The Horns books and stories free download online pdf in Gujarati

શિંગડાં

ધડાક....ધૂમ.....ધડામ.......ધૂમ........વગેરે જેવા ગગનભેદી અવાજો વચ્ચે આખો ભરતપુર દેશ ધણધણી ઉઠ્યો. ચારેય બાજુ નાસભાગ મચી ગઈ. ધડાકા થયા તેની આજુબાજુના વિસ્તારોમાં મકાનોનાં ફૂરચા ઉડી ગયા, કેટલાંય લોકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા. ભરતપુરનાં રસ્તાઓ લોહીનાં રંગે રંગાઈ ગયા. ચારેય બાજુ લોહીનાં ખાબોચિયાં, માંસના લોચા, રસ્તે રઝળતા અને કપાઇ ગયેલાં માનવઅંગો દેખાતાં હતાં. પંદર-વીસ મિનિટમાં તો આખાય ભરતપુરમાં ટાંઉ....ટાંઉ.....ટાંઉ... કરતી એમ્બ્યુલન્સ અને ફાયરબ્રિગેડની ગાડીઓ દોડવા લાગી.
થોડી શાંતિ થયાં બાદ રસ્તાની એક બાજુ ચાની કિટલી ઉપર બાજુનાં ખૂણામાં પડેલાં વાદળી રંગના પ્લાસ્ટિકનાં પીપડાં ઉપર ઢાંકેલું એલ્યુમિનિયમનું મોટું છિબું હળવેક રહીને આપમેળે ખસ્યું, એમાં પાણીથી લથબથ ભગલાનો ખાખી વરદી પહેરેલો દેહ છાતી સમાણો બહાર આવ્યો. હવાલદાર ભગલાએ પીપડાંની બહાર નીકળવાની કોશિશ કરી પણ ફાંદ!..... ભગલો પીપડાંમાં ફાંદેથી ફસાયો હતો. સહેજ જોર કર્યું તો આખું પીપડું આડું પડ્યું ભગલો ઊંધા માથે રસ્તા ઉપર પટકાણો! ઉપરનો હોઠ સૂઝીને ટેટા જેવો થઈ ગયો હતો, ભગલાએ દૂર પડેલા મોપેડ સામે જોયું, સહીસલામત હતું એટલે ભગલાએ મનોમન ભગવાનનો આભાર માન્યો. રસ્તો ઓળંગતી વખતે લગભગ 100ની સ્પીડે બાઇક ઉપર આવી રહેલા ગુમાનસિંહે ભગલાને ચાલુ બાઇકે જ સૂચના આપી કે મોટા સાહેબે બોલાવ્યા છે, તાબડતોબ તેમની ઓફિસે પહોંચો. અગત્યની મિટિંગ છે.
વરદી પાણીથી લથબથ હોવા છતાં પણ ભગલાએ મોપેડને કિક મારી અને મોટા સાહેબની ઓફિસ જવા રવાના થયો. ભગલો પોલીસ ખાતાંમાં એક હવાલદાર હતો, લેશમાત્ર બહાદુર નહીં, ખૂબ જ બીકણ સ્વભાવનો અને હવાલદાર એટલે કેવો? ભગવાન જેવો! કોઈનો ખોટો રૂપિયો લે નહીં. લોકોને મદદ કરે એવો પરગજુ સ્વભાવ ધરાવતો એક વિચિત્ર પોલીસવાળો! એકદમ ભગવાનનો માણસ. આશરે 50-51ની ઉંમરનો, પરિચિતોની ઓળખાણથી માંડ માંડ પોલીસ ખાતાંમાં નોકરીએ લાગ્યો હતો. શરીરે સ્થૂળ અને મોટી ફાંદ ધરાવતો હતો. સંજોગોવશાત્ લગ્ન નહોતાં થયાં. વડવાઓ દ્વારા વારસામાં મળેલી એક નાની ઓરડીમાં રહેતો. ઓરડીમાં ભગવાનનું એક પાલખું રાખ્યું. હતું. ભગલો ખૂબ જ ધાર્મિક સ્વભાવનો અને રોજ નિયમિત બે કલાક પૂજાપાઠ કરતો. પણ મૂળ એકદમ નિષ્પાપ જીવ, જીવનમાં ક્યારેય કોઈનું ખોટું કર્યું નહોતું.
