પ્રપંચ Abid Khanusia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રપંચ

** પ્રપંચ **

સિંગાપુર એરલાઇન્સની ફ્લાઈટને ન્યુયોર્ક પહોચવામાં હવે ફક્ત બે કલાક જેટલો સમય બાકી હતો. હાલ આ ફ્લાઈટ ૨૫૦૦૦ ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી. વાતાવરણમાં થોડોક પલટો આવતાં કદાચ પ્લેનને હજુ થોડીક વધુ ઉંચાઈએ લઇ જવું પડશે તેમ માની પાયલોટે વિમાનના ઈન્ડીકેટર સ્ક્રીન પર “ Fasten your belt “ અને “ No Smoking” ની સૂચના પ્રદર્શિત કરી સાથે સાથે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પર પણ તે અંગેની સૂચના રેલાઈ એટલે બધી એરહોસ્ટેસ હરકતમાં આવી ગઈ. થોડીક મિનિટોમાં ફ્લાઈટે ૩૦૦૦૦ ફૂટની ઉચાઇ પકડી. ઉંચાઈ વધવાના કારણે વિમાનમાં હવાનું દબાણ ઓછું થતાં દરેક યાત્રીની સામે ઓક્સિજન માસ્ક આપો આપ નીચે આવી ગયા. બીઝનેસ કલાસમાં મુસાફરી કરી રહેલા જસ્ટીસ પંકજ દવેએ પોતાના ચહેરા પર માસ્ક પહેર્યો તેમ છતાં તેમને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી. તેમણે એરહોસ્ટેસની મદદ માગી. જસ્ટીસ દવેનો શ્વાસ ફૂલવા લાગ્યો હતો. તેમની છાતી ધમણની જેમ ફૂલતી અને બેસતી હતી. દરેક ફ્લાઈટમાં કેબીન ક્રુ ને પ્રાથમિક સારવારની ટ્રેનીંગ આપવામાં આવેલ હોય છે. એરહોસ્ટેસે જસ્ટીસ દવેને પ્રાથમિક સારવાર આપી તેમના શ્વાસોશ્વાસ નિયમિત કરવાનો પ્રયત્ન કર્યો તેમ છતાં જોઈએ તેવી સફળતા ન મળી અને યાત્રીની બગડતી જતી સ્થિતિ જોઈ એરહોસ્ટેસે પબ્લિક એડ્રેસ સિસ્ટમ પરથી વિમાનમાં કોઈ ડૉકટર મુસાફરી કરી રહ્યા હોય તો તાત્કાલિક બીઝનેસ કલાસમાં આવી જવા વિનંતિ કરી.

એરહોસ્ટેસની વિનંતિ સાંભળી બીઝનેસ કલાસમાં જ મુસાફરી કરી રહેલ એક બત્રીસેક વર્ષનો યુવાન ડૉક્ટર આવી પહોચ્યો. તેણે જસ્ટીસ દવેની સ્થિતિ જોઈ તેમને ઊંડા શ્વાસો લેવાની સલાહ આપી. ઊંડો શ્વાસ લેવાનો પ્રયત્ન કરતાં જસ્ટીસ દવેને ઉધરસ ચઢી અને તે હાંફવા લાગ્યા. તેમને શ્વાસ લેવામાં વધારે તકલીફ પાડવા લાગી. ડોક્ટર સમજી ગયો કે જસ્ટીસ દવેને અસ્થમાનો એટેક આવ્યો છે. ડૉકટરે તેની પાસેની મેડીકલ કીટમાંથી પોર્ટેબલ નેબ્યુલાઈઝર કાઢી જસ્ટીસ દવેને સીટ પર સુવડાવી સારવાર શરુ કરી. તે સમય દરમ્યાન વતાવરણ નોર્મલ થતાં ફ્લાઈટ ફરીથી ૨૫૦૦૦ ફૂટની ઉંચાઈએ આવી જતાં વિમાનમાં હવાનું દબાણ પણ નોર્મલ થઇ ગયું. જસ્ટીસ દવે હવે નોર્મલ થતા જતા હતા. જસ્ટીસ દવેની બાજુમાં બેઠેલા યાત્રીએ ડૉકટરને પોતાની સીટ પર બેસવાની વિનંતી કરી તે ડૉકટરની સીટ પર જઈ બેસી ગયા.

