Right Angle - 43 books and stories free download online pdf in Gujarati

રાઈટ એંગલ - 43

રાઈટ એંગલ

પ્રકરણ–૪૩

‘વ્હોટ?‘ ધ્યેય અવાચક બનીને કશિશ સામે જોઈ રહ્યોં,

‘હા...મારે કેસ પાછો ખેંચવો છે.‘ કશિશ એક એક અક્ષર છૂટો પાડીને બોલી,

‘કિશુ, આપણે જીતી જઇશુ...તારે ન્યાય જોતો હતો ને તે તને મળી રહ્યોં છે. તે સાથે દુનિયાભરની નામના મળી રહી છે. આવતી કાલના પેપર જોજે...ઈનફેક્ટ ન્યુઝ ચેનલ પર તો અત્યારથી આ વિશે ચર્ચા ચાલુ હશે. માત્ર ગુજરાતમાં જ નહીં દેશ આખામાં નામ બનાવવાની જીવનમાં આવી બીજી તક નહીં મળે.‘ ધ્યેયએ પળભરના આચકાં પછી એને સમજાવવાની કોશિશ કરી,

‘ધી, આઈ નો કે તારે માટે આ બહુ ઓચિંતું છે. પણ મેં કેસ કર્યો ત્યારે જ એ નક્કી કરી રાખ્યું હતું કે હું મારા પપ્પાને હું જેલમાં ન જોઈ શકું...‘ કશિશ પોતાના પોઈન્ટ ક્લિયર કરીને ધ્યેયને સમજાવવાની કોશિશ કરી,

‘અરે પણ જરુરી નથી કે આ કેસમાં જેલ જ થાય...બીજી કોઈપણ સજા થઈ શકે છે...કારણ કે આવો કેસ આજસુધી આવ્યો નથી. એટલે એમને જેલ જ થશે તે કહી ન શકાય.‘ ધ્યેયએ દલીલ કરી,

‘પણ અગર જેલ થઈ તો? મારા પપ્પા આ ઉંમરે જેલમાં જાય, એનું આકરું જીવન જીવે તો હું એક દીકરી તરીકે મારી જાતને કેમ માફ કરી શકું?‘ ધ્યેય એની વાત સમજશે તે ઉમ્મીદથી કશિશ એને જોઈ રહી.

‘અરે પણ તું એ કેમ ભૂલી જાય છે કે જે કાંઈ થયું તે ઉદયને કારણે થયું. તને ભણવા ન જવા દેવા માટે એણે અંકલને ભરમાવ્યા હતા તો એને તો સજા મળવી જોઈએ ને?‘ ધ્યેયને કેસ પાછો ખેંચી લેવાની વાત જ ગળે નહતી ઉતરતી. એની વીસ વર્ષની પ્રેકટિશમાં આ કેસે જેટલી એને નામના આપવી તે બીજા કેસે અપાવી ન હતી. વળી આ કેસ સાથે એ જેટલો દિલથી જોડાયો હતો તેટલો બીજા કેસ સાથે ન હતો જોડાયો. હવે કેસ જીતી જવાની અણી પર હોઈએ ત્યારે કેસ પાછો ખેંચવો પડે તો એ પરિસ્થિતિ માટે આમ તો રાતોરાત કેવી રીતે તૈયાર થાય?

‘ધી..પણ સાથે સાથે પપ્પાને પણ જેલમાં જવું પડે તે કેમ નથી સમજાતુ?‘ કશિશે હજુ ધીરજ રાખીને એને સમજાવવાની કોશિશ જારી રાખી,

‘મને ઉદય માટે લાગણી નથી....એને એની સજા મળી ગઈ છે. સમાજમાં આંખ ઊંચી કરીને જોઈ ન શકે એટલી એની બદનામી અને નાલેશી થઈ ચૂકી છે. આથી વધુ સજાની એને જરુર નથી...અને એને કારણે પપ્પાને સજા થાય તે મને મંજૂર નથી. એટલે હવે હું કેસ પાછો ખેંચવા ઈચ્છું.‘

