સોલાંગવેલી પ્રકરણ - 2 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોલાંગવેલી પ્રકરણ - 2

2.

(સુપ્રિયા અને આરવ ઉપરાંત તેમની સાથે રહેલાં તમામ કપલ જયપુરમાં ફર્યા અને તે બધાંને ખુબ જ મજા આવી, તે બધાં જ જયપુરમાં ફર્યા, ખરીદી કરી, સૌથી વધુ મજા તેઓને આમેર ફોર્ટ ફરવાની આવી હતી, આમેર ફોર્ટની નયન રમરણ્યતા અને ભવ્યતા જોઈને બધાં જ કપલ મંત્રમુગ્ધ થઈ ગયેલા હતાં,ત્યારબાદ તેઓ હોટલ ત્રિશૂળ પાછા ફરે છે, અને સિકંદર તેમને આવતીકાલે શિમલા જવાં માટેનું શેડ્યુલ સમજાવે છે….અને પછી પોત - પોતાનાં રૂમમાં જમીને પરત ફરે છે..!)

સમય - સવારનાં 10 કલાક
સ્થળ - હોટલ ત્રિશૂળ

બધાં જ કપલ હોટલ ત્રિશૂળની કેન્ટીનમાંથી સવારનો નાસ્તો કરીને પોત - પોતાનાં બેગ લઈને કેન્ટીનની બહાર જાણે રેમ્પ વોક કરી રહ્યાં હોય તેવી રીતે બહાર આવ્યાં, જેમાંથી અમુક અમુક કપલ પોત - પોતાનાં ફોટાંઓ પાડવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં….એવામાં આરવ અને સુપ્રિયા પણ બહાર આવ્યાં….!

ધીમે - ધીમે બધાં જ કપલ પોત - પોતાની સીટ પર ગોઠવાઈ ગયાં, અને બસ ડ્રાઈવર પણ જાણે જયપુરને અલવિદા કહી રહ્યો હોય તેમ બે - ત્રણ વખત હોર્ન વગાડીને શિમલા જતાં રસ્તા પર પોતાની બસ ભગાવી….! જેમાંથી અમુક કપલે પોતાના વ્હોટ અપમાં સ્ટેટ્સ મૂક્યું…"enjoy a lot at Jaipur..Now on the way to Simla…!" - જે અત્યારનું યંગ જનરેશન કેટલું અપડેટ થઈ ગયું છે તેની ચાડીઓ ખાઈ રહ્યું હતું… ધીમે - ધીમે બસ હવે પોતાની મૂળ ઝડપ પકડી રહી હતી…!

એવામાં સિકંદર આ બધાં કપલની આગળ ઉભો રહ્યો અને આગળનું શેડ્યુલ સમજાવતાં બોલ્યો કે…

"મિત્રો ! આપણી ટુરના શેડ્યુલ પ્રમાણે હાલ આપણે જયપુરથી શિમલાં જવાં માટે રવાનાં થઈ રહ્યાં છીએ...અને આવતી કાલે વહેલી સવારે આપણે શિમલાં પહોંચી જઈશું…!"

"આપણે શિમલાં કેટલાં વાગ્યાંની આસપાસ પહોંચીશું ?" - બસમાંથી એક યુવકે પૂછ્યું.

"સાહેબ ! આપણે લગભગ રાતે 1 કે 2 વાગ્યાંની આસપાસ શિમલાં પહોંચી જઈશું…!"

"શિમલાં આપણે કેટલાં દિવસ રોકાવાનું છે..અને ત્યાં સાઈટસીન કરી શકાય એવાં ક્યાં - ક્યાં સ્થળો છે…!" - આરવે સિકંદરને પૂછ્યું.

