સોલાંગવેલી પ્રકરણ - 1 Rahul Makwana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોલાંગવેલી પ્રકરણ - 1

1.

સુપ્રિયા અને આરવ કેશરી હિન્દ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસ માંથી નીચે ઉતરે છે...ધીમે - ધીમે બધાં જ કપલ એક પછી એક બસમાંથી ઉતરે છે, ત્યારબાદ બધાં જ કપલ પોત-પોતાનો સામાન અને બેગ બસની ડેકીમાંથી ક્લીનર પાસે બહાર કઢાવે છે….અને બધાં જ કપલ પોતાનો સામાન બાજુમાં રાખીને ઉભા રહે છે.

એવામાં ટુર મેનેજર સિકંદર આ કપલ્સ જ્યાં ઉભેલ હતાં, ત્યાં જાય છે, અને બધાં કપલ્સ તરફ જોઈને બોલે છે કે…

"મારું નામ સિકંદરખાન પઠાણ છે...અને હું તમારી આ હનીમૂન ટુરનો મેનેજર છું, તમે આ ટુર સબંધિત તમારા કોઈપણ પ્રકારનાં મંતવ્યો મને બેફિકર થઈને જણાવી શકો છો….તમને અમારી ટ્રાવેલ્સ એજન્સી દ્વારા તમારી આ ટુરનું અગાવથી જ જે શેડ્યુલ આપેલું છે, આપણે તે જ શેડ્યુલ મુજબ જ આગળ વધીશું….આ શેડ્યુલ મુજબ આપણું પહેલું વિઝીટ પ્લેસ છે…."જયપુર" અને સામે જે "ત્રિશુલ હોટલ" છે ત્યાં તમારા માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરેલ છે…તેમ છતાંપણ તમારે કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે…!"

"આપણે આ પ્લેસ પર કેટલાં દિવસ રોકાવાનું છે…?" - સુપ્રિયાએ સિકંદરની સામે જોઇને પૂછ્યું.

"જી ! મેડમ ! આપણે અહીં એક દિવસ અને એક રાત રોકાવાનું છે…!" - સિકંદર સુપ્રિયાનાં પ્રશ્નનો જવાબ આપતાં બોલ્યો.

"અહીં જયપુરમાં સાઈટ સીન કરવાં જેવાં ક્યાં - ક્યાં સ્થળો છે…? - આરવે પૂછ્યું.

"જી ! સાહેબ ! અહીં ઘણાં બધાં સ્થળો એવાં છે કે તમે મંત્રમુગ્ધ કરી દેશે….આવતીકાલે સવારે આપણે જયપુર બજારમાં ફરીશું...અને બપોર પછી આપણે જૂનું જયપુર શહેર જે છે તેની મુલાકાત કરીશું...જેને "પિંક સીટી" તરીકે પણ ઓળખવામાં આવે છે….અને ત્યાંથી આપણે જયપુરનો જગવિખ્યાત આમેર ફોર્ટની મુલાકાત કરીશું….!"

"આમેર ફોર્ટ વિશે થોડી વધુ માહિતી આપશો..?" - એક કપલે સિકંદર ખાનને પૂછ્યું.

"સાહેબ ! આમેર ફોર્ટ, જયપુરથી 11 કિ.મી દૂર આવેલ છે, આજના જયપુરમાં રાજધાની સ્થળાંતરીત થઈ તે પહેલાં આ શહેર કચવાહા વંશના રાજાની રાજધાની હતું. આમેરનો ફોર્ટ તેની કલાત્મક શૈલી, હિંદુ અને મુસ્લિમ કલા તત્વોનો સંગમ અને તેની વૈભવશાળી અને નવાઈ પમાડતી કલાત્મકતા માટે જાણીતો છે.

આ ફોર્ટનું નામ પડે એટલે અકબરના નવ રત્નોમાં એક લખાતાં રાજા માનસિંહ યાદ આવે. આમેરમાંથી શાસન ચલાવનાર પ્રથમ રાજવી આ કિલ્લો બનાવનાર મીણા કોમ હતાં,આજે અંગ્રેજી પ્રભાવને કારણે સહુ એમને મીના મીના કરે છે તે કોમ, કચવાહ કે પછી કુછવાહ સમયમાં આ આમેરનું અસ્તિત્વ હતું પણ એક નાના મહેલ જેવું. એમાં રાજા જયસિંહે વર્ષો સુધી રાજ કર્યું. મીણાઓએ આ મહેલ બનાવ્યો હતો રાણી ગટ્ટાદેવી માટે, જેનું નામ સુધ્ધાં ઇતિહાસમાં નથી જડતું.