દસ મિનિટમાં જસ્ટીસ દવેનો અસ્થમાનો એટેક શમી ગયો. તે એકદમ નોર્મલ થઇ ગયા. તેમણે ડૉકટરનો અભાર માન્યો. જસ્ટીસ દવેએ પોતાનો પરિચય આપતાં જણાવ્યું, “ હું ગુજરાત હાઈકોર્ટમાં જજ છું અને “ઇન્ટર નેશનલ એસોશિએશન ઓફ વિમેન જજીસ ઓર્ગેનાઈઝેશને” ન્યુયોર્કમાં યોજાનાર વાર્ષિક મેળાવડામાં “વિશ્વમાં સ્ત્રીઓને બરાબરીના ન્યાયિક હકો મળવા જોઈએ” તે વિષય પર મારા મંતવ્યો રજુ કરવા મને આમંત્રણ આપ્યું છે માટે હું ત્યાં જઈ રહ્યો છું. વધારે પડતા ધ્રુમપાનના કારણે મારા ફેફસાં નબળા પડી ગયાં છે. બે વર્ષથી મેં ધૂમ્રપાન સદંતર બંધ કરી દીધું છે તેમ છતાં મને ઘણીવાર અસ્થમાનો એટેક આવે છે.”
જસ્ટીસ દવેને યુવાન ડોકટર વિષે જાણકારી મેળવવાની જિજ્ઞાસ થતાં તેનું નામ પૂછયું તો તેણે જણાવ્યું કે તેનું નામ ડૉ. શિશિર ભટ્ટ છે. નામ સાંભળી જસ્ટીસ દવે ગુજરાતીમાં બોલ્યા ગુજરાતી છો ? શિશિર બોલ્યો હા. મારા પેરેન્ટસ ગુજરાતી છે. હું અમરિકામાં જન્મ્યો છું. જસ્ટીસ દવેને શિશિર સાથેની વાતચીતથી જાણવા મળ્યું કે તેની માતાનું નામ ઉર્મિલા અને તેના પિતાનું નામ અંકુર ભટ્ટ છે. તેઓ અમદાવાદના છે અને ૩૫ વર્ષ પહેલાં અમેરીકા શિફ્ટ થયા છે. તે અમેરિકન સીટીઝન છે. શિશિર કાર્ડિયાક સર્જન છે અને દિલ્હીમાં યોજાએલ “ગ્લોબલ કાર્ડિયાક કોન્ફરન્સ”માં ભાગ લેવા આવ્યો હતો. હવે ન્યુયોર્ક પરત જઈ રહ્યો છે.

શિશિરના માતા પિતાના નામો જસ્ટીસ દવેને પરિચિત લાગ્યા. વધારે પૂછપરછ કરવી યોગ્ય નથી તેમ માની તે ચુપ થઇ ગયા પરંતુ થોડી વાર પછી તેમણે શિશિર ને પૂછયું, “શિશિર તારી માતાનું વર્જિન નામ ઉર્મિલા જોશી છે ?” શિશિરે હા પાડી. જસ્ટીસ દવે બોલ્યા કદાચ હું તારા માતા પિતાને જાણું છું. શિશિરે અચરજથી તેમની સામે જોયું. શિશિર બોલ્યો “અંકલ, હજુ એક કલાકની મુસાફરી બાકી છે તમે આરામ કરો” જસ્ટીસ દવેએ ઊંડો શ્વાસ લઇ તેમની આંખો બંધ કરી.