"સાહેબ ! તમને જયપુર હરવાં -ફરવાંની જેટલી મજા આવી હતી એનાથી પણ ડબલ મજા તમને શિમલાંમાં ફરવાની આવશે...એ જવાબદારી મારી… આમ જોવાં જાવ તો શિમલાંના મુખ્ય આકર્ષણોમાં તો એકથી એક ચડિયાતી અને મનમોહક જગ્યાઓ આવેલ છે, ત્યાં જઈને તમને જાણે કુદરતનાં ખોળે બેસેલાં હોય તેવી અનુભૂતિ થઈ આવશે...શિમલાંનાં મુખ્ય આકર્ષણોમાં ખાસ કૂફરી, જાકુ હિલ, ક્રાઈટસ ચર્ચ, માલ રોડ, કેન્ડલ પોઇન્ટ અને આ ઉપરાંત શિમલાંમાં આવેલ ટોય ટ્રેન જે અંગ્રેજ લોકોનાં શાસનકાળ દરમ્યાન વિકસાવેલ હતી જે આજે પણ શિમલાંમાં કાર્યરત છે, જો તમે એમાં મુસાફરી કરો તો તમને એવું લાગશે કે તમે વાદળોને ચિરતાં - ચિરતાં આરપાર નીકળી રહ્યાં હોય…!" - સિકંદર શિમલાંમાં ફરવાં લાયક બધાં જ સ્થળોનાં એકપછી એક વખાણ કરતો રહ્યો અને બધાંને માહિતી આપતો ગયો, જે સાંભળીને બસમાં બેસેલાં દરેક કપલને શિમલા જલ્દી આવી જાય તેવી લાગણી થઈ આવી.

બસ તેનાં રાબેતાં મુજબ જયપુરથી શિમલા જવાં માટે રવાના થઈ….રસ્તામાં આવતાં દરેક કુદરતી સૌન્દર્યો બધાંનું અચુક ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં હતાં, એમાંપણ જ્યારે તે બધાં હિમાચલ પ્રદેશની સરહદમાં પ્રવેશ્યા ત્યાં તો જાણે કોઈ અલગ જ દુનિયામાં આવી ગયાં હોય તેવું સૌને લાગી રહ્યું હતું, ઊંચી ઊંચી ટેકરીઓ, ઊંડી ઊંડી ખીણો, મોટી - મોટી ભેખડો, સાપની માફકના ગોળ ગોળ વળાંક ભરેલાં રસ્તાઓ જાણે બસ સાથે સંતાકૂકડી રમી રહ્યાં હોય તેમ ભૂલભુલૈયા જેવાં લાગી રહ્યાં હતાં, રસ્તામાં આવી રહેલા ઝરણાઓ, નદીઓ વગેરે જાણે મંત્રમુગ્ધ બનાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, ટેકરીઓ પણ જાણે લીલા રંગની ચાદર ઓઢીને, બધાંને આવકારી રહી હોય તેવું લાગી રહ્યું હતું….જાણે ભગવાને પૃથ્વીના બે છેડાં બનાવ્યા હોય તેવું લાગી રહ્યું હતું..એક પ્રદેશમાં ઉકળાટ થાય એટલી ગરમી અને અસહ્ય તડકો પડી રહ્યો હોય, જ્યારે શિમલાં ઉપર જાણે ભગાવન કે ઈશ્વર મહેરબાન હોય તેમ એકદમ હુંફાળી અને ગુલાબી ઠંડનાં સ્વરૂપે જાણે હેત વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું….આ કુદરતી સૌંદર્ય કે નજારો જોઈને જ બસમાં બેસેલાં તમામ કપલ જાણે પોતાની ટુરનો તમામ ખર્ચ વસુલ થઈ ગયો હોય તેવુ લાગી રહ્યું હતું…!

લગભગ સવારનાં 4 વાગ્યાની આસપાસ અંતે બધાં જ કપલ જે જગ્યાએ ફરવાની આશા અને ઉત્સાહ સાથે આવેલ હતાં, તે સ્થળ એટલે કે શિમલાં આવી જ ગયું…!

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સ્થળ - હોટલ આવકાર
સમય - સવારનાં 4 કલાક.