આજસુધી જે કોઈ કેસ ધ્યેયએ કોર્ટમાં જોયા છે તેમાં નેવું ટકા કેસમાં સ્ત્રી પોતાના ભાઈ,પતિ કે પિતા સામેના કેસ પાછા ખેંચીને ખાનગીમાં સમાધાન કરી લેતી હોય છે. અથવા તો એમને માફ કરી દેતી હોય છે. સ્ત્રીઓ મોટાભાગે પોતાના સગાં–વહાલા તરફ લાગણીશીલ નિર્ણય લે છે. પણ ધ્યેયને કશિશ કદી એવી સ્ત્રી નહતી લાગી કે જે છેલ્લીઘડીએ કેસ પાછો ખેંચે. એટલે એને આ વાત ગળે નહતી ઉતરતી,

‘તારી વાત સાચી છે...અંકલને જેલની સજા થાય તેવું હું નથી ઈચ્છતો, પણ તને ન્યાય મળે સમાજમાં દાખલો બેસે તેવું ઈચ્છું છું. એટલે જ મારે કેસ પાછો નથી ખેંચવો.‘ ધ્યેયએ મક્કમ અવાજે પોતાનો પોઈન્ટ ક્લિયર કર્યો.

‘વ્હોટ ડુ યુ મીન?‘

‘વ્હોટ આઈ મીન, સમાજ માટે આ મિશાલરુપ કેસ છે અને તેમાં ચુકાદો આવે તે જરુરી છે. ત્યારે તું પીછેહઠ કરે તે યોગ્ય નથી.‘ ધ્યેયએ પોતાનો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાવવાની કોશિશ કરી,

‘જો, ન્યાય મેળવવા માટે હું બધાં સંબંધો બાજુ પર મૂકીને આજસુધી લડી છું. સમાજ માટે આટલું પૂરતું છે. બસ આથી વધુ બલિદાન હું ન આપી શકું.‘ કશિશ જરા પણ ઝુકવા તૈયાર ન હતી,

‘હું કેસ પાછો ખેંચું તેથી મારી પ્રતિષ્ઠને હાની પહોંચે તે મને ન પોસાય!‘ ધ્યેય છેલ્લું હથિયાર અજમાવ્યુ, એ જીદ્દ પર આવી ગયો હતો કે કશિશ કેમ એને સમજતી નથી.

‘પણ મારાં પરિવાર જેલમાં જાય તેનું શું?‘ કશિશના આ સવાલનો જવાબ ધ્યેય પાસે ન હતો. એને ચૂપ જોઈને કશિશે એક ઓર મુદ્દો વચ્ચે લાવી,

‘અને તને મારા કરતાં તારા પ્રોફેશનની વધુ પડી છે? આ છે તારો મારા પ્રત્યેનો પ્રેમ?‘ કશિશ બોલી રહે તે પહેલાં જ ધ્યેયએ એની વાત તોડી પાડી,

‘કિશુ ડોન્ટ મીકક્ષઅપ....પ્રોફેશન અને પ્રેમ અલગ વસ્તુ છે.‘

‘અચ્છા? કેવી રીતે? મને સમજાવ તો! તું મારો મિત્ર હતો એટલે તે મારો કેસ લડ્યો કે માત્ર વકીલની રુહે કેસ લડ્યો છે?‘ આ સવાલથી અત્યારે સુધી જે વાત અહ્મ સુધી સિમિત હતી તેમાં હવે એકબીજાની લાગણીઓ દુભાવવા સુધી પહોંચી ગઈ,

‘તારી કોઈ ફરિયાદ પણ સ્વીકારવા તૈયાર ન હતું ત્યારે મેં તને સાથ આપ્યો એ કેમ ભૂલી જાય છે? મારા પ્રયાસથી તે અહીં સુધીની મંઝિલ કાપી છે સમજી?‘ એકબીજાને પ્રેમ કરતાં બે પ્રેમીઓ આજે એકબીજા પર કોણે કોના માટે શું કર્યું તે ગણાવતાં થઈ ગયા,

‘અચ્છા તો તે મારા માટે એ અહેસાન કર્યો તેનો બદલો તું ઈચ્છે છે?‘ કશિશ હવે ગુસ્સે થઈ ગઈ હતી,