જસ્ટીસ દવેની સમક્ષ છત્રીસ- સાડત્રીસ વર્ષ પહેલાંનો ભૂતકાળ જાગૃત થયો. ઉર્મિલા, અંકુર અને પંકજની ત્રિપુટી કોલેજમાં તેમની દોસ્તી માટે મશહુર હતી. પંકજ શ્યામવર્ણનો જયારે અંકુરનો વર્ણ ઉજળો હતો. ઉર્મિલા એકદમ ખુબસુરત અને ચંચળ હતી. પંકજ શ્યામવર્ણનો હોવા છતાં ઉર્મિલા તેના તરફ આકર્ષાઈ હતી. તેનું આકર્ષણ દિવસે દિવસે પ્રેમમાં પરીણમ્યું. અંકુરને પંકજ પર ઈર્ષા થવા લાગી. તે આ બંનેની જોડીને તોડી ઉર્મિલાને પોતાની બનાવવાના પેંતરા રચવા માંડ્યો.

પંકજની માતા બિમાર હોવાથી તેમને દવાખાને દાખલ કરવા પડ્યા હતા. પંકજ પોતાના માતા પિતાનું એકનું એક સંતાન હતો. પંકજના પિતા થોડાક સમયથી પથારીવશ હતા એટલે પંકજને માતા પાસે અને પિતા પાસે દોડાદોડી કરવી પડતી હોવાથી તે કોલેજ આવી શકતો ન હતો. અંકુર પંકજની માતાની ખબર પુછવા દવાખાને રોજ આવતો. એક દિવસે તેણે પંકજને કહ્યું ,” પંકજ, મારે નાટકમાં ભાગ લેવો છે તેના ઓડીશન માટે તું મને એક રોમાન્ટિક સીન લખી આપ જેમકે કોઈ યુવાન પોતાની પ્રેયસીને પ્રપોઝ કરતો હોય તેવું ખુબ લાગણીભર્યું સીન.” પંકજ વ્યસ્ત હોવા છતાં તેણે પોતાના ખાસ મિત્ર માટે સમય કાઢી એક રોમાન્ટિક સીન લખી આપ્યો. અંકુર તે પત્ર લઇ ચાલ્યો ગયો. જતાં જતાં કહેતો ગયો કે નાટકની તૈયારી કરવામાં વ્યસ્ત થઇ જશે તો તે રોજ દવાખાને આવી શકશે નહી. પંકજની માતાની માંદગી વધારે લંબાઈ. ઘણી સારવાર કરવા છતાં પંકજની માતા બચી ન શકયા. પંકજની માતાના મૃત્યુ નો આઘાત પંકજના પિતા જીરવી ન શકયા. ત્રણ દિવસ બાદ તે પણ મૃત્યુ પામ્યા. આટલા દુખદ પ્રસંગો બન્યા હોવા છતાં અંકુર અને ઉર્મિલા તેના ઘરે બિલકુલ ન ફરકયા એટલે પંકજને ખુબ દુઃખ થયું.