સિકંદરે બધાં જ કપલને હોટલ આવકાર પાસે ઉતારવાં માટે જણાવ્યું અને એક પછી એક બધાં જ કપલ બસમાંથી નીચે ઉતર્યા, એટલીવારમાં હોટલનો એક કર્મચારી રૂમની ચાવિઓનો જુડો લઈને આવ્યો, અને સિકંદરનાં હાથમાં આપી, ત્યારબાદ સિકંદર એક એક કપલને રૂમની ચાવીઓ સોંપતો ગયો, અને હોટલનાં રજીસ્ટરમાં તેઓની એન્ટ્રી કરવાં માટે સમજાવ્યું, અને સાથે - સાથે આવતીકાલનું શેડ્યુલ પણ સમજાવી દીધું…

પછી બધાં જ કપલ પોતાને જે રૂમ ફાળવવામાં આવેલ હતાં, તે રૂમમાં પ્રવેશ્યા અને એ બધાંને આખા દિવસની મુસાફરીનો એટલો બધો થાક લાગેલ હતો કે બેડ પર પડતાંની સાથે જ ક્યાં ઊંઘ આવી ગઈ તે ખ્યાલ જ ના રહ્યો..!

સવારનાં 8 કલાકની આસપાસ સિકંદરે આપેલ સુચના મુજબ બધાં જ કપલ હોટલ આવકારનાં ડાઇનિંગ હોલમાં નાસ્તો કરવાં માટે આવી ગયાં, અને થોડીવારમાં તે બધાં જ કપલ નાસ્તો કરીને હોટલનાં મેઈન ગેટ પાસે આવી ગયાં.

બે - ચાર દિવસોમાં જાણે ટુરમાં આવેલ બધાં જ કપલ વચ્ચે એટલી ગાઢ મિત્રતા બંધાય ગઈ જાણે તે બધાં વર્ષોથી એકબીજાને ઓળખતાં હોય તેવું લાગી રહ્યું હતું...આમપણ સિકંદરે એ લોકોને ટુરનાં પહેલાં જ દિવસે જણાવેલ હતું કે," જો ! તમે ખરેખર ટુરનો આનંદ કે મજા માણવાં માંગતા હોવ તો તમે ચાર - ચાર કપલનું એક ગ્રૂપ બનાવી લો, જેથી કરીને તમને પણ ફરવાની સાચા અર્થમાં મજા આવશે….જો તમે એકલાં - એકલાં ફરશો તો એ તમારા ગામની બજારમાં ફરતાં હોય તેવું જ લાગશે…!" - સિકંદરની આ સોનેરી સલાહનું જાણે બધાં જ કપલે ચુસ્તપણે પાલન કર્યું હોય તેમ બધાં જ કપલ ચાર - ચારનાં ગ્રુપમાં વહેંચાય ગયાં હતાં, ત્યારબાદ બધાં જ હોટલ આવકારની બહાર ઉભેલ ટેક્ષીઓમાં એક પછી એક એમ ગ્રૂપ મુજબ ગોઠવાઈ ગયાં, અને બધી જ ટેક્ષીઓ નીકળી પડી…શિમલાંની એ નયન રમ્યતા અને કુદરતી સૌંદર્યને માણવાં..અને જોતજોતામાં તે બધી જ ટેક્ષીઓ શિમલાંના એ પહાડી રસ્તાને ચીરતી ચીરતી આગળ ધપવાં લાગી..!