‘ડોન્ટ બ્લેમ મી....કિશુ યુ આર ક્રોસિંગ ધ લિમિટ!‘ કશિશના આક્ષેપથી ધ્યેય ઉશ્કેરાઈ ગયો. બન્ને વચ્ચેના ઝઘડો પરમસીમાએ પહોંચ્યો તે જોઈને રાહુલ ઓફિસ છોડીને જતો રહ્યો. એ બન્નેની પર્સનલ વાતચીતમાં આડખલી રુપ બનવા ઇચ્છતો ન હતો. મહેન્દ્રભાઈ અવાચક થઈને બન્ને ઝઘડતા જોઈ રહ્યાં હતા તે હવે બોલી પડ્યા,

‘તમે બેવ ગાંડા થઈ ગયા છો તે મનેફાવે તેમ એકબીજા પર કાદવ ઊછાળો છો? જો હવે એકપણ શબ્દ બન્નેમાંથી કોઈ બોલ્યા છો તો આજક્ષણે હું અહીંથી સીધો નદીમાં કૂદી પડીશ કે ટ્રેન સામે પડતું મૂકીને મરી જઈશ..કે જીભ કચરીને મરી જઈશ...પણ ભગવાનને ખાતર મારા માટે ન ઝઘડો! બહુ પાપ કર્યા હવે મને વધુ પાપ કરવા મજબૂર ન કરો!‘

કશિશ અને ધ્યેય ઝઘડવામાં એ ભૂલી ગયા હતા કે મહેન્દ્રભાઈની સામે જ બન્ને જણાં વરવો સીન ભજવી રહ્યાં છે. બન્નેએ ઉશ્કેરાઈને લિમિટ ક્રોસ કરી નાંખી તેનો અહેસાસ બન્ને થયો. ઓફિસમાં બોઝિલ મૌન છવાય ગયું. ધ્યેય માથે હાથ દઈને ચેર પર બેસી પડ્યો.

‘ધી...આઈ એમ સોરી...હું વધુ પડતું બોલી ગઈ...પણ હું મારા પપ્પાને જેલમાં ન જોઈ શકું...‘ ધ્યેયનૌ નજીક આવી કશિશ બોલી. એની આંખમાં આંસુ આવી ગયા હતા..

ધ્યેય એની સામે જોઈ રહ્યો. બાળપણથી આજસુધી પોતે કશિશનો બેસ્ટ ફ્રેન્ડ બની રહ્યોં છે. તો આજે એ મિત્રતાને લાંછન લાગ તેવું શું કામ કરી રહ્યોં છે? ભૂલ તો પોતાનાથી પણ થઈ છે. ઉદયને બદલે મહેન્દ્રભાઈને જ મુખ્ય આરોપી બનાવી દીધાં છે. એટલે સજા થશે તો પણ એમને કદાચ વધુ થાય. કશિશ દુ:ખી થાય તેવું તે ન કરી શકે.

‘આઈ એમ સોરી ટુ...હું આજસુધી પ્રોફેશનલી કમિટેડ રહ્યોં છું, એટલે તને સમજી ન શકયો. હું અંકલને જેલમાં મોકલવા ઈચ્છતો ન હતો. બસ આ કેસમાં ચુકાદો આવે તેવું ઈચ્છતો હતો. એનીવે હું કેસ પાછો ખેંચી લેવાની પ્રોસેસ હમણાં જ શરુ કરી દઉં છું.‘ કશિશ સામે નજર મીલાવતા ધ્યેય બોલ્યો, કશિશ એની સામે જોઈ રહી. વર્ષોથી જે ધ્યેયને એ ઓળખે છે તે આજ ધ્યેય છે, એકદમ બુધ્ધિશાળી, શાંત અને સમજદાર. બન્ને વચ્ચે સમજૂતી થઈ તેથી મહેન્દ્રભાઈ સંતોષથી એ બન્ને જોઈ રહ્યાં. એક સારું કામ કરવામાં એ નિમિત્ત બન્યા એમનો એમને આનંદ થયો.

(ક્રમશ:)

કામિની સંઘવી

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED