને હ્રદયમાં કોતરી રાખેલ "તગારે તપાવી નગારે વગાડો,
તપારે જ જીવન ચમકતું મળે છે".

મૂળ તો એ ગરમ મિજાજ માણસ હતો, પણ વ્યાવસાયિક, સામાજીક વ્યવહારોમાં પડવાંનું થતાં થતાં આ માટી સમયની સરાણે ચડતાં મઠારાવા લાગી, કાંઈક બાપદાદાના સંસ્કાર 'ને કાંઈક આગળ પાછળનો વિચાર કરવાની કોઠાસૂઝ પણ જાગૃત થવા લાગી તે ઠરેલ માણસની ઠાવકી છાપ સમાજમાં ઉપસી આવી.

જણ, નસીબનો બળિયો તો ખરો જ, કિલ્લોલ કરતાં પરિવારની ગાડી સરસ ચાલતી. બાળકો પણ ભણવા ગણવામાં સારા નિવડ્યા, મોટા થતાં યુવાનીનાં ઊંબરે પહોંચવા આવ્યા.

આમ તો આ ભાઈ કોઈ સગા, સંબંધી કે સ્નેહી જનોના બાળકો વિ. ભણવા કે નોકરી ધંધે આવતા હોય તેની જવાબદારી ના લે, છતાં જરુર પુરતી દેખભાળ રાખે. પ્રભાકરભાઈ જેવા ભલા માણસ પંદર સત્તર વર્ષ પડોસી રહેલા તે પરિવારનો ભરોસો બની ગયેલ તે પ્રભાકરભાઈના સંજોગો પલટાયા 'ને મકાન વેચીને વતનને ગામ રહેવા ગયા, ને છોકરાની નવી નવી નોકરી શહેરમાં જ લાગેલી તે એને ફરજિયાત રોકાવું પડે તેમ હતું.

સજ્જને સજ્જનતાથી ઘરમાં જગા આપી. લવરમુછયો જણ નવી નવી નોકરી અને છોકરો કોઈ વાતે મુંજાય નહીં તે માટે બાપાએ બે પૈસા અદકા દઇ રાખેલા તે કુંવર જરા છૂટ માં રહે. નોકરીના વર્તુળ માંથી ઉમેરાયેલ બે ચાર નવા મિત્રો ની અવર જવર શરું થતાં ઘરના માહોલમાં કાંઈ બદલાવ આવે તે પહેલાં સજ્જનનું મનોગત સંવાદી થયું અને એક તારણ પર આવ્યો ઠેસ આવે પહેલાં જ સંભાળીને ચાલીયે એમાં જ શાણપણ.

એકાદ મહિનો પૂરો થવામાં હતો એવામાં હળવાશની વાતચીત ની પળોમાં સજ્જને સહજતાથી છોકરાને - પરાગને સલાહ આપતાં કહ્યું હવે તો પગાર આવશે'ને ? પહેલો પગાર પ્રભાકરભાઈને હાથમાં મૂકીશ ને તો તેઓ ખૂબ ખુશ થશે, અને ધીમે ધીમે હવે આ શહેરનું ઘર ફરીથી પહેલાની જેમ ચાલતું થાય તે પણ તારે જ જોવું પડશે.

પીઢતાથી આડકતરા ઈશારો આપ્યા પછી ધીમે-ધીમે ભાડે આપવાના ખાલી મકાનના ઉલ્લેખ પણ ઘરમાં થતાં રહેતાં છોકરાએ સમય જતાં બે'ક એકલા રહી નોકરી ધંધો કરતાં છોકરાઓ જોડે શેરિંગમાં ભાડાના મકાનમાં જવાનું ગોઠવી લીધું અને પછીના મહિનાના આરંભે ત્યાં શીફ્ટ પણ થૈ ગયો.પછી થી કોઈ વાવડ હોય ત્યારે કે ઠાલા ખબર અંતર પૂછવા પંદર વીશ દી'એ આંટો મારી જતો.

બપોર વેળાએ એક દી' કૈક કારણ થી ઘરથી નજીક ના મહોલ્લામાંથી પસાર થવાનું બનતા તે સામેની શેરીના નાકે દિકરીને આ પરાગ અને તેના મિત્ર જોડે ઊભીને વાત કરતા જોઈને તે તરફ વળવાનું મન તો થયું પણ તે ઘડીએ મન વાળી લીધું.