ત્યારબાદ બધાં કપલ શિમલાંમાં આવેલ ફરવાં લાયલ સ્થળોની મુલાકાત લેવાનું ચાલુ કર્યું...જેમાં સૌ પ્રથમ તેઓ જાકુ હિલ ફરવા ગયાં…જાકુ હિલએ શિમલાંમાં આવેલ એક્દમ સુંદર અને માણવાં લાયક સ્થળ છે...જ્યાં એકદમ જૂનું મંદિર આવેલ છે જેનું નામ છે "જાકુ ટેમ્પલ" જે આ પહાડીનાં નામ પરથી જ પાડવામાં આવેલ છે….આ મંદિર ચારેબાજુએથી પહાડીઓથી ઘેરાયેલ છે, અને આ પહાડીઓ પર આવેલ હરિયાળી અને રંગેબેરંગી પુષ્પો જાણે જાકુ હિલની શોભામાં ચાર ચાંદ લગાવી રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું, ત્યારબાદ આ હિલ પર આવેલ વાંદરાઓની હરકતો અને રમતો જોઈને બધાં કપલ ખુશ ખુશાલ થઈ ગયાં, આ ઉપરાંત આ મંદિરનું મુખ્ય એવું આકર્ષણ ત્યાં આવેલ હનુમાનજીની મોટી પ્રતિમા જાણે સાક્ષાત હનુમાનજી મહારાજ ગદા લઈને ઉભેલ હોય તેવું લાગી રહ્યું હતું.

જાકુ હિલ ફર્યા બાદ બધી જ ટેક્ષીઓએ શિમલાંનું મુખ્ય આકર્ષણ એટલે કે કૂફરી જતો રસ્તો પકડ્યો અને એ પહાડી રસ્તે થઈને બધી જ ટેક્ષીઓ અંતે કૂફરી પહોંચી ગઈ….કૂફરીએ શિમલાંનું એક મુખ્ય આકર્ષણ છે, જ્યાં ધુડ કે ખચ્ચર સવારી કરવાનો બધાં જ કપલે આનંદ માણ્યો, અને હાજા ગગડાવી નાખે એવી ઠંડીમાં બધાં જ કપલે મેગીનો પણ આસ્વાદ માણ્યો, ત્યારબાદ અમુક કપલે ત્યાં આવેલ યાર્ક સાથે ફોટોસૂટ પણ કરાવ્યો તો અમુક કપલે શિમલાંના ટ્રેડિશનલ પોશાકમાં કપલ ફોટો પડાવ્યો, અને જે કપલ એડવેન્ચરનો શોખ ધરાવતું હતું તે કપલે વાઈલ્ડ લાઈફ એડવેન્ચર પણ કર્યું….કૂફરીમાં ચાર - પાંચ કલાક કયાં પસાર થઈ ગયાં એ ખ્યાલ જ ના રહ્યો.

કૂફરી ફર્યા બાદ બધી ટેક્ષીઓ એ ક્રાઇટ્સ ચર્ચ તરફ પ્રયાણ કર્યું, ત્યાં ચર્ચમાં બધાં કપલે દર્શન કર્યા, ચર્ચામાં દાખલ થતાંની સાથે જ બધાંને જાણે એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થયો, આ ચર્ચ સાઉથ ઇન્ડિયાની બીજા નંબર પર આવતી સૌથી જૂની ચર્ચ છે, જે હાલમાં પણ અડીખમ ઉભેલ છે, જે જુનાં સમયમાં નિર્માણ પામેલ કલા અને સ્થાપત્યનો બેનમૂન નમૂનો હોય તેવું બધાંને લાગી રહ્યું હતું..!

ચર્ચ ફર્યા બાદ આરવે ટેક્ષીના ડ્રાઈવરને જણાવ્યું કે,"જો ! અમારે કદાચ એકાદ સ્થળની મુલાકાત લેવાનું રહી જશે તો ચાલશે પરંતુ અમારે શિમલાંમાં આવેલ વર્ષોથી ચાલતી પ્રખ્યાત ટોય ટ્રેનમાં મુસાફરી કરવાનો લ્હાવો અચૂક લેવો છે…!" - આરવની આ વાત સાથે બધાં જ કપલે સહમતી દર્શાવતા પોતાનાં માથા ધુણાવ્યાં.

