અધૂરી વાર્તા - 4 Hukamsinh Jadeja દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી વાર્તા - 4

4.
તે ઉઠી ત્યારે દસેક વાગ્યા હશે. દિવસ ચડી આવ્યો હતો. રાત્રે બનેલી ઘટના તેને યાદ આવી. કોણ હતી એ સ્ત્રી ? અને મને કેવી રીતે ઓળખતી હતી ?! એણે મારું નામ પણ લીધું હતું ! સારું થયું હું હાથ છોડાવીને ભાગી આવી. હું ભાગી ત્યારે પાછળથી તેણી કંઈક બોલી હતી ! શું બોલી હતી ? હા, તારી વાર્તા અધુરી જ રહેશે. એને કેવી રીતે ખબર કે હું અહીં વાર્તા માટે આવી છું ?!

‘ઉઠી ગઈ બેટા ?’ વૃદ્ધે તેના વિચારોમાં ખલેલ પાડી.

‘હા, દાદા.’ તેણે વિચાર્યું: રાતે જે ઘટના બની તે દાદાને કહેવી જોઈએ કે કેમ ? કહીશ તો દાદા વળી પૂછશે, ત્યાં ક્યારે ગઈ હતી. કેમ ગઈ હતી.

‘કયા વિચારોમાં ખોવાઈ ગઈ દીકરા ?’

‘કંઈ નહીં દાદા. તમે દાદા સાહેબને કઈ રીતે ઓળખો ? દાદા સાહેબ મિત્ર હતા તમારા ?’

‘દાદા સાહેબે ખૂબ મદદ કરી છે બેટા. રેવા -મારી પત્ની- માંદી હતી ત્યારે પણ પૈસા આપ્યા હતા. એક વાર વાણિયાનું દેવું પણ મારા વતી એમણે જ ભર્યું હતું. એક ગામના હોવાના નાતે ગણો તો નાતો તો ગણાય જ ને બેટા.’

શોર્વરીએ માથું ધુણાવી હામી ભરી.

‘અને દાદા તમે કંઈક હવેલીની વાત કરતા હતા ને ?’

‘બધું હમણાં જ પૂછી લેવું છે ? ચાલ ઉઠ ચા પીએ પછી બીજી વાતો કરીએ.’

બંને બહારના ઓટલા પર ચા પીતા બેઠા હતા.

‘જુના સમયમાં તો બેટા રાજ બદલતા. ગામ વસતા અને ઉજળતા. આ ગામ વસ્યાનેય બસો-એક વરસથી વધુ નહિ થયા હોય. પહેલા અહીં એક જૂનું ગામ હતું. પણ પછી કોઈ કારણસર ગામના લોકો મુકીને બીજે ક્યાંક વસ્યા. અને આ ગામ ઉજ્જળ પડ્યું.’ વૃદ્ધે ચાની ચુસ્કી લેતા વાત આગળ ચલાવી. ‘દાદા સાહેબને ખૂબ સમજાવ્યા હતા કે ત્યાં હવેલી ન બાંધો. ગામમાં જ ક્યાંક બનાવો. પરંતુ દાદા સાહેબ માન્યા નહીં. ગામ લોકો કહેતા કે એ બાજુ ભૂત પ્રેતનો વાસ છે. જુના ગામનો કબ્રસ્તાન કે સમશાન ત્યાં હતો. એ જગ્યા દિવસે પણ ભયંકર લાગતી. પછી તો દાદા સાહેબે બધા જુના ઝાડ કઢાવીને બધું સમું નમું કરાવ્યું. અને હવેલી બાંધી.’

‘તમે ક્યારેય એ બાજુ એવું કંઈ જોયું છે ?’

‘ના દીકરા. મેં તો ક્યારેય કંઈ નથી જોયું. અમારા ગામનો એક નેજો ગોવાળ હતો. આ ઘણી જૂની વાત છે. તે અડધી રાત્રે ત્યાંથી ગામમાં આવતો હતો. કહે છે તેણે ત્યાં ચુડેલોને રાસ રમતી જોઈ હતી. પછી તે ખૂબ માંદો પડ્યો હતો. કંઈક બોલતો પણ કોઈ સમજતું નહીં. કંઈક બીજી જ જબાનમાં(ભાષામાં) લવતો હતો. રાત્રે પણ ઉઠી ઉઠીને લવતો. પછી તો બિચારો મરી ગયો. ત્યારથી ગામમાં એ જગ્યાને લઈને થોડી ભે પેઠી હતી.’

‘ભૂતના પણ પ્રકાર હોય દાદા ?’ શોર્વરીએ આશ્ચર્ય સાથે પૂછ્યું.