ઉપરાંત આ એક વાત તો માનવી જ પડે કે આ કિલ્લો જોઈને દિલ બાગ બાગ થઇ જાય. હાલમાં ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી દ્વારા થયેલા સર્વે પ્રમાણે લગભગ રોજ 5000થી વધુ ટુરિસ્ટ આ આમેર ફોર્ટ જોવા આવે છે. 2013માં થયેલી 37મી હેરિટેજ મીટિંગમાં રાજસ્થાનના જે પાંચ કિલ્લાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું તેમાં આમેર શામેલ છે.

આમેર ફોર્ટનું સૌથી મોટું આકર્ષણ છે શીશ મહેલ , જે અકબરનું જોઈને માનસિંહે બનાવડાવ્યો હશે એમ માનવું વ્યવહારુ લાગે છે. આમેરની ઝલક નીચે તળાવમાં પડે છે ( એક ચોક્કસ એન્ગલથી ) જે બેહદ સુંદર લાગે છે.

આમ આમેર ફોર્ટ જોઈને તમારા બધાંના મનમાં એક અલગ પ્રકારનો જ આનંદ થઈ આવશે...અને તમે એવું જ અનુભવશો કે તમે પોતે જ જાણે એ કિલ્લાનાં રાજા હોવ, તમે જ્યારે ફોર્ટમાં ફરી રહ્યાં હશો ત્યારે તમને એવું લાગશે કે જાણે તમે નગરચર્યામાં નીકળ્યા હોવ…!

"સરસ ! તો અમે બધાં આવતી કાલનાં સવારની આતુરતાપૂર્વક રાહ જોઈશું…!" - આરવ અને સુપ્રિયા એકસાથે જ બોલી ઊઠ્યાં.

"સારું ! તો આવતીકાલે સવારે 9 વાગ્યે તમે બધાં તૈયાર થઈ જજો, આપણે સવારે નાસ્તો કરીને બરાબર 10 વાગ્યાનાં ટકોરે જયપુર ફરવાં માટે નીકળી જઈશું..!" - સિકંદર બધાં કપલની સામે જોઇને બોલ્યો.

બધાં કપલ હોટલ ત્રિશૂળનાં રજીસ્ટરમાં પોત - પોતાની એન્ટ્રી કરીને તેઓને જે રૂમ આપવામાં આવેલ હતાં, તેમાં જવાં લાગ્યાં, અને થોડીવારમાં સિકંદરે તેનાં માણસોની મદદથી એ બધાં જ કપલનો સામાન પોત - પોતાનાં રૂમમાં પહોંચાડી દીધો…..!