"સાહેબ ! શિમલાંથી છેલ્લી ટ્રેન 5 વાગ્યે નીકળે છે કાલકા જવાં માટે….પરંતુ…!!" - ટેક્ષી ડ્રાઇવર થોડુંક ખચકાતા - ખચકાતા બોલ્યો.

"પરંતુ ! પરંતુ ! શું.. ?" - સુપ્રિયાએ અચરજ સાથે પૂછ્યું.

"સાહેબ ! હું તમને બધાંને પાંચ વાગ્યાં પહેલાં શિમલાં રેલવેસ્ટેશને પહોંચાડી તો દઉં પરંતુ તે ટ્રેનમાં મુસાફરી કરવાની તમને ટીકીટ મળવાની શક્યતા ઓછી છે…!" - ટેક્ષી ડ્રાઇવર બધાં કપલની અને આરવની સામે જોતાં બોલ્યો.

"તમે ! અમને એકવાર શિમલાં રેલવેસ્ટેશને પહોંચાડી આપો, બાકી ટિકટ મળે કે ના મળે એ પછીનો પ્રશ્ન છે, જો અમે એ ટોય ટ્રેનમાં મુસાફરી નહીં કરીશું તો તેનો વસવસો અમને કાયમિક માટે રહી જશે...માટે તમારાથી જેટલું શક્ય હોય તેટલું અમને શિમલાં રેલવે સ્ટેશને ઝડપથી પહોંચાડી આપો…!" - બધાં કપલ એકમત થતાં બોલ્યાં.

બધાં જ કપલની ઝીદ્દ સામે અંતે ટેક્ષી ડ્રાઇવરો પોતાનાં હથિયાર હેઠા મૂકી દીધાં અને બધી જ ટેક્ષીઓ શિમલાં રેલવેસ્ટેશન તરફ જવાં માટે વાયુ વેગે રસ્તાઓ પર ભગાડી મૂકી…અને પાંચ વાગ્યાં પહેલા તો તે બધાને શિમલાં રેલવેસ્ટેશને પહોંચાડી દીધાં….અને એ બધાં કપલનાં નસીબ સારા હતાં કે તે બધાંને અંતે એક ડબ્બામાં જગ્યા મળી, પરંતુ એ બધાં જ કપલ સાથે એવું સારું ટ્યુનિંગ આવી ગયેલ હતું કે બધા જ કપલ એક જ ડબ્બામાં ગોઠવાય ગયાં.. !

ત્યારબાદ એ ટોય ટ્રેન ટેકરીઓને ચીરતી ચીરતી આગળ વધવાં લાગી, જાણે વાદળોની ઉપરથી ટ્રેન પસાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું હતું, એવામાં પણ જ્યારે ટ્રેન ઊંડી - ઊંડી ખીણો પરથી પસાર થતી હતી ત્યારે તો સારા સારા હિંમતવાન વ્યક્તિને પણ પરસેવો છૂટી જાય એવી બીક લાગી રહી હતી, અને જ્યારે ટ્રેન ટનેલમાંથી પસાર થાય ત્યારે ટ્રેનમાં થોડીવાર માટે છવાઈ જતો અંધકાર નબળા હૃદયવાળા લોકોનું હૃદય બેસાડી દે તેવું ભયંકર લાગી રહ્યું હતું, બરાબર એ જ સમયે લોકો જોર જોરથી ચિચિયારીઓ પાડી રહ્યાં હતાં, એ ક્ષણભાર માટે હૈયું કંપાવી દે તેવી લાગી રહી હતી…!

ધીમેં -ધીમે એ ટ્રેન એક પછી એક એમ રેલવેસ્ટેશન પાર કરતી ગઈ, અને અંતે કાલકા રેલવેસ્ટેશન આવી ગયું, જ્યાં બધાં જ કપલ ઉતરી ગયાં, આ રેલવેસ્ટેશન પર બધી જ ટેક્ષીઓ અગાવથી આવીને ઉભેલી હતી, આ ટ્રેનની સફર બધાં માટે રોમાંચક, થ્રિલર અને આનંદદાયક બની રહી...ટોય ટ્રેનની મુસાફરીનો આનંદ માણ્યા બાદ બધી જ ટેક્ષીઓ માલ રોડ તરફ ફરી.