દુકાને જઈને કામે લાગી જવા છતાં સજ્જને મન કૈક શંકા કુશંકા માં અટવાતુ'તું તેને રોક્યું. રાતે જમવા ટાણે બાળકોની ગતિવિધિઓ ની સહજ પૃચ્છા કરી લીધી પણ કશું ફેર સવાલ કરવા જેવું જણાયું નહિ. છતાં રાતની નિંદર વેરણ થૈ ગઈ જણાઇ. પડખા ફરતાં ફરતાં ક્યારે આંખ મળી ગઈ ખબર ના પડી. અરે, આ પરાગ નું અહીં રહેવું અને તેના મિત્રોનો આવરો જાવરો શરું થયો 'ને આ ડાટ વળ્યો. કોઈ દી' ના કરું તેવી મુર્ખામી કરી ગયાનો વસવસો અકળાવતો'તો, ત્યાં ઓચિંતા જ દુકાને આવી પરાગે તેના પેલા મિત્રની ઓળખ કરાવી, તે દિકરી પ્રિયલ સાથે જ કોલેજમાં ભણે છે ની વાત કરી અને તેઓ અવારનવાર મળતા રહે છે તેવું કહેતા સાથે તન મન પરથી સંયમ ખોઈ બેઠેલા સજ્જને તે છોકરાને એક ફડાકો મારી દેતાં ગરદનથી પકડીને તેનું મોં તપાવાતી સીંગ ની કઢાઇ માં દબોચી દીધું. સજ્જન ના કસાયેલા હાથની પક્કડમાં થી કોઈ જાતે છટકી શકે કે કોઈ તેને છોડાવી શકે ની વાતમાં રામ રામ કહો ! આવું થતાં હોહા ગોકીરો થઈ ગયો અને કોઈ નો સાદ કાને પડ્યો - ' અરે ભાઈ મુક હવે, આ જીવતો માણસ ભુંજાઈ જશે.' અને સજ્જનની સંવેદનશીલતાની સાથે સાથે આંખ પણ ખુલી ગઈ. ગળું સુકાઈ ગયું હતું ઉઠીને પાણીઆરે ગયો, પાણી પી ફરી પથારીમાં પડ્યો અને વિચારવા લાગ્યો,'આવા નિષ્ઠૂર અને નિર્દયી કૃત્યનો મનમાં વિચાર પણ કઈ રીતે આવી ગયો.' 'પોતાના અંત: તળમાં છુપો રહેલો સંતાન ભોળવાઈ જશે નો ડર કે પોતે સંતાન પરનું નિયંત્રણ ખોઈ બેસશે નો ડર કે પોતે આપેલ સંસ્કાર માં શ્રધ્ધા નો અભાવ કે પછી હ્રદય પર બાજી રહેલ મમતનું અંધ આવરણ સપાટી પર આવી કાર્યરત થયું.' આમ જ વિચાર વલોણું ફરતું રહ્યું અને સવાર પડી ગઈ.

બીજા દિવસે નાસ્તા સમયે બાળકોને વાત કરતાં કહ્યું હવે તમે મોટા થયા, સ્કુલ, કોલેજમાં અભ્યાસ સાથે જુદા જુદા કારણો અને કામસર એકલા હાથે સામાજિક વ્યવહારોમાં આવવાનું બનશે, ત્યારે કોઠાસૂઝ અને આપણી આબરૂ જળવાઈ રહે અને તેમા વધારો થાય તે તમારા હાથની વાત છે. ઘરના સભ્યોની જાણ બહાર કોઈ સંપર્કો કે સંબંધો વિકસે અને તેની જાણ અમને બીજા મારફત થાય અને અમને નીચાજોણું થાય તેવું ન બને તેમ રહેવા જીવવાની પરિપક્વતા તમારી પાસેથી અપેક્ષિત છે. નિ: સંકોચ બધી જ બાબતોની ઘરના બધા સભ્યોની હાજરીમાં ચર્ચા વિચારણા કરી આગળ વધવાની આગ્રહપૂર્વક આદત રહેશે તો બધે આનંદ અને પ્રસન્નતા નો માહોલ બની રહેશે. આપણા સંસ્કાર અને સંસ્કૃતિ નું ગૌરવ વૃધ્ધિ પામશે. ખરેખર તપારે જ જીવન ચળકતું મળે છે.

--મનોજ જ. શુક્લ.
(૧૩-૧૦-૨૦૧૯)