અથડાતો કૂટાતો ભગલો મોટા સાહેબની ઓફિસે પહોંચ્યો ત્યાં મોટા હોલમાં મોટા સાહેબે આખા સ્ટાફની મિટિંગ બોલાવી હતી. હોલ આખો હકડેઠઠ ભરેલો હતો. ભગલો પોતાની અને પોતાની ફાંદની જગ્યા કરતો સ્ટાફની ભીડમાં ગોઠવાયો. અને મોટા સાહેબે માઇક ઉપર બોલવાનું શરૂ કર્યું.
“આજે પાછો દેશ ધડાકાથી ધણધણી ઉઠ્યો.....તમારી તો મ......મતિ ક્યાં મારી ગઈ હતી?” મોટા સાહેબે કડક થઈને કહ્યું અને વિશાળ સ્ટાફ મેદનીને જોઇને ગાળ ગળી ગયા. સાહેબનો ગુસ્સો ઘટ્યો નહોતો તેમણે ફરીથી ચલાવ્યું “વીસ હજારની ફોજ છે આપણાં ખાતાંની અને તોય એક આતંકવાદીને પકડી નથી શકતા, સરકારી નોકરી કરવા આવો છો કે તમારી મ...... મુનસફી પ્રમાણે કામ કરવા માટે?” સાહેબ બીજી ગાળ પણ ગળી ગયા. હવે સાહેબની વાણીનો પ્રવાહ અસ્ખલિત વહેવા લાગ્યો તેમણે કહ્યું “એક વાત કાન ખોલીને સાંભળી લેજો કે આજ પછી આપણા દેશમાં એક ધડાકો જ નહીં કોઈ સૂરસૂરિયું પણ થશે તો તમારી બધાની નોકરી ખાઈ જાઈશ, માઇન્ડ વેલ નો....ક....રી.... ખાઈ.....જાઈશ ઓવર એન્ડ આઉટ.” સાહેબ માઇક છોડીને ચાલવા લાગ્યા. સ્ટાફ મેદનીએ તેમને જવા માટે વચ્ચેથી જગ્યા કરી આપી. બધાં જ સ્તબ્ધ હતાં. કોઈનીયે સાહેબને સલામ કરવાની હિંમત નહોતી ચાલતી પણ ભગલો આવી બાબતે પાછો હિંમતવાન અને કમનસીબે સાહેબને ચાલવાનાં રસ્તે સૌથી આગળ ઊભો હતો. હિંમતભેર સાહેબને સલામ ઠોકી. સાહેબ એક સેકન્ડ રોકાયા, ભગલા સામે ઝીણી આંખે જોયું અને પૂછ્યું “આ હોઠ ઉપર શું થયું છે?
“કંઈ નહીં પડી ગયો હતો સાહેબ” ભગલાએ ખસિયાણાં મોઢે જવાબ આપ્યો.
“આતંકવાદીને પકડવા જતાં?” સાહેબના આ સવાલનો ભગલા પાસે જવાબ નહોતો
ગુસ્સે ભરાયેલા સાહેબે જાહેરમાં બેય હાથે ભગલાનાં કોલર પકડીને ફરી તાડૂક્યા “તમારે જીવવું હોય તો જીવો અને મરવું હોય તો મરો પણ સમજી ગયાને બધાં, નોકરી ખાઈ જાઈશ.” અને ભગલાને જાણે પર્સનલી કહ્યું “તમારા ઉપરી અધિકારીઓને મળી લેજો” સાહેબ વાયુવેગે હોલ છોડીને જતાં રહ્યા.