માલ રોડ એ શિમલાંનું જાણે હૃદય હોય તેમ ધબકી રહ્યો હતો, આખા રોડ પર આવેલ વુલનની અને બીજી દુકાનો રસ્તા પર ચાલતાં હર કોઈનું ધ્યાન અચૂકપણે પોતાની તરફ ખેંચી રહી હતી, ત્યારબાદ બધાં જ કપલે ત્યાં શોપિંગનો આનંદ માણ્યો, અને ત્યારબાદ માલ રોડ ખરીદી ઉપરાંત ખાવા - પીવાની વાનગીઓ માટે પણ વખણાય છે, આથી બધાં કપલે માલ રોડ પર શિમલાંની પ્રખ્યાત અને જાણીતી વાનગીઓનો પણ આસ્વાદ માણ્યો….

આમ જાકુ હિલથી થયેલ દિવસની શરૂઆત અંતે માલ રોડની શોપિંગ અને વાનગીઓના આસ્વાદ સાથે પૂરી થઇ, બધાં કપલ ત્યારબાદ હોટલ આવકારે પરત ફર્યા, એ લોકો જ્યારે ફરી રહ્યાં હતાં, ત્યારે એટલાં મંત્રમુગ્ધ થઈ ગયેલાં હતાં, કે તેઓને જરાપણ થાક એ સમયે મહેસુસ થઈ રહ્યો ન હતો, પરંતુ જેવાં તે બધાં હોટલે પરત ફર્યા કે તરત જ તે બધાંનાં ચહેરા પર થાક સ્પષ્ટપણે જોઈ શકાતો હતો…!

ત્યારબાદ બધાં જ કપલ ફ્રેશ થઈને આવકાર હોટલનાં ડાઇનિંગ હોલમાં ડિનર માટે આવી પહોંચ્યા, અને જમવાનું શરૂ કરી દીધું….થોડીવાર બાદ સિકંદર એ ડાઇનિંગ હોલમાં પ્રવેશે છે અને આવતીકાલના પ્રોગ્રામ વિશે વિગતવાર જણાવતાં કહે છે કે આપણે આવતીકાલે સવારે મનાલી જવાં માટે રવાનાં થવાનું છે.

બધાં જ કપલે એમાંપણ ખાસ કરીને આરવ અને સુપ્રિયાએ શિમલાંમાં ખૂબ જ આનંદ કર્યો, જે ખરેખર તેની આખી જિંદગીનો એક યાદગાર પળ બની રહ્યો….પરંતુ મનાલીમાં એક અંધકારમય અને ડરામણું ભવિષ્ય જાણે આરવ અને સુપ્રિયા માટે વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું….જેનો સુપ્રિયા કે આરવને જરાપણ અણસાર હતો નહીં…!

મનાલીમાં સુપ્રિયા કે આરવ સાથે શું ઘટનાં ઘટવાની હશે…? મનાલીમાં કંઈ જગ્યા કે સ્થળે સુપ્રિયા કે આરવ સાથે શું ઘટનાં ઘટશે…? શું ? આરવ કે સુપ્રિયા સાથે કંઈ અજુગતું બનશે..? શું આરવ કે સુપ્રિયા આ અંધકારમય અને ડરામણાં ભવિષ્યમાંથી ઉગરી શકશે…? " - આ બધાં જ પ્રશ્નોના જવાબ હાલમાં સુપ્રિયા કે આરવ પાસે હતાં જ નહીં જે જવાબ માત્ર આવનાર સમય જ આપી શકે તેમ હતું.


ક્રમશ :

મિત્રો, જો તમે આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ શોર્ટ સ્ટોરી વિશેનાં તમારા કિંમતી રીવ્યુ કે પ્રતિભાવો પણ મને જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com