Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા - 2

પ્રેરણાદાયી નારી પાત્ર સીતા – 2

નારીનું સતીત્વ શાના કારણે હોય છે ? લગ્ન બાદ જ્યારે કોઈ નારી મન,વચન અને કર્મથી પતિને સુખે સુખી અને તેના દુખે દુખી થતી હોય. તેના દરેક કાર્યમાં તેનો સાથ આપતી હોય, અહર્નિશ પોતાના પતિના જ ચિંતનમાં રહેતી હોય ત્યારે તેનામાં સતીત્વ ખીલે છે.

સીતાજી રામને જ પરમેશ્વર અને સર્વેશ્વર માની લગ્ન બાદ અયોધ્યા પહોંચે છે. જનકરાજાની કુંવરી પુત્રવધૂ બનીને માતા કૌશલ્યાના ચરણ સ્પર્શ કરે છે ત્યારે માતા કૌશલ્યા તેના સુકોમળ- સુંદર મુખને અપલક નિહાળી રહ્યા છે. તેઓ મનોમન કહી રહ્યાં છે, “મારો લાડલો રામ આજથી તને સોંપ્યો ! હું તો ધન્ય થઈ ગઈ તારા જેવી સુશિલ, સુલક્ષણા,સૌદર્યવાન પુત્રવધૂ પામીને !” બંને નારીઓ પરસ્પર હરખાઈને સ્નેહની આપ લે કરી રહી છે. સુમિત્રાજી હરખાયા છે. તેઓ વિચારે છે કે પોતાના પુત્ર લક્ષ્મણને સીતાના રૂપમાં મમતામયી માતા મળી ગઈ. કૈકેયી તો એટલી પ્રભાવિત થયેલી કે રોમાંચિત થઈને સુવર્ણ નિર્મિત મહેલ ‘કનક ભુવન’ સીતાજીને ભેટમાં આપી દીધો. આમ ત્રણેય માતાઓ સ્નેહ, મમતા, વાત્સલ્ય અને ઉમળકા સાથે સીતાજીને પુત્રવધૂ તરીકે સ્વીકારે છે.

આવા સ્વીકારની ખેવના દરેક નવવધૂને હોય જ છે. આવો સ્વીકાર જ તેણીને સાસરાને ‘પોતિકું’ બનાવવા પ્રોત્સાહન આપે છે. પરંતુ કેટલીકવાર આવો સ્વીકાર મળવા છતાં નવવધૂ આવા હેતભર્યા સ્વીકારને અવગણીને સાસરા પક્ષમાં કંકાશ કરે છે. જુદા થવાનું કરે છે. તેણીને પોતાના પતિ સિવાય કોઈ પણ સંબધી સાથે વ્યવહાર રાખવો ગમતો નથી.

સીતા પણ આ સ્વીકારથી હર્ષ અનુભવે છે. માતાતુલ્ય પ્રેમાળ કૌશલ્યા સતત સંભાળ લે છે. પ્રતિકૂળ સંજોગોમાં જ સંબંધોની કસોટી થતી જોવા મળે છે. ‘રામાયણ’ માં આ જ વાત દર્શાવી છે. મહેલમાં દરેક સુખ સાધનની સંપન્નતા હોય ત્યારે તો બધુ સારું રીતે જ સચવાય પણ સીતાજીની કસોટી થાય છે. રામનો રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે સીતા રાજરાણી બનવા જઈ રહ્યાં છે તેનો ઉલ્લાસ સર્વત્ર છવાયો હતો ત્યારે માતા કૈકેયીના વચનમાં બંધાયેલા રાજા દશરથ રઘુકુળની રીત ‘પ્રાણ જાયે પર વચન ન જાયે’ ને અનુસરીને રામને કમને વનવાસ આપે છે.

રામ તો પિતાની ઇચ્છાને શિરોધાર્ય ગણીને વત્ક્લ ધારણ કરી લે છે. તેઓ તો પિતાને આ વિષે એક પણ પ્રશ્ન કરતાં નથી. આ વાતની જાણ સીતાને પણ થઈ. સતીત્વની અહીં કસોટી શરૂ થઈ. તેણી તો વનગમનના સમાચાર સાંભળીને પતિના પગલે ચાલવા થનગની રહી. જેનો ઉછેર મહેલમાં , સુખ સગવડો, દાસીઓ સાથે થયો છે તે વનમાં કઈ રીતે રહી શકશે ? રામને અને તેના પરિવારને આવો વિચાર આવ્યો પરંતુ તેણી એ ન તો રામને કોઈ તાર્કિક વાત કરી કે ન તો માતા કૌશલ્યા કે કૈકેયીને દલીલો કરી. સાક્ષાત ધૈર્ય અને સહિષ્ણુતાની મૂર્તિ સીતા પણ તમામ શણગાર છોડીને વત્ક્લ અને ફૂલના આભૂષણો ધારણ કરી લે છે. રામ ખુદ તેને આ રાજમહેલ- સુખ, આરામ છોડીને ન આવવા સમજાવે છે. પરંતુ સીતાને સંપૂર્ણ વિશ્વાસ છે પોતાના પતિના સાંનિધ્યમાં. એટ્લે જ તેઓ રામને કહે છે, “તમારા વિના રાજમહેલમાં રહેવા કરતાં વનમાં તમારી સેવામાં મને સર્વ સુખની પ્રાપ્તિ થશે. પ્રેમભાવથી તમારી સાથે વનમાં જવાથી મારા બધાં પાપો નષ્ટ થઈ જશે. તમારા વિના જગતમાં મને ક્યાંય સુખ નથી. જેમ પ્રાણ વિનાનું શરીર શોભતું નથી, જળ વિનાની નદી શોભતી નથી એ જ રીતે પતિ વિના પત્ની શોભતી નથી ! રાજમહેલની સુંવાળી પથારી કરતાં તમારા સાંનિધ્યમાં વનની ખરબચડી ઘાસની પથારી વધુ સુખ આપશે. કંદમૂળ –ફળ પણ મીઠાં મધુરાં અમૃત સમાન લાગશે.”