લગભગ એક મહિના બાદ પછી પંકજ કોલેજમાં આવ્યો. બીજા મિત્રો તેની માતા અને પિતાના મૃત્યુ અંગે તેને દિલસોજી પાઠવી ગયા પરંતુ અંકુર અને ઉર્મિલા તેવો વિવેક કરવાનું પણ ચુકી ગયા. પંકજને ખુબ માઠું લાગ્યું અને જયાં સુધી તે બંને તેની માફી ન માગે ત્યાં સુધી તેમની સાથે વાતચીત ન કરવાનો નિશ્ચય કરી અભ્યાસમાં જોડાઈ ગયો. પરીક્ષા પૂરી થઇ ગઈ ત્યાં સુધી આ મિત્ર ત્રિપુટીના અબોલા ના તૂટ્યા. સમય પસાર થઇ ગયો. ઉર્મિલા અને અંકુર પરણી ગયા અને અમેરીકા ચાલ્યા ગયા. પંકજ વકીલાતનું ભણી પહેલાં વકીલાત કરી ત્યારબાદ જજ બન્યો અને હવે હાઈકોર્ટનો જજ પણ બની ગયો.
જે.એફ.કેનેડી એરપોર્ટ, ન્યુયોર્કમાં ઈમીગ્રેશનની પ્રક્રિયા પૂરી કરી જસ્ટીસ દવે બહાર આવ્યા ત્યારે શિશિર એક્ઝીટ દરવાજા પાસે તેમની રાહ જોઈ ઉભો હતો. તેણે કહ્યું ,” અંકલ મારા મોમ અને ડેડ મને લેવા આવ્યા હશે. આપણે તેમને મળીએ. તમે કહ્યું હતું તેમ જો તમે તેમને ઓળખતા હશો તો જૂની ઓળખાણ તાજી થશે અને નહી ઓળખતા હોવ તો નવી ઓળખાણ થશે.” જસ્ટીસ દવેને કોઈને મળવું ન હતું પરંતુ વિમાનમાં શિશિરે તેમની સારવાર કરી હતી તેથી જસ્ટીસ દવે તેને ના ન પાડી શકયા. એરપોર્ટની બહાર લોંજમાં ઉર્મિલા ઉભી હતી. શિશિરને પંકજ સાથે આવતો જોઈ તેને ગભરામણ થઇ. “હાય મોમ, હાવ આર યુ ? “ કહી શિશિર તેની માતાને ભેટી પડ્યો. અને બોલ્યો, “હું તને ઓળખાણ કરવું, મીટ, જસ્ટીસ પંકજ દવે” ઉર્મિલા બોલી, “શિશિર આઈ નો હીમ અને પંકજ સામે જોઈ બોલી કેમ છે પંકજ ? બહુ સમય પછી મળ્યા નહિ ?” શિશિરના “ ડેડ ક્યાં છે,મોમ ?” ના પ્રશ્નના ઉત્તરમાં ઉર્મિલાએ જણાવ્યું કે તે થોડાક કામ માટે ગયા છે આવતા હશે. શિશિર તેની મમ્મી પાસેથી ગાડીની ચાવી લઇ પાર્કિંગમાંથી ગાડી લેવા ચાલ્યો ગયો.

ઉર્મિલાએ પંકજને પૂછ્યું, “ સુનિતા કેમ છે પંકજ ? બાળકો શું કરે છે ? “

પંકજ, “ કોણ સુનિતા ?”

ઉર્મિલા, “સુનિતા, જેને તુ બે હદ ચાહતો હતો તે. તેં તેની સાથે લગ્ન નથી કર્યા ? ”

પંકજ, “ તને કોણે કહ્યું હું સુનિતાને ચાહતો હતો ? હું કોઈ સુનિતાને ઓળખાતો જ નથી. અને તારી જાણકારી માટે જણાવું કે મેં કોઈની પણ સાથે લગ્ન નથી કર્યા”
ઉર્મિલા, “તારી માતા બિમાર હતા ત્યારે તેં એક નાના છોકરા સાથે મને એક પત્ર મોકલાવ્યો હતો જેમાં તું સુનિતાને તારો પ્રેમ સ્વિકારી લેવા વિનંતિ કરી હતી. ખુબ લાગણીથી ભરપુર પત્ર હતો. એટલે તો હું તારા જીવનમાંથી હટી ગઈ હતી.”

પંકજ ને ચિત્ર સ્પષ્ટ થઇ ગયું અંકુરે તેની પાસે પોતાના અક્ષરોમાં ઓડીશન માટે જે લાગણી સભર રોમાન્ટિક સીન લખાવ્યું હતું અને જે તેણે ઉર્મિલાને તેની નજરો સમક્ષ રાખી ચિત્રણ કર્યું હતું તે લખાણનો અંકુરે પ્રપંચથી દુરુપયોગ કરી તેમના પ્રેમમાં ભંગાણ પડાવી તે ઉર્મિલા સાથે લગ્ન કરવામાં સફળ થયો હતો.

ઉર્મિલાના જીવનમાં કોઈ બવંડર ઉભું ન થાય તે માટે પંકજને કોઈ ચોખવટ કરવાનું ઉચિત ન લાગ્યું.

શિશિર અને અંકુર આવે તે પહેલાં તે “ઇન્ટર નેશનલ એસોશિએશન ઓફ વિમેન જજીસ ઓર્ગેનાઈઝેશ” દ્વારા મોકલેલી ગાડીમાં બેસી રવાના થઇ ગયો.


-આબિદ ખણુંસીયા (“આદાબ” નવલપુરી)
-તા. ૨૭-૧૦-૨૦૧૮