મોટા સાહેબની ઓફિસનાં પ્રાંગણમાં સ્ટાફના લોકો છૂટાછવાયા એક જ ચર્ચા કરતાં હતા. હાય હાય નોકરી જતી રહેશે તો શું થશે!? આપણાં તો બૈરી છોકરાં રખડી પડશે કોઈ કહે કે મારાં તો લગ્ન પણ નથી થયાં મને છોકરી કોણ આપશે? ભગલાનું મન પણ ચકરાવે ચડ્યું હતું. હજી નોકરીનાં સાત-આઠ વર્ષ બાકી હતાં. નોકરી જતી રહે તો ગુજરાન કેમનું ચલાવવું? આમ તો ભગલાને મન ગુજરાન એટલે માત્ર ખાવા-પીવાનું જ બાકી તો આગળ ઉલાળ નહીં અને પાછળ ધરાર નહીં. સાહેબની આજ્ઞાને માન આપીને ભગલો તેના તમામ ઉપરી અધિકારીઓને મળ્યો અને બધી જગ્યાએ આ જ વાત
ઉપરી અધિકારી 1 નોકરી ખાઈ જઈશ
ઉપરી અધિકારી 2 નોકરી ખાઈ જઈશ
ઉપરી અધિકારી 3 નોકરી ખાઈ જઈશ
એક હેડ કોન્સ્ટેબલ પાટડિયાએ જરા સારી રીતે વાત કરી અને વિગતે ભગલાને સમજાવતાં જણાવ્યું કે જો ભગા, આ માત્ર તારી જ નહીં મારી નોકરીનો પણ સવાલ છે. હવેથી કોઈ આતંકવાદીએ દેશમાં કાંઈ પણ કર્યું તો આપણાં બંનેની ખેર નથી. આપણે નોકરીથી હાથ ધોઈ નાખવા પડશે. વાત સાંભળીને ભગલો બેચેન બની ગયો. પોતાનાંથી ઘટતું કરવાની ખાતરી આપીને એ હેડ કોન્સ્ટેબલ પાસેથી રવાના થયો. સામેથી સાહેબની ગાડી આવી રહી હતી. ભગાએ જોયું તો તેની વરદીનાં શર્ટનો એક છેડો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના શાહરુખની જેમ પેન્ટમાંથી બહાર નીકળી ગયો હતો મહામહેનતે ભગલાએ તેને ખોસ્યો પણ આ વખતે સલામ કરવાની હિંમત ન કરી. મોપેડને કિક મારીને ભગલો ઘરે પહોંચ્યો.
ઘરે પણ આ જ રામાયણ, બધા લોકો દેશમાં થયેલા ધડાકાની જ વાત કરે. કોના સગા, કેવી રીતે, કેવી સ્થિતિમાં, ક્યાં ઊભા હતા અને કેવી રીતે વિસ્ફોટ થયો, છેલ્લે ઘરેથી નીકળ્યા ત્યારે શું કહેતાં હતાં, કોનો હાથ ગયો, કોનો પગ ગયો, કોણ નસીબદાર કેવી રીતે બચી ગયો આવી જ વાતો ચાલ્યા કરે. ભગલાએ ઓરડી ખોલી અને અંદર પ્રવેશ કર્યો. આજે તેને ખાવાની ઇચ્છા પણ ન થઈ. તેણે વિચાર્યું કે સંધ્યા પૂજા કરીને પાણી પીને સૂઈ જ જવું છે. ભગલો નાહીને પૂજા કરવા બેસી ગયો. પૂજા શરૂ કરતાં પહેલાં ભગલાને વિચાર આવ્યો કે આટલા વર્ષોથી પૂજા કરીએ જ છીએ પણ ધૂળ પડી આ પૂજામાં! કાંઈ વળતું તો છે નહીં! દેશમાં ધડાકા થાય છે, નિર્દોષ લોકોના જીવ જાય છે, હવે તો નોકરી ઉપરેય જોખમ આવી ગયું છે. પૂજાને મારો ગોળી, આજે તો દેવને રિઝવવા છે બસ. ભગલાની પિન દેવને રિઝવવા ઉપર ચોંટી ગઈ. પદ્માસન વાળી શકે તેવી ભગલાની શારીરિક સ્થિતિ નહોતી ને ટટ્ટાર પણ બેસી શકે તેમ નહોતો, ઓરડીની દિવાલને ટેકો દીધો અને ભગલો દેવને હાજરાહજૂર કરવાની જિદ લઈને ધ્યાનમાં બેસી ગયો.