સીતા તો મિથિલેશ નંદિની હતા, જનક રાજાના રાજકુંવરી હતાં. લગ્ન બાદ અયોધ્યાના મહેલમાં રહ્યાં જો તેઓએ ઇચ્છયું હોત તો તેઓ રામને વનમાં જવા દઈને અયોધ્યામાં કે પિતાને ત્યાં મિથિલામાં રહી શકયા હોત કારણકે વનવાસ તો માત્ર રામને હતો સીતાને નહીં. પરંતુ સીતાનું માનવું હતું કે પત્ની પતિની અર્ધાંગિની કહેવાય માટે પતિને માટે જે આજ્ઞા હોય તે આપોઆપ પત્નીને માટે પણ બની જાય છે તેને અલગથી આજ્ઞા કરવાની હોતી નથી. સીતા વિચારે છે, ‘જેમ ચંદ્રની ચાંદની ચંદ્રથી ક્યારેય અલગ થઈ શકે નહીં, તેમ હું મારા પતિધર્મથી વિચલિત થઈ શકતી નથી. જેમ તાર વગર વીણા વાગી શકતી નથી, પૈડાં વગર રથ ચાલી શકતો નથી તેમ પતિ વિના પોતે પણ સુખી થઈ શકે નહીં. મારે મન પતિની સેવા જ સર્વ સુખોનું મૂળ છે.’ પતિવ્રતા પત્ની માટે લગ્ન પછી પતિ જ તેમની ગતિ છે.

આવું જ સતીત્વ અને ધૈર્ય આજે દાંપત્યજીવનમાં ઉતારવા જેવુ છે. હાલના સંજોગોમાં જો પોતાના પતિને થોડી પણ મુશ્કેલી આવે તો નવવધૂ પોતે છૂટાછેડા લેતા અચકાતી નથી. પ્રથમ તો પોતાનો જ બધો હક/ અધિકાર હોય તેમ વડીલોની અવજ્ઞા કરે છે. પતિને પણ તેઓ વિરુદ્ધ કરી દેતી જોવા મળે છે. પોતાના પતિ પર અતૂટ વિશ્વાસ હોવો, અનન્ય પ્રેમ હોવો, સંકટની પળોમાં પણ સ્વસ્થ રહેવું, પ્રતિકૂળ પરિસ્થિતિમાં ધીરજ રાખવી, સહિષ્ણુતા દાખવવી – આ બધાં ગુણો નારી ચરિત્રને ઉજ્જવળ અને મહાન બનાવે છે. માટે જ તો દેવીની કલ્પના હજારો હાથવાળી થઈ છે કોઈ દેવ માટે એવી કલ્પના કરવામાં આવતી નથી.

આ છે ભારતીય નારીનું સંસ્કાર દર્શન. વર્તમાન સંજોગોમાં કેરિયર બનાવવા ઈચ્છા રાખતી યુવતીઓ લગ્ન પહેલાં જ પોતાની નોકરી જ્યાં હોય ત્યાં જ એકલી રહેવાની શરત મૂકે છે. તો અમુક સંજોગોમાં ગામડામાં પતિની નોકરી કે વ્યવસાય હોય તો ત્યાં જવાને બદલે શહેરમાં એકલી રહેવાનુ પસંદ કરે છે. પતિ અપ ડાઉન કરે અથવા ત્યાં ગામડામાં એકલા રહે. ત્યારે સીતાના પાત્ર પરથી પતિને સાથ સહકાર આપવાનું શીખવાનું છે.

સીતાજીને એક જ દુખ છે કે પોતાના વનગમનના નિર્ણયને કારણે પોતે સાસુ-સસરાની સેવા કરવાથી વંચિત રહી જશે. પોતાની ઈચ્છા તોં છે સેવા કરવાની પણ તે કરી શકશે નહીં. બધાં જ સુખોનો ત્યાગ કરીને વનના કષ્ટપ્રદ જીવનનો સહર્ષ સ્વીકાર કરીને સર્વ શુભ લક્ષણો વડે આભૂષિત સીતાજી શ્રી રામની સાથે ચાલી નીકળ્યા.

ક્રમશ:

પારૂલ દેસાઈ