આ બાજુ આરવ અને સુપ્રીયા પોતાનાં રૂમમાં પહોંચે છે, રૂમમાં પહોંચતાની સાથે જ તેઓની આંખો આશ્ચર્ય અને નવાઈ થી અંજાય જાય છે, કારણ કે પૂરેપૂરો રૂમ હનીમૂન માટે ડેકોરેટ કરેલ હતો, જેમાં રંગબેરંગી ફુગ્ગો લગાવેલ હતાં, કેન્ડલો હતી, ટીપાઈ પર મોટી એવી કેક રાખેલ હતી, બેડ જાત-જાતનાં રંગબેરંગી ફૂલોથી શણગારેલા હતો, જેમાં બેડશીટ કે ચાદરમાંથી બતક બનાવેલ હતાં, જેઓ એકબીજાની ચાંચમાં ચાંચ નાખીને એકબીજા પ્રેત્યે પ્રેમથી ઓત પ્રોત થઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું….આ જોઈ આરવ અને સુપ્રિયાનાં મનમાં આનંદનું મોજું ફરી વળ્યું...આ જોઈ સુપ્રિયા પોતાની અણિયારી આંખો ઉંચી કરીને આરવ સામે જોવે છે, આરવ પણ જાણે સુપ્રિયાની એ અણિયારી આંખોથી ઘાયલ થઈ ગયો હોય તેમ, એકબીજાની સામે જોઇને માત્ર આંખો આંખોના ઇશારાથી એકબીજાનાં મનની વાત જાણી અને સમજી લે છે...જે કદાચ આરવ અને સુપ્રિયા વચ્ચે કેટલો પ્રેમ હશે એ બાબતની ચાડી ખાઈ રહ્યુ હતું...ત્યારબાદ સુપ્રિયા અને આરવ રૂમમાં રહેલાં કબાટમાં સામાન વ્યવસ્થિત ગોઠવે છે, અને ફ્રેશ થવાં માટે જાય છે, અને ફ્રેશ થયાં બાદ જાણે એકદમ કોરા આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાય જાય, અને ધોધમાર વરસાદ આવે, તેવી જ રીતે આરવ અને સુપ્રિયા વચ્ચે પ્રેમનાં ઘનઘોર વાદળો છવાઈ ગયાં હતાં, બસ જરૂર હતી તો માત્ર ધોધમાર વરસાદ વરસવાની...ત્યારબાદ જેવી રીતે ધોધમાર વરસાદ આવે અને આપણે ભીંજાય જઈએ તેવી જ રીતે આરવ અને સુપ્રિયા એકબીજાનાં પ્રેમથી પુરેપુરા ભીંજાય ગયાં, અને યુવાનીના જોશમાં ઓત-પ્રોત થઈને એકબીજામાં ખોવાય ગયાં, અને જાણે તે બે શરીર મટીને એક જ બની ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, અને જાણે એક પ્રેમનું જોરદાર પુર એ બનેવને પોતાનાં વહેણમાં તાણી ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

સમય - સવારનાં દસ કલાક
સ્થળ - હોટલ ત્રિશુળનું રેસ્ટોરેન્ટ

ધીમે - ધીમે એક પછી એક એમ બધાં જ કપલ હોટલ ત્રિશૂળનાં રેસ્ટોરેન્ટમાં આવવા લાગ્યાં, આ બધાં જ કપલને જોઈને એવું લાગી રહ્યું હતું કે જાણે કોઈ બ્યુટી કોનટેસ્ટનું આયોજન થયેલ હોય અને તેમાં આ બધાં કપલ ભાગ લેવાનાં હોય….એટલીવારમાં સુપ્રિયા અને આરવ પણ એ ડાઇનિંગ હોલમાં આવી પહોંચે છે...અને બધાં જ કપલ નાસ્તો કરવામાં વ્યસ્ત બની જાય છે...અને આજે નાસ્તામાં ઈડલી અને વડા સાંભર હતું જે આરવનાં મનપસંદ નાસ્તામાંથી એક હતું...આથી આરવે પેટ ભરીને નાસ્તો કર્યો…!

જ્યારે આ બાજુ જે કપલે નાસ્તો કરી લીધેલ હતો, તે બધાં જ કપલ હોટલનાં રીસેપ્શન એરિયાની આજુબાજુમાં અલગ - અલગ પોઝ આપીને પોતાનાં સારાં - સારાં અને મનમોહક ફોટાઓ પાડવામાં વ્યસ્ત બની ગયેલ હતો…

આ બધાં કપલ જાણે પોતાનાં આ હનીમૂન ટુરની સોનેરી અને આનંદદાયક પળોને કેમેરામાં કેદ કરી રહી હોય તેવું લાગી રહ્યું હતું…ધીમે - ધીમે બધાં જ કપલ રીસેપ્શન પાસે આવી જાય છે.

એવામાં સિકંદર આવે છે, અને બધાં જ કપલને આજનાં આખા દિવસનો કાર્યક્રમ ફરીથી સમજાવે છે, અને તે બધાંને બસમાં બેસવાં માટે કહે છે.. ધીમે - ધીમે બધાં જ કપલ બસમાં પોત - પોતાની સીટ પર ગોઠવાય જાય છે, અને અંતે બસ ઉપડી પડે છે ગુલાબી શહેર "જયપુર" ની મુસાફરી કરવાં માટે…

ત્યારબાદ તે બધાં આખો દિવસ જયપુરમાં ફરે છે, અને અંતે તેઓ આમેર ફોર્ટની પણ મુલાકાત લે છે...જયપુરમાં ઘણાં બધાં સ્થળોની મુલાકાત લીધી...તેમાંથી બધાંને ખરેખર આમેર કિલ્લામાં ફરવાની બધાંને ખૂબ જ મજા પડી ગઇ…બધાં જ કપલે લગભગ ત્રણ કલાક ત્યાં આમેર ફોર્ટમાં જ વિતાવી એ બાબતનો એમને ખ્યાલ જ ના રહ્યો.