ધ્યાનમાં ભગલાને ચમત્કાર થવાની આશા હતી. તેણે મનોમન ગાંઠ વાળી લીધી હતી કે આજે કાં તો હું નહીં, કાં તો દેવ નહીં. ભગલો અવિરતપણે દેવને ખરા હૃદયથી યાદ કરતો જ,તો હતો. એવામાં અચાનક જ ભગલાની આંખ સામે એક દીવા જેવો પ્રકાશ થયો! એ પ્રકાશ ધીમે ધીમે વધતો વધતો ગયો અને દેદિપ્યમાન પ્રકાશનો પૂંજ બની ગયો. શરૂઆતમાં તો ભગલો ગભરાયો પણ તેને થયું કે નક્કી દેવ હાજરાહજૂર થયા. અને થયું પણ એવું જ પ્રકાશમાન થઈ ગયેલી આખી ઓરડીમાં ઇકો સાઉન્ડ આવતો હોય તેવો મૃદુ અને ભારે અવાજ થયો તેણે પૂછ્યું શું થયું ભગલા!? કેમ દુઃખી છે? ભગલાએ બીતાં બીતાં આંખો ખોલી જોયું તો ભગલાને માન્યામાં જ ન આવ્યું. “આવા દેવ હોય!?” ભગલાને વિચાર આવ્યો. ત્યાં તો સામેથી પ્રત્યુત્તર આવ્યો કેમ તને શંકા છે? ના...ના.... શંકા નથી. પણ તમે દેવ!? ભગલાએ નીરિક્ષણ કર્યું તો એક કાળા ડિબાંગ પ્રકારનું વ્યક્તિત્વ માથે લીસી ચમકતી ટાલ સફેદ રંગનો લાંબો એકદમ પ્રકાશમાન લાગે એવો અંગરખો પહેરેલો તેણે ભગલા સામે સ્મિત કર્યું તો જાણે એલઈડી લાઇટની સિરિઝ ચમકી રહી હોય તેમ તેનાં દાંત ચમક્યાં. “તેં મને યાદ કર્યો અને હું હાજર થયો બોલ શું કામ હતું?” દેવે પૂછ્યું. ભગલો દિગ્મૂઢ અવસ્થામાં હતો માંડ બહાર આવતાં બોલ્યો. તમે દેવ છો એમ માનીને બધી વાત કરું છું આજની ઘટના તમને ખબર હશે જ. દેવે કહ્યું “હા, એ લોકોનો સમય પૂરો થયો તે મારી પાસે આવી ગયાં પણ હું તેમને તારી પાસે પાછાં ન મોકલી શકું. બોલ બીજું કાંઈ?” ભગલો વ્યથિત હૃદયે બોલ્યો પણ આ આતંકવાદીઓ મારી નોકરી ખાઈ જાશે. એનું કાંઇક કરો. હવે જો આવા ધડાકા થાશે તો મારી નોકરી જતી રહેશે. “તો એમાં હું શું કરી શકું?” દેવે જણાવ્યું. “હું આતંકવાદીને પકડી શકું એમ કાંઇક કરો.” ભગલાએ તરત જ લાગ જોઇને સોગઠી મારી. દેવે તરત જ ઓરડીની દિવાલ ઉપર એક દ્રશ્ય ખડું કર્યું જેમાં લાખોની સંખ્યામાં માણસો અવરજવર કરી રહ્યા હતાં આ દૃશ્ય ભરતપુરનું જ હતું. દેવ બોલ્યા “લે આમાંથી આતંકવાદી શોધી બતાવ હું તેને મારી નાખીશ.”