‘હા બેટા.’ વૃદ્ધે હસીને કહ્યું. ‘લોકો તો એવું જ કહે છે. ચૂડેલને વાંસો નથી હોતો. એટલે વાંસા વગરની હોય એને ચુડેલ કહેવાય.’

‘અને ખવીસ ?’

‘ખાવીસને લોકો ભયંકર માને છે. તેને ચહેરો જ નથી હોતો. ખાલી ગરદન હોય છે. ઉપર કંઈ જ નહીં. ખવીસ સાથે પાલો પડે એ અઘરું. તેનાથી જીતવું મુશ્કેલ.’

‘પણ દાદા મેં તો ક્યારેય એવું નથી સાંભળ્યું કે કોઈ ભૂતે ક્યારેય કોઈનું કંઈ ખરાબ કર્યું હોય.’

‘બેટા એમના વિશે તો હું પણ ખાસ કંઈ નથી જાણતો. પણ આ તો સાંભળેલી વાતોના આધારો સાથે કહું છું. લોકો કહે છે એમની પણ એક દુનિયા હોય છે. મોટે ભાગે તેઓ રાત્રિના મધ્યભાગથી સવારના બ્રહ્મપ્રહાર સુધી દેખા દે છે. કેટલાક કહે છે દિવસના મધ્ય ભાગમાં પણ ક્યારેક દેખાતા હોય છે. તેઓ આમ તો કોઈને કંઈ નુકશાન નથી પહોચાડતા પરંતુ તેમની હદમાં જઈએ ત્યારે જ તેઓ કંઈક હરકત કરતા હોય છે.’

‘અને દાદા લોકો ભૂતને બાંધતા હોય છે એ શું હોય છે ?’

‘હા બેટા.’ વૃદ્ધે ચાનો ખાલી કપ નીચે મુકતા કહ્યું. ‘એ વળી નોખા શાસ્તર. મંત્રોજાપ કરીને સિદ્ધ હસ્ત લોકો તેમને આણ દ્વારા બાંધતા હોય છે. પણ એનીયે એક અવધિ હોય છે. અથવા તો ક્યારેક બાંધેલી વસ્તુઓ નષ્ટ થઇ જાય ત્યારે તેઓ આઝાદ થઇ જતા હોય છે. એટલે જ મોટા ભાગના એમને ખીલાવતા હોય છે. ખીલા મારીને બાંધતા હોય છે. લીંબુથી પણ ભૂત દૂર રહે છે તમારી અંદર દાખલ નથી થઇ શકતો એવું કહેવાય છે. એ બધી પ્રેત યોનીની વાતો બેટા. એમાં ગયા પછી સદીઓ સુધી ભટકવાનું હોય છે. આ બધી લોક વાણી બેટા. એમાં સાચું ખોટું રે’વાનું.’

થોડી વારના મૌન બાદ શૌર્વરીએ પૂછ્યું.

‘દાદા ગામમાં કોઈ ખંડેર છે ? કોઈ મંદિર હોય જૂનું ?’

‘હા. છે ને. હવેલીની ઉત્તર દિશામાં જે રસ્તો જાય છે એ બાજુ છે. બહુ જૂનું શિવ મંદિર છે. અત્યારે તો સાવ ખંડીત હાલતમાં છે.’

શોર્વરી વૃદ્ધની રાજા લઈને નીકળી ત્યારે મધ્યાહન થવા આવ્યું હતું. હળવી સ્પીડમાં તેણે ગાડી મારી મૂકી. મોબાઈલ તપાસ્યો. પણ બંધ હતો મોબાઈલ. ચાર્જીંગ નહીં હોય કદાચ. સિદ્ધાર્થને જાણ કરવી જોઈએ. રાતે જે ઘટના બની એના વિશે વાત કરવી જોઈએ. પણ... ના નથી કરવી વાત. એને નાહકની ચિંતા થશે.

દાદા એ કહ્યું હતું, એમની પણ અલગ દુનિયા હોય છે. એમની દુનિયામાં જઈ શકાતું હશે કે કેમ ? જવાતું હશે તો કઈ રીતે ? સિદ્ધ હસ્ત લોકો ભૂત બાંધી શકે છે એવું પણ કહ્યું હતું. કોઈ એવું હશે ? દાદા ને પૂછ્યું હોત તો સારું હતું. એક વાર ફરી હવેલીમાં જઈ બધું તપાસી લઉં પછી આગળ વધી શકાય.

પાછલા ઘણા સમયથી એક ખંડેર તેને સપનામાં દેખાય છે. દાદાએ કહ્યું હતું એ ખંડેર જૂનું શિવ મંદિર છે. પણ મેં ક્યારેય એ જોયું નથી તો મારા સપનામાં કેમ દેખાતો હશે ?

તેણે ઉત્તર દિશામાં ગાડી વાળી...
ક્રમશઃ ...........