પછી બધાં જ કપલ ફરી પાછાં બસમાં પોત - પોતાની સીટ પર ગોઠવાઈ જાય છે, અને સિકંદર બસને હોટલ ત્રિશૂળ તરફ જતાં રસ્તે લઈ જાય છે, અને લગભગ એકાદ કલાકમાં તેઓ હોટલે પહોંચી જાય છે….!

હોટેલે પહોંચ્યા બાદ તે બધાં જ ડિનર કરે છે, અને ડિનર કરીને ફરી પોત - પોતાનાં રૂમમાં પાછા ફરે છે, આ દરમિયાન સિકંદરે તેઓને આવતીકાલનું શેડ્યુલ બસમાં જ સમજાવી દિધેલ હતું…!

તે લોકોએ જેટલી મજા ધારેલ હતી તેના કરતાં પણ ખરેખર ખુબ જ મજા આવી હોવાથી, ઉપરાંત સિકંદર જેવો બેસ્ટ ટુર મેનેજર મળેલ હોવાથી બધાં જ કપલ ખુબ જ ખુશ લાગી રહ્યાં હતાં, અને એ લોકો પણ જાણે આ ટુર ફરવા નહીં પરંતુ સાચા જ અર્થમાં માણવા આવેલ હોય તેમ સિકંદરની દરેક વાત માનીને તેને પૂરેપૂરો સહયોગ અને સહકાર આપી રહ્યાં હતાં, જેથી તેઓને આવનાર દરેક સ્થળોએ જયપુરની માફક જ ફરવાની મજા પડે…
આ બાજુ સુપ્રિયા પણ ખુબ જ ખુશ હતી..અને સુપ્રિયાને ખુશ જોઈને આરવ પણ ખુબ જ ખુશ હતો….પરંતુ આરવ કે સુપ્રિયા એ બાબતથી તદ્દન અજાણ જ હતાં કે આવનાર સમય કે સ્થળ તેમની આ હનીમૂન ટુરમાં આફત અને મુશ્કેલીઓનો કાળા ડિબાંગ વાદળો લઈને આવવાનાં હતાં, જયપુરમાં જેટલી મજા આવી તેનાથી પણ અનેક ગણું મુશ્કેલીઓ કે આફતો જાણે સુપ્રિયા અને આરવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હોય તેવું લાગી રહ્યું હતું.
અને આરવ અને સુપ્રિયાને આ હનીમૂન ટુર લાઈફટાઈમ માટે એક ખરાબ સપનાં માફક બની રહેશે...જેનો તે બનેવમાંથી એકપણને જરાય અણસાર પણ ન હતો…!

શું ? ખરેખર ! આરવ અને સુપ્રિયાનાં જીવનમાં કોઈ મોટી આફત આવવાની હશે…? શું આફત આવશે તો આરવ અને સુપ્રિયા તેમાંથી હેમ ખેમ બહાર આવી શકશે…? શું આરવ કે સુપ્રિયાને એકબીજાને ખોવાનો વારો આવશે…? શું આરવ અને સુપ્રિયા આ મુસીબત કે આફતનો સામનો કરી શકશે…?




ક્રમશ :

મિત્રો, જો તમે આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ વાંચવા માંગતા હોવ, તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો…..જેથી કરીને મને આ શોર્ટ સ્ટોરીનો આગળનો ભાગ અપલોડ કરવા માટે પ્રોત્સાહન મળી રહે…..અને આ શોર્ટ સ્ટોરી વિશેનાં તમારા કિંમતી રીવ્યુ કે પ્રતિભાવો પણ મને જણાવી શકો છો.

મકવાણા રાહુલ.એચ
મોબાઈલ નં - 9727868303
મેઈલ આઈડી - rahulmakwana29790@gmail.com