ભગલો મૂંઝાઈ ગયો. એને મનમાં વિચાર આવ્યો આમાં તો આતંકવાદી કોણ છે કોને ખબર પડે. આતંકવાદીને માથે કાંઈ શિંગડાં થોડાં હોય છે અને અચાનક જ શિંગડાં નામનાં શબ્દ ઉપર ભગલાનાં મનમાં વીજળી જેવો ચમકારો થયો અને તેણે પળવારનો વિલંબ કર્યા વિના દેવને કીધું કે “હે દેવ મને નહીં આખા દેશને એવું વરદાન આપો કે જે આતંકવાદી હોય તેના માથે શિંગડાં ઉગી જાય.” દેવ પ્રસન્ન થયાં તેમને ભગલાની બુદ્ધિ ઉપર માન થયું અને વરદાન આપતાં બોલ્યાં તો ભગા હવેથી આ ભરતપુર દેશની ધરતી ઉપર જે કોઈ પણ આતંક ફેલાવશે, કોઇના ઉપર માનસિક કે શારીરિક ત્રાસ ગુજારશે, ડરાવશે કે ધમકાવશે તે ત્રાસવાદી કે આતંકવાદીનાં માથે શિંગડાં ઉગી જશે જા તથાસ્તુ!” અચાનક જ ઓરડીમાં અંધકાર ફેલાઈ ગયો. દેવ અંતરધ્યાન થઈ ગયા હતા. ભગલો મનમાંને મનમાં હરખાતો હરખાતો સૂતો અને તેણે વિચાર્યું કે આતંકવાદીઓ હવે તમારી ખેર નથી.
સવારે એ જ પાણીની રામાયણ ભગલો લાઇનમાં ડોલ ભરવા માટે ઊભો હતો. પણ શંકરિયાને સવાર પાળીમાં વહેલું નોકરીએ જવાનું હોવાથી તેની પત્ની પાણી ભરી શકી નહોતી ગુસ્સામાં લાલચોળ શંકરિયો લાઇનમાં ઊભી રહેલી પત્નીને ગાળો ભાંડતો હતો અને તેણે ગુસ્સામાંને ગુસ્સામાં પત્નીને એક તમાચો ઠોકી દીધો. પણ આ શું અચાનક જ શંકરિયાને માથાંમાં સણકો ઉપડ્યો, જોતજોતાંમાં શંકરિયાનાં માથે શિંગડાંની ધારો ફૂટી ગઈ! અને મોટાં શિંગડાં ઉગી ગયાં! ભગલો હતપ્રભ થઈ ગયો. તે તરત જ પામી ગયો કે આ શેનો પ્રતાપ છે. પણ તેણે ન બોલવામાં નવગુણ સમજીને ચાલતી પકડી.
દેવનું વરદાન કામ કરી રહ્યું હતું મોપેડ ઉપર ઓફિસ જતાં સુધીમાં તો ભગલાને ઘણાં શિંગડાંવાળાં સ્ત્રી-પુરુષો મળ્યાં હતાં. ઓફિસમાં ઉપરી અધિકારીઓનાં માથે શિંગડાં, મોટા સાહેબનાં માથે શિંગડાં, માથાભારે બૈરાંઓનાં માથે શિંગડાં, નેતાના માથે શિંગડાં, વેપારીનાં માથે શિંગડાં. ભગલાને વિચાર આવ્યો કે આમાં આતંકવાદીને કેમનાં ઓળખવા. બીજી બાજુ છાપાંવાળાં અને ટીવી ચેનલો વાળા આખા દેશમાં તૂટી પડ્યાં હતાં. સહુ પોતપોતાની કથની કહેતાં હતાં કે તેમનાં માથે શિંગડાં કેવી રીતે ઉગી ગયાં. કેટલીક ચેનલે તો શિંગડાં કેવી રીતે ફૂટે છે અને ઉગે છે તેનાં જીવંત પ્રસારણો કર્યાં. પણ ભગલો ભારે દુઃખી થઈ ગયો. આ વાત કહેવી તો પણ કોને? પેટમાં સળવળ થાતું હતું કે કોને કહું તો આ શિંગડાં ઉગવાનો ઘટનાક્રમ રોકાય!? ઘરે જઈને સીધો શંકરિયાને જ ઝાલ્યો, આખીયે વાત કરી. બસ પત્યું! શંકરિયો તો જાય નાઠો અને આખા મહોલ્લામાં બૂમો પાડવા લાગ્યો કે આ શિંગડાં ભગલાનાં કારણે જ ઉગે છે. ભગલાએ બરાબરની દોટ શંકરિયા પાછળ મૂકી એને પકડ્યો જોતજોતામાં ટોળું જમા થઈ ગયું શંકરિયાએ બધાને કીધું કે આ ભગલા પાસે જતાં નહીં શિંગડાં ઉગી જાશે. બધા રફૂચક્કર! ઘરનાં દરવાજા ટપોટપ બંધ થવા લાગ્યા. પણ ભગલો આનું પરિણામ શું આવે તે જાણતો હતો તરત જ ટોળાંમાંથી એક શિંગડાં વગરનાં માણસનું બાવડું ઝાલી લીધું અને પેલો કંઈ વિચારે એ પહેલાં જ તે જોરથી બોલ્યો કે આ માણસનાં માથે શિંગડાં ઉગી જાય.... સ્તબ્ધતા છવાઈ ગઈ, કશું જ ન થયું પેલો માણસ પણ હસુ-હસુ થઈ ગયો. ભગલાએ કહ્યું કે આમાં મારો વાંક નથી આ તો દેવે વરદાન આપ્યું છે કે જે પણ આ ભૂમિ ઉપર આવીને કોઈનાં પણ ઉપર ત્રાસ ગુજારશે તેનાં માથે શિંગડાં ઉગી જશે. એવામાં ટોળામાંથી એક બીજો શિંગડાં વિનાનો દોઢડાહ્યો બોલ્યો જો એમ જ હોય તો સાબિત કરીને દેખાડો. બધાએ પણ હાકોટો કર્યો. હા સાબિત કરો.
ભગલો ત્યાં જ અડિંગો જમાવીને બેસી ગયો અને ધ્યાન ધરવા માંડ્યો થોડીવારમાં તો ધૂળની ડમરી સાથે દેવ પ્રગટ થયાં દેવનું આવું સ્વરૂપ જોઇને નાસભાગ મચી ગઈ. બધા ઘરમાં સંતાઈ ગયા. ભગલાએ દેવને આજીજી કરી કે લોકોને સત્યની જાણ કરે. દેવે હા પાડી. ભગલાએ બધાંને બૂમો પાડી એલા બહાર આવો જુઓ આ તો દેવનું વરદાન છે. બધે જ સૂનકાર છવાઈ ગયો હતો. બધા દરવાજા બંધ હતાં, કોઈ બહાર આવવા તૈયાર નહોતું. દેવના ડરથી કે ત્રાસથી અથવા તો આતંકથી બધાં જ ઘરમાં લપાઈ ગયાં હતાં. એવામાં અચાનક જ ભગલાની નજર દેવ સામે સ્થિર થઈ, તેની આંખો પહોળી થઈ. મોં ફાટી ગયું, લોકો ભયભીત અને આતંકિત થઈ ગયાં હોવાને કારણે દેવની લીસી ચમકતી ટાલ ઉપર જ શિંગડાંની ધારો ફૂટવાની શરૂઆત થઈ રહી હતી.

બીજા રસપ્રદ વિકલ્પો